નળાખ્યાન (1686) : મધ્યકાલીન ગુજરાતી કવિવર પ્રેમાનંદરચિત આખ્યાન. મૂળ મહાભારતના આરણ્યક પર્વમાંના નલોપાખ્યાનના કથાવસ્તુનો મધ્યકાલીન જૈન કવિઓએ ઉપયોગ કર્યા પછી આખ્યાન રૂપે જૈનેતર કવિઓમાં ઈસવી સનની પંદરમી સદીના ઉત્તરાર્ધથી સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન થઈ ગયેલા ભાલણે તેનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. પોતાના 30 કડવાંના ‘નળાખ્યાન’માં એણે જણાવ્યા પ્રમાણે શ્રીહર્ષના ‘નૈષધીયચરિત’ અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’માંથી કેટલુંક સ્વીકાર્યું છે અને છતાં એ વફાદાર તો રહ્યો છે ‘મહાભારત’માંના કથાવસ્તુને. એના પછી 1525માં નાકરે પણ ‘નળાખ્યાન’ની રચના કરી છે, જે હજુ અપ્રસિદ્ધ છે. પરંતુ ‘નળાખ્યાન’ની શ્રેષ્ઠતા સાથે તો પ્રેમાનંદનું જ નામ સંકળાયેલું છે. એણે ‘મહાભારત’ના નલોપાખ્યાનને પોતાની પ્રતિભાના બળે સ્વતંત્ર સંપૂર્ણ આખ્યાનરૂપ આપ્યું છે.

65 કડવાંના આ સુબદ્ધ આખ્યાનમાં પ્રેમાનંદે ‘મહાભારત’માંના કથાવસ્તુનું માળખું લઈ, ભાલણ વગેરેનાં આખ્યાનોની અસર ઝીલતાં ઝીલતાં મૂળમાં અનેક ફેરફારો કર્યા છે અને તેને તત્કાલીન ગુજરાતી ભાવક માટે ભોગ્ય બનાવ્યું છે; એટલું જ નહિ, એક ઉત્તમ સર્જકની હેસિયતથી એમાં રસિક સર્વકાલીનતા પણ ભરી છે.

કૈલાસ ગયેલો અર્જુન ઘણો કાળ વીત્યો છતાં પાછો ફર્યો નથી તે ઘટનાથી વિરહાકુલ યુધિષ્ઠિર ત્યાં આવી ચડેલા બૃહદશ્વ મુનિના પગ તળાંસતાં તળાંસતાં આંસુ સારી બેસે છે અને તેના સ્પર્શથી ચોંકેલા મુનિ યુધિષ્ઠિરની વેદનાનું કારણ પૂછે છે. યુધિષ્ઠિર ભ્રાતૃવિરહની વાત કરે છે ત્યારે તેમના વિકલ હૈયાને શાતા આપવા નળ અને દમયંતીની કથા મુનિ માંડે છે.

નૈષધના સૂર્યવંશી રાજા વીરસેનનો પુણ્યશ્લોક પુત્ર નળ સુંદર, શીલવાન અને સદગુણી છે. ચોમેર એની રાજસત્તાનો પ્રતાપ પથરાયો છે, પણ હજુ તે અવિવાહિત છે. અનેક કન્યાઓનાં માગાં આવતાં હતાં, પરંતુ નળના મનમાં કોઈ કન્યા વસતી નહોતી. એવામાં મહર્ષિ નારદે ભીમકતનયા દમયંતીની રૂપકથા નળને કરી અને નળ દમયંતીથી આકર્ષાયો. નારદ તો પછી ચાલ્યા ગયા. નળના હૃદયમાં દમયંતીનો વિરહ તીવ્ર બન્યો અને તે તેને શમાવવા વનમાં નીકળી પડ્યો. ત્યાં એક અલૌકિક હંસ નજરે પડતાં નળ તેના પ્રતિ લોભાયો અને ઊંઘતા હંસને એણે ઝાલ્યો. હંસને આમ પકડાયેલો જોઈ તેની અનેક હંસીઓએ આક્રંદ માંડ્યું. હંસ પોતે હંસીઓને મળીને પાછો આવતો રહેશે એવું વચન નળને આપી, હંસીઓને મળી, વચન પાળવા પાછો નળ પાસે આવી પહોંચ્યો. નળ તેને લઈ પોતાના નગરમાં આવ્યો ત્યારે લોકો આશ્ચર્યમુગ્ધ બની ગયા. પ્રાસાદના ઉદ્યાનમાં નળ અને હંસ આનંદથી દિવસો પસાર કરતા હતા ત્યાં એક વાર હંસે પોતાની પત્નીના વિરહની વાત કરી. બસ, આ સાંભળતાં જ નળને દમયંતી યાદ આવી ગઈ. હંસ નળની વેદના પારખી ગયો. એણે નળનું દૂતત્વ સંભાળ્યું અને દમયંતી પાસે નળના રૂપની પ્રશંસા કરી. દમયંતી નળ પ્રતિ આકર્ષાઈ અને આખરે એનો સ્વયંવર યોજાયો. પંચદેવો પણ નળનું સ્વરૂપ ધારણ કરીને દમયંતીને વરવા આવે છે. પ્રેમાનંદે પોતાની હાસ્યરસની સર્જકતા અહીં સુપેરે દાખવી છે. આખરે ચતુર દમયંતી અસલ નળને વરમાળા આરોપે છે. ત્યાં આવેલા દેવો દમયંતીને વરદાનો આપે છે અને અંતર્ધાન થઈ જાય છે.

આ તરફ નળદમયંતી સફળ ઘરસંસાર ખેડે છે; પરંતુ સ્વયંવરમાં નિરાશ થયેલો કલિ હવે નળની પાછળ પડે છે. નળના નગરમાં તે પ્રવેશ કરે છે અને એના શરીરમાં પણ આખરે પ્રવેશે છે. આ કારણે નળની મતિ અતિ વિપરીત બને છે. એ પિત્રાઈ ભાઈ પુષ્કર સાથે જુગાર ખેલે છે અને કપટી કલિ દ્યૂતના પાસામાં પ્રવેશી નળને હારને માર્ગે દોરી જાય છે.

રાજપાટ હારી બેઠેલો નળ દમયંતી સાથે વનમાં જાય છે. અહીં પણ કલિ એનો પીછો છોડતો નથી. ભૂખતરસથી ટળવળતાં નળદમયંતી એક જળાશય પાસે પહોંચે છે. નળ જળાશયમાંથી થોડાં માછલાં લાવીને દમયંતીના હાથમાં સાચવવા આપે છે. પરંતુ સ્વયંવરમાં દેવ તરફથી દમયંતીને ‘અમૃત સ્રવતા’ હાથનું વરદાન મળેલું તેનો પ્રેમાનંદ અહીં નાટ્યવક્રોક્તિ તરીકે આબાદ ઉપયોગ કરી લે છે. મૃત મત્સ્યો દમયંતીના હાથમાં મુકાતાં જ સજીવન બની પાછાં જળમાં જતાં રહે છે. નળ આવે છે ને જુએ છે તો દમયંતીના હાથમાં માછલાં નથી! દમયંતી સાચી વાત કહે છે, પણ નળ માનતો નથી અને ‘ક્ષુધાર્ત હોવાથી તું માછલાં ખાઈ ગઈ છે’ એવું આળ મૂકી ન બોલવાનાં વેણ બોલે છે. આખરે અઘોર અરણ્યમાં દમયંતીને અર્ધવસ્ત્રે એકલીઅટૂલી છોડીને ચાલ્યો જાય છે. જોકે આ ક્ષણે પણ નળ સંઘર્ષ તો અનુભવે જ છે.

વનમાં એકાકી રઝળતી રઝળતી અને અનેક સંકટો સહન કરતી કરતી છેવટે દમયંતી સગી માસીને ત્યાં પહોંચે છે. અહીં પહોંચતાં પૂર્વે લોલુપ વણજારાઓ, પારધી આદિ દ્વારા થતી રંજાડનો ભોગ બને છે, પણ પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉમદા શીલને પ્રતાપે દમયંતી કસોટીઓમાંથી પાર ઊતરે છે. એની અંતિમ કસોટી માસી ભાનુમતીને ત્યાં થાય છે. એકબીજાને અરસપરસ ન ઓળખી શકતાં હોય તેમ માસી-ભાણી થોડા દિવસો સાથે ગાળે છે. માસીને ત્યાં ભાણી ચાકરડી તરીકે રહેતી હોય છે. અહીં પણ કલિ પીછો છોડતો નથી. મસિયાઈ બહેન ઇન્દુમતી સ્નાન કરવા જાય છે ત્યારે પોતાનો કીમતી હાર ટોડલા પર મૂકીને જાય છે. ટોડલામાં પ્રવેશેલો કલિ હાર ગુમ કરે છે અને હારચોરીનું આળ દમયંતી પર આવે છે. સત્વ અને સત્યશીલ દમયંતી અત્યંત આર્દ્રભાવે પ્રભુને સ્મરે છે. ક્રૂર કલિ દમયંતીથી અહીં છેલ્લી વાર પરાભવ પામે છે. ટોડલો ફાટે છે અને કલિ નાસે છે. હાર ત્યાંથી જ મળી આવે છે ! દમયંતીની નિર્દોષતા પુરવાર થાય છે. પ્રેમાનંદે અહીં કરુણ અને અદભુતનું આબાદ સંયોજન કર્યું છે.

આ બાજુ, દમયંતીના પિતાએ દમયંતીની શોધ અર્થે મોકલેલો સુદેવ ફરતો ફરતો ભાનુમતીના નગરમાં અને એના ઘરે આવી પહોંચે છે. સુદેવ-દમયંતી પરસ્પર પરિચય પામી જાય છે ને ભાનુમતી પણ દમયંતીને ઓળખે છે તે સાથે લજ્જા અનુભવે છે. દમયંતીને લઈને સુદેવ તેના પિયરગામમાં આવી પહોંચે છે. પરંતુ સતી દમયંતી પતિ નળરાયને ભૂલી નથી. એને તો થાય છે, ‘પ્રભુ વિના પીહરિયું ગ્રસે’. માતપિતા, સંતાનો-સાહેલીઓ સહુને મળવા છતાં પતિવિરહે તે ઉદ્વિગ્ન છે. પતિમિલન માટે એ વ્રતનિયમ પાળે છે. એકાદ વર્ષ પિયરમાં નીકળી જાય છે, પણ હજુ પતિની ભાળ મળતી નથી. આથી દમયંતી હવે સુદેવને નળની શોધ માટે મોકલે છે.

સુદેવ ઋતુપર્ણ રાજાની નગરીમાં આવી ઋતુપર્ણને દમયંતીના લગ્નની કંકોત્રી આપે છે. નળ દમયંતીથી છૂટો પડ્યા પછી જંગલમાં કર્કોટક નાગ કરડવાથી વિરૂપ બની જાય છે. બાહુક રૂપે તે ઋતુપર્ણ રાજાના સારથિ તરીકે રહે છે. બાહુક રૂપે નળ પણ ત્યાં જ છે. બાહુક બધું પામી જાય છે અને ઋતુપર્ણ સ્વયંવર પ્રતિ પ્રયાણ કરે છે ત્યારે પ્રેમાનંદે ઋતુપર્ણની સવારીના વર્ણનમાં તેની કામુકતાનું, બાહુક દ્વારા તેની પજવણીનું, સ્વયંવરમાં જતો વારતી પોતાની રાણીઓને ઋતુપર્ણ દ્વારા થતા તાડનનું, ઋતુપર્ણના અશ્વોનું, સારથિ બાહુકના વાંધાવચકાનું  એમ વિવિધ પ્રસંગોનું તાદૃશ વર્ણન કર્યું છે. આખરે ઋતુપર્ણ અને બાહુક દમયંતીના પિયરગામમાં અને પિયરધામમાં જઈ પહોંચે છે.

બાહુક પોતે નળ છે કે અન્ય કોઈ એ માટે બાહુકની પરીક્ષા લેવામાં આવે છે – ‘વાજિ, વૃક્ષ, જલ અને અનલ’ની પરીક્ષાઓ. ત્યારબાદ નળનાં બંને સંતાનોને નળની પાસે મોકલે છે; પણ દમયંતીની ભાભીઓને પ્રશ્ન થાય છે કે આ કદરૂપો બાહુક જો ખરે જ નળ હોય અને તે કદરૂપો રહેવાનો હોય તોપણ દમયંતી પાસે જ્યારે બાહુકને લઈ જવામાં આવે છે ત્યારે દમયંતીનાં વચનોમાં તેના સતીત્વની અને બાહુક એ જ નળ છે તેની પ્રતીતિનો અંદાજ આવી જાય છે.

છેવટે ભીમકના પ્રાસાદમાં નળના પ્રાકટ્યથી અને પુત્રી-જમાઈના મિલનથી આનંદ છવાઈ જાય છે. નળને આપેલાં દુ:ખો બદલ ઋતુપર્ણ પશ્ચાત્તાપ કરે છે અને આત્મહત્યા કરવા તૈયાર થાય છે તેને ભીમક અટકાવે છે અને નળ સાંત્વન આપે છે. દમયંતીની સ્વરૂપવતી ભત્રીજી સુલોચનાને ઋતુપર્ણ સાથે પરણાવવામાં આવે છે. નળ પાંચ દિવસ ભીમક રાજાને ત્યાં રહી, સૈન્ય સજ્જ કરી પુષ્કરને જીતવા જવાની તૈયારી કરે છે ને પુષ્કર સામે પગલે આવીને નળનું રાજ્ય પાછું સોંપી દે છે.

પ્રેમાનંદે આમ, મૂળ મહાભારતના કથાવસ્તુને પોતાની સર્જક-પ્રતિભાના બળે વિકસાવ્યું – વિવર્ત્યું છે; પોતાના પુરોગામીઓ ભાલણ-નાકરમાંથી પણ યથોચિત સ્વીકારી પોતીકી રીતે નિરૂપ્યું છે. સમગ્ર પૌરાણિક કથાવસ્તુને પ્રેમાનંદે તત્કાલીન ગુજરાતી વાતાવરણ અને વિચાર-આચારમાંથી આગવી રીતે મઢ્યું છે. આખ્યાનમાં આસ્વાદવા મળતી પ્રેમાનંદની છંદોલયસંપત્તિ અને ભાષાશૈલીની સિદ્ધિથી માત્ર પ્રેમાનંદનાં સકલ આખ્યાનોમાં જ નહિ, પણ મધ્યકાલીન સમગ્ર આખ્યાનસાહિત્યમાં ‘નળાખ્યાન’ ઉચ્ચાસને સ્થિત છે.

ધીરુ પરીખ