કતીલ મુહંમદ હસન (જ. 1758, દિલ્હી; અ. 1817, લખનૌ) : ફારસી ભાષાના કવિ. મૂળ વતન ગુરદાસપુર (પંજાબ). તે ખતરી ભંડારી કુટુંબના હતા. તેમનું મૂળ નામ દીવાનીસિંગ હતું. તેમના પિતા દરગાહીમલ દિલ્હીમાં આવીને વસ્યા હતા.
તેમણે અરબી, ફારસી ભાષાનો અભ્યાસ કરી વ્યાકરણ, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન, અલંકાર અને ગણિત વગેરે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. છેવટે કાવ્યરચના તરફ વલણ થતાં મુહંમદ બાકર શહીદના શિષ્ય થઈ, ઇસ્લામ ધર્મ સ્વીકારી, શિયાપંથી બની એકલવાયું જીવન અપનાવ્યું. દિલ્હીથી તે લખનૌ ગયા અને ત્યાં જ રહ્યા. લખનૌમાં તેમના ઘણા શિષ્યો થયા. કતીલની ગણના પોતાના સમયના પ્રખ્યાત પારંગત ગુરુઓમાં થાય છે.
કતીલ સ્વતંત્ર મિજાજના, ત્યાગી, સરળ સ્વભાવના, પ્રેમાળ પ્રકૃતિના, આનંદી, વિનોદી, નિખાલસ, પ્રવાસના શોખીન માનવ હતા. કતીલ હિંદુ અને ઇસ્લામી સંસ્કૃતિના સંગમ સમાન એકતાવાદી ભાવનાવાળા સાચા ભારતીય અને કોમી એકતાના પ્રતીકસમા હતા.
કતીલની સાહિત્યિક કૃતિઓ ઘણી છે : (1) ‘દીવાને ફારસી’ ફારસી કાવ્યસંગ્રહ છે, એમાં પાંચ હજાર કાવ્યપંક્તિઓ છે; (2) ‘મઅ્દનુલ ફ્વાઈદ’માં કતીલના પત્રોનો સંગ્રહ છે; (3) ‘ચાર શરબત’માં ફારસી ભાષાના નિયમો, સંજ્ઞાઓ, ભાષાશાસ્ત્ર અને ઈરાનીઓના રૂઢિપ્રયોગો છે; (4) ‘નેહરુલ ફસાહત’ એ ફારસી ભાષાના વ્યાકરણની સંક્ષિપ્ત કૃતિ છે અને (5) ‘હફત તમાશા’ મુસ્લિમ શાસનકાળ વિશેનું ફારસી પુસ્તક છે. ઉપરાંત ‘શજરતુલ અમાની’, ‘સમરુલ બદાએ’, ‘મઝહરૂલ અજાઇબ’, ‘હદીકતુલઈન્શા’, ‘દરયાએ લતાફત’ પણ કતીલની કૃતિઓ છે.
કતીલે ‘નેહરુલ ફસાહત’માં ઈરાની અને તુરાની રૂઢિપ્રયોગોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ‘ફારસી કાવ્યરચનામાં ઈરાની અને તુરાની રૂઢિપ્રયોગોનો ઉપયોગ પ્રમાણભૂત ગણાશે’. ભારતમાં તુરાની રૂઢિપ્રયોગો વધુ પ્રચલિત હોવાથી કતીલે તેને ચાલુ રાખવાની ભલામણ કરી. 1828માં મિરઝા ગાલિબ કોલકાતા ગયા તો ભાષાની ર્દષ્ટિએ એમની કાવ્યરચનાઓ પર કતીલના શિષ્યોએ સખત ટીકા કરી કેમકે મિરઝા ગાલિબ ઈરાની પ્રયોગોના સમર્થક હતા. તે પછી 1862માં મિરઝા ગાલિબે ‘બુરહાન કાતે’ શબ્દકોશ ઉપર ‘કાતે બુરહાન’ના નામથી ટીકા-ટિપ્પણી લખી ત્યારે તુરાની રૂઢિપ્રયોગમાં માનનારા કતીલના પક્ષકાર સાક્ષરોએ મિરઝા ગાલિબનો સખત વિરોધ કર્યો હતો.
મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ