કટોકટી (રાજકીય અને આર્થિક) : ભારતના બંધારણની કલમ 352 અન્વયે મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય કામચલાઉ ધોરણે મોકૂફ રાખતી સરકારી જાહેરાત.
પ્રજાસત્તાક ભારતની તવારીખમાં અત્યાર સુધીમાં કટોકટીની જાહેરાતના ત્રણ પ્રસંગો આવ્યા છે : પહેલો પ્રસંગ ચીન સાથેના સીમાયુદ્ધ (1962) વખતનો હતો; તે વખતે જાહેર કરાયેલ કટોકટી છેક 1969 સુધી અમલમાં હતી. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે જાહેર કરાયેલ કટોકટી પાછી ખેંચવામાં આવી ન હતી, છતાં 1975ના જૂનમાં બીજી એક કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી અને તે 1977ના માર્ચ સુધી અમલમાં હતી.
કલમ 352 પ્રમાણે રાષ્ટ્રપતિને જો વિદેશી આક્રમણ કે યુદ્ધ અથવા આંતરિક અશાંતિને કારણે દેશની કે દેશના કોઈ હિસ્સાની સલામતી જોખમમાં મુકાયાની ખાતરી થાય તો તેને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કરી શકે. પ્રત્યક્ષ ભય જ નહિ, ભયની સંભાવના જણાય તોપણ તેઓ આવી જાહેરાત કરી શકે એવી બંધારણમાં જોગવાઈ છે. રાષ્ટ્રપતિની મૂળ જાહેરાત બે મહિના સુધી જ અમલમાં રહી શકે, પરંતુ જો તે દરમિયાન સંસદનાં બંને ગૃહો ઠરાવ કરીને આ જાહેરાતને બહાલી આપે તો તેનો અમલગાળો લંબાવી પણ શકાય.
કટોકટીની જાહેરાતની દૂરગામી અસરોના સંદર્ભમાં સર્વાધિક અગત્યનો મુદ્દો એ છે કે આવી જાહેરાત સાથે બંધારણની કલમ 19 અનુસારના મૂળભૂત સ્વાતંત્ર્યનો અમલ મોકૂફ રાખવાની બારી ખૂલી જાય છે. વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, નિ:શસ્ત્ર રીતે શાંતિપૂર્વક ભેગા થવાનું સ્વાતંત્ર્ય, મંડળો અને સંસ્થાઓ સ્થાપવાનું સ્વાતંત્ર્ય, ભારતભરમાં ગમે ત્યાં હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય અને કાયદેસરનો કોઈ પણ વ્યવસાય તેમજ ઉદ્યોગ-ધંધો કરવાનું સ્વાતંત્ર્ય સ્થગિત થઈ શકે. તે સાથે, કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે રાજ્ય સરકારોને તેમની વહીવટી સત્તાઓ કેમ પ્રયોજવી એ અંગે કેન્દ્ર સીધી આદેશાત્મક દોરવણી આપી શકે. રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે આવકની વહેંચણીને લગતી કલમો(268થી 279)માં પણ આ સંજોગોમાં રાષ્ટ્રપતિના હુકમ મુજબ સુધારાવધારા અગર અપવાદ થઈ શકે. લોકસભા કાયદો કરીને પોતાની મુદત એક વરસ જેટલી વધારી શકે. ટૂંકમાં, મૂળભૂત અધિકારો, નિયત ગાળે ચૂંટણી, રાજ્યોને કાર્યમોકળાશ વગેરે જે પણ સમવાયી લોકતંત્રની ઓળખરૂપ બાબતો છે તે બધી જ સ્થગિત થઈ શકે.
ભારતમાં કટોકટીની ત્રણે જાહેરાતો રાષ્ટ્રપતિના અખત્યાર અનુસારની હતી પણ સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપતિનો નિર્ણય તે વાસ્તવમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો જ હોવાનો. સંસદનાં બંને ગૃહોની મંજૂરીની જોગવાઈ પણ વહેવારમાં તો વડાપ્રધાન અને એમના સાથીઓના હાથની વાત બની શકે. પ્રધાનમંડળ જો કોઈ ગુપ્ત બાતમીનો મુદ્દો આગળ ધરે તો સંસદસભ્યો સરવાળે નિરુપાય બની રહે અને લોકશાહી પ્રજાસત્તાક અનિશ્ચિત મુદતની સ્વાતંત્ર્યમોકૂફીની હાલતમાં મુકાઈ જાય. આટલી હદ સુધી જોગવાઈ કેમ કરી હશે ? 1946થી 1949નાં એ વર્ષો કોમી ઉદ્રેકનાં, રક્તરંજિત વિભાજનનાં, સરહદે પાક જમાવટ અને કાશ્મીરમાં સશસ્ત્ર પણ પરોક્ષ આક્રમણનાં અને ઘરઆંગણે આંતરવિગ્રહ જેવી શક્યતાનાં હતાં. આ ઓથાર તળે, બંધારણકારો કોઈ પણ સંભવિત અરાજકતા સામેની જોગવાઈની શોધમાં હોય તે સમજી શકાય એમ છે.
ગમે તેમ પણ, કટોકટી કહેતાં આમપ્રજાના માનસમાં જાગતું એકમાત્ર સ્મરણ જૂન, 1975થી માર્ચ, 1977ના મહિનાઓનું છે. પોતે કટોકટીની જાહેરાત શા માટે કરાવી છે એ અંગે ફોડ પાડતાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1975ના જૂન 26ના રોજ આકાશવાણી ઉપરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું : ‘‘રાષ્ટ્રને છિન્નભિન્ન કરનારાં બળો પુરજોશમાં છે અને રાષ્ટ્રની એકતાને જોખમકારક કોમી લાગણીઓ ઉશ્કેરાઈ રહી છે. વડાપ્રધાનના પદને ઉતારી પાડવાનો રાજકીય પ્રયાસ ઇરાદાપૂર્વક થઈ રહ્યો છે. દેશના હિતમાં આ નથી… આંદોલનોએ વાતાવરણ એટલી હદે ઉગ્ર બનાવ્યું છે કે હિંસક ઘટનાઓ ફાટી નીકળે… કેટલાક લોકો આપણા સૈન્યને અને પોલીસદળને બળવો કરવાની હદે ઉશ્કેરે છે. દેશની એકાત્મતા માટે કઠોર પગલું જરૂરી બન્યું છે… હું તમને ખાતરી આપવા માગું છું કે આ નવી જાહેરાત, કાયદાનું પાલન કરનારા નાગરિકોની આડે નહિ આવે…’’
કટોકટીની જાહેરાતની પૂર્વભૂમિકા તપાસીએ તો જણાશે કે 1971માં ઇન્દિરા ગાંધી રાયબરેલી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયાં હતાં. ગેરરીતિઓના મુદ્દે એમની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી હતી. 1975ના જૂનની 12 તારીખે અલ્લાહાબાદ હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં ચૂંટણીમાં સરકારી કર્મચારીની સેવા લેવા સબબ ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ ઠરાવી હતી, તેમજ છ વરસ સુધી કોઈ પણ જાહેર હોદ્દા માટે એમને ગેરલાયક ગણાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલમાં ગયાં ત્યારે કોર્ટે અપીલનો નિકાલ થાય તે દરમિયાન વચગાળાની વ્યવસ્થા તરીકે જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન તરીકે રહી શકે છે અને બંને ગૃહોમાં બોલી પણ શકે છે, પરંતુ સંસદસભ્ય તરીકે ન તો કામકાજમાં ભાગ લઈ શકે, ન તો મત આપી શકે. બીજી તરફ દેશભરમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વેગ પકડી ચૂક્યું હતું અને બિનકૉંગ્રેસી પક્ષો એમાંથી બળ મેળવી પુષ્ટ બનવા લાગ્યા હતા, તેમજ પરસ્પર નજીક આવી રહ્યા હતા. એને પરિણામે જૂન, 1975માં જ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર રચાઈ હતી. અદાલતી ચુકાદો અને લોકચુકાદો બેઉ આમ જે તરાહ દાખવી રહ્યા હતા, એમાં ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનના પદને ઉતારી પાડવાનો ઇરાદાપૂર્વકનો રાજકીય પ્રયાસ તથા દેશહિત સામેનું જોખમ જણાયાં હતાં.
1975ના જૂનથી થયેલી કટોકટીની જાહેરાત પોતે તેમજ તેની આસપાસ અને આગળપાછળનાં એક પછી એક કદમ લોકશાહી ભારતની કારકિર્દીમાં વ્યક્તિગત સત્તાવાદ અને મનસ્વી શાસનની પ્રતીતિ કરાવી રહ્યાં. કટોકટીની જાહેરાતને પગલે પ્રિ-સેન્સરશિપ દાખલ થઈ. શરૂના જ કલાકોમાં વીજપુરવઠો ખોરવી નાખી રાજધાની નવી દિલ્હીનાં છાપાંને લોક લગી સમાચાર પહોંચાડવામાં રુકાવટ સર્જી. જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ સહિતના અગ્રણીઓ અને હજારો રાજકીય કાર્યકરોને ‘મિસા’(Maintenance of Internal Security Act)ની જોગવાઈ હેઠળ જેલભેગા કરવામાં આવ્યા. જુલાઈ, 1975માં બોલાવાયેલી લોકસભાની બેઠકમાં 76 જ વિપક્ષી સભ્યો સામેલ થઈ શક્યા હતા. બાકીના 71 પૈકી મોટાભાગના જેલમાં ને કેટલાક ભૂગર્ભમાં હતા. ગૃહની ચર્ચામાં જાહેર થયા મુજબ તે દિવસોમાં અટકાયતીઓનો આંક એંશી હજારનો હતો. રાજ્યસભામાં 136 વિ. 33 મતે અને લોકસભામાં 336 વિ. 59 મતે કટોકટીનો ઠરાવ પસાર થતાં જ વિરોધપક્ષોએ સભાત્યાગ કર્યો. સભાત્યાગ પૂર્વે લોકસભામાં એચ. એમ. પટેલે અને રાજ્યસભામાં ના. ગ. ગોરેએ વાંચેલાં એકસરખાં નિવેદનોમાં જણાવ્યું હતું કે અમને ખાતરી થઈ ચૂકી છે કે ગૃહમાં ચાલનારા કામકાજમાં ભાગ લેવાથી કશો જ હેતુ સરવાનો નથી, કેમ કે આ ગૃહ હવે એક મુક્ત, લોકતાંત્રિક સંસદ તરીકેનું કોઈ કર્તવ્ય બજાવી શકે એવી સ્થિતિમાં નથી. દરમિયાન, એક ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કટોકટી સામે ફરિયાદ લઈ જવા અંગે પ્રતિબંધ મુકાયો. ‘મિસા’નો અમલ વ્યાપક બનાવવામાં આવ્યો, જેથી તે અન્વયે પકડાયેલ કોઈ પણ વ્યક્તિ દેશના સામાન્ય કાનૂનને આધારે અદાલત સમક્ષ રાહત ન માગી શકે. સરવાળે ‘હેબિયસ કૉર્પસ’ જેવું કંઈ રહ્યું નહિ. ગુજરાત હાઈકોર્ટે ‘ભૂમિપુત્ર’ નામના સામયિકના કેસમાં પ્રિ-સેન્સરશિપ ઑર્ડરને ગેરકાયદે ઠરાવતો શકવર્તી ચુકાદો આપ્યો ત્યારે વટહુકમથી એને અર્થહીન બનાવી દેવામાં આવ્યો. હાઈકોર્ટોના ન્યાયમૂર્તિઓની એકસાથે બદલી કરવામાં આવી. અધૂરામાં પૂરું, ઇંદિરા ગાંધીની ચૂંટણી જે કાયદાને આધારે રદ કરી હતી તે કાયદાને જ પશ્ચાદવર્તી અસરથી સુધારીને તે સુપ્રીમ કોર્ટમાંથી હેમખેમ બહાર આવે એવી સગવડ કરાઈ. બંધારણસભામાં જ્યારે કટોકટીની જોગવાઈ થઈ, ત્યારે તેનાં અનિષ્ટની શક્યતા અંગે ચેતવણીઓ ઉચ્ચારાઈ હતી. કટોકટી દરમિયાન સરકારી તંત્રમાં, બૅન્કો, રેલવે, રાજ્ય પરિવહન, હૉસ્પિટલો વગેરે જાહેર ક્ષેત્રોમાં નિયમિતતા, શિસ્ત તથા સદ્વ્યવહારનો અનુભવ આમજનતાને થયો હતો. ઉપરાંત, કાળાં બજાર, સંગ્રહખોરી, દાણચોરી જેવી સમાજવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ આવી ગયો હતો. આ કટોકટીનું આમજનતા માટે જમા પાસું ગણાય.
ગુજરાતમાંથી ચૂંટાયેલા લોકસભાના તે વખતના સભ્ય પુરુષોત્તમ ગણેશ માવળંકર તથા રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશીએ સંસદના પોતપોતાના ગૃહમાં કટોકટીની જાહેરાતનો વિરોધ કર્યો હતો. ઉપરાંત, ગુજરાતના ઘણા રાજકીય કાર્યકરો, સામાજિક કાર્યકરો, બુદ્ધિજીવીઓ તથા અન્ય ક્ષેત્રના અગ્રણીઓએ કટોકટીના ગાળા દરમિયાન વ્યક્તિગત રીતે તથા જનઆંદોલન દ્વારા તેનો સક્રિય વિરોધ કર્યો હતો. આ અગ્રણીઓ તથા બુદ્ધિજીવીઓમાં બાબુભાઈ જશભાઈ પટેલ, ચુનીભાઈ વૈદ્ય, પ્રભુદાસ પટવારી, મનુભાઈ પંચોળી ‘દર્શક’, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, બબાભાઈ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાકને તે કારણે કારાવાસ પણ ભોગવવો પડ્યો હતો. પ્રભુદાસ પટવારીએ વિરોધ રૂપે પોતાને સરકાર તરફથી મળેલાં સન્માનસૂચક અલંકરણો પરત કર્યાં હતાં.
1977ના જાન્યુઆરીમાં ઇંદિરા ગાંધીએ એકાએક જ કટોકટીનો અમલ હળવો કર્યો, હજારો અટકાયતીઓને છોડવા માંડ્યા અને સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી. માર્ચ, 1977માં સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ અને લોકદળ વગેરેના બનેલા જનતા પક્ષને યશસ્વી બનાવીને લોકોએ પોતાનો સ્પષ્ટ ચુકાદો આપ્યો તે સાથે કટોકટીનો વિધિસર અંત આવ્યો.
જનતા પક્ષની સરકારે ન્યાયમૂર્તિ જે. સી. શાહના વડપણ હેઠળ રચેલા તપાસપંચે જણાવ્યા અનુસાર કટોકટીની જાહેરાત જરૂરી બનાવે તેવા સંજોગો હોવાનો કોઈ પુરાવો ન હતો. પંચે ઉપસાવેલો એક મહત્વનો મુદ્દો એ હતો કે જે સંજોગોમાં કટોકટી જાહેર કરાઈ અને જે સરળતાથી તેનો અમલ કરી શકાયો તે બાબત દેશના નાગરિકો માટે એક ચેતવણી સમાન હતી.
સદાશયથી કરાયેલી જોગવાઈઓનો આવો દુરુપયોગ ટાળવાની સમજ અને ગણતરીથી, જનતા પક્ષના શાસનકાળમાં 44મા સુધારા સહિત કેટલાંક બંધારણીય પગલાં ભરવામાં આવ્યાં હતાં. તે મુજબ હવે પછી કટોકટીની જાહેરાતને માટે આંતરિક અશાંતિ જેવી સંદિગ્ધ જોગવાઈને સ્થાને ‘સશસ્ત્ર બળવા’ની પરિસ્થિતિને અનિવાર્ય ઠરાવાઈ છે; એટલું જ નહિ, પણ મૂળભૂત અધિકારો અગર સ્વતંત્રતાઓ જેને આભારી છે તે કલમ 19ને કટોકટી દરમિયાન પણ સ્થગિત ન કરી શકાય એવી પણ જોગવાઈ કરાઈ છે. અદાલતની સમીક્ષાનો અધિકાર બહાલ રાખવામાં આવ્યો છે. વળી, પ્રધાનમંડળે કટોકટીની જાહેરાતની જરૂરત બાબત રાષ્ટ્રપતિને લેખિત સલાહ જ આપવી પડશે, એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
બંધારણની કલમ 360 મુજબ આર્થિક કટોકટી જાહેર કરવાને લગતી જોગવાઈ પણ છે. રાષ્ટ્રપતિને ખાતરી થાય કે દેશની અથવા દેશના કોઈ ભાગની આર્થિક સ્થિરતા કે શાખ સંબંધે ભય ઊભો થયો છે તો તેઓ આર્થિક કટોકટીની જાહેરાત કરી શકે છે. આ જાહેરાતના અમલના ગાળામાં રાષ્ટ્રપતિને યોગ્ય જણાય તે મુજબનાં આર્થિક નિયમનો ને સૂચનાઓના પાલન માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આદેશ આપી શકે છે. સદરહુ જાહેરાતને સંસદ સમક્ષ રજૂ કરવાની તેમજ સંસદ એને નામંજૂર રાખે તો તેનો અમલ બંધ થવા અંગેની જોગવાઈઓ અલબત્ત કલમ 352 અનુસાર છે જ, પરંતુ પ્રજાસત્તાક ભારતમાં આજ દિન સુધી આર્થિક કટોકટી જાહેર કરવાની આ જોગવાઈઓનો દેશની કોઈ સરકારે આશ્રય લીધેલો નથી.
નાણાકીય કટોકટી : યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા આંતરિક અશાંતિના સંજોગોમાં સમગ્ર દેશમાં અથવા દેશના કોઈ વિશિષ્ટ વિસ્તાર પૂરતી કટોકટી જાહેર કરવાની સત્તા બંધારણે ભારતના રાષ્ટ્રપતિને આપેલ છે. આવી સર્વસામાન્ય કટોકટી ઉપરાંત બંધારણની કલમ 360 મુજબ ભારતના રાષ્ટ્રપતિને સમગ્ર દેશમાં અથવા દેશના કોઈ વિશિષ્ટ ભાગમાં નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ બક્ષેલ છે. બંધારણની ઉપર્યુક્ત કલમ મુજબ નાણાકીય કટોકટીના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર રાજ્ય કે પ્રદેશની સરકારોને તેમના નાણાકીય વ્યવહારો કેવી રીતે ગોઠવવા તે અંગે આદેશ આપી શકે છે; દા.ત., રાજ્ય સરકારોના કર્મચારીઓનાં પગાર-ભથ્થાંઓમાં કાપ મૂકવાનો આદેશ આપી શકે છે. ઉપરાંત, રાજ્યના નાણાકીય ખરડા રાષ્ટ્રપતિની મંજૂરી માટે આરક્ષિત રાખવાનો આદેશ રાજ્યના રાજ્યપાલને આપી શકે છે; એટલું જ નહિ, પરંતુ નાણાકીય કટોકટીના ગાળા દરમિયાન સંઘ સરકારની જાહેર સેવાઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ, વડી અદાલતોના અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનાં પગાર-ભથ્થાંઓમાં પણ કાપ મૂકવાનો આદેશ રાષ્ટ્રપતિ આપી શકે છે.
નાણાકીય કટોકટીની જાહેરાત અંગે બીજી બે જોગવાઈઓ કરવામાં આવી છે : (1) નાણાકીય કટોકટીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ ધારે ત્યારે તે જાહેરાત પાછી ખેંચી શકે છે. (2) જે મુસદ્દા દ્વારા રાષ્ટ્રપતિએ નાણાકીય કટોકટી જાહેર કરી હોય તે મુસદ્દો સંસદનાં બંને ગૃહો સમક્ષ મંજૂરી માટે રજૂ કરવાનો રહે છે અને સંસદની મંજૂરી ન મળે તો કટોકટીની મૂળ જાહેરાત પછીના બે માસ બાદ તે આપોઆપ રદ થયેલી ગણાશે.
પ્રકાશ ન. શાહ
બાળકૃષ્ણ માધવરાવ મૂળે