સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી પ્રસરી રહી છે. ધૈર્ય અને નિર્લોભિતાથી ઉત્તમ પાક લણતી આ પ્રકૃતિમિત્ર ખેતી છે. મનુષ્ય, સ્થળ-જળ-નભસંચારી સ્થૂળ જીવો, સૂક્ષ્મ જીવો અને વનસ્પતિ-સૃદૃષ્ટિ – એ ચાર જીવજૂથોની અને અલ્પજીવી, મધ્યમજીવી, દીર્ઘજીવી વનસ્પતિઓની સમતુલાથી એ સૃદૃષ્ટિ પરીરક્ષક બની રહે છે.
ત્રણ-ચાર સદી પૂર્વે પશ્ચિમમાંથી જગતમાં ક્રમશ: વ્યાપેલા નવજાગરણ (renaissance) સાથે, જ્ઞાન અને લોકજાગૃતિ અપૂર્વપણે વિસ્તરતાં ‘આધુનિક માનસ’ પ્રગટ્યું છે. એની જ ઉગ્ર આડપેદાશરૂપ વિશ્વવ્યાપી ઔદ્યોગિક માનસતંત્ર આર્થિક સામ્રાજ્યવાદ પ્રસ્થાપવા જગતભરનાં પ્રજાજૂથોનો એકહથ્થુપણે આંતરવા ઉદ્યત છે. એથી જાગતિક પર્યાવરણ, લોક-ઉદ્યોગતંત્રો, રાજતંત્ર, સમાજતંત્ર – સમગ્ર માનવસંસ્કૃતિ – પર અનેક અભૂતપૂર્વ વિકૃતિઓ છવાઈ રહી છે. આના પ્રતિભાવ રૂપે જગદ્વ્યાપી ચિંતકો દ્વારા આવી તટસ્થ સમીક્ષા, અને ફેલાતી લોકજાગૃતિ દ્વારા જરૂરી હલચલો આરંભાઈ છે. આના જ અંગરૂપ છે સર્વકલ્યાણકર સજીવખેતી-અભિયાન.
સર્વ પ્રજાઓના અને સૃદૃષ્ટિના અમર્યાદ દોહનરૂપ અનિષ્ટને અવગણીને, ઉક્ત વ્યાપારી-રાજકીય પરિબળો દ્વારા વીસમી સદીના મધ્યથી આરંભી જગતભરના કૃષિ-વહેવારો પર, ‘વિજ્ઞાન’ને નામે લદાયેલા સુધારાઓનું વિહંગાવલોકન અહીં પ્રસ્તુત છે. નવશિક્ષિતોની અર્ધદગ્ધતા અને સંકુચિત સ્વાર્થપરાયણતા, આમપ્રજાની ભૌતિક-બૌદ્ધિક દરિદ્રતા, માનસિક પંગુતા, વિભક્તતા, આળસ – આ બધાંએ પણ ઉક્ત પરિબળોને વકરાવ્યાં છે. ખેતીમાં સર્વાંગી ‘સુધારા’ને નામે : ભૂમિપોષણ માટે કૃત્રિમ રાસાયણિક ખાતરો; રોગપ્રતિકાર માટે રાસાયણિક જંતુનાશકો; ખેડ, લણણી જેવાં ખેતીકાર્યો માટે ટ્રૅક્ટર, હાર્વેસ્ટર જેવાં મહાયંત્રો; ઉત્પાદન-વૃદ્ધિકારક સંકર (hybrid) અને વળી જનીનિક ગુણફેરવાળાં (genetically modified G. M.) બિયારણો; વધતી જળ-જરૂરિયાત પૂરવા મહાબંધો તથા વીજચાલિત પિયત-સાધનો; વધતા ખેતીખર્ચ માટે ધિરાણ-વ્યવસ્થાઓ; ફળનાં દેખાવ, કદવૃદ્ધિ વગેરે માટે વૃદ્ધિકારક ઉત્સેચકો (hormones) જેવા નવા-નવા નુસખાઓથી પ્રકૃતિ-સહયોગી ખેતીને મૂડી-નિર્ભર, નફાલક્ષી ઉદ્યોગરૂપ બનાવાઈ. સ્વાવલંબી ખેતી છેક વિશ્વબજારનાં અતિચંચળ પરિબળોની ગુલામ બની. આ સુધારાઓ સરવાળે ખેડૂતોના, પ્રજાઓના અને સૃદૃષ્ટિના જીવનસત્વને વ્યાપકપણે હણે છે; પણ વીસમી સદી ઢળતામાં જ આ બાબતમાં વ્યાપકપણે ભ્રમ ભાંગી રહ્યો છે.
સમજદાર પ્રજા-વિભાગોને અને પ્રામાણિક વૈજ્ઞાનિકોને સુધારેલી ખેતીપદ્ધતિની આરોગ્ય, આર્થિક પોસાણ, પર્યાવરણ, સામાજિક એકરસતા અને પ્રજાની સ્વાવલંબિતા પર પડતી અનિષ્ટ અસરો વરતાવા લાગી. પ્રસરતી લોકતાંત્રિક મનોદશાથી અને ધિંગી સત્યશોધકતાથી પ્રેરાયેલા સમુદાયો, વત્તેઓછે અંશે, દુનિયાના બધા ખંડોના વિવિધ દેશોમાં, દીર્ઘપરંપરાગત ટકાઉ કૃષિ-વારસાની પુન:પ્રતિષ્ઠા કરી તેનું પ્રાસંગિક સંસ્કરણ કરતાં તેને બહુઆયામી માનવીય વિભાવના તરીકે પ્રસ્થાપી રહ્યા છે. આ હલચલ કૃષિ-પ્રવિધિઓની નરવી માવજત કરીને, તેના નિ:શંક નિભાવ અને સાર્વત્રિક પ્રસાર માટે માનવીય બજાર-વ્યવસ્થા, અર્થ-વ્યવસ્થા અને સામાજિક જાગૃતિ અંગે પણ ઉદ્યત છે.
પહેલાં, ઉક્ત ખેતી-સુધારાઓની ગણનીય મર્યાદાઓ જોવી જરૂરી છે : રાસાયણિક ખાતરો જમીનમાં અમ્લતા (acidity) વધારીને તેના ભૌતિક-રાસાયણિક બંધારણને કાયમી નુકસાન પહોંચાડી ભૂમિગત કૃષિ-ઉપકારક જીવોનો વ્યાપક ધ્વંસ કરે છે. ઍલૉપથીની જંતુઘ્ન (antibiotic) દવાઓની જેમ, વિવાદાસ્પદ રોગકર-જીવાણુવાદ પર આધારિત રાસાયણિક જંતુનાશકો વનસ્પતિને, ધરતીને, માનવઆરોગ્યને અતિહાનિ પહોંચાડીને, કાલાંતરે નિવારણીય જંતુઓ પરત્વે પણ નિષ્ફળ (!) બની રહી, ધનનો વ્યર્થ અતિવ્યય નોતરી, ખેડૂતોના વ્યાપક આપઘાતોનું મુખ્ય નિમિત્ત બન્યાં છે. નીચી રોગપ્રતિકારકતાવાળાં ‘સુધારેલાં’ બિયારણો સ્વાદ અને આરોગ્યના ભોગે, જળ, કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોના વધતા ખર્ચે જ ઉત્પાદનવૃદ્ધિ કરી શકે છે. મહાયંત્રો જમીનના નરમ પોતને બહુવિધ હાનિ પહોંચાડી જમીનમાંના ઉપકારક જીવોનો વ્યાપક વિનાશ કરી, પશુઓ જેમ સતત નૈસર્ગિક ઊર્જા આપવાને બદલે સ્વયં મોંઘી, અપુનરુત્પાદ્ય ઊર્જા પર નભે છે. આ પદ્ધતિનાં ઉપર્યુક્ત બધાં ઘટકો ખેતીમાં જળ-જરૂરિયાત ખૂબ વધારે છે. તે માટે અતિખર્ચાળ બંધો કે મોંઘી ખનીજ-ઊર્જાથી યા અનિયમિત વીજળીથી સંચાલિત પિયત-સાધનો અનિવાર્ય બને છે. બંધો આસપાસની વિપુલ ધરતીને ધીરે-ધીરે જળસંપૃક્તિ (water logging) દ્વારા ક્ષારોના અતિરેકથી બિનખેતીલાયક કરી દે છે. અટપટાં કારણોથી બંધ તૂટતાં અપાર વિનાશ પણ સર્જાઈ શકે છે. ધિરાણ-સવલતો પ્રાય: ગજા બહારના ઉપાડ માટે મજબૂર કરી અસહ્ય વ્યાજને કારણે, ખેડૂતોને વ્યક્તિગત/પારિવારિક આપઘાત તરફ દોરી શકે છે. વળી હમણાં પ્રચલિત બનેલા ‘જૈવ-પ્રવિધિશાસ્ત્ર’(Bio-Technology)ના નામે બહુરાષ્ટ્રીય વ્યાપાર-મંડળીઓ દ્વારા ગુણફેરવાળાં બિયારણો બજારમાં મુકાતાં જગતનો કૃષિ-વ્યવહાર સ્વાસ્થ્ય અને પર્યાવરણને હાનિ કરનાર અમાનુષી અપપ્રચાર અને દ્વિધાથી ગ્રસ્ત છે. એમાં પણ ‘વંધ્ય’ બિયારણે (terminator) તો અનેક જાગ્રત દેશોમાં પ્રબળ આક્રોશ જગવ્યો છે. યુરોપમાં તો આ સામેનો મક્કમ જાકારો નિર્ણાયક બન્યો છે. તેના મુખ્ય ઉત્પાદકોના દેશ(અમેરિકા)માં પણ તેને પ્રજાકીય જાકારો મળી રહ્યો છે. એ વિરોધ જગતભરમાં પ્રસરી રહ્યો છે. અનેક વિકસતાં રાષ્ટ્રોમાં હજી આ કૃષિગત પડકાર ઝીલવા ઘણું ઘણું તાકીદે કરવા જેવું છે.
કૃષિ-ઉત્પાદનોનો સર્વાંગી પ્રાણીસ્વાસ્થ્ય સાથેનો અને કૃષિકર્મનો જગતની વિવિધ પ્રજાઓની પર્યાવરણરક્ષક સ્વાધીન જીવનશૈલી સાથેનો અતિગાઢ સંબંધ – આ બે કારણે, આ અભિયાનની તીવ્રતા અને શીઘ્રતા સ્વાભાવિક છે. તેને ધિંગી પ્રજાઓનો પ્રબળ ટેકો મળે તેમ છે.
પરંપરાગત અનેક સંસ્કૃતિઓમાં રૂઢ બનેલી ધરતીની માતા તરીકેની ઓળખને પર્યાવરણ-ચિંતકોનો વૈજ્ઞાનિક અને દાર્શનિક ઉભય દદૃષ્ટિએ ટેકો છે. જ્ઞાન-વિજ્ઞાન-સંગ્રાહક-જૈનદર્શન પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના અચિત (જડ) ઉપરાંત સચિત (સચેતન) પ્રભેદોને પ્રબોધે છે. વેદોમાં અન્નની બ્રહ્મતત્વ તરીકે ઓળખ અપાય છે. આ દૃષ્ટિએ પંચભૂતસહયોગાત્મક ખેતી ઉચ્ચ ધર્મક્રિયા, આરાધના બની રહે છે, નર્યો ધનલક્ષી ધંધો નહિ.
વળી ‘સજીવ ખેતી એટલે કશું નહિ કરવાની પદ્ધતિ’ એવી એક લાક્ષણિક ઓળખાણનું હાર્દ સમજવા જેવું છે. એમાં, કુદરતની સ્વયંભૂ સર્જકતાને ઓળખીને, ખેતી કરતાં, વિવેકથી છીછરા ઉપાયો અને ક્રિયાઓને ટાળીને પ્રકૃતિ-સહયોગ નોતરવાની વાત છે. પ્રકૃતિની સર્જનક્રિયા અવરોધાય નહિ તેમ, ખેડૂતે પ્રવાહપ્રાપ્ત કૃષિકર્મો તો કરવાનાં જ છે. પ્રત્યેક કૃષિક્રિયાનો આદેશ પ્રકૃતિ પાસેથી જ લેવાય; જાગ્રત, એકાગ્ર, સર્વાંગી અવલોકન એ કૃષિ-સંજીવક મુખ્ય ક્રિયા છે.
સજીવખેતીનાં ધ્યાનપાત્ર પાસાં આ છે : ખેતીલક્ષી જમીન-જળ-વાયુ-પ્રકાશની પ્રાપ્તિ-રક્ષા-શુદ્ધતાનું સમતોલ આયોજન, દેશ-કાળ-આબોહવાનું રૂપ, પાક-વરણી, પ્રાકૃતિક બિયારણોની પ્રાપ્તિ/જાળવણી, એક વારાના વાવણી-ઘટકમાં યોગ્ય પાકોનું સંયોજન, પાકના સ્થાનફેર, કૃષિપોષક સજીવોનું પરિપાલન, વનસ્પતિનું પરિપોષણ/આરોગ્યરક્ષણ, વિવેકી નીંદણ-નિયમન, યંત્રવિવેક, ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા, ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન, સ્થાનિક કક્ષાએ પાક-પ્રક્રિયાઓનું આયોજન, નીવડેલ કૃષિજ્ઞાનની વ્યાપક વિકેન્દ્રિત આપ-લે વગેરે.
સજીવ ખેતી વનસૃદૃષ્ટિની પૂરક નૈસર્ગિક સર્જનક્રિયા બની રહે તે ઇષ્ટ છે. ખેતરના લઘુતમ ચોથા ભાગમાં લઘુવનો અને ગામ-સીમાડાઓમાં ઉપવનો રચીને વનસૃદૃષ્ટિની સમતુલા જાળવવી જરૂરી છે.
બતાવેલાં કૃષિ-અંગોના માર્મિક મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે :
ખેતરની જમીનના, જળ-વાયુ સાથેના ઉત્તમ સંયોજન માટે જરૂરી છે તેની છિદ્રાળુતા તથા તજ્જન્ય નિતારશક્તિ. એનાથી ભૂગર્ભમાં પૂરતો જળ-સંચય થવા સાથે વનસ્પતિ-મૂળને પૂરતાં ભેજ, વરાપ (કોરાપણું), પ્રાણવાયુ મળ્યાં કરે. આ નિતારશક્તિ વધુ-ઓછી ન હોય તે માટે અવશિષ્ટ વનસ્પતિ, છાણ/ખાતર અને ભેજના સંયોજનથી ધરતીની માવજત કરવી જોઈએ. રેતાળ જમીનમાં માટી-કાંપ ઉમેરાય, ચીકણી જમીનમાં ટાંચ (કાચા પથરા) અને રેતી. પાણીની છતવાળી જમીન પર લીલા પડવાસની માવજત ઉપકારક બને.
ફળદ્રૂપતા જમીનનું સૌથી અગત્યનું પાસું છે. એ અંશત: મિશ્ર પાકપદ્ધતિ અને પાકોના સ્થાનફેરથી સધાય, અને તેની પૂર્તિ વનસ્પતિ-અવશેષોના આચ્છાદન(પાનપથારી – mulching)થી અને વિવિધ ખાતરોથી થાય. જમીનમાં વિવિધ ખનીજતત્વો અને ક્ષારોની પ્રમાણસર હાજરી માટે ખેતરનાં સ્થૂળ-સૂક્ષ્મ જીવોથી થતું વનસ્પતિઓનું વિઘટન જરૂરી છે. સેન્દ્રિય અવશેષો કે ખાતર, ભેજની હાજરીમાં જીવોનો ખોરાક બની, વિઘટિત થઈ વિવિધ સૂક્ષ્મ-પોષકો(micro-nutrients)થી સમૃદ્ધ રસરૂપે પરિણમે છે, જેને છોડ તંતુમૂળોથી આત્મસાત્ કરી વિકસે છે. આવી ફળદ્રૂપતા પામેલી જમીન પોચી, ભૂખરી, સુગંધી, મુલાયમ દળ ધરાવતી, જળશોષક હોય. આવી નૈસર્ગિક ફળદ્રૂપતાને જ ‘કોહવાટ’ કે ‘કરવાટ’ (humus) કહે છે. ખેતીની સફળતા તેને આભારી છે.
આવો કરવાટ આણનારાં ખાતરો સ્થાનિક સેન્દ્રિયો અને અન્ય સુલભ દ્રવ્યો મુજબ જુદી જુદી રીતે બનાવી શકાય; જેમ કે, છાંયડામાં સૂકા-લીલા ખેતકચરાના થરોમાં છાણની રબડી અને સડવનારાં/ પકવનારાં કે ગુણવર્ધક દ્રવ્યો ઉમેરીને, સામયિક ઉથલાવોથી તૈયાર કરાતું ‘કંપોસ્ટ’ ખાતર, સેન્દ્રિય કચરા અને છાણના થરો પર અળસિયાં મૂકી ખીલવાતું અળસિયા-ખાતર (vermi-compost), નિયમિત છાણ-રબડીથી નભતા ગોબરગૅસ પ્લાન્ટમાંથી નિયત ગાળે મળતું રહેતું ખાતર, લીલો પડવાસ; ઉપરાંત સોનખાદ, હીરાખાદ વગેરે. લીલો પડવાસ એટલે વાવણી-સ્થાનમાં કે ક્વચિત્ બાજુના ભૂ-ખંડમાં શણ, ઇક્કડ, વિવિધ કઠોળ ઇત્યાદિના, પુષ્પવિકાસ સુધી ઊછરેલા આખા છોડને, તેની કતરણોને કે સુલભ નીંદણોને હળ વગેરેથી માટીમાં ભેળવીને જરૂરી ભેજમાત્રા જાળવતાં, જમીન-સુધારણા અર્થે કરાતી ફળદ્રૂપતાવર્ધક માવજત. અળસિયા-જળ (vermiwash) અને અન્ય પ્રવાહી ખાતરો પણ બનાવાય છે.
અળસિયાં જમીનને ખૂબ સમૃદ્ધ બનાવે છે. લંબાઈ, આકાર, તાસીર પ્રમાણે તેની અનેક જાતો હોય છે. તેની સંખ્યાવૃદ્ધિ જમીનમાં સેન્દ્રિયોની અને ભેજની સતત હાજરીમાં ઝડપથી થાય છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચેની આવન-જાવન દ્વારા (1) ભૂમિખેડ અને (2) દાણાદાર ભૂખરી હગારરૂપ પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કરે છે. અલાયદા અળસિયા-ખાતર ઉપરાંત આચ્છાદન, ભેજ-સાચવણી જેવા ઉપાયોથી ખેતરમાં વ્યાપકપણે અળસિયા-વૃદ્ધિ શક્ય છે.
સૂર્યપ્રકાશનો વનસ્પતિ-વિકાસમાં અતિ-મહિમા છે. વનસ્પતિ-જળના યોગમાં પ્રકાશ-સંશ્લેષણ(photo-systhesis)થી પાંદડાંઓનું હરિતદ્રવ્ય (હરિતિમા – chlorophyll) અને કાર્બોદિત પદાર્થ (પ્રાથમિક શર્કરા) નિપજાવે છે. આ હરિતિમા જ પાન-છોડનો અને ફળ-દાણાનો જરૂરી ખોરાક છે. મહારાષ્ટ્રના ગણિતજ્ઞ કૃષિકાર સ્વ. શ્રીપાદ ડાભોલકરે નિદર્શિત કર્યા મુજબ છોડ મહત્તમ પર્ણ-સપાટીથી દિવસના મહત્તમ ભાગમાં સૂર્યપ્રકાશ મેળવી વિપુલતમ ફળ/દાણા આપી શકે. ઋગ્વેદનાં અગ્નિસૂક્તો સૂચવે છે : ખેતર રસોડું છે અને સૂર્ય ઉત્તમ પાકક્રિયા કરનાર અગ્નિ.
ખેતીની જળવ્યવસ્થા અંગે પાયાની વાત એ કે કેટલાક જળભોગી પાકો સિવાય છોડને માત્ર પોતાના છેવાડાના તંતુમૂળપ્રદેશમાં ભેજ જોઈએ; પાણી નહિ. એનાથી છોડ તંતુમૂળ દ્વારા પ્રાણવાયુને અને કરવાટમાંના સમૃદ્ધ પોષક રસને શોષી શકે છે. એથી પાણી છોડનાં તંતુમૂળથી સહેજ દૂર, માપીને અપાતાં, તંતુમૂળ તેને જરૂર જેટલું કેશાકર્ષણથી લઈ શકે. સતત વરસાદમાં છોડના મૂળપ્રદેશથી જલના ઝડપી નિકાલની વ્યવસ્થા પણ જરૂરી છે. છોડના બાલ્યકાળમાં મૂળ પાસે સતત કાળજીભરી ભેજ-જાળવણી જરૂરી છે. છોડના બાકી ચાર તબક્કામાં એકંદરે જળ-જરૂરિયાત ઘટતી જાય છે.
આ સાથે ખેતી-સંબંધી સિંચાઈ(પિયત)નો વિવેક પણ જરૂરી છે. કેટલાક સંજોગો કે પાકો સિવાય ખેતી એકંદરે ઘણી ઓછી પિયતથી નભી શકે. અલબત્ત, ખેત-તળાવડી, જળ-ઝીલણ કૂવા, જળશોષ-ક્યારા વગેરે દ્વારા ખેતરના બધા વરસાદી પાણીને ખેતરના બલકે મુલ્કના – ભૂ-તળમાં જાળવવું જરૂરી છે જેથી ખેતીકાર્યો અને ઘર-વપરાશ માટે મહત્તમ જળ-સ્વાવલંબન સધાય. વળી એનાથી સતત વરસાદ વખતે પાકના સ્થાને થતો જળ-સંચય અટકે. ટપક-સિંચાઈ, માટલા-ઝમણ-પદ્ધતિ વગેરે, જળની વૈજ્ઞાનિક કરકસરથી બહેતર પાક ઉગાડે છે. પ્રયોગશીલ ખેડૂતોએ તો ખર્ચાળ ટપકપદ્ધતિને પણ ટાળવાનું શીખવ્યું છે.
હવા મુખ્યત્વે છોડનાં મૂળ અને પાન માટે ઉપકારક છે. મૂળને પ્રાણવાયુનો ખપ છે, પાનને અંગારવાયુ(કાર્બનડાયૉક્સાઇડ)નો. વનસ્પતિનું મુખ્ય કાર્બોદિત તત્વ છોડને ભેજ અને સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના અંગારવાયુમાંથી મળી શકે. વળી પવન-કૃત પરાગનયન ફલીકરણને સરળ અને ઝડપી બનાવે છે.
નરવી ખેતી માટે પ્રદૂષણ-કણોથી, દૂષિત વાયુઓથી મુક્ત, ધુમ્મસરહિત, સુદીર્ઘકાલીન મેઘમાળાથી મુક્ત આકાશ તેમાંના જ્યોતિઓના મોકળા વ્યાપારથી ઉપકારક બની રહે છે. વિવિધ છોડ-ઝાડ વચ્ચેનો પૂરતો અવકાશ સર્જનપ્રક્રિયાને ઉત્કટ બનાવે છે.
વર્ષભરના પાકોની પસંદગી જમીનનો પ્રકાર, તેનું કદ, સ્થાનિક હવામાન, વર્ષા-પ્રમાણ તથા કુલ પારિવારિક જરૂરિયાતો પ્રમાણે થવી જરૂરી છે. પારિવારિક કે ગ્રામ-સ્તરના કૃષિપૂરક ઉદ્યોગોમાં ઉપયોગી દ્રવ્યોને પણ યોગ્ય અગ્રતા આપવી ઇષ્ટ છે, એ રીતે જ પસંદગીમાં સ્થાનિક બીજની પણ અગ્રતા. બજારલક્ષી એકપાકી ખેતી અનેક સમસ્યાઓમાં જ અટવાવે છે.
પ્રકૃતિનિષ્ઠ ખેતીમાં ઉનાળે ખેતર પડતર રાખી, દુર્લભ જળનું દોહન ટાળી, ધરતીમાં સૂર્યતાપનો ઉપકારક સંયોગ અને અન્ય માવજતો, કૃષિપૂરક ગૃહોદ્યોગપ્રવૃત્તિ, સામાજિક કર્તવ્યપૂર્તિઓ જેવી સમતુલાસાધક લાભપરંપરા પામી શકાય છે.
ખેતરના દરેક સ્થાને વારાફરતી કરાતી પાક-બદલીના આયોજનથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોની વૃદ્ધિ અને કોઈ પણ સ્થાને જમીનનાં અમુક જ ખનીજાદિનું સંભવિત અતિદોહન બંને અટકે છે. આની સાથે જ મિશ્રપાકપદ્ધતિ પણ જોડવી જરૂરી છે. તેમાં એક હારમાં કે આગળ-પાછળ ભિન્ન પાકો વવાય છે, જેમાં પ્રાય: નાના-મોટા સમયગાળામાં આગળ-પાછળ પાકતા પાકો વવાય છે. તેથી એક પાકના કેટલાક હાનિકારક કીટકોનું નિયંત્રણ અન્ય પાક પર આવતાં કીટકો/પક્ષીઓ દ્વારા થાય છે. વળી વહેલા પાકેલા પાકના અવશેષોનું આચ્છાદન પાછળના પાકને મળી રહે છે. ચોળા વગેરે કઠોળ-પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ જેવાં પોષક ખનીજોનો પોતાનાં મૂળની ગાંઠોમાં સંચય (fixation) કરીને ધરતીની ફળદ્રૂપતાની સમતુલા સાધે છે. એથી મિશ્ર પાકપદ્ધતિમાં કેટલાંક કઠોળ પણ વાવવાં ઇષ્ટ છે. સાથે શાકભાજી, મસાલા, ઔષધો જેવા ગૌણ પાકો લઈ શકાય છે. ઉક્ત બંને પદ્ધતિઓનો યોગ એકંદરે ભૂમિ-સમૃદ્ધિની સમતુલાથી સંતોષપ્રદ ઉત્પાદન-વૃદ્ધિ કરે છે. મિશ્ર પાકપદ્ધતિથી પારિવારિક આરોગ્યલક્ષી આહારવૈવિધ્ય પણ જળવાય છે. વળી આનાથી સમગ્ર વાવેતરની નિષ્ફળતાનો સંજોગ ટળે છે. મિશ્ર પાકપદ્ધતિ દરેક પાકને પૂરતા સૂર્યપ્રકાશના હિસાબે ગોઠવવી જરૂરી છે.
મોસમી પાકોની ઉછેરપ્રક્રિયાને અનુરૂપ માવજતો પૂરતાં જ્ઞાન, ક્રિયા, સમય-પાલન માગે છે. જમીનની યથાયોગ્ય તપવણી, પ્રમાણસર ખેડ, ખાતરો વગેરેની ભેળવણી, જરૂરી લીલો પડવાસ, બીજને પિરામિડ – ગોમૂત્ર ‘અમૃતપાણી’ જેવી માવજતોનું કે રાખ/માટીના આવરણ જેવા સંસ્કારનું પ્રદાન – આ છે કૃષિક્રિયાની પૂર્વતૈયારીઓ. મોસમી છોડની બાલ્યવયે સતત ભેજ-જાળવણીનું મહત્વ છે તો પછીની ચાર અવસ્થાઓમાં આંતરખેડ, આચ્છાદન, જળનિયમન, જરૂર પડ્યે હાથથી પરાગનયન, વચગાળાનું ખાતર વગેરે માવજતોનું. વિકાસકાળમાં છાશની આસ (આછ), ગોમૂત્ર, શેવાળપાણી જેવાંનો છંટકાવ કે ખાસ ઉછેરાયેલા રાઇઝોબિયમએઝેટોબૅક્ટર જેવા ઉપકારક જીવાણુઓના પ્રસારણરૂપ ‘જૈવિક કલ્ચર’ પણ પ્રસિદ્ધ છે.
વનસ્પતિમાં ગગન-જ્યોતિઓથી થતા શક્તિસંચાર શીખવનાર પ્રાચીન ‘બાયૉડાયનેમિક્સ’(જીવસંજીવનવિદ્યા)ને જાણવું ઇચ્છનીય છે. અપ્રચલિત બનેલી એ વિદ્યાને જર્મન દાર્શનિક ડૉ. રુડોલ્ફ સ્ટાઇનરે ઈ. સ. 1925થી પુન:પ્રકાશમાં આણી. એ શાસ્ત્ર ખેતીનો ગગનજ્યોતિઓના સંચાર સાથેનો ગાઢ સંબંધ બતાવે છે. સૂર્ય ઉપરાંત, વિશેષત: ‘ઓષધિપતિ’ ચંદ્રના બે પક્ષ, તેના ચઢતાઊતરતા સંચારમાર્ગો, જે તે નક્ષત્ર સાથેના તેના યોગ વગેરે જાણીને, કોઈ પણ કૃષિક્રિયા વનસ્પતિનાં મૂળ, પાન વગેરે અવયવપ્રકારને અનુરૂપ ચોક્કસ આકાશી યોગમાં કરવાની હોય છે.
વનસ્પતિની માવજતનું એક અગત્યનું પાસું છે વિવિધ કીટકો/ઋતુગત અતિરેકોરૂપ ઉપદ્રવોનું શમન. સજીવ ખેતીનો પાયો છે અનાક્રમકતા, ધૈર્ય, પ્રતીક્ષા. જો જમીનની સાતત્યપૂર્ણ માવજત હોય, ધિંગાં દેશી બિયારણ હોય તો આપોઆપ શમતા કેટલાય ઉપદ્રવો ઉપેક્ષાપાત્ર છે. ‘જીવો ભલે તેમનો ભાગ લઈ જાય’ – એવું વલણ પણ રાખવું આવશ્યક છે. કેટલાક ઉપદ્રવો પાકની સ્થાનબદલીથી કે મિશ્રપાકપદ્ધતિથી દૂર રહે છે કે કાળાન્તરે શમી જાય છે. વળી ખેતરમાંની દિવેલા, ડમરો, તુલસી, ફુદીનો, ગલગોટા, મીઠો લીમડો વગેરે ઉડ્ડયનશીલ ગંધ ધરાવતી અનેક વનસ્પતિઓ પણ ઘણી જીવાતોને અટકાવે છે. ખેતરમાંનાં કરોળિયા, દેડકાં, સાપ, પક્ષીઓ, વિશિષ્ટ પરભક્ષી કીટકો પણ કીટકનિયમન કરે છે. (આ છે ‘સજીવોથી નભતી ખેતી’ !) સૂકું મળે તો લીલું ન ખાનારી ઊધઈનું પણ નિપુણ આતિથ્ય અળસિયાંની જેમ ખેતરની ફળદ્રૂપતાને વધારે છે.
આમ છતાં, વિપુલ ઉપદ્રવ કરતી જીવાતોનું પ્રાકૃતિક નિયંત્રણ લીમડાનાં પાન; લીંબોળીનાં કચરેલાં મીંજ/તેલ; રાખ, ગો-મૂત્ર, છાશની આછ, બાજરીનો સડવેલો લોટ, તમાકુ-પાન, મરચાં ઇત્યાદિથી વાસિત જળનો છંટકાવ વગેરેથી સુપેરે સધાય છે. વળી પ્રયોગશાળામાં ઉછેરાઈ યોગ્ય વાહકોમાં મુકાઈ બજારમાં વેચાતી પરભક્ષી જીવાતો ખેતરમાં છોડીને ‘જૈવિક નિયંત્રણ’ પણ કરાય છે. રાસાયણિક જંતુનાશકો તો ખેતી પરનો અભિશાપ જ છે. ક્રમશ:, જંતુઓની નવી પેઢી તેમને જીરવીને નિષ્ફળ પણ બનાવે છે ! ઋતુગત ઉપદ્રવો સામે તો વિવિધ ભૌતિક ઉપાયો સરળતાથી યોજી શકાય છે.
ખેતી અંગે અતિકષ્ટકર મનાયેલી નીંદણ-સમસ્યા પાયાથી ફેરવિચારણા પામી રહી છે. સમૃદ્ધ પર્યાવરણવાળા ખેતરમાં મોટા ભાગનાં નીંદણ કૃષિ-ઉપકારક (‘વરદાન’) બતાવાય છે. તેથી મહદંશે નીંદણ-ઉચ્છેદન નહિ પણ તે ધરતીના કસનું દોહન કે પ્રકાશ-અવરોધ ન કરે તેમ તેનું નિયંત્રણ વારંવારની કાપણીથી કરવું જરૂરી છે. એ કતરણોને ખેતીકાર્યોમાં વાપરી લેવી હિતાવહ છે. કેટલાંક નીંદણ માનવ કે પશુ માટે ખાદ્યરૂપ કે ઔષધરૂપ પણ હોય છે. વળી પાક ઊંચો આવતાં તેની છાયાથી કે પાક માટે કરેલા આચ્છાદનથી નવાં નીંદણનો ઉદ્ભવ અને જૂનાંનો વિકાસ અટકે છે. થોડાં હાનિકારક નીંદણોને નીંદણનાશક કૃત્રિમ રસાયણોથી તો દૂર ન જ કરાય તે ઇચ્છવાયોગ્ય છે.
અગાઉ ચીંધેલ કારણોથી મોટાં કૃષિયંત્રોને પ્રાય: અપ્રસ્તુત ગણી પશુઓનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. તેથી કૃષિઅંગરૂપે નરવું પશુપાલન ઉપલબ્ધ ખેતર-ચારા મુજબ યોગ્ય સંખ્યામાં કરવું ઇષ્ટ છે. ઇંગ્લૅન્ડ જેવા અતિયાંત્રિક ખેતીના દેશમાં પણ હવે સમજીને યંત્રો ઘટાડવાની દિશા ચોક્કસપણે ઊઘડી રહી છે. ખેતીમાં નાનાં, સરળ, ઉચ્ચાલનોવાળાં યંત્રો અને નિત્ય સુધારાતાં અતિશ્રમ કે કંટાળો બચાવવા ખપનાં છે. હવે તો હાથથી ખેડની કે જાપાની ખેડૂત ફુકુઓકા દ્વારા ચીંધાયેલ ખેડ વગેરેની દિશા પણ ખૂલી રહી છે.
વૃક્ષઉછેરનું ખેતર-જોગ આયોજન પણ અહીં નિર્દેશવામાં આવે છે : ખેતરના શેઢે, ‘જીવતી’ વાડમાં, ખેત-તળાવડીમાં, છૂટકપણે વાવેતર-વિસ્તારમાં કે અલગ વાડી-વિભાગમાં વિવિધ કદ, છાયાવિસ્તાર, ફળ-ફૂલ-પર્ણસંપત્તિવૈશિષ્ટ્ય ધરાવતાં વૃક્ષો વાવવાં લાભદાયી છે. ઉપકાર-પરંપરાકારી વૃક્ષો ન્યૂનતમ જળથી નભી કમાઉ દીકરા બની રહે છે. ત્રણ આંતર્બાહ્ય વર્તુળોમાં ભિન્ન આયુષ્યનાં બાર બાર વૃક્ષોને અસાધારણ જળ-બચાવે નભાવતી ‘તરુચક્ર-પદ્ધતિ’ અપનાવવા જેવી છે. ફળવૃક્ષો આદિનું એકપાકી વિપુલ આયોજન પર્યાવરણીય આદિ અનેક સમસ્યાઓથી બચવા સમજણપૂર્વક ત્યજવું જરૂરી છે.
કૃષિઅંગરૂપ પશુપાલનમાં દેશી ગાયોને નિર્વિવાદ અગ્રસ્થાન અનેક કારણોથી મળે છે. ગાયો વિશિષ્ટ ગુણવાળાં પોતાનાં મૂત્ર, છાણ, દૂધ અને તજ્જન્ય પેદાશો, શિંગડાં, હાડ-ચામ, બળદ ઇત્યાદિ દ્વારા ખેતીને અનેક રીતે ઉજાળે છે. કેટલીક આદિવાસી પ્રજાઓમાં ગોપાલન દુગ્ધાહાર માટે નહિ, પણ તેનાં કૃષિસહાયક પ્રદાનો માટે થાય છે. આથી સ્વસ્થ સમાજે સમૃદ્ધ ગોચરો નભાવી જાગ્રત ગોપાલન કરવું આવશ્યક છે.
વિષમ દેશકાળમાં ટકવા સજીવ ખેતીને ગ્રામસ્વરાજ-નિર્ભર મોઢામોઢ સમાજનો અનુબંધ મળવો ઘટે. આર્થિક નાકાબંધી કરતા અમેરિકા સામે નાનકડા સ્વમાની ક્યૂબા દેશે અપનાવેલી સજીવખેતીકેન્દ્રી સર્વાંગી, સ્વાવલંબી મથામણ અનુકરણીય છે.
ખેતી પ્રત્યેક પરિવારને અને આખા ગામને ગૌરવયુક્ત આર્થિક સ્વનિર્ભરતા અર્પે તે માટે પોતાની/ગામની ખેતપેદાશો પર આધારિત અને અન્ય શક્ય ઉદ્યોગો સ્વપરિવારમાં અને/અથવા સ્વ-ગ્રામકક્ષાએ ઊભા કરવા જરૂરી છે.
સજીવ ખેતી પાછળના દર્શનના અને તદનુરૂપ પદ્ધતિઓના વિકાસને વિપુલ અવકાશ કાયમ રહેવાનો છે. પણ એ બધું માનવીય, સૃદૃષ્ટિરક્ષક, સર્વસંવર્ધક હોય તે જરૂરી છે. સજીવ ખેતીના ક્ષેત્રે અનેક મૌલિક પ્રયોગવીરો જગતભરમાં ઊપસી રહ્યા છે; જેમ કે, ગુજરાતમાં દેહેરીસ્થિત સફળ પ્રયોગનિષ્ઠ ભાસ્કરભાઈ સાવે, જાપાની નિસર્ગનિષ્ઠ માસાનોબુ ફુકુઓકા.
જર્મનીસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા IFOAM (International Federation of Organic Agriculture Movements) સજીવખેતી અંગેના જગતપ્રવાહોનાં આકલન-અધ્યયન-સંશોધનની અને જગતના ખંડો-વાર વૈવિધ્યપૂર્ણ ક્ષેત્રીય અધિવેશનો દ્વારા જ્ઞાન-પ્રસાર અને પ્રેરણાની પ્રવૃત્તિ કરે છે. Soil Association ઇંગ્લૅન્ડનું સજીવ ખેતીનું જૂનું સંગઠન છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં આની ગણનાપાત્ર હલચલો છે. ભારતનાં કેટલાંક નવોદિત રાજ્યોએ સજીવ ખેતીને રાજ્યાશ્રય આપ્યો છે. એવાં જાગતિક અનેક સંગઠનો સજીવ ખેતીની આગેકૂચ સૂચવે છે. સજીવ ખેતી અંગેનાં કેટલાંક પુસ્તક-નામો અહીં પ્રસ્તુત છે : ફુકુઓકાનું ‘One Straw Revolution’, ગ્રેઇસ ગેર્સુની અને જો સ્માઇલીનું ‘The Soul of Soil’, આલ્બર્ટ હાવર્ડનું ‘Agriculture Testament’, ભારતના ક્લૉડ અલ્વારિસનું ‘Organic Farming Source-Book’, Winin Pereiraનું ‘Tending the Earth’.
છેલ્લે એક નોંધપાત્ર વાત આ છે : સજીવ ખેતી અને પ્રબુદ્ધ નિસર્ગોપચાર વિદ્યા બંનેની દાર્શનિક-વૈજ્ઞાનિક ભૂમિકા અને ઉપચારસૂઝ એકરૂપ પ્રકર્ષ ધરાવે છે. માનવજાતને ખૂબ ઊંચે ચઢાવે તેવી તે સમર્થ પાંખો છે.
નીતિન ર. દેસાઈ