નાયકપ્રભેદો : રૂપકનું ફળ લઈ જનારા, અર્થાત્ નાયક તરીકે ઓળખાતા મુખ્ય પાત્રના પ્રકારો. તે નીચે પ્રમાણે છે :
(1) સ્વભાવભેદથી નાયકના ચાર પ્રકાર છે :
ધીરોદ્ધત : શૂરવીર, ગર્વિષ્ઠ, કૂટનીતિકુશળ અને આત્મશ્લાઘી.
ધીરોદાત્ત : ગંભીર, ન્યાયી, ક્ષમાશીલ અને સ્થિરપ્રકૃતિયુક્ત.
ધીરલલિત : વિલાસપ્રિય, નિશ્ચિંત અને મૃદુ સ્વભાવનો.
ધીરશાન્ત : વિનમ્ર, નિરહંકારી અને વિનયશીલ.
(2) નાયિકા પ્રત્યે તેના વર્તન અનુસાર પુન: ચાર પ્રકાર છે :
અનુકૂલ : એક જ નાયિકામાં અનુરક્ત.
દક્ષિણ : એકથી વધારે પત્ની કે પ્રેયસી પ્રત્યે અનુરાગ હોવા છતાં સર્વ પ્રત્યે સમાન વ્યવહાર રાખી શાલીનતા દર્શાવનાર.
શઠ : નવીન પ્રેમની વાત પ્રથમ પત્નીથી છુપાવનાર.
ધૃષ્ટ : નિર્લજ્જ. પત્ની પાસે પોતાના અન્ય પ્રેમની વાત છુપાવતો નથી, પણ તેની જાહેરાત થાય તો પોરસાય છે. આવા નાયક ઘણું કરીને ભાણ, પ્રહસન જેવાં એકાંકી રૂપકોમાં મળી આવે છે.
ઉપરના (1) અને (2) મળી નાયકના કુલ 16 પ્રકારો થાય છે.
(3) ગુણ અને વૃત્તિની દૃષ્ટિએ નાયકના ત્રણ પ્રકાર પડે છે : ઉત્તમ, મધ્યમ અને અધમ.
(4) જન્મની દૃષ્ટિએ પણ તેના ત્રણ પ્રકાર છે : દિવ્ય (દેવતા), અદિવ્ય (મનુષ્ય) અને દિવ્યાદિવ્ય (મનુષ્યના રૂપમાં દેવતા).
(1) થી (4) મળી નાયકના કુલ 144 પ્રકાર થાય છે. રૂપકના જુદા જુદા પ્રકારોમાં પણ જુદા જુદા પ્રકારના નાયકો હોવાનો નાટ્યદર્પણ જેવા ગ્રંથોમાં નિર્દેશ છે. તે પ્રમાણે ‘નાટક’નો નાયક પ્રસિદ્ધ કુળમાં જન્મેલો, ઉત્તમ ગુણોથી યુક્ત અને ધીરોદાત્ત એવો રાજા હોય છે. ક્યારેક તે ધીરશાન્ત પણ હોય છે.
‘પ્રકરણ’નો નાયક પ્રાય: વણિક કે વિપ્ર હોય છે. તે ઘણું કરીને ધીરશાન્ત હોય છે, પણ તે ધીરોદાત્ત પણ હોઈ શકે છે. ‘વ્યાયોગ’નો નાયક કોઈ અદિવ્ય રાજા હોય છે. ‘સમવકાર’ના નાયકો ઉદાત્ત ગુણોવાળા દેવ અને દાનવ હોય છે. જોકે ‘સાહિત્યદર્પણ’માં ધીરોદાત્ત દેવ અને મનુષ્યને પણ નાયક તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ‘ભાણ’ અને ‘પ્રહસન’માં અધમ કોટિના નાયકો જોવા મળે છે. ‘ડિમ’ અને વ્યાયોગમાં ધીરોદ્ધત નાયક હોય છે. ‘ઉત્સૃષ્ટિકાઙક’માં મનુષ્ય જ નાયક હોય છે. ‘ઈહામૃગ’નો નાયક દિવ્ય હોય છે, જ્યારે ‘વીથિ’માં સર્વપ્રકારના નાયકો હોઈ શકે છે.
આમ છતાં પણ ‘નાટક’, ‘પ્રકરણ’ વગેરે પ્રશિષ્ટ રૂપકપ્રકારોમાં ઉત્તમ કોટિના નાયક જ હોય છે. તેનામાં નીચેના આઠ સાત્વિક ગુણો અપેક્ષિત છે :
તેજ, વિલાસ, માધુર્ય, શોભા, સ્થૈર્ય, ગાંભીર્ય, ઔદાર્ય અને લાલિત્ય.
‘નંજરાજ યશોભૂષણ’ના કર્તા અભિનવ કાલિદાસના મત અનુસાર નાટકમાં જે પ્રધાન રસ હોય તેને અનુરૂપ નાયક હોવો જોઈએ; જેમ કે શૃંગારરસપ્રધાન નાટક અને નાટિકાનો નાયક અનુરાગપૂર્ણ, વિલાસપ્રિય, કલામર્મજ્ઞ અને કામશાસ્ત્રમાં નિપુણ હોય; જ્યારે વીરરસપ્રધાન નાટકનો નાયક વીર, તેજસ્વી, સ્વાભિમાની અને યુદ્ધમાં ઉત્સાહપૂર્ણ હોય વગેરે.
નાયકના ગુણો અનુસાર સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ પ્રકારો પણ કેટલાકે માન્યા છે. વળી કામશાસ્ત્ર અનુસાર (1) દત્ત, (2) ભદ્ર, (3) પાંચાલ અને (4) કૂચિમાર એવા નાયકના ચાર પ્રકારો ગણાયા છે. નાયકની સામે પડેલો પ્રતિનાયક કે ખલનાયક, નાયકથી સહેજ નાનો અને ઓછા ગુણોવાળો અનુનાયક, નાયકના કેટલાક ગુણ વગરનો ઉપનાયક અને નાયકના ગુણો વગરનો આભાસનાયક એવા પ્રકારો ‘મંદારમકરંદચંપૂ’માં આપ્યા છે. પતાકા ગૌણ વસ્તુઓનો નાયક પતાકાનાયક કહેવાય છે.
વસંત પરીખ