નવપ્રશિષ્ટવાદ (neo-classicism) : અઢારમી સદીની મધ્યમાં રોમમાં ઉદ્ભવ પામીને સમસ્ત પશ્ચિમી જગતમાં પ્રસરેલો કલાવાદ. તેના ઉદ્ભવ, વિકાસ અને પ્રસાર માટે અતિ આલંકારિક તથા અતિ શણગારસજાવટવાળી બરોક અને રકોકો શૈલીઓનો અતિરેક અંશત: જવાબદાર ગણી શકાય. એ ઉપરાંત પ્રાચીન ગ્રીક અને રોમન કળાનું પુનરુત્થાન કરવાના એકનિષ્ઠ પ્રયાસો પણ આ વાદના ઉદ્ભવ માટે નિમિત્ત બન્યા એમ કહી શકાય. આ વાદના અગ્રણી નેતા મનાતા જર્મન વિચારક વિંકલમૅન(1717–1768)નું પ્રોત્સાહન ઘણું જ ઉપયોગી નીવડ્યું. 1748માં શોધી કાઢવામાં આવેલાં બે પ્રાચીન રોમન નગરો હર્ક્યુલેનિયમ અને પૉમ્પેઇના અવશેષોના કારણે આ વાદના વિકાસને વિશેષ પ્રોત્સાહન મળ્યું. આ અવશેષો પ્રાચીન કળાના આદર્શ નમૂના પુરવાર થયા. હકીકતમાં આ બે નગરો 1979માં ઇટાલીનો વિસૂવિયસ જ્વાળામુખી ફાટવાને કારણે લાવારસમાં દટાઈ ગયાં હતાં. વિંકલમૅનની વિચારણા અનુસાર સૌન્દર્ય, શાંતિ, સાદગી અને પ્રમાણમાપનું ઔચિત્ય નવપ્રશિષ્ટવાદના આધારસ્તંભો છે. ગ્રીક શિલ્પમાં આ પાસાં મૂર્તિમંત થયેલાં જોવા મળે છે. વિંકલમૅનની આ વિચારણાની યુરોપના કલાજગત ઉપર પ્રબળ અસર થઈ, કારણ કે એ જ અરસામાં રકોકો શૈલીનાં અતિરેકભર્યાં તત્વો અને છીછરાપણાનો વિરોધ થવા માંડ્યો હતો. પ્રશિષ્ટ કલાકારોના મત પ્રમાણે ચિત્રોમાં શિલ્પની લાક્ષણિકતાઓ જરૂરી હતી. આલંકારિકતા વગર સુરેખ અને ઘાટીલી સપ્રમાણતા દર્શાવતી સૌષ્ઠવભરી સુંદરતાનું નિરૂપણ આ ચિત્રશૈલીની મુખ્ય લાક્ષણિકતા બની રહી. આકૃતિગત રૂપરચનાની અગ્રિમતા ધરાવતી હોઈ કળાનું શાશ્વત તત્વ લેખાવાથી પ્રકાશ અને રંગોનું મહત્ત્વ બિનજરૂરી બની રહ્યું. એ ઉપરાંત સરળતા, સંવાદિતા, સૌમ્યતા અને પ્રમાણવિવેક વગેરે કળાનાં ઉત્તમ તત્વો મનાયાં. વીરતા, રૂપ-ગુણની પરિપૂર્ણતા જેવા વિષયો તરફના પક્ષપાતને કારણે સામાન્ય દુ:ખદાયક અને કુરૂપ લેખાતી બાબતોનું ચિત્ર-નિરૂપણમાં સ્થાન રહ્યું નહિ. વિષયશૈલીની આ મર્યાદાઓને કારણે નવપ્રશિષ્ટવાદનાં ચિત્રોમાં અને શિલ્પોમાં વ્યક્તિગત અભિવ્યક્તિ માટે ઝાઝી મોકળાશ રહી નહિ.

રકોકો શૈલીના સુશોભન અને સુંદરતાના આગ્રહો સામેનો નવપ્રશિષ્ટવાદનો પ્રતિકાર તેના અગ્રગણ્ય કલાકારો ઝાક લુઈ દાવીદ (1748–1825) તથા ઝ્યાં ઑગસ્ટ દોમિન્નિક આંગ્ર(1780–1867)માં જોઈ શકાય છે. દાવીદ માટે પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિ પ્રેરણારૂપ હતી. તે સંસ્કૃતિઓનાં દર્શન, નૈતિક મૂલ્યો, વીર પુરુષોની હિંમત જેવી બાબતો તેમને માટે પૂજનીય હતી. દાવીદને પ્રાચીન ગ્રીસના લોકતંત્રમાં પણ શ્રદ્ધા હતી. તત્કાલીન ફ્રાન્સની આપખુદ રાજવી સત્તા ભ્રષ્ટાચારો અને દૂષણોમાં સબડતી હતી. તેમાં લોકશાહી મૂલ્યોને સ્થાન ન હતું. દાવીદની કૃતિ ‘ઓથ ઑવ્ ધ હોરાતી’ રોમન સામ્રાજ્યના ત્રણ વીરપુરુષો રોમન સામ્રાજ્યને બચાવી લે છે તેનું ચિત્રણ કરે છે. સમકાલીન દર્શકો ચંચળતાલક્ષી ચિત્રો જોવા ટેવાયેલા હતા, તેથી દાવીદના આ ચિત્રથી તે સમયની ફ્રેંચ પ્રજાને દેશપ્રેમની પ્રેરણા મળી અને ત્યારપછી પાંચ જ વરસે ફ્રાંસમાં રાજ્યક્રાંતિનો વંટોળ ફૂંકાયો. ફ્રેન્ચ પ્રજાસત્તાકની સ્થાપના થઈ અને દાવીદને રાજચિત્રકારનું માન મળ્યું.

દાવીદનો શિષ્ય આંગ્ર પણ શિષ્ટ કસબી અને કલાકાર હતો. તેણે કરેલાં જીવંત વ્યક્તિનાં ચિત્રણોની ફ્રેંચ કળામાં એક પ્રણાલિકા બની. નિર્વસ્ત્ર સ્ત્રીઓનાં તેણે કરેલાં ચિત્રોમાં સૌન્દર્યનો પ્રમાણવિવેક દર્શાવવાનો અનોખો અભિગમ છે. તેની કળામાં કૌશલ્ય ચરમસીમાએ પહોંચેલું જોવા મળતું હોવા છતાં તેની કળા લાવણ્યહીન જણાય છે. નવપ્રશિષ્ટવાદી શિલ્પકારોમાં ઍન્ટોનિયો કેનોવા અગ્રણી હતો. તેણે નેપોલિયન અને તેનાં કુટુંબીજનોનાં અનેક શિલ્પો કર્યાં અને વીરત્વને પ્રાધાન્ય આપ્યું.

અમિતાભ મડિયા