નલદવદંતીરાસ (1917) : જૈન સાધુકવિ સમયસુંદરરચિત કૃતિ. છ ખંડમાં વિભક્ત આ કૃતિની આશરે એક હજાર કડીઓ છે. સમયસુંદરે તે રચવામાં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ – એ બે ગ્રંથોનો આધાર લીધો છે અને એ બંને રચનાઓમાં મળતા કથાવસ્તુમાં કવિએ ખાસ કોઈ મહત્ત્વના ફેરફાર કર્યા નથી. સમયસુંદરની આ રચના જૈન પરંપરાની નળકથાને બરાબર વળગી રહે છે. કવિએ કથાની શરૂઆત ‘પાંડવચરિત્ર’ને અનુસરીને નલદવદંતીના ભવથી જ કરી છે. અન્ય કવિઓએ નલદવદંતીના પછીના ભવની વાત અતિ સંક્ષેપમાં કહી છે, જ્યારે આ કવિએ એ કથા ઘણા વિસ્તારથી રજૂ કરી છે. એ માટે કૃતિનો આખો છઠ્ઠો ખંડ રોક્યો છે.
નળે દવદંતીનો ત્યાગ કર્યો તે વેળાનો દવદંતીનો વિલાપ હૃદયદ્રાવક બન્યો છે. આ કૃતિમાં આલેખાયેલ ડાબા-જમણા હાથ વચ્ચેનો સંવાદ એક સ્વતંત્ર કૃતિ તરીકે પણ આસ્વાદ્ય બને એમ છે. નળ કૂબર સાથે ફરીથી દ્યૂત રમી વિજયી બને છે એ નિરૂપણ પણ આસ્વાદ્ય છે. પણ અહીં આવાં આસ્વાદ્ય સ્થાનો જૂજ છે. અહીં જેટલો કથારસ છે એટલો કાવ્યરસ નથી; છતાં કવિએ નલ-દવદંતીનાં તેમજ અન્ય ગૌણ પાત્રોને આલેખવામાં પોતાની પાત્રનિરૂપણશક્તિ દાખવી છે અને પાત્રોનું યથોચિત વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. નળ અને દવદંતીને કવિએ ગૌરવપૂર્ણ રીતે નિરૂપ્યાં છે. દવદંતીના દેહલાવણ્યનું અને નળનાં પરાક્રમોનું વર્ણન કાવ્યમય બન્યું છે.
નળ દવદંતીનો ત્યાગ કરીને જતો રહે છે, ત્યારે નળને ધિક્કારવાને બદલે તે પોતાનાં જ પૂર્વભવનાં કર્મોનો દોષ જુએ છે. એ જ રીતે દવદંતીને ત્યજતો નળ પણ હૃદયમાં દુ:ખ પામે છે, અને પત્નીત્યાગ કરવા બદલ પોતાની જાતને ધિક્કારે છે. આમ નળના પાત્રનું આલેખન અહીં માનવીય બન્યું છે.
આ કૃતિમાં કવિએ શૃંગાર, કરુણ, અદભુત અને શાંતરસ નિષ્પન્ન કર્યા છે.
ધર્મબોધનું તત્વ અહીં ઠીક ઠીક પ્રવેશ્યું છે. પ્રત્યેક ખંડના આરંભે કવિ ધર્મનાં ભિન્ન ભિન્ન અંગોને પ્રણામ કરે છે. એમાં વિહરમાન જિનેશ્વર, તીર્થંકરો, કેવલીઓ, ગણધરો, નવકારમંત્ર, 45 આગમો, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિને નમસ્કાર કરવામાં આવ્યા છે.
જિતસેન આચાર્યે નળને આપેલા ઉપદેશમાં તથા નેમિનાથે ગજસુકુમાલનું દૃષ્ટાંત આપી વસુદેવ અને રાણીઓને આપેલા ઉપદેશમાં કવિનું ધર્મોપદેશનું પ્રયોજન પ્રકટ થાય છે. કથારસની સાથે જૈન દર્શનમાં આવતા કર્મવાદનું સદૃષ્ટાંત રહસ્ય સમજાવવાનું કવિનું પ્રયોજન જણાય છે. સમયસુંદર સંગીતના સારા જાણકાર હોઈ આ કૃતિની ઢાળો એમણે ભિન્ન ભિન્ન દેશીઓમાં લખી છે. આ દેશીઓ સુમધુર લય-તાલમાં સુબદ્ધ છે.
સમયસુંદર મારવાડના હોઈ મારવાડીની છાંટ ‘નલદવદંતીરાસ’ની ભાષામાં જોવા મળે છે. આ કૃતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની નળકથાવિષયક કૃતિઓમાં ગણનાપાત્ર બની છે.
કાન્તિલાલ શાહ