નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું અને તેના પ્રથમ તંત્રી હતા પ્રબોધ ચોકસી. સંપાદનકાર્યમાં તેમને મધુ રાયની મદદ હતી.
1968થી માંડીને 1997ની સાલ સુધીમાં ‘નિરીક્ષક’ ઠીક ઠીક મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું. પહેલા વર્ષને અંતે પ્રબોધ ચોકસી તંત્રીપદેથી છૂટા થયા તે પછી સુરેન્દ્ર કાપડિયા, રઘુવીર ચૌધરી, મનહર મોદી, જયન્ત પંડ્યા અને પ્રકાશ ન. શાહે તેનું સંપાદનકાર્ય સંભાળ્યું.
આ ગાળામાં ‘નિરીક્ષક’ના બીજા બે અવતારો થયા. પ્રારંભ કરનાર પ્રકાશ પબ્લિકેશન્સ લિ.ને મોટી ખોટ થવાને કારણે સમેટાઈ જવું પડ્યું. તેમ છતાં મૂળ સ્થાપકો આ સામયિક બંધ પડે એમ ઇચ્છતા ન હતા. તેથી પ્રકાશ પબ્લિકેશન્સ લિ.ના વિધિસર વિસર્જન પછી અનુપમ ટ્રસ્ટે તેના પ્રકાશનની જવાબદારી માથે લીધી. ખોટ પૂરવાના સુગ્રથિત પ્રયત્નો ન થતાં પ્રકાશનનું કામ મુશ્કેલ બનતું જતું હતું. અનુપમ ટ્રસ્ટ માટેય તેને પહોંચી વળવાનું દુષ્કર હતું. આવી સ્થિતિમાં 21 નવેમ્બર, 1985ના રોજ ‘નિરીક્ષક’ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. પરંતુ પુણેમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મિત્રોએ એને ફરી ચાલુ કરવાનો આગ્રહ કર્યો અને લગભગ 28 જેટલાં પ્રતિષ્ઠિત સજ્જનો-સન્નારીઓના નામથી ફાળા માટે જાહેર અપીલ થઈ. આને પરિણામે થોડા વખતમાં દોઢેક લાખ રૂપિયાનું ભંડોળ થયું અને 1 જાન્યુઆરી, 1987થી ‘નિરીક્ષક’ સાપ્તાહિકમાંથી પાક્ષિક થઈને પ્રગટ થવા માંડ્યું. નવા સંદર્ભમાં ‘નિરીક્ષક’ ફાઉન્ડેશનની રચના થઈ અને તેના ટ્રસ્ટીઓ તરીકે મનુભાઈ પંચોળી, યશંવત શુક્લ, જયન્ત પંડ્યા (મંત્રી), ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, અમૃતલાલ યાજ્ઞિક, નાનુભાઈ અમીન, લલ્લુભાઈ મકનજી અને પ્રકાશ ન. શાહે જવાબદારી સંભાળી. એમાંથી આજે હવે પ્રકાશ ન. શાહ જ રહ્યા છે. અન્ય ટ્રસ્ટીઓ દિવંગત થયા છે. તેમની સાથે રમેશ બી. શાહ એક ટ્રસ્ટી છે.
આ ચઢાવ-ઉતારમાં ‘નિરીક્ષક’ની સામગ્રીમાં ફેરફાર થતા રહ્યા હોવા છતાં એકંદરે એ તેના પ્રાંરભના સંકલ્પને વફાદાર રહીને ચાલે છે. ‘નિરીક્ષક’ના તંત્રી તરીકે 12 વર્ષની કામગીરી જયન્ત પંડ્યાએ વહન કર્યા પછી, 1992થી પ્રકાશ ન. શાહ તંત્રીપદ સંભાળે છે.
જયન્ત પંડ્યા