કટચ્યુરિ (કલચુરિ) વંશ : દક્ષિણ ગુજરાતનો પ્રાચીન રાજવંશ. ત્રૈકૂટકોની સત્તાનો અસ્ત થતાં સૂરત જિલ્લાના દક્ષિણ ભાગ અને વલસાડ જિલ્લામાં કટચ્યુરિ વંશનું આધિપત્ય પ્રવર્ત્યું. તેમની રાજધાની પ્રાય: માહિષ્મતી હતી ને તે હૈહય જાતિના ગણાતા.
દક્ષિણ ગુજરાતના આ કટચ્યુરિ રાજાઓ પરમ માહેશ્વર હતા. આ રાજાઓની વિજયછાવણી, ઉજ્જયિની, વિદિશા અને આનંદપુરમાં હતી. કવિ રાજશેખરના ‘બાલરામાયણ’ (3,35) અને મુરારિના ‘અનર્ઘરાઘવ’(અંક 7)માં કલચુરિ રાજાઓની રાજધાની તરીકે માહિષ્મતીનો નિર્દેશ આવે છે.
આ વંશના રાજાઓનું કુળનામ શરૂઆતમાં કટચ્ચુરિ લખાતું. પછીના વખતમાં એને બદલે કલચુરિ રૂપ પ્રચલિત થયું. ‘કટચ્ચુરિ’ તથા ‘કલચુરિ’ એ કોઈ વિદેશી ભાષાના શબ્દનાં સંસ્કૃત રૂપાંતર લાગે છે ને એ અનુસાર કલચુરિઓ વિદેશથી ભારત આવી વસ્યા લાગે છે.
ભારતી શેલત