નાના ફડનવીસ (જ. 12 ફેબ્રુઆરી 1742, સાતારા; અ. 13 માર્ચ 1800, પુણે) : મરાઠા રાજ્યનો છેલ્લો મુત્સદ્દી અને દીર્ઘદૃષ્ટિવાળો નેતા. તેમનું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. એમણે દસ વર્ષ સુધી માધવરાવ 1લાના સમયમાં નાણાખાતાના અધિકારી તરીકે કામ કર્યું હતું. ફડનવીસ એટલે રાજ્યની આવક અને ખર્ચ ઉપર દેખરેખ રાખનાર અધિકારી. નાણાકીય વ્યવસ્થા અને આવકજાવકના હિસાબ રાખવામાં એ કુશળ હતા. તેને લીધે પેશવાના સમગ્ર વહીવટી તંત્ર ઉપર તેનો અંકુશ સ્થપાયો. તેઓ શારીરિક રીતે દુર્બળ હતા. એમનામાં લડાયક શક્તિનો અભાવ હતો. પરંતુ બુદ્ધિ, મુત્સદ્દીગીરી, વહીવટી આવડત અને દીર્ઘદૃષ્ટિમાં એમને કોઈ પહોંચી શકે તેમ ન હતું. દુશ્મનોની દાનત સમજીને તેને નિષ્ફળ બનાવવામાં તેઓ નિષ્ણાત હતા.
પેશવા માધવરાવ 1લાના અકાળ અવસાન પછીનાં 25 વર્ષના મરાઠા રાજકારણના તેઓ મુખ્ય સૂત્રધાર હતા. 1772માં માધવરાવ 1લાના અવસાન પછી તેમનો નાનો ભાઈ નારાયણરાવ પેશવા થયો. પરંતુ તેનો કાકો રાઘોબા તેનો વિરોધી હતો. રાઘોબા ઑગસ્ટ, 1773માં નારાયણરાવનું ખૂન કરાવીને પોતે પેશવા થયા. પરંતુ મરાઠા સરદારોને એ મંજૂર ન હતું. રાઘોબા પુણે છોડી નિઝામ અને હૈદરઅલી સાથે લડવા દક્ષિણમાં ગયો ત્યારે નાના ફડનવીસ, હરિપન્ત ફડકે, સખારામ, મહાદજી સિંધિયા, તુકોજી હોળકર વગેરે 12 નેતાઓએ રાઘોબાને પેશવાપદેથી દૂર કરીને રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લીધો. એ પછી નારાયણરાવની સગર્ભા પત્ની ગંગાબાઈએ પુત્રને જન્મ આપતાં તેનું નામ સવાઈ માધવરાવ રાખવામાં આવ્યું. 1774માં એને પેશવાપદે સ્થાપીને બાર ભાઈઓએ એના વતી વહીવટ ચલાવ્યો, જેમાં નાના ફડનવીસ અને મહાદજી સિંધિયા મુખ્ય હતા. નાના બાહોશ વહીવટકર્તા હતા તો મહાદજી બહાદુર સેનાની હતા.
સવાઈ માધવરાવ 1774થી 1795 સુધી પેશવાપદે રહ્યા. એ સમય દરમિયાન નાનાએ નિઝામ, હૈદરઅલી, ટીપુ, રાઘોબા, બાજીરાવ બીજો, અંગ્રેજો વગેરે સાથે ટક્કર લઈને મરાઠી રાજ્યને ટકાવી રાખ્યું. 1795માં ખરડાના યુદ્ધમાં નિઝામને સખત હાર આપી. એ અંગ્રેજોની સત્તાલાલસાને સમજી ગયા હતા અને તેથી તેમની જાળમાં ફસાયા ન હતા. જરૂર પડી ત્યારે તેણે મહાદજી સિંધિયાને ઉત્તર હિંદના પ્રદેશો જીતવામાં મદદ કરી હતી. 1794માં મહાદજીના મૃત્યુ પછી એનો પુત્ર દોલતરાવ સિંધિયા એનો વારસ બન્યો. 1795માં સવાઈ માધવરાવના અવસાન પછી 1796માં રાઘોબાનો પુત્ર બાજીરાવ બીજો પેશવા બન્યો. દોલતરાવ અને બાજીરાવ બીજાએ મળીને નાના ફડનવીસને ડિસેમ્બર, 1797માં કપટથી કેદ કર્યા, પરંતુ છ માસમાં જ એમને મુક્ત કરીને એમનું પદ પાછું આપવું પડ્યું. નાનાને આ અપમાનનો આઘાત લાગ્યો. એમની તબિયત બગડવા લાગી. એમને વારંવાર તાવ આવતો. પુણેમાં એમના ઘરની બાજુમાં જ રહેતા પેશવાના મહેલ સુધી એ ચાલીને જઈ શકતા નહિ. તેમના અવસાન પછી 1802માં પેશવા બાજીરાવ બીજાએ વસઈની સંધિ કરીને અંગ્રેજોની શરણાગતિ સ્વીકારી. એ સંધિથી મરાઠાઓની સ્વતંત્રતાનો અંત આવ્યો.
નાના ફડનવીસ ઊંચા, પાતળા અને સામાન્ય ગૌર વર્ણના હતા. તેમણે એક કરતાં વધુ પત્નીઓ કરી હતી, જેમાંથી 9નાં નામ મળે છે. તેમના મૃત્યુ સમયે તેમની છેલ્લી પત્ની જીવુબાઈ 9 વર્ષની હતી. તેમને પોતાને બ્રાહ્મણ હોવાનું અભિમાન હતું. હલકી જાતિના લોકો તરફ તેઓ તિરસ્કારથી જોતા. એક વાર એમણે પ્રભુ જાતિ(ckp)ના લોકોનું જાહેરમાં અપમાન કર્યું હતું. સત્તા અને સંપત્તિ ભોગવવાનો એમને શોખ હતો. તેમણે ખૂબ ધન એકઠું કર્યું છે એમ માનીને લોકોએ તેમનું નામ ‘નવ કોટ નારાયણ’ પાડ્યું હતું. 1772માં પેશવા માધવરાવ પહેલાના અવસાન પછી અનેક હરીફો વચ્ચે એમણે મરાઠી રાજ્યને ટકાવી રાખ્યું એ એમની સિદ્ધિ હતી. નાનાના નિધનથી, બ્રાહ્મણરાજનો તથા મરાઠા સરકારનાં શાણપણ અને વિવેકબુદ્ધિનો અંત આવ્યો. મરાઠા રાષ્ટ્રે ઉત્પન્ન કરેલ તે સૌથી છેલ્લા મુત્સદ્દી હતા.
મુગટલાલ પોપટલાલ બાવીસી