કથાવસ્તુ (plot) : મુખ્યત્વે કલ્પનાશ્રિત સાહિત્યપ્રકારોમાં પરસ્પર સંકળાયેલાં કાર્યો કે ઘટનાઓનો રચનાબંધ. અંગ્રેજીમાં ‘પ્લૉટ’ તરીકે ઓળખાતી આ પ્રયુક્તિ વડે રચનાકાર નાટક, કાવ્ય તથા નવલકથામાં ઘટનાઓની યોજના કે ગોઠવણી અથવા પાત્રો-પ્રસંગોની ગૂંથણી એ રીતે કરતો રહે છે કે વાચક કે પ્રેક્ષકના ચિત્તમાં જિજ્ઞાસા ઉત્તેજાઈને કુતૂહલભાવ સતત સંકોરાતો રહે. કથાવસ્તુમાં અભિપ્રેત સ્થળ-સમયના સાતત્યની ર્દષ્ટિએ ભાવકના ચિત્તમાં એમ શાથી બન્યું ? આમ શાથી બની રહ્યું છે ? હવે શું બનશે અને કેમ બનશે ? એવા પ્રશ્ન ઘોળાતા રહે છે.

સાહિત્યની વિવેચનાના ઇતિહાસમાં કથાવસ્તુનું વિવિધ રીતે અર્થઘટન થયું છે. એમાં એક છેડે આદ્ય ઍરિસ્ટોટલથી માંડીને અર્વાચીન સમયના ઈ. એમ. ફૉર્સ્ટરને વિશેષ ટાંકવામાં આવે છે. ‘પોએટિક્સ’માં ઍરિસ્ટોટલે ‘પ્લૉટ’ને સર્વાધિક મહત્વ આપીને તેને ટ્રૅજેડીના પ્રાણતત્વરૂપે મૂલવ્યું છે અને ટ્રૅજેડીના છ મૂળ ઘટકો પૈકીનું ગણ્યું છે. કથાવસ્તુ એ કાર્યનું અનુકરણ (the imitation of the action) છે એ તેમનું ખૂબ જાણીતું સૂત્ર છે. તેમના મતે કથાવસ્તુ સાદ્યંત સતતવાહી હોવું ઘટે. તેમાં નિશ્ચિત પ્રારંભ, મધ્ય તથા અંત હોવા જોઈએ અને એ ત્રણેમાંથી ઊપસતી એકતા હોવી જોઈએ. ઍરિસ્ટોટલે આ પ્રકારના સુગ્રથિત તથા સુયોજિત રચનાબંધ ધરાવતા કથાવસ્તુને આદર્શરૂપ લેખી તેને કેવળ પ્રસંગપ્રચુર (episodic) હોય તેવા કથાવસ્તુ કરતાં ચડિયાતું ગણ્યું છે. ઍરિસ્ટોટલે સાદું અને સંકુલ કથાવસ્તુ એવા પણ બે પ્રકાર પાડેલા છે. પ્રારબ્ધમાં થતા પલટા માટે જેમાં કોઈ ઓચિંતું પરિવર્તન (peripeteia) કારણભૂત ન હોય કે કોઈ પ્રકારનું અભિજ્ઞાન (anagnorisis) ન હોય તેવું સાદું કથાવસ્તુ, જ્યારે સંકુલ કથાવસ્તુમાં આ બંને અથવા એકાદ ઘટક પરિવર્તનના નિમિત્તરૂપ બનતો હોય છે.

કથાવસ્તુ વિશેનાં ઍરિસ્ટોટલનાં આ મંતવ્યો તત્કાલીન ગ્રીક ટ્રૅજેડીને અનુલક્ષીને બંધાયાં છે અને સાંપ્રત નાટ્યપ્રકાર માટે એ પર્યાપ્ત પણ હતાં. વળી એલિઝાબેથન તથા જેકોબિયન યુગની ટ્રૅજેડી અને કેટલીક ફ્રેન્ચ ટ્રૅજેડી જેવી બીજી રચનાઓ પરત્વે પણ ઍરિસ્ટોટલનો કથાવસ્તુ વિશેનો આ અભિગમ બંધ બેસે છે. પરંતુ ટ્રૅજેડીનાં વળતાં પાણી અને કૉમેડીની બોલબાલા વધવાથી તેમજ નવલકથાનો વૈવિધ્યપૂર્ણ વિકાસ થવાથી કથાવસ્તુ વિશે અનેક સિદ્ધાંતો ઉદભવ્યા છે અને ચર્ચાતા રહ્યા છે. એ સૌમાં ઈ. એમ. ફૉર્સ્ટરનું મંતવ્ય અત્યંત સરળ અને ઠીકઠીક ઉપયોગી નીવડ્યું છે. ‘આસ્પેક્ટસ ઑવ્ ધ નૉવેલ’(1927)માં તેમણે જણાવ્યું છે કે ‘……. કથા એટલે સમય-ક્રમમાં ગોઠવાયેલી ઘટનાઓનું નિરૂપણ. કથાવસ્તુ પણ ઘટનાઓનું નિરૂપણ જ છે. પરંતુ એમાં કાર્યકારણસંબંધ પરત્વે વિશેષ ઝોક હોય છે.’ કેટલાક વિવેચકોએ તેને કેવળ એક યંત્રવત્ કામગીરી લેખીને તેનો મહિમા ઓછો આંક્યો હતો. રોમૅન્ટિક યુગમાં તો તેની ઉપેક્ષા થઈ. કથાવસ્તુને વાર્તાના પ્રસંગોના વળગણિયા જેવું લેખવામાં આવ્યું. પરંતુ નવ્ય ઍરિસ્ટોટલવાદી ગણાતા વિવેચકોએ વીસમી સદીમાં ઍરિસ્ટોટલના મતનું પુન: જોશીલું સમર્થન કર્યું. તેમજ કલ્પનાપ્રેરિત સાહિત્યપ્રકારોમાં તેનું સર્વાધિક મહત્વ સ્વીકાર્યું અને સ્થાપ્યું. વિવેચકોના આ જૂથે એવું પ્રતિપાદિત કર્યું કે કથાવસ્તુની પ્રયુક્તિ વડે રચનાકાર વાચકમાં કુતૂહલપ્રેરિત રસ જગાવી શકે છે અને છેવટ લગી ટકાવી રાખી શકે છે. પરંતુ આ પ્રકારની વ્યાખ્યા જેમાં કાર્યકારણ સ્પષ્ટ કે ગર્ભિત હોય એવા કથાવસ્તુને જ સ્પર્શે છે અને એવી રચનાઓની – વિશેષે કરીને નવલકથાઓની – સંખ્યા ખાસ્સી મોટી હોય છે એ પણ ખરું. પણ જેમ્સ જૉય્સ, બલ્ગા કૉફ, ગ્રેહામ ગ્રીન, હેનરિક બ્યૉલ, કાફકા, આર્નોલ્ડ બેનેટ, ઈવો ઍન્ડરિક, નબાકૉવ, ક્લોડ સિમોન તથા વી. એસ. નાયપાલ જેવા સર્જકોની અનેકધા ભિન્ન ગણાય તેવી કૃતિઓને તે સિદ્ધાંત લાગુ પડી શકે તેમ નથી.

મહેશ ચોકસી