નવસારી (જિલ્લો) : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 49´ ઉ. અ. અને 72° 59´ પૂ. રે.ની આજુબાજુનો 2209.2 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે સૂરત જિલ્લો, પૂર્વ તરફ ડાંગ જિલ્લો તેમજ મહારાષ્ટ્રની સીમા, દક્ષિણ તરફ વલસાડ જિલ્લો અને પશ્ચિમ તરફ ખંભાતનો અખાત આવેલા છે. જિલ્લામથક નવસારી જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનો પૂર્વ ભાગ પહાડી છે. ત્યાં સાતપુડા ટેકરીઓ પથરાયેલી છે. અંબિકા નદીનો ખીણપ્રદેશ કાંપની જમીનોથી બનેલો છે. પૂર્વ તરફ વાંસદા તાલુકાનો મોટો ભાગ સાગ અને વાંસનાં જંગલોથી આચ્છાદિત છે.
જિલ્લામાં મીંઢોળા, ખરેરા-કાવેરી, અંબિકા અને ઔરંગા નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રને મળે છે. કિનારાથી અંદર તરફનો કેટલોક ભૂમિભાગ કળણ-પ્રદેશથી છવાયેલો રહે છે. ત્યાંની જમીનો ખારાપાટથી બનેલી છે. જિલ્લાના મધ્યભાગમાં ક્યારી પ્રકારની જમીનો અને પૂર્વ ભાગ તરફ કાળી અને ગોરાડુ જમીનો જોવા મળે છે. આ રીતે જોતાં ગણદેવી અને ચીખલીની આજુબાજુ કપાસ અને શેરડીના પાકને અનુકૂળ આવે એવી કાળી જમીનો પથરાયેલી છે, જ્યારે ગોરાડુ જમીનોમાં બાજરી લેવાય છે.
આબોહવા : આ જિલ્લો સમુદ્રની નજીક હોવાથી ગરમી-ઠંડીમાં વિશેષ તફાવત પડતો નથી. મે અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન 35° અને 28° સે (મહત્તમ) તથા 26° અને 11° સે (લઘુતમ) રહે છે. અહીં મે અને ઑક્ટોબરના ગાળા દરમિયાન સરેરાશ 1992 મિમી. જેટલો વરસાદ પડે છે.
ખેતી–પશુપાલન : જિલ્લામાં થતા મુખ્ય પાકોમાં ડાંગર, રાગી, જુવાર, ઘઉં, કોદરા, તુવેર, શેરડી, મગફળી અને કપાસનો સમાવેશ થાય છે. ડાંગર, ઘઉં, શેરડી જેવા પાક નહેરોની સિંચાઈ દ્વારા અને બાકીના પાક વરસાદથી લેવાય છે.
જિલ્લામાં જોવા મળતાં પાલતું પશુઓમાં ગાય-બળદ, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ડુક્કર મુખ્ય છે. અહીં મરઘાઉછેર-કેન્દ્રો પણ મોટી સંખ્યામાં છે. જિલ્લામાં પશુ-ચિકિત્સાલયો તથા કૃત્રિમ બીજદાનકેન્દ્રો વિકસાવાયાં છે. નવસારી, ગણદેવી તાલુકાઓમાં મત્સ્ય-ઉદ્યોગનાં કેન્દ્રો મોટા પાયા પર વિકસ્યાં છે.
ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં સુતરાઉ કાપડની મિલ, દવાઓ અને રસાયણો, કાગળ અને કાગળની પેદાશો, યાંત્રિક ઓજારો, પરિવહન માટે જરૂરી સાધનોનું ઉત્પાદન લેવાય છે. બીલીમોરા અને નવસારી ખાતે ઔદ્યોગિક વસાહતો આવેલી છે.
જિલ્લામાં ઉદ્યોગો માટેનો કાચો માલ, શાકભાજી, ખાતરો અને ઍલ્યુમિનિયમની આયાત તથા ડાંગર, ખાંડ, ગોળ, ફળો, ઍલ્યુમિનિયમની તૈયાર પેદાશો અને ઘાસની ગાંસડીઓની નિકાસ થાય છે. વેપાર માટે વાણિજ્ય તેમજ સહકારી બૅંકોની સગવડ છે.
પરિવહન–પ્રવાસન : અમદાવાદમુંબઈ જતો બ્રૉડ ગેજ રેલમાર્ગ નવસારીમાં થઈને પસાર થાય છે. જિલ્લામાંનાં મુખ્ય મથકો નવસારી, બીલીમોરા, વાંસદા, ગણદેવી વગેરે એકબીજા સાથે તેમજ અન્ય જિલ્લાઓ સાથે પાકા રસ્તાથી સંકળાયેલાં છે. નવસારી, બીલીમોરા મરોલી અને વાંસી બોરસી અહીંનાં બંદરો છે. રાજ્યપરિવહનની બસો મારફતે અવરજવર થતી રહે છે.
ડુમસ, ઉભરાટ અને દાંડી અહીંનાં જાણીતાં સ્થળો છે. દાંડી ખાતે મહાત્મા ગાંધીએ 1930માં મીઠાનો સત્યાગ્રહ કરેલો, તેની સ્મૃતિ રૂપે અહીં સ્મારક તૈયાર કરાયેલું છે. નવસારી ખાતે પારસીઓ સર્વપ્રથમ 1142માં ઊતરેલા. દાદાભાઈ નવરોજી, વિખ્યાત જમશેદજી તાતા અને વિખ્યાત મરાઠી નાટ્યકાર રામગણેશ ગડકરીનું જન્મસ્થળ નવસારી છે; અહીંની દસ્તૂરવાડીને તેની અસલ સ્થિતિમાં જાળવી રાખવામાં આવેલી છે. નવસારીની મધ્યમાં 105 એકરનો વિસ્તાર આવરી લેતું દૂધિયું સરોવર અને તેની વચ્ચે આવેલી રામ ટેકરી જોવાલાયક છે, વળી તેની પશ્ચિમ કિનારી પર પ્રાચીન આશાપુરી મંદિર પણ છે.
શિક્ષણ : જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સગવડ છે. નવસારીમાં સર્વપ્રથમ સ્થપાયેલ ગાર્ડા કૉલેજ અને ચીખલી ખાતે ઉચ્ચ શિક્ષણની સંસ્થા આવેલી છે. નવસારી ખાતે કૃષિ-યુનિવર્સિટીનું કેન્દ્ર કાર્યરત છે.
વસ્તી–લોકો : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 13,30,711 જેટલી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 58.5 % જેટલું છે. નગરમાં પારસીઓનું આતશ બહેરામ અગ્નિમંદિર અને જૈનોનું પારસનાથ મંદિર તથા જલારામ મંદિર જોવાલાયક છે.
1997(2–10–1997)માં વલસાડ જિલ્લાનું વિભાજન કરીને નવસારીના અલગ જિલ્લાની રચના કરેલી છે. જિલ્લામાં 5 તાલુકા – નવસારી, ગણદેવી, ચીખલી, વાંસદા અને જલાલપોર – તથા 370 ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : નવસારીનાં વિવિધ નામ મળે છે. સૌથી પ્રાચીન નામ ભૂગોળવેત્તા ટૉલેમીએ ઉલ્લેખ કર્યા મુજબ નૌસારિકા છે. મૈત્રકકાળ (470–788) દરમિયાનના વહીવટી વિભાગ તેમજ મુખ્ય મથક તરીકે નવસારિકા નામ મળે છે. ચાલુક્ય રાજા શીલાદિત્યના ઈ. સ. 671ના દાનલેખમાં પણ આ જ નામ જોવા મળે છે. સોલંકી કર્ણદેવના 107ના દાનપત્રના તામ્રલેખમાં નાગસારિકા નામ મળે છે. આ નામ અહીં નાગપૂજા વિશેષ પ્રચલિત હતી એવું સૂચવે છે. નવસારીની નાગતલાવડીના કિનારે સાંઢ કૂવા નજીકનો એક આખો લત્તો ‘નાગણ્યું’ તરીકે હાલ પણ ઓળખાય છે. શીલાદિત્યના ગુરુ નાગવર્ધન નાગતલાવડીના વિસ્તારમાં રહેતા હોવાને કારણે નાગસારિકા, નાગવર્ધન, નાગશાહી, નાગસારક, નાગમંડળ જેવાં નામો પડ્યાં હોવાનું જણાય છે. પારસીઓ અહીં નાગમંડળમાં આવીને વસ્યા (1142), તેથી મહેરજી રાણા દસ્તૂરે ‘પારસીપુરી’ નામ પણ આપેલું. આજે પણ અહીં તેમની નોંધપાત્ર વસ્તી છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી