નારાયણ ગુરુ (જ. 20 ઑગસ્ટ 1854, ચેમ્પાઝન્તી; અ. 20 સપ્ટેમ્બર 1928, બરકમ) : કેરળમાં થઈ ગયેલા સમાજ-સુધારક સંત. તિરુવનંતપુરમથી 11 કિલોમીટરના અંતરે આવેલા ચેમ્પાઝન્તી ગામે ડાંગરના ખેતરમાં સાંઠાઘાસની ઝૂંપડીમાં એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા કેરળની મલયાળમ તથા સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી આસપાસના લોકો ઉપચાર માટે તેમની પાસે આવતા. આવા સંસ્કારી વાતાવરણમાં હોવાથી બાળક નારાયણ, જેને લોકો લાડમાં ‘નાણુ’ કહેતા, તેનામાં વિદ્યા પ્રત્યે અભિરુચિ જાગી; પણ, તેમની બાળવયમાં માતાનું અવસાન થવાથી તથા શિક્ષણની સુવિધા અપૂરતી હોવાથી ઔપચારિક શિક્ષણમાં તેમનું મન લાગ્યું નહિ. એટલે નાણુએ રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે રહી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમાં તેમણે તમિળ ભાષા, સંસ્કૃત ભાષા અને વેદાન્તનું અધ્યયન 1876થી 1879નાં ત્રણ વર્ષમાં પૂરું કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું તથા અન્ય શિક્ષણ પણ મેળવ્યું. વેદાન્તના અભ્યાસથી નાણુમાં વિરક્તિનો ભાવ જાગ્યો. આ જ ગાળામાં તેમનો ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અટ્યુવૂ નામના બે યોગીઓ સાથે ભેટો થયો. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં નારાયણે ઘોર તપસ્યા કરી. તપસ્યા સંપન્ન કર્યા પછી તેમણે સમાજજીવનનું નિરીક્ષણ કરવાના ઉદ્દેશથી તમિળનાડુ તથા કેરળના વિવિધ પ્રદેશોની યાત્રા કરી.
તે કાળે અસ્પૃશ્યોની દશા કપરી હતી. નારાયણ ગુરુએ પોતે ત્રીસ વર્ષ સુધી કષ્ટો વેઠ્યાં હતાં. આ પરિસ્થિતિનો અજુગતો લાભ લઈ ખ્રિસ્તી અને મુસલમાન પ્રચારકો મોટા પાયે વટાળપ્રવૃત્તિ ચલાવતા હતા. કોળી અને નારાયણ ગુરુની એળુવા જાતિ પણ ખ્રિસ્તી ધર્માન્તર ભણી વળી હતી. આ જોઈને નારાયણ ગુરુને દુ:ખ થયું. તેમણે ભારત-ભ્રમણનો વિચાર પડતો મૂકી સમાજસુધારણાનું કાર્ય કરવા વિચાર્યું. આ પૂર્વે 1882માં લગ્નનું વાગ્દાન ફોક કર્યું. બે વર્ષ પછી પિતાનું પણ અવસાન થતાં ગૃહત્યાગ કરી પરિવ્રાજક થયા. અસ્પૃશ્યતાને કારણે નબળા વર્ગને સહેવાં પડતાં કષ્ટોના નિવારણની દિશામાં પહેલું કાર્ય તેમણે તેમના માટે ધર્મસ્થાન કે મંદિરનું નિર્માણ કરવાનું કર્યું. તિરુવનંતપુરમથી 40 કિમી. જેટલા અંતરે આવેલા અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીને કાંઠે શિવલિંગની પ્રતિષ્ઠા કરી અને 1888માં શિવાલય બંધાવ્યું. ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. અહીં તેમણે સૌને કશા ભેદભાવ વિના પ્રવેશ સુલભ કરી આપ્યો. પ્રતિદિન ધ્યાન-ધારણા, પાઠ-પૂજા તથા પ્રવચન-વ્યાખ્યાન ઉપરાંત દરિદ્રજનોની સેવાનું કાર્ય પણ ઉપાડ્યું. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન અપાયું. પોતે આયુર્વેદના જ્ઞાતા હોવાથી ચિકિત્સા અને ઔષધિ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી. તેમની આ નિષ્કામ સેવાથી તેઓ લોકોની હાર્દિક ચાહના પામ્યા. ત્યારે મંદિર શિક્ષણ અને આરોગ્ય જેવી સમાજસેવાનું સ્થળ હતું. તે સંસ્કાર-ઘડતરનું સ્થળ હતું. નારાયણ ગુરુએ ઠેરઠેર મંદિરો બંધાવી આ પ્રવૃત્તિને વેગ આપ્યો. મઠ પણ સ્થાપ્યા. તેમણે અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ આપી. 1894માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન્ જોડાયા. આગળ જતાં તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. 1897માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશશતકમ્’ની રચના કરી. નબળા વર્ગોમાં મદિરાપાન તથા પશુબલિની પ્રથાઓ હતી. નારાયણ ગુરુએ લોકોને સમજાવીને આ દુષ્કર્મોનો ત્યાગ કરાવ્યો. ‘સદાચાર એ જ સાચો ધર્મ છે’ તેમણે ઘોષણા કરી. તેમની લોકાભિમુખી સેવાપ્રવૃત્તિ વટાળપ્રવૃત્તિને મંદ પાડવામાં સફળ થઈ. 1903માં શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ્ નામની સંસ્થા સ્થપાઈ. નારાયણ ગુરુ તેના પ્રમુખ થયા. કુમારન્ આશન્ મંત્રી બન્યા. 1904માં ગુરુએ વરકલામાં શિવગિરિ મઠની સ્થાપના કરી. ચાર વર્ષ પછી તેલ્લિચેરીમાં જગન્નાથ મંદિર અને 1910માં કોઝિકોડ તથા મગલોરમાં મંદિરો સ્થાપ્યાં. તેમની આ પ્રવૃત્તિ વિસ્તરતી ચાલી. 1913માં આદિ શંકરાચાર્યના જન્મસ્થાન કાલડી નિકટ આળવે ગામે અદ્વૈતાશ્રમની સ્થાપના કરી, બીજે જ વર્ષે ગુરુના સંસ્કૃત ગ્રંથ ‘દર્શનમાલા’નું પ્રકાશન થયું. આ ઉપરાંત, ગુરુએ સંસ્કૃત તથા મલયાળમમાં બીજું ઉપયોગી લેખન-પ્રકાશન કર્યું. શ્રીલંકાની યાત્રા કરી. ધર્મપરિષદો બોલાવી. તેમની પ્રવૃત્તિની સુવાસથી આકર્ષાઈ 1922માં કવિવર રવીન્દ્રનાથ ઠાકુર શિવગિરિ આશ્રમમાં ગુરુને મળવા આવ્યા. 1925માં મહાત્મા ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધી. આ સમયે બ્રહ્મવિદ્યામંદિરનું ખાતમુહૂર્ત કરાયું. પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવા તથા ઉચિત વ્યવસ્થા ગોઠવવા ગુરુએ ફરી સિત્તેર વર્ષની વયે દેશાટન કર્યું.
જીવનના અંતિમ વર્ષ સુધી ગુરુ પ્રવૃત્તિશીલ રહ્યા. 1928માં તેમણે શ્રી નારાયણ ધર્મસંઘ ન્યાસની રચના કરી. ઉત્તરાધિકાર વિશે સૂચનાઓ લખાવી. હવે દેહ કષ્ટ સહી શકે તેમ નહોતો. મૂત્રાશયમાં બગાડ થતાં ગુરુએ જીવનલીલા સંકેલી લેવાનું સ્વીકાર્યું. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો.
તેમના અવસાન પછી, 1980માં શિષ્યોએ ગુરુ ધર્મપ્રચરણ સભાની રચના કરી. શિવગિરિમાં વડું કાર્યાલય રાખી દેશનાં વિવિધ સ્થળોએ ગુરુનો ઉપદેશ પ્રસારવાનું કાર્ય કર્યું. 1983માં ગુજરાતમાં અમદાવાદમાં કેન્દ્ર સ્થપાયું. ગુરુની કૃતિઓ તથા તેમનું ચરિત્ર ગુજરાતીમાં મળે છે.
બંસીધર શુક્લ