સઘર નિઝામી (જ. 1905, અલીગઢ; અ. 1984) : ઉર્દૂ કવિ અને પત્રકાર. તેમનું ખરું નામ મોહમ્મદ સમદ યાર ખાન સરદાર મોહમ્મદ અહમદ યાર ખાન હતું. તેમના દાદા નવાબ મોહમ્મદ અબ્દુર રહેમાન ખાન હરિયાણામાં ઝજ્જારના સૂબા હતા, જે 1857ના બળવામાં શહીદ થયા હતા.
સઘર નિઝામીને અલીગઢમાં ખાનગી રીતે ઘેરબેઠાં શિક્ષણ મળેલું અને તેઓ ફારસી, ઉર્દૂ અને અંગ્રેજીના સારા જાણકાર હતા. 1943માં તેઓ જાણીતાં કવયિત્રી ઝાકિયા સુલતાના નય્યર સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્ન બાદ તેઓ પુણે જઈ વસ્યા અને શાલીમાર પિક્ચર્સના ‘મન કી જીત’ ફિલ્મ માટેનાં ગીતો અને સંવાદો રચ્યાં. 1944માં મિનરવા મુવિટોન દ્વારા નિર્માણ કરાયેલ ફિલ્મો માટેની વાર્તાઓ લખી. પછી મુંબઈ આવી વસ્યા અને ત્યાં તેમણે ફિલ્મો ઉપરાંત રચનાત્મક સાહિત્યિક પ્રવૃત્તિઓ આરંભી. 1949માં તેમણે ‘હિંદ પબ્લિશર્સ’ નામક સાહિત્યિક કેન્દ્ર પુન: ચેતનવંતું કર્યું અને સામયિક ‘એશિયા’ પ્રગટ કર્યું.
1954માં મુંબઈ છોડીને તેઓ દિલ્હી આકાશવાણીમાં સાહિત્યિક સલાહકાર તરીકે જોડાયા અને પાછળથી નિર્માતા બન્યા. 1965માં નાયબ મુખ્ય નિર્માતામાં બઢતી પામ્યા તથા 1972માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. 1973માં પ્રકાશન વિભાગમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે જોડાયા. ત્યાં તેમને ભારતની સ્વાતંત્ર્ય-ચળવળ પર વીરકથાકાવ્ય લખવાની ખાસ કામગીરી સોંપવામાં આવી.
તેમણે અલીગઢમાંથી માસિક ‘મુસ્તાકિબલ’ (1913); રાજકીય અને વ્યંગ્યાત્મક અઠવાડિક ‘પંચ’ (1919); રાજકીય અઠવાડિક ‘ઇસ્તિક્લાલ’ (1919) અને આગ્રામાંથી માસિક ’પૈમાના’(1923)નું સંપાદન કરેલું.
તેમણે સંખ્યાબંધ સાહિત્યિક કૃતિઓ આપી છે. તેમાં અતિ મહત્વની કૃતિઓમાં ‘શાહબિયાત’ (1925) નામક રુબિયાસંગ્રહ; ઐતિહાસિક કૃતિ ‘મશાઇખ-એ-મહેર’ (1925); ‘સમુન્દર કી દેવી’ (1926) વાર્તાસંગ્રહ; ‘તહજીબ કી સર્ગુઝાસ્ત’ (1927) દીર્ઘ વાર્તા; ગઝલસંગ્રહ ‘સુબૂહી’ (1932); ‘કહ્કાશન’ (1934) વાર્તાસંગ્રહ; દેશભક્તિ પરનો ગઝલ અને ઊર્મિકાવ્યસંગ્રહ ‘બડા-એ-મશ્રાક’ (1935); દેશભક્તિ અને ક્રાન્તિકારી ગઝલો અને ઊર્મિકાવ્યોનો સંગ્રહ ‘રંગમહલ’ (1943) તથા ગઝલ-ઊર્મિકાવ્યસંગ્રહ ‘મૌજ-ઓ-સહલ’ (1948); કાલિદાસના નાટકનો સ્વતંત્ર કાવ્યાનુવાદ ‘શકુન્તલા’ (1960); ‘અનારકલી’ (1963); ‘નેહરુનામા’ (1967) દીર્ઘકાવ્ય અને ‘1857નો બળવો’ ભાગ 1 અને ભાગ 2, સ્વાતંત્ર્ય-સંગ્રામ પર આધારિત ‘મશાલે આઝાદી’ મહાકાવ્યનો સમાવેશ થાય છે.
સાહિત્ય તેમજ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે કરેલા મહત્વના પ્રદાન બદલ તેમને સંખ્યાબંધ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. 1969માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે પોલૅન્ડ, લંડન, પૅરિસ, જિનીવા, રોમ અને કેરોનો પ્રવાસ ખેડ્યો હતો.
બળદેવભાઈ કનીજિયા