સતત શિક્ષણ (continuing education)
January, 2007
સતત શિક્ષણ (continuing education) : જીવનપર્યંત (life-long) ચાલુ રહે એ રીતનું શિક્ષણ. એને નિરંતર ચાલુ રહેતા (recurrent) શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણ વિશે પરંપરાગત ખ્યાલ એવો છે કે જે કોઈ તબક્કો – જેવો કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ વગેરે – પર્યાપ્ત શિક્ષણ આપી દેતો હોય છે, તે આખી જિંદગી ચાલે છે. એના સહારે બાકીની જિંદગી માણસ સુખ, ચેન, આનંદથી વિતાવી શકે છે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે સમાજમાં ઉપલબ્ધ જ્ઞાન મર્યાદિત હોય, તેમાં ખાસ કોઈ નોંધપાત્ર વધારો કે પરિવર્તન ન થતું હોય, અને સમાજમાં જિવાતું જીવન પણ ઝાઝા ફેરફાર વિનાનું, સ્થગિત જેવું હોય.
સામાન્ય રીતે માનવી એક શીખતું પ્રાણી ગણાય છે. તેણે જીવવા માટે, આજીવિકા રળવા માટે, સમાજમાં વ્યવહારો નિભાવવા માટે, પોતાની સંસ્કૃતિ જાળવવા અને વિકસાવવા માટે જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાન મેળવી શકે એટલા માટે તો કુદરતે તેને જ્ઞાનેન્દ્રિયો આપી છે, મગજ આપ્યું છે, સ્મૃતિ આપી છે, અને વાણી આપી છે. કમ સે કમ તેણે જે કાંઈ જ્ઞાન, કૌશલ્યો વગેરે શીખ્યાં હોય તેમને યથાવત્, જાળવી રાખવા પૂરતું પણ સતત મહાવરો કરતાં રહેવું પડે. આટલું એ સતત કરવાનું ન રાખે તો, તે પોતાનું જ્ઞાન, કૌશલ્યો વગેરે ધીમે ધીમે ભુલાઈ જવાનો સંભવ રહે છે. તેથી પ્રાચીન ભારતમાં ગુરુકુળમાં શિક્ષણ લેતો વિદ્યાર્થી અભ્યાસ પૂરો કરી વિદાય લેતો ત્યારે ગુરુ એને શિખામણ આપતાં કહે છે : ઠ્ઠઞ્ક્ષ્જાજારૂન્ ઙ ચ્મ્જ્દઘ્રૂઞ્જાજ્ન્ એના જ્ઞાનનું ધોરણ યથા-તથા રાખવા એણે નિયમિત સ્વાધ્યાય કરવો અનિવાર્ય હતો. અંગ્રેજીમાં આ મતલબની એક કહેવત છે : Use it or lose it. વ્યક્તિએ એનું જ્ઞાન, આવડતો વગેરે તાજાં રાખવા મહાવરો કરવો જ પડે, અન્યથા એ ભુલાઈ જવાની પૂરી શક્યતા છે. કવિવર દલપતરામે શીખવાના આ સિદ્ધાંતને આ રીતે વર્ણવ્યો છે :
‘ન ભણાય ઘણું દિનમાં,
દલપત ભણાય ઘણું ભણતાં, ભણતાં.’
આમ શીખવાની પ્રક્રિયા સતત રિયાઝ કરવાથી જ ચિરસ્થાયી બની શકતી હોય છે.
સતત શિક્ષણની આવદૃશ્યકતા આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના ઉદયની સાથે ઘણી તીવ્ર બનતી ગઈ છે. સંશોધનોને કારણે જ્ઞાન ઝડપથી વધી રહ્યું છે એમાં અનેકાનેક નવીનતાઓ ઉદ્ભવી રહી છે અને એનું વૈવિધ્યીકરણ થઈ રહ્યું છે, આ કારણે માનવી વિકાસના ગમે તે તબક્કે ભલે હોય, તેણે પોતાના જ્ઞાનને અદ્યતન બનાવતાં રહેવું અનિવાર્ય બની ગયું છે. અન્યથા, એ એના સમાજમાં, વ્યવસાયમાં અને વ્યવહારમાં અપ્રસ્તુત બની જાય અને પરિણામે તંત્રની બહાર ફેંકાઈ જાય. તેથી જ તો વિકસિત સમાજો પોતાના સભ્યોના સતત શિક્ષણ માટે અનેક પ્રકારના પ્રબંધો કરતા હોય છે; જેમ કે, 19મી સદીમાં અમેરિકાએ Land Grant Act પસાર કરી, યુનિવર્સિટીઓ અને કૉલેજોને સરકારી અનુદાન આપવાની શરૂઆત કરી. તે અન્વયે રોજિંદા શિક્ષણ ઉપરાંત નાગરિકોને સાંજે કે રાત્રે અને રજાઓના દિવસોમાં વધારાનું સતત શિક્ષણ આપવાનું અનિવાર્ય બનાવ્યું હતું. એ વ્યવસ્થા હાલ પણ ચાલુ છે અને વધારામાં એક પૂરક વ્યવસ્થા તરીકે તેમણે દૂરવર્તી શિક્ષણ (Distance Learning) પણ શરૂ કરેલ છે. હવે તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઇલેક્ટ્રૉનિક શિક્ષણ (E-Learning) પણ શરૂ કરવામાં આવતાં, ઘેર બેઠાં દરરોજ ચોવીસે કલાકના સતત શિક્ષણને શક્ય બનાવાયું છે.
એ રીતે બ્રિટનમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ 1820માં અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ 1830માં સતત શિક્ષણ આપવાનું શરૂ કરેલું. એ દેશે બીજા વિશ્વયુદ્ધ બાદ ઑપન યુનિવર્સિટી શરૂ કરીને શિક્ષણને સતત તેમજ સુલભ બનાવીને દેશમાં એક સમાજ (Learning Society) ઊભો કરી દીધો છે.
શિક્ષણને એક સતત ચાલતી પ્રક્રિયા બનાવી તેને સર્વત્ર પ્રવર્તમાન બનાવવા વિકસિત દેશોએ ભાત-ભાતની ટૅક્નૉલૉજીઓ વિકસાવી છે. 1920માં શૈક્ષણિક રેડિયો શરૂ થયો. 1930થી 16 મિમી. ચલચિત્ર આવ્યું. 1950થી શૈક્ષણિક ટેલિવિઝન ઉપયોગમાં લેવાયું. 1970માં ઓડિયો-કૉન્ફરન્સ આવી. 1980ના દસકામાં કમ્પ્યૂટર ટૅક્નૉલૉજી ઉપયોગમાં લેવાવા માંડી, 1995માં ઇન્ટરનેટ આવ્યું. પછી તો I.C.T.નો ઝડપથી વિકાસ થયો. શૈક્ષણિક ઉપગ્રહોએ તો શિક્ષણને ઘેર-ઘેર બેઠકખંડ તો ઠીક, શયનખંડમાં પણ લાવી દીધું છે. હવે તો સકળ વિશ્વ જાણે કે શિક્ષણ લેવા માટેનો એક આભાસી વર્ગખંડ (virtual classroom) બની જવા પામેલ છે.
એક બાબત સ્પષ્ટ છે કે સતત શિક્ષણ લેતાં શીખતાં રહેવા માણસે તેની પાંચેય જ્ઞાનેન્દ્રિયોને કેળવતાં રહેવું જોઈએ. વળી, એનું તન અને મનનું આરોગ્ય પણ અક્ષત રાખવું જોઈએ. વળી જે તે સમયે ઉપલબ્ધ એવી શિક્ષણ લેવાની ટૅક્નૉલૉજી પણ હસ્તગત કરતાં રહેવું જોઈએ. ઉપરાંત જ્યાં જ્યાં અધ્યયનની સુવિધાઓ જેવી કે શિક્ષણની સંસ્થાઓ, શિક્ષણ અને તાલીમ આપતી ખાનગી સંસ્થાઓ, મીડિયાનાં સાધનો, ગ્રંથાલયો, સંગ્રહાલયો, પ્રદર્શનો, અનેક પ્રકારનાં પ્રવાસમથકો વગેરે હોય ત્યાં તેમનો લાભ લેવા તેણે આગળ આવવું જોઈએ, એ માટે સમય ફાળવવો જોઈએ અને ખર્ચ પણ કરવો જોઈએ. હવે તો નવું નવું શીખવાની અદ્યતન પ્રવૃત્તિઓ ઠેર ઠેર ચાલતી હોય છે; જેમ કે, પરિષદો ભરાય છે, સેમિનારો યોજાય છે, નિદર્શનો રખાય છે, અને માર્ગદર્શન પણ અપાય છે. આ બધાય ઉપક્રમો આધુનિક જ્ઞાન-યુગના માનવીને સતત શીખતો રહેવા માટે બહુ મદદગાર સાબિત થયા છે.
આઝાદ થયા પછી ભારત દેશે પણ તેના નાગરિકોને સતત શીખવામાં સહાયરૂપ નીવડે તેવી નીતિઓ અને કાર્યક્રમો યોજવાનું રાખેલ છે; જેમ કે, સતત શીખવા માટે માનવી પાસે પાયાની જે ક્ષમતા આવદૃશ્યક રીતે હોવી જોઈએ તે વાંચવા-લખવાની ક્ષમતા છે. હજી દેશની 40 % વસ્તી નિરક્ષર છે તે સંદર્ભ જોતાં દેશના લોકોનો અધ્યયનશીલ સમાજ રચવો કેટલો મુશ્કેલ છે તે સમજી શકાય છે. આ દિશામાં પોતાના રચનાત્મક કાર્યક્રમના એક અગત્યના ભાગ તરીકે નિરક્ષરતા-નિવારણની ઝુંબેશ ગાંધીજીએ આદરેલી તે યાદ રાખવા જેવી છે. તેના પગલે પગલે સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણમાં પણ 14 વર્ષની વય સુધીનાં બાળકોને મફત સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યને શિરે મૂકવામાં આવી હતી. વળી બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના પ્રકરણમાં પણ દેશમાં સતત શીખતો પ્રબુદ્ધ સમાજ રચવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. અલબત્ત, અનેક કારણોને લઈને આ બંધારણીય જોગવાઈઓ હજી સુધી અપૂર્ણ રહેવા પામી છે એ એક દુ:ખદ બાબત છે.
આમ છતાં, આ અંગે લેવાતાં રહેલાં કેટલાંક નોંધપાત્ર પગલાં જોવા-જાણવા જેવાં છે. 1977માં પહેલી જ વાર યુ.જી.સી.એ સતત શિક્ષણને ઉચ્ચ શિક્ષણના કાર્યક્ષેત્રના એક ભાગ તરીકે સ્વીકાર્યું. તે અન્વયે રાષ્ટ્રીય પ્રૌઢશિક્ષણ કાર્યક્રમ(N.A.E.P.)નો આરંભ થયો. 1982માં યુ.જી.સી.એ સતત શિક્ષણના વ્યાપક કાર્યક્રમનું પરિરૂપ બનાવ્યું. તેના અમલીકરણ માટે યુનિવર્સિટીઓમાં સતત શિક્ષણ વિભાગો (D.C.E.) શરૂ કરવામાં આવ્યા. હાલ 120 જેટલી યુનિવર્સિટીઓમાં આ વિભાગો કાર્યરત છે. 1984માં વસ્તીશિક્ષણ ક્લબોની યોજના અમલમાં આવી. 1985માં આયોજન મંચ (planning forum) સ્થપાયા. 1988માં જનશિક્ષણ નિલયમો સ્થપાયાં. 1995માં નૅશનલ લિટરસી મિશનનો (N.L.M.) આરંભ થયો. આ બધા ઉપક્રમોએ દેશમાં સતત શિક્ષણને પોષે તેવું પર્યાવરણ સર્જવામાં સારું એવું પ્રદાન કર્યું છે. એને અમલી સ્વરૂપ આપવામાં ખુલ્લી (ઑપન) યુનિવર્સિટીઓએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે. દેશમાં હાલ એક રાષ્ટ્રીય ખુલ્લી યુનિવર્સિટી (IGNOU), દસ રાજ્યકક્ષાની ખુલ્લી યુનિવર્સિટીઓ અને એક રાષ્ટ્રીય ખુલ્લી શાળા (N.S.O.) સતત શિક્ષણના અનેક પ્રકારના કાર્યક્રમો આપી રહી છે.
સતત શિક્ષણના પ્રસારણ માટે ગુજરાતે પણ ઠીક ઠીક કામગીરી કરી છે; જેમ કે, તેની પોતાની આગવી એક ઑપન યુનિવર્સિટી છે. સાક્ષરતા અને અનુ-સાક્ષરતાના કાર્યક્રમો ચલાવવા રાજ્યમાં 15,000 જેટલા પ્રેરકો માસિક રૂ. 700/-ના દરમાયાથી નિમાયેલા છે. તેઓ વીસ વીસ વ્યક્તિઓના 90 દિવસના વર્ગો ચલાવી તેમને સાક્ષર બનાવે છે. અને તેઓ સતત શીખતા રહે તે માટે અનુસાક્ષરતાનું સાહિત્ય આપી, માર્ગદર્શન-સેવાઓ આપે છે. આ માટેનું સાહિત્ય ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રેરકો અને સહાયક પ્રેરકો દ્વારા વર્ષ 2005માં જ છ લાખ વ્યક્તિઓને પ્રારંભિક સાક્ષરતા તેમજ અનુસાક્ષરતાથી સજ્જ કરવામાં આવી હતી. વળી એ જ વર્ષમાં ‘સાક્ષરતાદીપ’ નામનો બિનપરંપરાગત અભિગમવાળો સાક્ષરતા-કાર્યક્રમ પણ અમલમાં મૂકી, એ પ્રવૃત્તિમાં રાજ્યની કૉલેજો/યુનિવર્સિટીઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સામેલ કરી, એક ભાગીદારી-આધારિત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
યુનેસ્કોએ વર્ષ 1996માં નીમેલા શિક્ષણ-પંચે (Delors Commission) દુનિયાભરમાં અધ્યયનશીલ સમાજ રચી, 21મી સદીને માનવીના સર્વતોમુખી વિકાસની સદી બનાવવા હાકલ કરી છે. ભારત એ હાકલના પ્રતિભાવ રૂપે દેશની નવમી પંચવર્ષીય યોજના (2002-2007) અને દસમી પંચવર્ષીય યોજના(2007-2112)માં સતત શિક્ષણના કાર્યક્રમને સંગીન બનાવવા મોટી રકમની ફાળવણી કરી છે. આવા શિક્ષણની લાભાર્થી વ્યક્તિ એક ખૂબ અસરકારક, ઉત્પાદક અને જવાબદાર વિશ્વનાગરિક બનશે એવી અપેક્ષા અસ્થાને નથી. પરિણામસ્વરૂપ, એ સુખી, સંસ્કારી અને સંપન્ન જીવન જીવવા સમર્થ બનશે. એમ થતાં, તે પોતે, તેનો પરિવાર, તેનો સમાજ, તેનો દેશ અને તેથી વિશ્વ સમસ્તનો માનવસમાજ, એક સુસંવાદી, સમૃદ્ધ અને હર્યોભર્યો સમાજ બનવા પામશે. આમ, સતત શિક્ષણ વિશ્વના સાંસ્કૃતિક નવનિર્માણ માટે તિલસ્મી પુરવાર થશે.
દાઉદભાઈ ઘાંચી