સ્કોફિલ્ડ પોલ (જ. 1922- ) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત નટ. 1940માં નટ તરીકે આરંભ કર્યા બાદ એમણે શેક્સપિયરના ગામના થિયેટર સ્ટ્રૅટ-ફૉર્ડ-અપૉન-એવનમાં અનેક નાટકોમાં અભિનય કર્યો. એમાં ‘હેમ્લેટ’, ‘લવ્ઝ લેબર લૉસ્ટ’, ‘વિન્ટર્સ ટેલ’ વગેરે મહત્ત્વનાં છે. સર જ્હૉન ગિલગૂડ અને પિટર બ્રૂક જેવા નટ-દિગ્દર્શકો સાથે એમણે ઉચ્ચ કક્ષાનો અભિનય આપ્યો છે. એમનાં બીજાં નાટકોમાં ‘કિંગ લિયર’ અને ‘ગવર્નમેન્ટ ઇન્સ્પેક્ટર’ નોંધપાત્ર છે. ખૂબ જ સમૃદ્ધ અવાજ ધરાવતા આ નટ ધ્વનિના આરોહ-અવરોહ અને સંવાદોનો કાકુ વ્યક્ત કરવા માટે ખૂબ જાણીતા બન્યા છે. ‘ફેમિલી રિયુનિયન’ જેવાં પદ્ય નાટકોમાં પણ એમણે પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો.

હસમુખ બારાડી