કથા : કથાની પરંપરા અત્યંત પ્રાચીન છે અને દરેક પ્રજાની પોતપોતાની આગવી કથા-વાર્તાની પરંપરા હોય છે. કથાના ઘટનાતત્વમાં એવું આકર્ષણ છે કે મનુષ્યમાત્રને કથા સાંભળવી-વાંચવી-જોવી ગમે છે. કથા શબ્દનું મૂળ છે સંસ્કૃત ધાતુ कथ् એટલે કે કહેવું કે બોલવું. બહુધા કથા કહેવાની જ પરંપરા હતી. ‘કથક’ અને ‘કથાકાર’ જેવા શબ્દો કથા કહેનારા માટે જ પ્રયોજાયા છે. કથાના પર્યાય તરીકે વાર્તા શબ્દ પણ પ્રયોજાય છે. તેના મૂળમાં છે ‘વૃત્ત’ એટલે કે બનેલું.
ભારતીય સાહિત્યની વાત કરીએ તો કથન માટે સૌથી પ્રાચીન સમયમાં તેમજ અર્વાચીન સમયમાં ગદ્યના માધ્યમનો ઉપયોગ થયેલો છે, જ્યારે મધ્યકાલીન કથાકથન માટે પદ્ય પ્રયોજાતું રહ્યું છે. ભારતીય સાહિત્યની પરંપરામાં છેક વૈદિક કાળથી કથાનું મુખ્ય માધ્યમ ગદ્ય રહ્યું છે. સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથોમાં કથા ગદ્યમાં મળે છે. પાલિ તથા અર્ધમાગધીમાં રચાયેલા બૌદ્ધ અને જૈન ધર્મના સિદ્ધાંતરૂપ ધર્મસાહિત્યમાં પણ ગદ્યમાં જ કથા આલેખાઈ છે. પરંતુ આ કથામાં આહવાન, આશીર્વાદ, પ્રાર્થના, ર્દષ્ટાંત, ઉપદેશ, મર્મવિદારક પ્રસંગ, વિશિષ્ટ સંદર્ભગત ઉક્તિ વગેરે પદ્યમાં રજૂ થાય છે. પદ્ય કથક માટે સ્મૃતિસહાયક બને છે. કથાના મહત્વના પ્રસંગો/અંશો પદ્યમાં રચાયેલા હોય તે કથાકાર સહેલાઈથી યાદ રાખી શકે છે અને કથાતંતુના અંકોડા જોડી લઈ વાર્તારસનો પ્રવાહ જાળવી શકે છે.
વીરરચિત કાવ્યકાળથી, વ્યાકરણ અને તત્વજ્ઞાનને બાદ કરતાં, સર્વત્ર પદ્ય પ્રયોજાવા લાગ્યું. મધ્યકાળમાં આખ્યાનો અને મનોરંજક કથાઓ સ્વતંત્ર રૂપે પદ્યમાં જ નિરૂપાવા લાગેલી. આવી રચનાઓમાં વચ્ચે વચ્ચે આવતા વર્ણનાત્મક અંશો ક્વચિત્ ‘બોલી’ એવા શીર્ષકથી ગદ્યમાં આલેખાતા રહ્યા. ‘કાદંબરી’ શૈલીની સમાસમય તથા અલંકારપ્રચુર કથાઓનું ગદ્ય લોકભોગ્ય ન રહ્યું. એટલે કથાએ પણ પદ્યનું માધ્યમ અપનાવ્યું હોવાનો સંભવ છે. આથી ઊલટું ચોપાઈ, દુહા વગેરે જેવા પદ્યબંધ સરળ-સુગમ, પ્રવાહી-અર્થવાહી તથા મુખપાઠની સાનુકૂળતાવાળા બની રહેવાથી સમસ્ત લોકસમુદાયમાં પદ્યનો પ્રસાર વ્યાપ્યો. તુલસીકૃત ચોપાઈબદ્ધ રામકથા ભારતમાં ઘેર-ઘેર ગવાતી થઈ. એમાં આ પદ્યની સરળ ભાવવાહિતા પણ કારણભૂત છે. એથી પ્રેરાઈને અન્ય મધ્યકાલીન વાર્તાકારોએ પણ પદ્યને કથાનું માધ્યમ બનાવ્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલાક કથાકોશો અને બાલાવબોધો બાદ કરતાં મધ્યમ કદની અને મોટી કથાઓ પદ્યમાં છે અને તે પદ્યકથા પણ કહેવાય છે.
અર્વાચીન કાળમાં કથાઘટક વિશે ફરીથી ગદ્યનું માધ્યમ પ્રયોજાતું થયું. કથાસ્વરૂપો જોવા-સાંભળવાને બદલે હવે મુદ્રિત રૂપે વાંચવાનો વિષય બન્યાં. ટુચકો, લઘુકથા, ટૂંકી વાર્તા, લાંબી-ટૂંકી વાર્તા (tale), લઘુનવલ, નવલકથા, મહાનવલ કે બૃહન્નવલ, એકાંકી તથા બહુ-અંકી નાટકો જેવાં તમામ કથાતત્ત્વનિર્ભર સ્વરૂપો ગદ્યમાં પ્રયોજાવાં લાગે છે.
કથા-સ્વરૂપોનું અનેક પ્રકારે વર્ગીકરણ કરાય છે. કથાનકના સંદર્ભમાં તે માટે પુરાણ, આખ્યાન કે કથા જેવી સંજ્ઞા અપાય છે. કથાનકનો સંબંધ, બનેલી કે સ્વીકૃત ઘટના સાથે અથવા કલ્પના સાથે હોય તેના આધારે વર્ગીકરણનું સૂત્ર પ્રયોજવામાં આવે છે. અત્યંત પ્રાચીન કાળની ઘટના અથવા શાશ્વત અસ્તિત્વ ધરાવતાં દેવદેવીઓ કે પૂર્વકાળના ઋષિમુનિઓના અસ્તિત્વની કલ્પનાને સમગ્ર પ્રજાએ ધાર્મિક માન્યતાથી પુરાકલ્પન(myth)રૂપે સ્વીકારી છે. તેથી તેમના જીવનની ઘટનાઓને ‘પુરાણ’ એવી સંજ્ઞા અપાઈ છે. દા. ત., અગ્નિપુરાણ, વાયુપુરાણ, શિવપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે. રાજવીઓ કે ઋષિમુનિને લગતાં કથાનકો કોઈ મુખ્ય કથાને અનુષંગે સંકળાયેલાં હોય છે. તેને ‘આખ્યાન’ કે ‘ઉપાખ્યાન’ કહ્યાં છે. આ માટે બૌદ્ધ ધારામાં ‘જાતક’ અને જૈન ધારામાં ‘ચરિત’ જેવા શબ્દો યોજાયા છે. ‘આખ્યાન’ અને ‘પુરાણ’ વચ્ચેનો ભેદ જેટલો વ્યક્તિ કે પાત્રવિષયક છે એટલો કલાવિષયક નથી. ‘પુરાણ’નો સંબંધ સામાન્ય માનવ કરતાં સવિશેષ સ્થાન, માન અને સિદ્ધિ મેળવનારાં લોકોત્તર પાત્રો સાથે છે, જ્યારે ‘આખ્યાન’ સિદ્ધિ વગેરેની બાબતમાં જનસામાન્ય કરતાં ઉચ્ચ નીવડવા છતાં માનવસહજ બની રહેલાં પાત્રો સાથે સંબંધ ધરાવે છે.
‘કથા’ સંજ્ઞાનો પ્રાચીન અર્થસંકેત ‘અગ્નિપુરાણ’ મુજબ આખ્યાયિકા, કથા, ખંડકથા, પરીકથા તથા કથાનક એમ પાંચ પ્રકારે છે. ‘અલંકારસંગ્રહ’ અને ‘અમરકોશ’માં કલ્પિત વૃત્તાંતને કથા અને બનેલી ઘટનાને ‘આખ્યાયિકા’ તરીકે ઓળખાવેલ છે. હરિભદ્રાચાર્ય ચાર પુરુષાર્થના આધારે અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા એમ ચાર કથાપ્રકાર સ્વીકારે છે, જ્યારે આનંદવર્ધન પરીકથા, સકલકથા, ખંડકથા, આખ્યાયિકા અને કથા એમ પાંચ વર્ગ પાડે છે.
હેમચન્દ્રાચાર્યે ‘કાવ્યાનુશાસન’(અધ્યાય 8)માં કૃતિ અને ભાવક વચ્ચેના સંબંધને વર્ગીકરણનું મુખ્ય ધોરણ સ્થાપીને પ્રેક્ષ્ય તથા શ્રાવ્ય એવા બે મુખ્ય વર્ગો પ્રયોજ્યા છે અને શ્રાવ્યના મહાકાવ્ય, આખ્યાયિકા, કથા તથા ચંપૂ એવા ચાર પેટાવર્ગો આપી કથાના અગિયાર પ્રકારો આપ્યા છે. સંપૂર્ણ કથાનકના અંગરૂપે નીતિ કે ઉપદેશ માટે રજૂ થતું ટૂંકું કથાનક તે ઉપાખ્યાન (દા. ત., નળ, સાવિત્રી વગેરે). આ ઉપાખ્યાનોમાંથી અભિનય, ગાયન કે પઠન અર્થે ઘટતા ફેરફાર કરીને ગ્રંથની રચના કરવામાં આવે તે આખ્યાન (દા. ત., ગોવિંદ આખ્યાન); નીતિ કે વ્યવહારજ્ઞાન માટે પશુ, પક્ષી કે નીચ વર્ણના પાત્રનું કથાવૃત્તાંત પ્રયોજવામાં આવે તે નિદર્શન (દા. ત., પંચતંત્ર); બે પાત્રોના સંવાદના આધારે જ કથાનું નિર્વહણ થાય તે પ્રવહિલ્કા (દા. ત., પ્રાકૃતમાં રચાયેલ ચેટક, શામળકૃત ‘ઉદ્યમકર્મસંવાદ’); પુરોહિત, અમાત્ય, તાપસ વગેરેનો ઉપહાસ કરવા રચાયેલ કથા તે મન્થલ્લિકા (દા. ત., ગોરોચના, અનંગવતી); આધુનિક સમયની રહસ્યમય જાસૂસી કથા જેવી રચના તે મણિકુલ્યા (દા. ત., ‘મત્સ્યહસિતા’, ‘વસુદેવહિંડી’) જેમાં પૂર્વવસ્તુનો ખુલાસો પાછળથી મળી રહે છે; પરીકથા, ખંડકથા, સકલકથા અને બૃહત્કથા એ ચાર પ્રકારો કથાનકના વસ્તુવિસ્તારની ર્દષ્ટિએ પ્રયોજાયા છે. પ્રસિદ્ધ કથાનકના કોઈ એક ચરિતના ઉઠાવ માટે લખાયેલી કથા તે ઉપકથા (દા. ત., ચિત્રલેખા). આ અગિયાર પ્રકારોમાં વિશેષ લાક્ષણિક છે બૃહત્કથા; હેમચન્દ્રાચાર્યે તેને વિવિધ લંભકમાં વિભક્ત થયેલાં અદભુત કથાનકોવાળી અને વિવિધ વ્યક્તિઓના જીવનને સ્પર્શતી કથા તરીકે ઓળખાવી છે. મૂળ પૈશાચીમાં લખાયેલ અને હાલ અપ્રાપ્ય બનેલ ‘ગુણાઢ્યની બૃહત્કથા’ આ પ્રકારના કથાનકના આકરગ્રંથો(encyclopaedia of stories)નો મૂળ આધાર ગણાય છે. ભાસ, શૂદ્રક અને હર્ષ વગેરેનાં નાટકોનાં કથાવસ્તુનો મૂળ આધાર પણ આ બૃહત્કથા હતી. આ કથાગ્રંથના ઘણા અનુગામી ગ્રંથો લખાયા છે. એ સૌમાં સોમદેવરચિત 24,000 શ્લોકનો ‘કથાસરિત્સાગર’ (1063-1081) અત્યંત પ્રચાર પામ્યો. ટોની અને પેન્ઝરે તેનાં કથાનકોને નિશ્ચિત ક્રમ આપી, પરિશ્રમપૂર્વક સ્વાધ્યાય કરીને ‘ઓશન ઑવ્ સ્ટૉરિઝ’ નામે ગદ્યાત્મક ભાષાંતર તૈયાર કર્યું. પ્રાકૃત ભાષામાં રચાયેલું સંઘદાસગણિનું ‘વસુદેવહિંડી’ પણ બૃહત્કથાકુળની જ રચના છે.
આ ઉપરાંત મૌખિક તથા લિખિત પરંપરાની કથાઓ માટે લોકકથા, મનોરંજકકથા, ધર્મકથા, પ્રાણીકથા (fable), વૃત્તાંતકથા (legend), વીરકથા (ballad) તથા પુરાણકથા જેવા પ્રકારો પાડેલા છે. પણ આ બધા કંઈ વ્યાવર્તક કથાપ્રકારો નથી, અભ્યાસની સરળતા ખાતર વિકસાવાયેલી એક પદ્ધતિ માત્ર છે. તેની વિભાવના સ્પષ્ટ કરવી હોય તો એમ કહી શકાય કે જે કથાનકોનો ઉદભવ અને વિકાસ કોઈ નિશ્ચિત ધર્મની ધારામાં તે ધર્મના મહાપુરુષના ચરિતાલેખન કે ધર્મસિદ્ધાંતની સ્પષ્ટતા નિમિત્તે થયો હોય તે ધર્મકથા લેખાય – એમાં આખ્યાન, પુરાણ, સાધુકથા, વ્રતકથા વગેરે આવી જાય. જે કથા પરંપરાગત રીતે પેઢી-દર-પેઢી લોકરંજન કરતી આવી હોય, તેના કોઈ એક નિશ્ચિત રચનાકારની જાણ ન હોય અને જેમાં ક્રમશ: ઉમેરણ થતું રહ્યું હોય એ લોકકથા. જે કથાને કોઈ વાર્તાકારે સર્વાંશે પોતાની કલ્પનાથી જન્મ આપ્યો હોય અથવા પ્રચલિત કથાનકનો આધાર લઈ પોતાની સર્જક પ્રતિભાનો સંચાર કરી નવું રૂપ આપ્યું હોય તે મનોરંજક કથા.
ધર્મસાહિત્યની સર્વ કથાઓ અને તેના ગ્રંથોની વાર્તારૂપ રચનાનો મૂળભૂત પાયો લોકકથા છે. ભારતીય કથાસાહિત્યના મુખ્ય આધારરૂપ વેદ, ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો, બૌદ્ધ ધારાની જાતકકથાઓ તથા જૈન ધારાનાં આગમો, નિર્યુક્તિઓ, રાસા અને પ્રબંધોમાંની કથાઓ તાત્વિક રીતે પરંપરાગત લોકકથાઓ છે. ઋગ્વેદની શુન:શેપની તથા ચ્યવન ભાર્ગવ અને સુકન્યાની કથા, શતપથ બ્રાહ્મણની ઉર્વશી તથા પુરુરવાની કથા, કઠોપનિષદની નચિકેતાની કથા વગેરેમાં લોકકથાનો જ વણાટ છે. બૌદ્ધ અને જૈન ધર્મ તો નિરીશ્વરવાદી હોઈ, દેવીદેવતાનાં કથાનકોની અવેજીમાં તે ધર્મસાહિત્યમાં લોકકથાનો જ વિપુલ ઉપયોગ કરાયો છે. વળી એ બંને ધર્મોના સાહિત્યમાં પાલિ અને અર્ધમાગધી જેવી તે તે સમયે બોલાતી લોકભાષાનો ઉપયોગ થયો હોવાથી લોકકથાનો બંધ સાહજિક રીતે રચાયો છે.
ધર્મ સિવાયના સર્વસામાન્ય નીતિબોધ, વ્યવહાર-ઉપદેશ વગેરે માટેની રચનાઓમાં લોકકથાના વિશિષ્ટ પ્રકાર જેવી પ્રાણીકથા પ્રયોજાય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’ વગેરે આનાં ર્દષ્ટાંતો છે. માનવજીવનને બદલે પ્રાણીસૃષ્ટિનાં પાત્રો-પ્રસંગો નિમિત્તે નીતિબોધનું અનુપાન કરાવવામાં નાવીન્ય, ઔત્સુક્ય, કુતૂહલ, હાસ્ય વગેરે પણ સિદ્ધ થાય છે. કથારસ માટે આ તત્વો આવશ્યક ઘટકો છે.
આધુનિક સાહિત્યની કથાઓમાં પૂર્વપરંપરાપ્રાપ્ત કથાનકને બદલે કલ્પિત કે ઉત્પાદ્યને પ્રાધાન્ય અપાતું રહ્યું છે. પરંતુ મોટાભાગે તો કથાતત્વમાં તથા કથાકારના મનમાં આધારરૂપે પ્રાચીન-મધ્યકાલીન કથાઓની અસંપ્રજ્ઞાત રૂપે પણ અસર પડતી હોય છે. કથાતત્વ ગમે તે સ્થળ-સમયનું હોય અને ગમે તે સ્વરૂપે રજૂ થતું હોય પણ આખ્યાન કે કથાકાવ્ય, લોકકથા કે પ્રાણીકથા, નવલકથા કે નાટક વગેરેના કથાબંધના અંત:સત્વરૂપ ઘટનાશ્રેણી, ઘટનાગૂંથણી તથા ઘટનારસ લોકમાનસને નિરંતર આકર્ષતાં અને રીઝવતાં રહ્યાં છે. કથાઘટક મોટાભાગના પ્રાચીન-અર્વાચીન તથા ગદ્ય-પદ્ય સાહિત્યપ્રકારોનું આધારતત્ત્વ બન્યું છે.
હસુ યાજ્ઞિક