કટર, ચાર્લ્સ અમી (જ. 14 માર્ચ 1837, બોસ્ટન; અ. 6 સપ્ટેમ્બર 1903, ન્યૂ હેમ્પશાયર) : પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથાલયશાસ્ત્રી. તેમનું નામ તેમની વિસ્તારશીલ વર્ગીકરણ (expansive classification) પદ્ધતિની શોધને લીધે ગ્રંથાલયશાસ્ત્રીઓમાં સૌથી અગ્રિમ હરોળમાં છે.
વેસ્ટ કેમ્બ્રિજમાં, મેસેચૂસેટસ ખાતે તેઓ તેમના દાદા અને ત્રણ ફોઈઓ સાથે રહ્યા હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં ઉછેર પામ્યા હતા. હાર્વર્ડ કૉલેજ માટે યુવાનો તૈયાર કરતી હોપકિન્સ ક્લાસિકલ સ્કૂલમાં તેઓ દાખલ થયા હતા. ત્યારબાદ કટર ઈ. સ. 1851માં હાર્વર્ડ કૉલેજમાં દાખલ થયા. જ્યાં તેમણે અભ્યાસ દરમિયાન કેટલાંક ઇનામો મેળવ્યાં અને તેઓ વર્ગમાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા. તેમણે ફ્રેંચ સાહિત્ય, વિજ્ઞાન અને ગણિતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએટ થયા બાદ ગણિત અને વિજ્ઞાનમાં વિશેષ રુચિના કારણે વર્ષ 1885માં તેમણે લૉરેન્સ સાયન્ટિફિક સ્કૂલમાં ગણિતશાસ્ત્રના વિશેષ વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. ઈ. સ. 1856માં હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં તેઓ જોડાયા. ઈ. સ. 1857માં બાઉડુઇન પ્રાઇઝ ડિઝર્ટેશન સ્પર્ધા(Bowdoin Prize Dissertation Competition)માં પોતાની વિદ્વત્તાથી તેમણે ઇનામ પ્રાપ્ત કર્યું.
ડિવિનિટી સ્કૂલમાં તેમણે શાળાના વિદ્યાર્થી ગ્રંથપાલ તરીકે 1857-59 સુધી કાર્ય કર્યું. શાળામાં તેમણે પોતાનાં દૈનિક કાર્યો કરવાની સાથોસાથ નવાં સૂચિપત્રો (catalogus) તૈયાર કર્યાં, અને ઘોડાઓમાં પુસ્તકોની ગોઠવણી સંપૂર્ણ રીતે નવેસરથી કરી. અહીં તેમનો પરિચય કૉલેજ ગ્રંથાલયના સૂચિકાર એઝરા એબોટ સાથે થયો.
એઝરા એબોટના કારણે કટર 1859માં સ્નાતક થવા માટેનો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ કૉલેજ-ગ્રંથાલયમાં એબોટના સહાયક તરીકે 1860માં નિમાયા. આ રીતે મે 11, 1860માં વિધિસર રીતે ગ્રંથાલયની કારકિર્દી એમણે સ્વીકારી, જે જીવનપર્યંત ટકી રહી.
હાર્વર્ડની કૉલેજ લાઇબ્રેરીમાં કટરે 1860-68 સુધી કામ કર્યું. તે દરમિયાન તેમને વિશાળ શૈક્ષણિક ગ્રંથાલયના સંચાલકીય પ્રશ્નો અને મુશ્કેલીઓની જાણકારી પ્રાપ્ત થઈ. વળી એબોટ પાસેથી તેમને જ્ઞાન-આધારિત સૂચિના સ્વરૂપ વિશે જાણવા મળ્યું અને સૂચીકરણની વિવિધ તકનીકોની જાણકારી મેળવી. તેઓ એબોટને વર્ણાનુક્રમ વર્ગીકૃત સૂચિ (alphabetic classed catalogue) તૈયાર કરવામાં સહાયભૂત થયા.
1 જાન્યુઆરી 1869થી કટર બોસ્ટન એથેનિયમમાં કૉલેજ-ગ્રંથપાલ તરીકે જોડાયા. ઈ. સ. 1869થી 1880 સુધી તેમની ગ્રંથાલયક્ષેત્રની કારકિર્દીનો સર્વોચ્ચ વિકાસ થયો. એ દરમિયાન તેમણે કૉલેજના ગ્રંથ-સંગ્રહના સૂચીકરણનું આયોજન વિચાર્યું. ઈ. સ. 1869થી 1882 દરમિયાન કટરે કૉલેજના ગ્રંથસંગ્રહના ‘ડિક્શનરી કૅટલૉગ’ના પાંચ ભાગો પ્રસિદ્ધ કર્યા. આ ડિક્શનરી કૅટલૉગના ભાગોથી કટર તેમજ કૉલેજ ઉભયને વ્યાપક પ્રસિદ્ધિ મળી. ઈ. સ. 1880 સુધીમાં કટરે વર્ગીકરણ માટેની સામાન્ય યોજના તૈયાર કરેલી અને ‘બોસ્ટન એથેનિયમ ક્લાસિફિકેશન’નું પ્રથમ શિડ્યૂલ પરિપત્રિત કરેલું.
કટરે બોસ્ટન એથેનિયમના ગ્રંથપાલના કાર્યની સાથોસાથ ગ્રંથાલયનાં વ્યાવસાયિક કાર્યોમાં સીધો ભાગ લેવા માંડ્યો. તેમણે મેલ્વિલ ડ્યુઈ અને અન્ય મિત્રોની સાથે રહીને ઈ. સ. 1876માં અમેરિકન લાઇબ્રેરી ઍસોસિયેશનની સ્થાપના કરવામાં મહત્વનો ફાળો આપ્યો. તેઓ આ મંડળના સક્રિય સભ્ય હતા. તેમણે ‘લાઇબ્રેરી જર્નલ’માં લેખો લખવાનું પણ શરૂ કર્યું. ઈ. સ. 1881–1893 સુધી તેમણે ‘લાઇબ્રેરી જર્નલ’નું તંત્રીપદ સંભાળ્યું હતું.
ઈ. સ. 1894માં ન્યૂ ફૉર્બ્સ લાઇબ્રેરી નૉર્ધમ્પટનના ટ્રસ્ટીઓ કટરને લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહના વિકાસકાર્ય માટે મળ્યા. કટરે આ કામ સ્વીકાર્યું. કટરે આ લાઇબ્રેરીનો સંગ્રહ ચીવટપૂર્વકની પુસ્તક પસંદગી કરીને 90,000 પુસ્તકસંખ્યા સુધી વિકસાવ્યો. વળી નૉર્ધમ્પટનના આજુબાજુના વિસ્તાર માટે બ્રાન્ચ લાઇબ્રેરી પદ્ધતિ પણ વિકસાવી.
કટરે ઈ. સ. 1880ના અરસામાં બોસ્ટન એથેનિયમ ગ્રંથાલયમાં કાર્ય કરતાં વર્ગીકરણ પદ્ધતિની શોધ કરી હતી તેને વિસ્તારશીલ વર્ગીકરણ પદ્ધતિનું નવેસરથી રૂપ આપ્યું, જે ઈ. સ. 1893 સુધીમાં ‘Expansive Classification : Part I : The First Six Classifications’ શીર્ષક સાથે પ્રગટ થયું. ગ્રંથાલયશાસ્ત્રીઓના મતાનુસાર આ પદ્ધતિમાં વિસ્તારશીલતા, સંક્ષિપ્તતા અને સરળતાના ગુણોનો સમાવેશ થયેલો છે. આ વિસ્તારશીલ વર્ગીકરણ પદ્ધતિનો પ્રયોગ અમેરિકાનાં અનેક ગ્રંથાલયોમાં થયેલો જોવા મળે છે. તે ઉપરાંત લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ વર્ગીકરણ પદ્ધતિ પર પણ એનો પ્રભાવ પડેલો છે.
વાસુદેવ યાજ્ઞિક
કનુભાઈ શાહ