નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને છોડ્યો. ઇન્દ્રે સંધ્યાના સમયે પાણીનાં ફીણ વડે નમુચિને હણ્યો.

બીજી એક પરંપરા મુજબ નમુચિ ઇન્દ્રનો મિત્ર હતો. ઇન્દ્રની શક્તિને પી જઈને નમુચિએ ઇન્દ્રને નિર્બળ બનાવ્યો. આથી અશ્વિનો અને સરસ્વતીએ ઇન્દ્રને વજ્ર આપ્યું. ઇન્દ્રે વજ્રથી નમુચિને હણ્યો.

નમુચિ વિપ્રચિત્તિ અને સિંહિકાના 13 પુત્રોમાંનો બળવાન પુત્ર હતો. તેની માતા સિંહિકા કશ્યપ ઋષિની પુત્રી અને હિરણ્યકશિપુની બહેન હતી.

નમુચિ નામનો એક બીજો દાનવ હોવાનો ઉલ્લેખ મળે છે. વળી નમુચિ નામના એક બ્રહ્મર્ષિનો ઉલ્લેખ વાલ્મીકિ-રામાયણના ઉત્તરકાંડના પહેલા સર્ગમાં થયો છે.

કે. કા. શાસ્ત્રી

પ્ર. ઉ. શાસ્ત્રી