સોનાર (Sonar) : સમુદ્રના પાણીમાં પરાશ્રાવ્યધ્વનિક (ultrasonic) સ્પંદ પ્રસારિત કરી પદાર્થ કે અવરોધ વડે તેના પરાવર્તનને આધારે જ તેનું સ્થાન નક્કી કરવા માટેની પદ્ધતિ.
‘સોનાર’ (sonar) શબ્દ નીચેના પદના પ્રથમ અક્ષરો લઈ બનાવવામાં આવ્યો છે :
Sound navigation and ranging
સમુદ્રમાં સ્ટીમરની નીચે પાણી કેટલું ઊંડું છે તે સોનારની મદદથી જાણી શકાય છે. સ્ટીમરમાં રાખેલા સોનારમાંથી ધ્વનિના તરંગોને સમુદ્રના પાણીની નીચે મોકલવામાં આવે છે. સમુદ્રના તળિયેથી પરાવર્તન પામી એ તરંગો થોડા સમયમાં ફરીથી સોનારમાં આવે છે. સોનારમાંથી નીકળી, તળિયેથી પરાવર્તન પામી ફરીથી સોનારમાં આવવાના સમયને t તરીકે નોંધવામાં આવે છે. સોનારમાંથી નીકળતા ધ્વનિના પાણીમાંના વેગને ν લેવામાં આવે છે. સ્ટીમર અને સમુદ્રની સપાટી વચ્ચેના અંતરને d લઈએ તો d = ν × t પ્રમાણે d મેળવી શકાય છે.
તળિયાને બદલે પાણીની અંદર રહેલા પદાર્થની ઊંડાઈ આ રીતે નક્કી કરી શકાય છે.
સુમંતરાય ભીમભાઈ નાયક