કચનાર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સિઝાલ્પિની- ઓઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegata Linn. [સં. કાંચનાર (કોવિદા); હિં. કચનાર; મ., બં. કાંચન; ત. શેમાંદરે, શિવષ્પુ માંદિરે; મલ. કોવિદાર; ક. કોચાલે, કચનાર; તે. દેવકાંચન; અં. માઉન્ટેન એબ્નોય, ઑર્કિડ ટ્રી] છે. તેના સહસભ્યોમાં કચુકિયા, ગલતોરો, રામબાવળ, ગરમાળો, આવળ, અશોક, આંબલી, આપ્ટો, આશિતરો વગેરેનો સમાવેશ થાય છે.
તે મધ્યમ કદનું પર્ણપાતી વૃક્ષ છે અને ભારતમાં બધે જ થાય છે. તે હિમાલયમાં 1,300 મી.ની ઊંચાઈ સુધી અને ગુજરાતના પાનખરનાં જંગલોમાં મધ્ય સ્તરમાં થાય છે. તેની છાલ ઊભી તિરાડોવાળી અને ભૂખરા રંગની અને અંદરની તરફ આછી ગુલાબી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિખંડી, હૃદયાકાર, ઊંટના પગ જેવાં, પહોળાં અને ઉપ-ચર્મિલ (sub-coriaceous) હોય છે. આછાં જાંબલી પુષ્પો કે ટૂંકા પુષ્પવિન્યાસદંડ પર તોરા(corymb)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી (legume), લાંબું, સખત, લીસું, સ્ફોટનશીલ અને 10થી 15 બીજવાળું હોય છે.
તેનાં સુંદર પુષ્પો માટે આ વૃક્ષને ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેનાં બીજ એક હરોળમાં વાવવામાં આવે છે. તે માટે મૃદા (soil) પોચી બનાવાય છે. ત્યારબાદ નિયમિત પાણી આપવામાં આવે છે અને અપતૃણોનો નાશ કરવામાં આવે છે.
આ વૃક્ષને વનસ્પતિભક્ષી (phytophagus) ઇતરડી (Eutetranychus uncatus) દ્વારા નુકસાન થાય છે. તેના પર વાંદો (Dedrophthoe falcata) નામની અર્ધપરોપજીવી વનસ્પતિ પણ થાય છે; જેનું નિયંત્રણ ડીઝલ ઑઇલ દ્વારા કરી શકાય છે.
તે સારા ચારા તરીકે ઉપયોગી છે. આ ચારો પચનીય (digestible), ચયાપચનીય (metabolisable) અને તેની ચોખ્ખી ઊર્જા અનુક્રમે 2466.3, 2056.3 અને 1102.5 કિલોકે. / કિગ્રા. છે. પર્ણોનું શુષ્ક વજનને આધારે થયેલું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 41.7 %, અશુદ્ધ પ્રોટીન 15.6 %, ઈથર-નિષ્કર્ષ 1.95 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 40.36 %, કુલ કાર્બોહાઇડ્રેટ 72.36 %, અશુદ્ધ રેસો 32.0 %, ઍમાઇડ 2.82 % અને કુલ ભસ્મ 10.1 %, કૅલ્શિયમ 2.7 %, ફૉસ્ફરસ 0.25 %, Na2O 0.45 % અને K2O 0.9 %. પચનીય પ્રોટીન અને સ્ટાર્ચના તુલ્યાંકો (equivalents) અનુક્રમે 3.58 % અને 14.3 % છે. પર્ણો પ્રજીવક ‘સી’ ધરાવે છે. તેઓ વિપુલ પ્રમાણમાં અપચાયક શર્કરાઓ (reducing sugars) ધરાવે છે અને રેશમના કીડા(Antheraea mylitta)ના તંદુરસ્ત વિકાસ માટે સારું પોષણકીય મૂલ્ય ધરાવે છે. પ્રકાંડમાં β-સિટોસ્ટેરોલ, લ્યુપિયોલ, કૅમ્ફેરોલ-3-ગ્લુકોસાઇડ અને 5, 7 ડિહાઇડ્રૉક્સિ-, અને 5, 7-ડાઇમિથૉક્સિ ફ્લેવેનોન-4-O-α-L-રહેમ્નોપાયરેનોસિલ-β-D-ગ્લુકોપાયરોનોસાઇડ હોય છે.
મૂળ વાતહર (carminative) હોય છે અને અર્જીણ (dyspepsia) તથા વાયુવિકાર(flatulence)માં ઉપયોગી થાય છે. તેનો ક્વાથ સ્થૂળતા(obesity)ને અવરોધે છે. તેની છાલ કૃમિહર (anthelmintic), બલ્ય (tonic) અને સંકોચક (astringent) હોય છે. તે ચાંદાં (scrofula), કુષ્ઠ (leprosy) અને ત્વચાના રોગોમાં ઉપયોગી છે. છાલનો ક્વાથ મરડામાં લેવાય છે. પુષ્પો અને પુષ્પકલિકાઓ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. પુષ્પકલિકાઓનું અથાણું બનાવવામાં આવે છે. પુષ્પો(ખાદ્ય ભાગ 87.0 ગ્રા./100 ગ્રા.)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 78.9 %, પ્રોટીન 1.8 %, મેદ 0.2 %, રેસો 1.3 %, કાર્બોહાઇડ્રેટ 17.8 % અને ભસ્મ 1.3 %; કૅલ્શિયમ 70.1 મિગ્રા., ફૉસ્ફરસ 74.2 મિગ્રા., લોહ 6.1 મિગ્રા./100 ગ્રા. અને કૅલરી-મૂલ્ય 54 કિલોકૅલરી/100 ગ્રા.. શુષ્ક કલિકાઓનો ઉપયોગ અતિસાર (diarrhoea) અને મરડો, કૃમિ, મસા અને અર્બુદ(tumor)માં થાય છે. કલિકાઓનો ક્વાથ કફ, મસા, રક્તમેહ (haematuria) અને અત્યાર્તવ(menorrhagia)માં થાય છે. પુષ્પો રેચક (laxative) હોય છે. આછાં જાંબલી પુષ્પોમાં સાયનિડિન-3-ગ્લુકોસાઇડ, માલ્વિડિન-3-ગ્લુકોસાઇડ, માલ્વિડિન-3-ડાઇગ્લુકોસાઇડ, પિયોનિડિન-3-ગ્લુકોસાઇડ, પિયોનિડિન-3-ડાઇગ્લુકોસાઇડ ધરાવે છે; જ્યારે સફેદ પુષ્પો કૅમ્ફેરોલ-3-ગેલેક્ટોસાઇડ અને કૅમ્ફેરોલ-3-ર્હેમ્નોગ્લુકોસાઇડ ધરાવે છે.
ફળમાં પાણી 75 %, પ્રોટીન 5.2 %, ઈથર-નિષ્કર્ષ 0.4 %, કુલ કાર્બોહાઇડ્રેટ 17.6 %, રેસો 2.8 %, ભસ્મ 1.8 % અને ઊર્જા 84 કિ.કૅલરી હોય છે. બીજનું પેટ્રોલિયમ ઈથર દ્વારા નિષ્કર્ષણ કરતાં આછા પીળા રંગનું તેલ (16.5 %) ઉત્પન્ન થાય છે.
આ વનસ્પતિને ઍન્ટી-N-એગ્લુટિનિનનો સારો સ્રોત હોવાનું માનવામાં આવે છે.
છાલમાંથી રેસા ઉત્પન્ન થાય છે. તેનો ઉપયોગ રંગકામ અને ચર્મશોધનમાં થાય છે. પર્ણોનો બીડી બનાવવામાં ઉપયોગ થાય છે. તેનું કાષ્ઠ ભૂખરું બદામી અને મધ્યમસરનું સખત (વજન 704 કિગ્રા./મી3) હોય છે. કાષ્ઠનો ઉપયોગ કૃષિનાં ઓજારો બનાવવામાં અને બળતણ (ભેજમુક્ત કૅલરીમૂલ્ય – 4791 કિ.કે.) તરીકે થાય છે.
આયુર્વેદ અનુસાર રાતો કચનાર શીતળ, સારક, અગ્નિદીપક, તૂરો અને ગ્રાહક છે. તે કફ, વ્રણ, કૃમિ, ગંડમાળ, રક્તપિત્ત, કોઢ, વાયુ તથા ગુદભ્રંશનો નાશ કરે છે. તેનાં પુષ્પ શીતળ, તૂરાં, રુક્ષ, ગ્રાહક, મધુર અને લઘુ હોય છે અને પિત્તક્ષય, પ્રદર, ઉધરસ, ક્ષત, પ્રદર અને રક્તવિકારનો નાશ કરે છે. પીળો કચનાર ગ્રાહક, દીપક, વ્રણરોપણકારી અને તૂરો છે. તે મૂત્રકૃચ્છ્ર, કફ અને વાયુનો નાશ કરે છે. તેનો ગંડમાળ અને કફથી થયેલા વાળા ઉપર ઉપયોગ કરવામાં આવે છે.
Bauhinia પ્રજાતિની અન્ય જાતિઓમાં B. purpurea L. (હિં. ખીરવલ) છે. તે ગુજરાતનાં પાનખરનાં જંગલોમાં થાય છે. તેનાં પુષ્પો મોટાં અને જાંબલી રંગનાં હોય છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. B. alba સફેદ પુષ્પો ધરાવતી જાતિ છે. B. tomentosa પીળા રંગનાં પુષ્પો ઉત્પન્ન કરે છે અને તેનો પૂજાપામાં ઉપયોગ થાય છે. તે ગિરનાર અને બરડાના ડુંગર પર, સર્ણેશ્વર અને વીરેશ્વર પર મળે છે. તેને પીળો કાસુંદરો પણ કહે છે. B. racemosa આછા પીળા રંગનાં પુષ્પો ધરાવે છે. તેને આસીતરો અથવા ઝીંઝવો પણ કહે છે. જ્હૉન અને કૅસ્પર બોહિન નામના જોડિયા ભાઈઓ પરથી સોળમી સદીમાં આ પ્રજાતિનું નામ બોહિનીઆ આપવામાં આવ્યું હતું.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ