નાઝકી, એમ. ફારૂક [જ. 1940, માડર (બાંડીપુરા), કાશ્મીર] : કાશ્મીરી કવિ અને બહુભાષાનિષ્ણાત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નારહૈત્યુન કઝલ વનસ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમણે ઉર્દૂમાં એમ.એ.ની પદવી અને જર્મન ભાષામાં ડિપ્લોમા મેળવ્યાં. તે પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા. તેઓ ઉર્દૂ, કાશ્મીરી, ફારસી, હિંદી, અંગ્રેજી તથા જર્મન ભાષાના નિષ્ણાત છે. ‘મઝદૂર’ નામના દૈનિકના સંપાદક તરીકે તેમની કારકિર્દીનો આરંભ થયો. તેમણે રાજ્યના સચિવાલયમાં માહિતી-નિયામક તરીકે કામગીરી સંભાળી. જમ્મુ, શ્રીનગર અને લડાખ ખાતે આકાશવાણીના નિયામક તથા શ્રીનગર ખાતે દૂરદર્શન કેન્દ્રના નિયામકનું પદ પણ સંભાળ્યું.
1967થી તેમણે કાવ્યો લખવાની શરૂઆત કરી. તેમનાં 7 પુસ્તકોમાં ઉર્દૂ કાવ્યસંગ્રહ ‘કાશ્મીરી દસ્તકારિયાં’ અને ‘લફ્ઝ લફ્ઝ નવાહ’ તથા હિંદી કાવ્યસંગ્રહ ‘ગયે રુતોં કે સાથ’નો સમાવેશ થાય છે. જાહેર માધ્યમના ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન માટે તેમને 1994માં રાજ્ય સરકાર દ્વારા સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નારહૈત્યુન કઝલ વનસ’માં ગઝલો અને અન્ય (નઝ્મો)નો સમાવેશ થાય છે. તેમાં સંઘર્ષમય સાંપ્રત જીવનમાં માનવતાવાદ માટેની માર્મિક હિમાયત કરવામાં આવી છે. ભૂમિજાત મૂલ્યો પ્રત્યેની નિસબતની તેમજ અતીતની ઝંખનાની અભિવ્યક્તિ કરતું પદ્ય, આભાસ અને વાસ્તવિકતા વચ્ચેના વિરોધાભાસને પ્રત્યક્ષ કરતી વિશિષ્ટ અને સબળ કાવ્યરીતિના કારણે પ્રસ્તુત કૃતિ કાશ્મીરી કાવ્યસાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.
બળદેવભાઈ કનીજિયા