કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા)

January, 2006

કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા) (નવમી શતાબ્દી) : શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેય મુનિએ રચેલી 489 ગાથાઓની કૃતિ. એમાં અણુવેકખા (અનુપ્રેક્ષા) અર્થાત્ ભાવનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. વૈરાગ્યને પુષ્ટ કરતી બાર પ્રકારની ભાવનાઓ જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે : અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. મુખ્યત્વે બાર ભાવનાઓનું વર્ણન હોવાથી ગ્રંથનું ‘બારસ અણુવેકખા’ નામ છે. પરંતુ કાર્તિકેય નામે દિગંબર જૈનમુનિની રચના હોવાને કારણે ‘કત્તિગેયાણુવેકખા’ તરીકે તે વધુ પ્રસિદ્ધ છે. બાર ભાવનાઓ સાથે જ અન્ય જૈનધર્મસંમત સિદ્ધાંતોનું નિરૂપણ પણ આમાં મળે છે. ગ્રંથ પર આચાર્ય શુભચંદ્રની સંસ્કૃત ટીકા પણ મળે છે.

કાર્તિકેય મુનિ વિશે કોઈ નિશ્ચયાત્મક માહિતી પ્રાપ્ત થતી નથી. કેટલાક દિગંબર ગ્રંથોમાં કાર્તિકેયનું કથાનક આવે છે; એમાં તેમને અગ્નિ નામક રાજાના પુત્ર બતાવ્યા છે અને તે કુમારાવસ્થામાં જ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચરણ કરી સ્વર્ગમાં ગયા હોવાનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાનો તેમનો સમય પ્રાચીન માને છે, પરંતુ ડૉ. ઉપાધ્યેએ એક ગાથાના પ્રમાણ પરથી તેમને નવમી શતાબ્દી પછીના માન્યા છે.

રમણિકભાઈ મ. શાહ