નરજાતીય અંત:સ્રાવો (androgens)
January, 1998
નરજાતીય અંત:સ્રાવો (androgens) : પુરુષની વિશિષ્ટ શારીરિક અને લૈંગિક વૃદ્ધિ અને વિકાસ કરવા તથા જાળવી રાખવા માટે શરીરમાં બનતા અંત:સ્રાવો (hormones). તે શુક્રપિંડ અથવા વૃષણ(testicles)માં બને છે અને તેમાંથી સીધા લોહીમાં પ્રવેશીને શરીરનાં વિવિધ અંગોના કાર્યને અસર કરે છે.
સામાન્ય શુક્રપિંડ 3.5થી 5.5 સેમી. લાંબો અને 2થી 3 સેમી. પહોળો હોય છે. ગર્ભમાં તે પેટની અંદર વિકસે છે; પરંતુ તેને ઓછું તાપમાન જોઈતું હોવાથી તે જન્મસમય પહેલાં ખસીને પેટની નીચે બે પગ વચ્ચે આવેલી કોથળી જેવા ભાગમાં વૃષણકોથળી, વૃષણકોશા અથવા સંવૃષણ (scrotum)માં આવી પહોંચે છે. તેની સાથે તેની નસો અને ચેતાઓ (nerves) પણ ત્યાં આવે છે. તેના 90 % ભાગમાં શુક્રકોષો બનાવતી નલિકાઓ હોય છે. નલિકાઓની વચ્ચે અંતરાલીય (interstitial) અથવા લેડિગ કોષો આવેલા છે. લેડિગના કોષો નરજાતીય અંત:સ્રાવો (androgens) બનાવે છે. તેમાં મુખ્ય અંત:સ્રાવ ટેસ્ટૉસ્ટિરોન છે. તે શુક્રકોષ બનાવતી નલિકાઓની ખૂબ પાસે છે અને તેથી ભારે માત્રામાં ટેસ્ટૉસ્ટિરોન આપીને શુક્રકોષોનું ઉત્પાદન કરાવે છે. જેમનો શુક્રપિંડ કાઢી નાખ્યો હોય એવાં પ્રાણીઓના અભ્યાસ વડે ટેસ્ટૉસ્ટિરોનના કાર્યની સમજણ ઊભી થયેલી છે. શુક્રપિંડ ઉપરાંત અંડપિંડ, અધિવૃક્ક (adrenal) ગ્રંથિનું બહિ:સ્તર (cortex) તથા ઑર (placenta) પણ ટેસ્ટૉસ્ટિરોન બનાવે છે. અંડપિંડ અને ઑર સ્ત્રીઓમાં જોવા મળે છે.
1931માં બ્યુટેનન્ટે પુરુષોના પેશાબમાં સૌપ્રથમ એન્ડ્રોસ્ટિરોન અલગ પાડી બતાવ્યો. ત્યારબાદ ડીહાઇડ્રો-એપિએન્ડ્રોસ્ટિરોન શોધાયો અને 1935માં શુક્રપિંડના મુખ્ય સક્રિય રસાયણ રૂપે ટેસ્ટૉસ્ટિરોન શુદ્ધ સ્વરૂપે મેળવી શકાયું. પેશાબમાં જોવા મળતા એન્ડ્રોસ્ટિરોન અને એટિસોકોલેનોલોન તો ટેસ્ટૉસ્ટિરોનનાં ચયાપચયી શેષદ્રવ્યો (metabolic products) છે એવું પાછળથી શોધાયું છે.
ટેસ્ટૉસ્ટિરોનનું ઉત્પાદન અને અધિસ્રવણ (secretion) : ખોપરીમાં મગજની નીચે પીયૂષિકા (pituitory) ગ્રંથિ આવેલી છે. તે જનનગ્રંથિ- ઉત્તેજકો (gonadotrophins) નામના બે અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. તેમને પીતપિંડકારી અંત:સ્રાવ (luteinizing hormone, LH) અને પુટિકાઉત્તેજક અંત:સ્રાવ (follicle stimulating hormone, FSH) કહે છે. આ બંને અંત:સ્રાવો રાસાયણિક રીતે ગ્લાયકોપ્રોટીનના બનેલા હોય છે અને તેમાં આલ્ફા અને બીટા એમ બે એકમો આવેલા છે. ફક્ત બીટા એકમ સક્રિય હોય છે. લોહીમાં તેમનું પ્રમાણ જાણવા માટે પ્રતિરક્ષાલક્ષી આમાપન (immunoassay) કરાય છે. સામાન્ય રીતે તે 0.5થી 10 mlu (મિલિ. આંતરરાષ્ટ્રીય એકમ, milli international units) હોય છે. જનનગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવો ટેસ્ટૉસ્ટિરોનના ઉત્પાદન અને અધિસ્રવણ(secretion)નું નિયંત્રણ કરે છે.
પીયૂષિકા ગ્રંથિના અગ્રખંડમાં બનેલા જનનગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવોનું ઉત્પાદન અને તેમનો લોહીમાંનો પ્રવેશ છોકરાઓની યુવાની શરૂ થાય તે કાળે રોજ ઊંઘવાના સમયે થાય છે. છોકરાઓને મૂછનો દોરો ફૂટે, અવાજ ઘેરો થાય વગેરે પુરુષો જેવા દ્વૈતીયિક લૈંગિક લક્ષણો (secondary sex characteristics) ઉદ્ભવે તેને યૌવનારંભ (puberty) કહે છે. પુખ્ત પુરુષોમાં તે ચોવીસે કલાક લોહીમાં પ્રવેશે છે. મગજની અંદર અધશ્ચેતક (hypothalamus) નામનો વિસ્તાર આવેલો છે. તે જનનગ્રંથિ-ઉત્તેજક વિમોચક અંત:સ્રાવ (gonadotrophin releasing hormone) બનાવે છે. તેને LH વિમોચક અંત:સ્રાવ (LH–releasing hormone, LHRH) પણ કહે છે. LRHને કારણે LH તથા FSH એમ બંને અંત:સ્રાવોનું અધિસ્રવણ થાય છે અને તે લોહીમાં પ્રવેશે છે. LHRHને જ્યારે ઓછી માત્રા(dose)માં આપવામાં આવે ત્યારે તે LH અને FSHના અધિસ્રવણનું ઉત્તેજન કરે છે, પરંતુ જો તેને ભારે માત્રામાં આપવામાં આવે તો તે અવળી અસર કરીને LH અને FSHનું પ્રમાણ ઘટાડે છે. આ કારણસર તે પ્રૉસ્ટેટગ્રંથિના કૅન્સરમાં ભારે માત્રાના રૂપે વપરાય છે.
અધશ્ચેતક મગજની અંદર આવેલા લાગણીલક્ષી તંત્ર (limbic system) સાથે સંકળાયેલું છે. તેથી લાગણીઓની ઉત્તેજના તથા તણાવ LHRHના અધિસ્રવણને અને તેના દ્વારા ટેસ્ટૉસ્ટિરોનના અધિસ્રવણને અસર કરે છે. આ ઉપરાંત કુપોષણ (malnutrition) હોય કે અફીણજૂથની દવા લેવાઈ હોય તોપણ અધિશ્ચેતક પર અસર થવાથી શુક્રપિંડનું કાર્ય ઘટે છે.
લેડિગના કોષોના કોષપટલ (cell-membrane) પર આવેલા સ્વીકારકો (receptors) સાથે LH જોડાય છે અને તે શુક્રકોષોનું ઉત્પાદન તથા ટેસ્ટૉસ્ટિરોનનું અધિસ્રવણ વધારે છે. આમ મગજના નિયંત્રણ હેઠળ અધશ્ચેતક LHRH બનાવીને પીયૂષિકાગ્રંથિના LHનું અધિસ્રવણ વધારે છે, જે શુક્રપિંડમાંથી ટેસ્ટૉસ્ટિરોનની માત્રા વધારે છે. તેથી ક્રમશ: અધશ્ચેતક, પીયૂષિકા ગ્રંથિ તથા શુક્રપિંડની એક ધરી કાર્ય કરે છે. તેના પર મગજનું અધશ્ચેતક દ્વારા નિયંત્રણ રહે છે. શુક્રપિંડમાં ટેસ્ટૉસ્ટિરોનનું અધિસ્રવણ થાય છે જે કાં તો સીધેસીધું શુક્રકોષજનક નલિકાઓમાં કે લોહીમાં પ્રવેશે છે. તંદુરસ્ત પુખ્ત પુરુષો રોજ 5થી 7 મિગ્રા. જેટલું ટેસ્ટૉસ્ટિરોન બનાવે છે. તેનું લોહીમાંનું સ્તર વિકિરણ-પ્રતિરક્ષાલક્ષી આમાપન(radio-immunoassay)ની પદ્ધતિ દ્વારા માપી શકાય છે. સામાન્ય રીતે તે 3થી 10 નેનોગ્રામ/મિલિ. જેટલું હોય છે. LH અને ટેસ્ટૉસ્ટિરોનનું અધિસ્રવણ સતત હોતું નથી, પરંતુ ઉત્તેજન આવે તે સમયે નાના-નાના જથ્થા રૂપે (pulsatile fashion) થાય છે. LHની અસર હેઠળ કેટલુંક ટેસ્ટૉસ્ટિરોન ઇસ્ટ્રેડિઓલમાં રૂપાંતરિત થાય છે. જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
ટેસ્ટૉસ્ટિરોનનું વહન : લોહીમાં જાતીય અંત:સ્રાવ બંધક ગ્લોબ્યુલિન (sex hormone binding globulin, SHBG) હોય છે. તેની સાથે તથા આલ્બ્યુમિન સાથે ટેસ્ટૉસ્ટિરોન જોડાય છે. તે ટેસ્ટૉસ્ટિરોનનું લોહીમાં વહન કરે છે. ફક્ત 1 %થી 2 % જેટલો મુક્ત અંત:સ્રાવ હોય છે. લોહીમાંનો ફકત મુક્ત અંત:સ્રાવ સક્રિય હોય છે. વિવિધ રોગોના નિદાન માટે મુક્ત તથા બદ્ધ ટેસ્ટોસ્ટિરોનનું આમાપન કરાય છે. SHBGનું પ્રમાણ જાણવાથી લોહીમાંના કુલ ટેસ્ટૉસ્ટિરોન વિશે જાણી શકાય છે. વધુ પડતું વજન હોય, ગલગ્રંથિ(thyroid gland)નું ઘટેલું કાર્ય હોય, મૂત્રપિંડ શોફ સંલક્ષણ (nephrotic syndrome) થયો હોય, કુશિંગનો રોગ થયો હોય ઍન્ડ્રોજન વડે સારવાર કરાઈ હોય કે વિષમ અતિકાયતા(acromegaly)નો રોગ થયો હોય તો SHGB ઘટે છે જ્યારે યકૃતકાઠિન્ય (liver cirrhosis), ઇસ્ટ્રોજન વડે સારવાર કે ગલગ્રંથિનું કાર્ય વધ્યું હોય તો SHGBનું પ્રમાણ વધે છે.
ટેસ્ટૉસ્ટિરોનનો ચયાપચય (metabolism) : પેશીઓમાં ટેસ્ટૉસ્ટિરોનમાંથી ડાઇહાઇડ્રો ટેસ્ટૉસ્ટિરોન (DHT) અને ઇસ્ટ્રેડિઓલ બને છે. આ બંને દ્રવ્યો દ્વારા મુખ્ય અસરો ઉત્પન્ન થાય છે. DHT ચામડી (દા. ત., મૂછ ઊગવી) તથા પુર:સ્થ (prostate) ગ્રંથિ પર અસર ઉપજાવે છે. ઇસ્ટ્રેડિઓલ ચરબીની જમાવટ કરે છે. તે ટેસ્ટૉસ્ટિરોનનાં કેટલાંક કાર્યો વધારે છે તો કેટલાંક કાર્યોની અસર ઘટાડે પણ છે. યકૃતમાં ટેસ્ટૉસ્ટિરોન, DHT અને ઇસ્ટ્રેડિઓલનું નિષ્ક્રિય દ્રવ્યોમાં પરિવર્તન થાય છે.
નરજાતીય અંત:સ્રાવોનું કાર્ય : તેઓ જે તે લક્ષ્યકોષ(target cell)માં પ્રવેશીને તેનાં રંગસૂત્રો સાથે આંતરક્રિયા (interaction) કરે છે અને ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરાવે છે. તેના દ્વારા તે પુરુષોનાં અંદરનાં અને બહારનાં જનન-અંગોની વૃદ્ધિ અને વિકાસ કરે છે. તે પુરુષોમાં મૂછ ઊગવી, અવાજ ઘેરો થવો વગેરે જેવી દ્વૈતીયિક લાક્ષણિકતાઓ ઉત્પન્ન કરે છે અને જાળવી રાખે છે. વળી પુરુષોની કામોત્તેજના (libido) અને સમાગમક્ષમતા અથવા પુંસકતા (potency) પણ તેમના દ્વારા જ સર્જાય છે. તે શુક્રકોષોના સર્જનમાં સીધો ભાગ ભજવે છે. તથા અધશ્ચેતક અને પીયૂષિકા ગ્રંથિ પર નકારાત્મક પ્રતિપોષી (negative feedback) પ્રક્રિયા દ્વારા અસર કરીને જનનગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવોના ઉત્પાદન અને વિમોચન(release)ને નિયંત્રિત પણ કરે છે. તેમની ઊણપ હોય તો અલ્પજનનગ્રંથિતા(hypogonadism)નો વિકાર થાય છે, જેમાં પુરુષ નપુંસક (impotent) બને છે. શુક્રકોષોનું ઉત્પાદન ઘટવાથી વંધ્યતા આવે છે. તથા છાતી પરનાં સ્તન મોટાં થાય છે (નરસ્તન વૃદ્ધિ, gynaccomastia). તેને કારણે યુવાન છોકરાઓનો યૌવનારંભ મોડો થાય છે.
સારવારલક્ષી ઉપયોગ : નરજાતીય અંત:સ્રાવો મુખ્યત્વે જનનગ્રંથિ(શુક્રગ્રંથિ)નું કાર્ય ઘટેલું હોય ત્યારે સારવાર રૂપે અપાય છે. તેના વડે યોગ્ય સમયનો યૌવનારંભ થાય છે તથા કામોત્તેજના અને પુંસકતા પુન:સ્થાપિત થાય છે. તેને માટે દર 2 અઠવાડિયે આપી શકાય તેવા લાંબા ગાળાની અસર કરતી ટેસ્ટૉસ્ટિરોન ઇનેન્થેટ કે સાઇપિઓનેટનાં ઇંજેક્શન વપરાય છે. તેને કારણે લોહીમાં હીમોગ્લોબિન પણ વધે છે. મોટી ઉંમરે જો ટેસ્ટૉસ્ટિરોન આપવું પડે તો તેની ઓછી માત્રા અપાય છે. પુરુષોમાં જો પુર:સ્થગ્રંથિનું અથવા સ્તનનું કૅન્સર થયું હોય તો ટેસ્ટૉસ્ટિરોન અપાતું નથી. જ્યારે સ્ત્રીઓના સ્તનના કૅન્સરમાં તે ક્યારેક વપરાય છે. મોં વાટે અપાતી ટેસ્ટૉસ્ટિરોનની દવા ઓછી અસરકારક હોય છે અને તેની યકૃત (liver) પર ઘણી ઝેરી અસર થાય છે.
મૂત્રપિંડ કે અસ્થિમજ્જાની નિષ્ફળતાથી થતી પાંડુતા(anaemia)માં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે ટેસ્ટૉસ્ટિરોન વપરાય છે. તેના અન્ય ઉપયોગોમાં સૂક્ષ્મશિશ્ન (micro-penis), વારસાગત વાહિની ચેતાકીય શોફ (hereditary angioneurotic oedama), ચકતીમય સતંતુકાઠિન્ય (lichensclerosis), ગર્ભાશયી અંત:કલા વિસ્થાપન (endometriosis) તથા અસ્થિછિદ્રદલતા (osteoporosis) વગેરે વિવિધ વિકારોની સારવારનો સમાવેશ થાય છે.
સ્ત્રીઓમાં તે મૂછો ઉગાડે છે, ખીલ કરે છે, ઋતુસ્રાવની અનિયમિતતા કરે છે, માથાના આગળના ભાગમાં ટાલ પડે છે, સ્તન નાનાં થાય છે તથા સ્ત્રીશિશ્ન (clitoris) મોટું થાય છે. તેથી સ્ત્રીઓમાં તે લાંબા સમય માટે આપી શકાતા નથી.
નરજાતીય અંત:સ્રાવો સ્નાયુની વૃદ્ધિ કરે છે. તેથી ટકી શકવાની ક્ષમતા (endurance), બળ તથા કાર્યપ્રદર્શન (performance) વધારવા માટે ઘણી વખત કસરતબાજો તેનો ઉપયોગ કરે છે. જાહેર પ્રતિસ્પર્ધાઓમાં તેનો નિષેધ કરવામાં આવે છે અને તેથી ઑલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય કસરત અને શરીરક્ષમતાની સ્પર્ધાઓમાં તેના લોહીમાંના પ્રમાણનું પરીક્ષણ કરાય છે અને જો તેના દ્વારા સ્પર્ધકે તેનો ઉપયોગ કર્યો હોય તેવું જણાય તો તેને સ્પર્ધામાંથી બાકાત પણ કરાય છે. ક્યારેક યુવાનો તેમનો દેખાવ સુધારવા પણ તેનો ઉપયોગ કરે છે. આ બધી ક્રિયાઓ માટે ઘણી વખત વધારે માત્રામાં લાંબા સમય સુધી ટેસ્ટૉસ્ટિરોન કે તેનાં ચયાપચયી દ્રવ્યો લેવાય છે જે ઘણી આડઅસર કરે છે. તેમજ ક્યારેક કસરતબાજનું કાર્યપ્રદર્શન ઘટાડે પણ છે.
શિલીન નં. શુક્લ
પ્રેમલ ઠાકોર