નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh)
January, 1998
નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh) (જ. 8 નવેમ્બર 1917, અમૃતસર; અ. 16 જૂન 2007) : પંજાબી નવલકથાકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી. એ. થયા. ત્રણ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. 1938 માં રાજ્ય સચિવાલયમાં જોડાયા. 1942 માં સાહિત્ય સાથે એમ. એ.ની ડિગ્રી મેળવી. લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી તથા અમેરિકન સાહિત્યના અનુસ્નાતક શિક્ષણ વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યા પછી 1975માં નિવૃત્ત થયા.
પંજાબના પ્રગતિવાદી સાહિત્યકારોના અગ્રગણ્ય નેતા. એમણે પંજાબી કથાસાહિત્યમાં યથાર્થવાદના શ્રીગણેશ માંડ્યા અને નવલકથાના વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ અનેક પ્રયોગો કર્યા. એમની કથાઓની વિશેષતા એમાંની દૃશ્યક્ષમતાને કારણે છે. એમની પહેલી નવલકથા ‘પિયો પુત્તર’માં અમૃતસરના શહેરી જીવનનું સર્વવ્યાપી ચિત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નિરૂપ્યું છે. એમની એક બીજી નવલકથા ‘સિલાલૂની’માં ભારતના વિભાજન પછી પંજાબમાં થયેલા હત્યાકાંડ વખતનું હૃદયદ્રાવક ચિત્ર એમણે આલેખ્યું છે. એ માટે પંજાબ સરકાર તરફથી એમને 1955માં પારિતોષિક મળ્યું હતું. એ પછીની એમની પ્રસિદ્ધ નવલકથાઓ ‘રંગમહલ’ (1950), ‘નીલીબાર’, ‘જગબીતી’ (1953), ‘દીનદુનિયા’, પંજાબી નવલકથાઓમાં અગ્રસ્થાન ધરાવે છે.
ચન્દ્રકાન્ત મહેતા