નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા રંગનાં, આકર્ષક.
તે ઉદ્યાનોમાં બહુ બહોળા પ્રમાણમાં ઉગાડાય છે. વળી પર્ણાંગકુંજ (fernery) અને ઑર્કિડ ઘર પર છાંયડા માટે ઉગાડાય છે. આ ઉપરાંત, દ્વિદળી વર્ગના અર્ટીકેસી કુળની જાતિ Ficus repens Roeltને પણ નખીવેલ કહે છે. તેને વડવેલ તરીકે પણ ઓળખાવાય છે. તેનાં પર્ણો ત્રણથી પાંચ સેમી. લાંબાં, લગભગ ગોળ, નાનાં અને ઘેરા લીલા રંગનાં હોય છે અને આખી દીવાલ કે થડ ઉપર ઢંકાઈ જાય છે. આ વેલને ઠેર-ઠેર નખ જેવાં મૂળ ફૂટે છે. એનાથી આ વેલ દીવાલ કે થડને બરોબર ચીપકીને રહે છે. એના ‘નખ’ને લીધે આ વેલને નખીવેલ કહે છે. મુંબઈ-પુણેમાં આ વેલ સારી રીતે થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં આ વેલ એટલી સારી થતી નથી. તેને ગરમ ભેજવાળી આબોહવા વધારે અનુકૂળ છે.
બિગ્નોનિયેસી કુળની બીજી એક વેલ Tecoma radicans Juss. syn. Campssis radicans Scem.ને પણ કેટલીક જગાએ નખીવેલ કહે છે. તેનું બીજું નામ તિલોત્તમા છે. તેના ભગવા રંગનાં ઘંટાકાર મોટાં પુષ્પો આકર્ષક હોય છે. તે સમ્મુખ, અયુગ્મ, એક પીંછાકાર સંયુક્ત પર્ણો ધરાવે છે. પ્રકાંડ ગાંઠ પરથી અસ્થાનિક નાનાં નખ જેવાં શ્લેષી (clinging) મૂળ સમૂહમાં ફૂટે છે, જેની મદદથી તે દીવાલ કે થડને ચીપકીને રહે છે. ઉનાળામાં ભૂંગળા આકારનાં કેસરી રંગનાં 5થી 7 સેમી. લાંબાં પુષ્પ ઝૂમખામાં આવે છે. જોકે આ વેલ Ficus repensની માફક દીવાલ કે થડને પૂરેપૂરી ઢાંકી દેતી નથી.
મ. ઝ. શાહ