સજ્જાદ હૈદર, યલદ્દમ (. 1880, લખનૌ; . 11 એપ્રિલ 1943, લખનૌ) : ઉર્દૂ ગદ્યના શ્રેષ્ઠ શૈલીકાર અને ઉર્દૂ ટૂંકી વાર્તાના અગ્રયાયી. તેમણે 1901માં અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. 1904થી 1907 તેઓ બગદાદ ખાતે બ્રિટિશ કૉન્સલમાં તુર્કીના દુભાષિયા તરીકે અને 1908થી 1914 સુધી અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ સુલતાન અમીર યાકુબખાનના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ તરીકે રહ્યા. 1912માં પ્રખ્યાત ઉર્દૂ નવલકથાકાર નઝરૂલ બાકર સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1920-1928 દરમિયાન તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે કામગીરી કરી. 1930-31માં તેઓ આંદામાન ટાપુના મદદનીશ મહેસૂલી કમિશનર રહ્યા.

યલદ્દમના પિતા સૈયદ જલાલુદ્દીન બનારસના હાકિમ હતા. તેમના નાના ભાઈ ખાનબહાદુર ડૉ. સૈયદ કરહર હુસેન સિવિલ સર્જન હતા. આમ, તેઓ વિદ્યા અને સંસ્કૃતિને વરેલા પરિવારનો વારસો ધરાવતા હતા. અલીગઢ કૉલેજમાં પણ તત્કાલીન રાજવી કુટુંબો, અમીર-ઉમરાવો અને પ્રતિષ્ઠિત જમીનદારોના નબીરાઓના સહવાસમાં તેઓ શિક્ષણ પામ્યા. લખનૌમાં શ્રેષ્ઠ વક્તા તરીકે તેઓ ખ્યાતિ પામ્યા.

1898-1900 દરમિયાન તેમણે તુર્કી ભાષામાંથી ટૂંકી વાર્તાઓનો ઉર્દૂમાં અનુવાદ કર્યો. તેમણે 1904માં અખબાર માટેનો પ્રથમ ઉર્દૂ અહેવાલ ‘વૉઇજ ટુ બગદાદ’ તૈયાર કર્યો. તેમની મૂળ પ્રથમ ટૂંકી વાર્તા ‘ગુરબત-ઓ-વતન’ (‘એક્સાઇલ ઍન્ડ હોપ’) 1906ના ઑક્ટોબરમાં અલીગઢના ‘ઉર્દ્દાઈ મૌલા’માં પ્રસિદ્ધ થયેલી. 1906ના ડિસેમ્બરમાં તેમની બીજી મૂળ ટૂંકી વાર્તા ‘હજરત-ઈ-દીલ કી સ્વાનિહ-ઉમરી’ લખાયેલી, જે 1907ના ફેબ્રુઆરીમાં લાહોરના ‘મખ્ઝાન’માં પ્રસિદ્ધ થયેલી. ‘ચિરિયા-ચિરે કી કહાની’ (‘બડર્ઝ ટેલ’) અને ‘લયલા મજનૂ’ વિશેની અદ્યતન કૃતિ 1907માં પ્રગટ થયેલી. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ અને તુર્કી ભાષામાંથી અનૂદિત કૃતિ ‘ખિયાલિસ્તાન’ (‘રેલ્મ ઑવ્ થૉટ’) 1910માં પ્રગટ થઈ, જે ઉર્દૂ સાહિત્યમાં સીમાચિહ્ન બની. તેની શૈલી અને અભિવ્યક્તિનો લેખકોની સમગ્ર પેઢી પર ઊંડો પ્રભાવ પડ્યો, અને ત્યારથી ઉર્દૂ ગદ્યમાં વીર-શૃંગારરસનો પ્રારંભ થયો.

તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘હિકાયત-ઓ-એહતાસ્સબાત’ 1930માં પ્રગટ થયો. તુર્કી નવલકથાઓ અને નાટકોની તેમની ખ્યાતનામ અનૂદિત કૃતિઓમાં ‘સાલિસ બિલ્ખૈર’ (ધ આર્બિટ્રેટર, 1901); ‘ઝહર’ (1902); ‘મતલબ-ઈ-હસીના’ (1923); ‘જલાલુદ્દિન ખ્વાર્ઝિમ શાહ’ (1925); ‘અસેબ-ઈ-ઉલ્ફત’ (ધ ગોસ્ટ ઑવ્ લવ, 1930) અને ‘જંગ-ઓ-જુડાલ’(વૉર, 1933)નો સમાવેશ થાય છે.

તેમની પ્રારંભની વાર્તાઓ અને લેખોમાં સામાજિક પ્રગતિ અને સ્ત્રીઓની આઝાદી માટેની પ્રગતિવાદી મનોવૃત્તિ છતી થાય છે. વળી સ્ત્રીઓના પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણની ભારે તરફદારી તેમણે કરી હતી. આમ તેમના કિસ્સા-વાર્તાઓ, નિબંધો કે અન્ય કૃતિઓ ચીલાચાલુ સાહિત્યથી પર એવી નવી ભાત પાડે છે. રુમાની, વિશેષ કરીને અંગ્રેજી, ફ્રેન્ચ અને બંગાળી કવિઓથી પ્રભાવિત એવા સજ્જાદ હૈદર સનાતન મૂલ્યોના વિચ્છેદક અને નવજાગરણના પ્રેરક એવા ઉત્સાહી નવમતવાદી લેખાયા.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા