સેંટ ગોથાર્ડ : ઘાટ : દક્ષિણ સ્વિટ્ઝર્લૅન્ડના લેપોન્ટાઇન આલ્પ્સમાં આવેલો જાણીતો પર્વતીય-ઘાટ. આ ઘાટ નાનાં નાનાં અસંખ્ય સરોવરોથી ઘેરાયેલો છે, વાસ્તવમાં તો તે એક સમતળ થાળું છે. રહાઇન અને રહોન નદીઓ આ ઘાટ નજીકથી નીકળે છે. ઘણા ઉગ્ર વળાંકોવાળો માર્ગ સમુદ્રસપાટીથી 2,114 મીટરની ઊંચાઈએ આ ઘાટ પરથી પસાર થાય છે. આ ઘાટની દક્ષિણે ઉત્તર ઇટાલીનો પો નદીનો સમૃદ્ધ ખેતીલાયક વિસ્તાર આવેલો છે. તેની નજીકમાં જ ઔદ્યોગિક ખીણવિસ્તાર પણ છે.
તેરમી સદીમાં યાત્રીઓએ સર્વપ્રથમ આ ઘાટનો ઉપયોગ કર્યો હોવાની નોંધ મળે છે. તે પછીના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડનાં પ્રથમ ત્રણ રાજ્યોએ આ ઘાટ પરની અવરજવર પર ચોકીપહેરો મૂકેલો. યાત્રીઓને સુવિધા મળી રહે તે માટે ચૌદમી સદીમાં આ ઘાટમાં એક મઠની સ્થાપના કરવામાં આવેલી.
બોગદાં : દક્ષિણ સ્વિટ્ઝર્લૅન્ડમાં આલ્પ્સ પર્વતની આરપાર પસાર થતાં રેલમાર્ગીય અને સડકમાર્ગીય એમ બે બોગદાં છે. રેલબોગદું 15 કિમી.ની લંબાઈવાળું છે. સડક-બોગદું ‘સેન્ટ ગોથાર્ડ સડક-બોગદા’(Saint Gothard Road Tunnel)ના નામથી ઓળખાય છે, તેની લંબાઈ 16.3 કિમી. જેટલી છે.
સેન્ટ ગોથાર્ડ રેલબોગદાં
આ બંને બોગદાં સમુદ્રસપાટીથી આશરે 1,200 મીટરની ઊંચાઈએ આવેલાં છે, તે અન્યોન્ય સમાંતર ચાલ્યાં જાય છે. બોગદાંઓને લીધે ઉત્તર ઇટાલીના ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ અને મિલાન વચ્ચેના લેપોન્ટાઇન આલ્પ્સને પસાર કરવા માટે સરળતા થઈ ગઈ છે. રેલબોગદું 1872 અને 1882 વચ્ચેના ગાળામાં બાંધવામાં આવેલું, જ્યારે સડક-બોગદું 1980માં પૂરું કરવામાં આવેલું.
જાહનવી ભટ્ટ