નગેન્દ્રસિંહ, ડૉ. (જ. 18 માર્ચ 1914, ડુંગરપુર; અ. 11 ડિસેમ્બર 1988, ધહેગ) : ભારતના અગ્રણી સનદી અધિકારી તથા હેગ ખાતેના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ. તેમણે મેળવેલ પદવીઓમાં એમ.એ., એલએલ.ડી. (કૅન્ટાબ અને ડબ્લિન), ડી.એસસી., (મૉસ્કો) તેમજ ડી.લિટ., ડી.ફિલ તથા બાર-ઍટ-લૉનો સમાવેશ થાય છે. 1938માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. સનદી અધિકારી તરીકેની તેમની લાંબી કારકિર્દીમાં તેમણે અનેક મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું હતું. 1955–66 દરમિયાન તેમણે ભારત સરકારનાં સંરક્ષણ, માહિતી અને પ્રસારણ, ગૃહ તથા પરિવહન મંત્રાલયોમાં સચિવપદે કામગીરી કરી હતી. 1966–72 દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપ્રમુખના સચિવ રહ્યા. 1972માં હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશપદે તેમની વરણી થઈ. 1976માં તેઓ અદાલતના ઉપપ્રમુખ નિમાયા.
ભારતની બંધારણીય પરિષદના સભ્ય, ગ્રેઇનની બેન્ચના માનદ માસ્ટર, આંતરરાષ્ટ્રીય લૉ કમિશનના સભ્ય (1967–73), હેગ ખાતેના પરમેનન્ટ કોર્ટ-ઑવ્ આર્બિટ્રેશનના સભ્ય (1973), ટેમ્પલટન ઍવૉર્ડના ન્યાયાધીશ (1973), ભૂતાન સરકારના બંધારણીય સલાહકાર જેવાં અનેક પદો તેમણે શોભાવ્યાં હતાં. વળી મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, સેન્ટ જ્હૉન્સ કૉલેજ, કેમ્બ્રિજ તથા નેપાળ ખાતેની ત્રિભુવન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી હતી.
1973માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ની ઉપાધિથી સન્માન્યા હતા.
નવનીત દવે