સ્કિલીના ટાપુઓ (Scilly, Isles of) : ઍટલૅંટિક મહાસાગરમાં આવેલો ઇંગ્લૅન્ડની માલિકીનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 49° 55´ ઉ. અ. અને 6° 20´ પ. રે.ની આજુબાજુનો 16 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 50 કરતાં પણ વધુ સંખ્યામાં આવેલા આ ટાપુઓ કૉર્નવૉલની નૈર્ઋત્યમાં કિનારાથી આશરે 40થી 58 કિમી. દૂરના અંતરમાં આવેલા છે.

સ્કિલીના ટાપુઓ

ટાપુઓનું ભૂપૃષ્ઠ ગ્રૅનાઇટ ખડકોથી બનેલું છે. તેમની ઊંચાઈ 50 મીટરથી વધુ નથી. સેન્ટ મૅરી નામનો વચ્ચેના ભાગમાં આવેલો ટાપુ સૌથી મોટો છે. તેનો કિનારો ખડકાળ અને ઊંચી કરાડોવાળો છે. અહીંનું સરેરાશ તાપમાન 7°થી 16° સે. જેટલું રહેતું હોવાથી આબોહવા સમધાત પ્રકારની કહી શકાય.

ઇંગ્લૅન્ડના મુખ્ય ભૂમિભાગની સરખામણીમાં અહીંની જીવસૃષ્ટિમાં ઘણો તફાવત જોવા મળે છે. ટાપુઓ પરનું વનસ્પતિજીવન અને પ્રાણીજીવન ઉષ્ણકટિબંધ પ્રકારનું જોવા મળે છે. સમુદ્રકિનારા નજીકના ભાગોમાં સીલ વધુ જોવા મળે છે.

ટ્રેસ્કો : સ્કિલી ટાપુસમૂહનો મહત્વનો ટાપુ

મહત્વના ગણાતા મુખ્ય પાંચ ટાપુઓમાં સેન્ટ મૅરી, ટ્રેસ્કો, સેન્ટ માર્ટિન, બ્રાયહર અને સેન્ટ આગ્નેસનો સમાવેશ થાય છે. ઈ. સ. 2000 મુજબ, આ ટાપુઓની કુલ વસ્તી આશરે 2,000 જેટલી છે. મોટા ભાગની વસ્તી સેન્ટ મૅરી ટાપુ પર જોવા મળે છે. આ ટાપુ પર આવેલું હઘ (Hugh) શહેર અને બંદર વધુ જાણીતું છે. સ્કિલી ટાપુનો ઇતિહાસ દર્શાવતું એક સંગ્રહસ્થાન પણ અહીં છે. પ્રવાસન અહીંનો વ્યવસાય છે. આ ઉપરાંત ફૂલોની ખેતી તથા માછલાં પકડવાની પ્રવૃત્તિ લોકોની આજીવિકા માટેનું મુખ્ય સાધન છે. આ ટાપુઓનો વ્યવહાર ઇંગ્લૅન્ડના ભૂમિકાંઠા પરના પેન્ઝેન્સ બંદર સાથે દરિયાઈ અને હવાઈમાર્ગથી થાય છે.

આ ટાપુઓ પર પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો જોવા મળે છે. 1100થી 1135ના સમયગાળામાં અહીં હેન્રી પહેલાનું શાસન હતું. સોળમી સદીમાં આ ટાપુસમૂહ ‘તાજ’ના તાબામાં આવ્યો. 1646માં ગૃહયુદ્ધ થતાં રાજા ચાર્લ્સે અહીં આશરો લીધેલો. 1651માં ઍડ્મિરલ બ્લૅકે અહીં પ્રભુત્વ સ્થાપ્યું હતું.

નીતિન કોઠારી