નિર્ણય-પ્રક્રિયા (decision making)
January, 1998
નિર્ણય-પ્રક્રિયા (decision making) : કંપનીના સંચાલનને લગતાં વિવિધ પાસાંઓ અંગે પ્રવર્તમાન સંજોગોમાં વિવેકપૂર્ણ/બુદ્ધિગમ્ય નિવેડો લાવવાની પ્રક્રિયા. સંચાલનની કાર્યક્ષમતા તથા અસરકારકતા નિર્ણયપ્રક્રિયાના પોત ઉપર આધાર રાખે છે. સંચાલનપ્રક્રિયાના દરેક કાર્યનો આધાર તે વિશેના નિર્ણયો કોણે, ક્યારે, કેવી રીતે અને કઈ બાબતોના સંદર્ભમાં લીધા તેના ઉપર છે. નિર્ણયઘડતરની ગુણવત્તા નિર્ણય ઘડનાર ઘટકો, નિર્ણય લેતી વખતે પ્રવર્તમાન સંજોગો, નિર્ણય લેવાની પ્રચલિત પદ્ધતિઓ અને સાધનો તેમ જ પ્રણાલીઓની આંતરક્રિયા ઉપર અવલંબે છે. નિર્ણય ઘડનારનો અભિગમ, પર્યાવરણ પ્રત્યે તેમની સંવેદનશીલતા, આંતરિક સંજોગોનું તર્કસંગત આકલન, સંખ્યાત્મક અને ગુણાત્મક વિગતોના વિશ્લેષણ દરમિયાન અપનાવવાની પદ્ધતિઓ અને પ્રથાઓ નિર્ણયના સ્વરૂપનું પોત નક્કી કરે છે. આ પોત જેટલે અંશે હકીકતો, મૂલ્યો અને સંવેદનાને પરાવર્તિત કરે તેટલા અંશે નિર્ણયમાં વ્યવહારદક્ષતા અને વાસ્તવિકતાનો અંશ વધારે રહે છે. નિર્ણયઘડતરની પ્રક્રિયા ખરેખર તો નિર્ણય લેનારના મનમાં ચાલતી એક પ્રકારની ગૂઢ કસરત છે. અનેક પ્રકારના ઉપલબ્ધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કાર્ય ખરેખર તો બૌદ્ધિક કાર્ય છે. આ કાર્ય કમ્પ્યૂટરની મદદથી કર્યું હોય છતાં પણ કમ્પ્યૂટર બનાવનારની બુદ્ધિનો તેમાં ઉપયોગ કર્યો હોવાથી તે બૌદ્ધિક કાર્ય જ ગણાય છે.
નિર્ણયઘડતર એ નિર્ધારિત દિશામાં વિચાર કરવાનું કાર્ય છે. આ વિશેષ વિચારકાર્ય કેવું હોવું જોઈએ અને તે કેવી રીતે કરવું જોઈએ તેના આદર્શનું નિરૂપણ કરવું શક્ય બન્યું છે. નિર્ણય લેનાર નિર્ણય કેવી રીતે કરે છે તેની તપાસ થઈ શકતી હોવાથી આ આદર્શનું નિરૂપણ સરળ બન્યું છે. તે હવે કલ્પના કે તાત્વિક ચર્ચાને આધારે નહિ પણ અનુભવજન્ય જ્ઞાનને આધારે શક્ય બન્યું છે.
નિર્ણયઘડતર એક પડકારરૂપ પ્રક્રિયા છે. પડકારરૂપ ગણાય તેવી જુદી જુદી પરિસ્થિતિઓમાં નિર્ણયો કેવી રીતે લેવા તેનું વિજ્ઞાન હવે વિકસ્યું છે. ઇ. ડબલ્યુ. બેક વ્યવસ્થાતંત્રમાં નિર્ણય ઘડતરની પ્રક્રિયા તરીકે આ પ્રમાણેનાં શ્રેણીબદ્ધ કાર્યો સૂચવે છે : (1) સમસ્યાના અસ્તિત્વ વિશે સભાનતા કેળવવી. (2) સમસ્યાનાં વિવિધ પાસાંઓની જાણકારી વધારવા સંબંધકર્તા વિગતોની ખોજ કરવી. (3) આ ખોજ દરમિયાન સમસ્યાના વિવિધ ઘટકો પાડવા. (4) તેને સરળ સ્વરૂપે જોવી. (5) વિકલ્પો નક્કી કરવા ખોજ ચલાવવી. (6) વિકલ્પોનું મૂલ્યાંકન કરવું, (7) નિર્ણય લેવો. (8) નિર્ણયના અમલ માટે સાધનોને દોરવણી આપવી. (9) સમસ્યાના ઉકેલ માટે સક્રિય પગલાં લેવાં, (10) ઉકેલનાં પગલાંઓનું તારણ મેળવવું અને (11) સમસ્યાના ઉકેલ-મૂલ્યાંકનની પ્રક્રિયા સમાપ્ત કરવી.
જોકે નિર્ણયઘડતર માટે માનસિક પ્રક્રિયા, બુદ્ધિયુક્તતાનું તત્વ, ગણિતના ઉપયોગને અવકાશ, વાસ્તવિક પરિસ્થિતિલક્ષી અભિગમ, વગેરે બાબતોને ગણતરીમાં લેતાં તેની અસરકારક પ્રક્રિયા કેવી હોવી જોઈએ તેનો આદર્શ સ્થાપી શકાય છે.
રોહિત ગાંધી