સ્કિનર બી. એફ. (Skinner B. F.)
January, 2009
સ્કિનર, બી. એફ. (Skinner, B. F.) (જ. 20 માર્ચ 1904, પેન્સિલવેનિયા; અ. 18 ઑગસ્ટ 1990, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અગ્રણી મનોવૈજ્ઞાનિક અને વર્તનવાદના પુરસ્કર્તા. આખું નામ બરહસ ફ્રેડરિક સ્કિનર. પિતા વ્યવસાયે વકીલ અને માતા ગૃહિણી હતાં. તેમનો ઉછેર અત્યંત જુનવાણી, રૂઢિચુસ્ત વાતાવરણમાં થયો હતો. હેમિલ્ટન કૉલેજમાંથી અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવ્યા પછી લેખક થવાની મહેચ્છાથી ટૂંકી વાર્તા, કવિતા લખવા ઉપર હાથ અજમાવ્યો; પરંતુ તેમાં સફળતા ન મળી. ફરીથી અભ્યાસ શરૂ કર્યો. હાર્વર્ડમાંથી 1930માં મનોવિજ્ઞાનમાં એમ.એ. અને 1931માં પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી તુરત જ મીનેસોટા યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા. 1945માં ઇન્ડિયાના યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગના ચૅરમૅન બન્યા. 1948માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાં જિંદગીના અંત સુધી રહ્યા. પાછળથી વાર્તા, કવિતાના લેખક તરીકે તેઓ ભલે સફળ રહ્યા; પરંતુ તેમને વધારે ખ્યાતિ તો મનોવિજ્ઞાનના ગ્રંથો લખવાથી પ્રાપ્ત થઈ.
સ્કિનર મનોવિજ્ઞાનમાં અગ્રગણ્ય નવવર્તનવાદી, કાર્યપદ્ધતિવાદ-સંક્રિયાવાદ(operationism)ના વિદ્વાન તરીકે ઓળખાતા. તેમનું વિચારતંત્ર વર્ણનાત્મક વર્તનવાદ કે વ્યાપ્તિમૂલક વર્તનવાદ કહેવાય છે. તેમનો અભિગમ વર્ણનલક્ષી છે અને તેમાં બાહ્ય પ્રગટ પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે, આંતરિક યંત્રણાઓનો નહિ. તેમનું અભ્યાસ અને સંશોધનનું ક્ષેત્ર વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. શાબ્દિક શિક્ષણનું વિશ્લેષણ, પ્રક્ષેપાસ્ત્રોનું નિયમન કરવામાં કબૂતરોનો ઉપયોગ, નિયત કરેલા પ્રબલક દ્વારા વર્તનનું નિયંત્રણ કરવાનો સાધન અભિસંધાન(operant conditioning)નો સિદ્ધાંત, વર્તનનું ચોક્કસ આકારમાં ધ્યેયલક્ષી ઘડતર, અભિક્રમિત શિક્ષણયંત્રો, બાળકની સંભાળ રાખવા સ્વચલિત યંત્રો વગેરે અનેક સમસ્યાઓનો તેમણે અભ્યાસ કર્યો છે. વર્તનવાદી વિચારધારા અનુસાર જીવન જીવી શકાય એ મુદ્દો કેન્દ્રમાં રાખી સ્કિનરે ‘વૉર્ડન II’ નામની નવલકથા પણ લખી છે.
બી. એફ. સ્કિનર
તેમના મનોવિજ્ઞાન અને અભ્યાસપદ્ધતિનાં કેટલાંક મુખ્ય લક્ષણો છે. સ્કિનરની પદ્ધતિ વ્યાપ્તિ-અનુમાનની હતી : ઘટનાની પૂર્વકાલીન શરતો તેમજ ઉત્તરકાલીન શરતો વચ્ચેનો કાર્યલક્ષી સંબંધ શોધવો અને તેના આધારે સામાન્યીકરણ કરી સિદ્ધાંતો તારવવા. બીજું, સ્કિનરે અનેક પ્રયોગપાત્રો કે આંકડાશાસ્ત્રીય ઘટમાળમાં પડવાને બદલે એક જ વ્યક્તિ કે નમૂનાનો વિગતવાર અભ્યાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
સ્કિનરે કાર્યસાધક, પ્રતિકારાત્મક વર્તનનો અભ્યાસ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મનુષ્યનું શરીરતંત્ર વાતાવરણમાંના ઉદ્દીપકો પ્રત્યે પ્રતિક્રિયાઓ આપે છે. તેમાં મોટા ભાગની પ્રતિક્રિયાઓ કાર્યસાધક પ્રકારની હોય છે; એટલે કે પ્રાણી કે વ્યક્તિ સમક્ષ ઉદ્દીપક રજૂ થાય અને તે પ્રત્યે તે અમુક જ પ્રતિક્રિયા આપે તો જ ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થાય. અહીં ઉદ્દીપક પ્રત્યે થતી પ્રતિક્રિયા એવી સાધનરૂપ બને છે, જેનાથી ઇચ્છિત પરિણામ મેળવાય છે. આ ઇચ્છિત પરિણામ તે પ્રબલક. વારંવાર સાધનપ્રક્રિયા થાય અને વારંવાર પ્રબલક પ્રાપ્ત થાય તેથી તે ઇચ્છિત વર્તનની ટેવ પડે છે. સ્કિનરે આ શિક્ષણ-સિદ્ધાંતના અભ્યાસ સંબંધે ખાસ સ્કિનર-પેટી બનાવી. તેમાં ઉંદરને મૂકવામાં આવ્યો. ઉંદર પેટીમાં આમતેમ ફરે પછીથી અચાનક સામે દીવાલમાંનો સળિયો દબાવે અને તેથી સામેના ખાનામાં ખોરાકની ગોળી પડે. ઉંદરને સળિયો દબાવવાની ક્રિયા (સાધન) કરવાથી ખોરાક (પ્રબલક) મળે. અહીં સળિયો દબાવવો એ ઉંદરને શીખવવાનું ખાસ વર્તન છે, જે કાર્ય સિદ્ધ કરવા(ખોરાક મેળવવા માટે)નું સાધન છે. કાર્યસાધક વર્તન થયા પછી પ્રબલક તેને અનુસરે તો તે વર્તનની પ્રબલતા વધે છે અને ટેવ બંધાય છે. પ્રબલક કેટલા પ્રયત્નોના અંતરે આપવું, કેટલા સમયના અંતરે આપવું, કેટલા પ્રમાણમાં આપવું તેની વૈવિધ્યપૂર્ણ રીતો દ્વારા બાળક તેમજ પ્રાણીને જુદી જુદી ઇચ્છિત પ્રતિક્રિયાઓ કરતાં શીખવી શકાય છે, ઇચ્છિત ટેવો વિકસાવી શકાય છે. સરકસમાં પ્રાણીઓને અમુક કાર્યો કરતાં શીખવવામાં આવે છે તેમાં આ કાર્યસાધક અભિસંધાન-શિક્ષણપ્રક્રિયા જ સંકળાયેલી હોય છે.
કોઈ સારું પરિણામ મેળવવું હોય, અગવડકારક ભયપ્રદ પરિસ્થિતિમાંથી છટકી જવાનું હોય, કોઈ પરિસ્થિતિને ટાળવાની હોય કે તેમાંથી પલાયન થઈ જવાનું હોય વગેરે ટેવો કાર્યસાધક વર્તન-શિક્ષણ-પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.
સ્કિનરે જે કંઈ અભ્યાસ કર્યો તે તેમણે સંપૂર્ણપણે ચીવટાઈથી કર્યો છે; પરંતુ તેમણે જે બાકાત રાખી છે તે માનવવર્તનની સમસ્યાઓ પણ અગત્યની છે. તેમણે બિનજરૂરી રીતે પ્રત્યક્ષીકરણના ઘટકોને નકારીને મનોવિજ્ઞાનના ક્ષેત્રને મર્યાદિત કર્યું છે. વર્તનવાદના પુરસ્કર્તા તરીકે સ્કિનરનું સ્થાન અને નેતૃત્વ સર્વસ્વીકાર્ય બન્યું છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન અને સ્થાન સિગમંડ ફ્રૉઇડના જેટલું જ ઊંચું અને મહત્વનું છે. મનોવિજ્ઞાનમાં તેમના પ્રદાનની કદર રૂપે અમેરિકન સાઇકૉલૉજિકલ ઍસોસિયેશને 1958માં તેમને ઍવૉર્ડ આપ્યો હતો.
સ્કિનરે લખેલા ગ્રંથોમાં ‘ધ બિહેવિયર ઑવ્ ધી ઑર્ગેનિઝમ’ (1938), ‘સાયન્સ ઍન્ડ હ્યુમન બિહેવિયર’ (1953), ‘બિહેવિયરિઝમ ઍટ ફિફ્ટી’ (1953), ‘બિયૉન્ડ ફ્રીડમ ઍન્ડ ડિગ્નિટી’ (1971), ‘અબાઉટ બિહેવિયરિઝમ’ (1974) વગેરે છે.
ભાનુપ્રસાદ અ. પરીખ