સેંક્રસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને તેની 25 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 8 અને ગુજરાતમાં 4 જાતિઓ નોંધાઈ છે. કેટલીક જાતિઓ ચારા માટે મહત્ત્વની છે.

ciliaris Linn. syn. Pennisetum cenchroides A. Rich. (હિં. અંજન, ધામણ, કુશ, સફેદ ધામણ; તા. કોલુકટ્ટઈ પીલ્લુ; તે. કુસગડ્ડી; અં. આફ્રિકન ફૉક્સટેઇલ, બફલગ્રાસ) ભારતના શુષ્ક પ્રદેશોમાં, જમ્મુથી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિળનાડુમાં 1200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે ગાંઠામૂળી ધરાવતી, ગુચ્છિત, ટટ્ટાર કે પથરાયેલી, બહુશાખી, બહુસ્વરૂપી (polymorphic) અને બહુવર્ષાયુ જાતિ છે. તે સપાટ મેદાનોમાં 15થી 75 સેમી. અને ટેકરીઓ પર 15થી 20 સેમી. ઊંચી થાય છે. પર્ણો રેખીય, 25 સેમી. 0.6 સેમી. અને રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ ઘટ્ટ, નળાકાર, અગ્રસ્થ, આછા કે જાંબલી રંગની કલગીઓ (racemes) સ્વરૂપે ગોઠવાયેલી લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) શૂકિકાઓ(spikelets)નો બનેલો હોય છે.

આ જાતિમાં જનીનિક ભિન્નતાની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં તેનાં કેટલાંક પારિસ્થિતિક પ્રરૂપ (ecotypes) નોંધાયાં છે. IARI(Indian Agricultural Research Institute, New Delhi)એ તેની કેટલીક જાતો ઉત્પન્ન કરી છે; જેઓને રાજસ્થાનના શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં અને હિમાલયી ઢોળાવોના ઉચ્ચપર્વતીય (alpine) અને ઉપોચ્ચપર્વતીય (sub-alpine) પ્રદેશોમાં પણ ઉછેરી શકાય છે. કેટલીક જાતો તટસ્થ કે સહેજ ઍસિડિક મૃદામાં પણ ઉગાડી શકાય છે. ‘પુસા જાયંટ અંજન’ એવી સંકર જાત છે, જે 62 ટન ચારો/હે./વર્ષ (અછતના સમયમાં પણ) ઉત્પન્ન કરે છે. ચરાઈ (grazing) કે કાપણી પછી તે ઝડપથી પુન:પ્રાપ્તિ (recovery) કરે છે અને ચારો વધારે મૃદુ, રસાળ અને સ્વાદિષ્ટ હોય છે. તેનો સૂકો ચારો (hay) પણ બનાવવામાં આવે છે. રેતાળ અને ઓછી જલ-ધારણ શક્તિ (water-holding capacity) ધરાવતી મૃદા માટેની કેટલીક જાતોમાં ‘CAZRI-75’ (મારવાડ અંજન), ‘CAZRI-358’, ‘CAZRI-357’ અને ‘IGFRI-3108’નો સમાવેશ થાય છે. ‘Biloela’ અને ‘Molopo’; ‘226’ અને ‘362’ ભારે વરસાદવાળા પ્રદેશો અને ભારે મૃદા માટે વધારે સારી છે.

અંજન (Cenchrus ciliaris)

તેનું વાવેતર ચારા માટે થાય છે અને આબોહવા અને મૃદાની વિવિધ પરિસ્થિતિઓમાં તે અનુકૂલન પામેલી જાતિ છે. તે સારા પ્રમાણમાં શુષ્કતારોધી (drought-resistant) અને સહિષ્ણુ (hardy) છે; કારણ કે તેનાં મૂળ મૃદામાં વર્ષો સુધી જીવિત રહે છે.

અંજનનું બીજ દ્વારા પ્રસર્જન થાય છે; ઉપરાંત ધરુવાડિયામાં રોપાઓ કે મૂળવાળી કલમો (rooted slips) ઉછેરીને તેમનું આરોપણ કરવામાં આવે છે. બીજની વાવણીનો દર મૃદા, વરસાદ, આબોહવા અને વાવણીની પદ્ધતિ ઉપર આધાર રાખે છે અને તે 2.0થી 11.0 કિગ્રા./હે. જેટલો હોય છે. વાવણી ચોમાસાની શરૂઆતમાં બીજ રેતી સાથે મિશ્ર કરી છૂટે હાથે વેરીને કરવામાં આવે છે. પિયત જમીનમાં તેની વાવણી કોઈ પણ સમયે કરી શકાય છે. શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં 50થી 75 સેમી. અંતરે અને ભેજવાળા વિસ્તારમાં 25થી 50 સેમી.ના અંતરે વાવવામાં આવે છે. રોપાઓ 21 દિવસના હોય અને તેમની ઊંચાઈ 20થી 22 સેમી. જેટલી હોય ત્યારે 30થી 60 સેમી.ના અંતરે ચોમાસા પછી રોપવામાં આવે છે. મૂળવાળી કલમો સમક્ષિતિજ રોપવામાં આવે છે. એક કે બે વાર નીંદણનો નાશ અને અંત:કૃષિ (intercultivation) જરૂરી છે. ભારે મૃદામાં અંજનને Dichanthium spp. સાથે, શુષ્ક પ્રદેશની હલકી મૃદામાં સીવણ (Lasiurus sindicus) અને ગુવાર (Cyamopsis tetragonoloba), મઠ (Vigna aconitifodia), મગ (V. radiata) અને ચોળા (V. unguiculata) જેવી શિંબી વર્ગની વનસ્પતિઓ સાથે વાવતાં 20 %થી 30 % જેટલું ઉત્પાદન વધે છે. આ મિશ્રણોથી વધારે પ્રોટીન-દ્રવ્ય, શુષ્ક દ્રવ્ય પાચ્યતા (digestibility) અને ઓછું કોષદીવાલદ્રવ્ય પ્રાપ્ત થાય છે.

પ્રથમ વર્ષે લણણી કે ચરાઈ થતી નથી; જોકે પ્રથમ કાપણી 90થી 105 દિવસે કરી શકાય છે. પ્રથમ અને બીજા વર્ષમાં વારંવાર કાપણી કે ચરાઈથી ઘાસની શાખાઓ અને ઉત્પાદન ઉપર વિપરીત અસર પડે છે. બીજ બને ત્યાં સુધી પ્રથમ કાપણી કરવામાં આવતી નથી; કારણ કે ઘાસને સારી રીતે સ્થાપિત થતાં છ માસ થાય છે. વળી, બીજ-વિકિરણથી ખાલી જગા પુરાય છે. ત્યારપછીની કાપણીઓ 50થી 60 દિવસના અંતરે કરી શકાય છે. ઇષ્ટતમ ઉત્પાદન માટે 30 દિવસના આંતરે છોડની 15 સેમી. ઊંચાઈએ કાપણી કરવાની ભલામણ કરાઈ છે. પિયત જમીનમાં વર્ષમાં 12 કાપણી થઈ શકે છે. શુષ્ક પ્રદેશમાં (30 સેમી.થી ઓછો વાર્ષિક વરસાદ હોય ત્યાં) 9.0થી 11.2 ટન/હે./વર્ષ લીલા ચારાનું ઉત્પાદન થાય છે. 38-76 સેમી. વરસાદવાળા પ્રદેશમાં 22થી 28 ટન હે./વર્ષ લીલો ચારો મેળવી શકાય છે. 3થી 4 કાપણી કરતાં તેનું 33થી 55 ટનનું ઉત્પાદન નોંધાયું છે. ‘પુસા જાયન્ટ અંજન’ દ્વારા 62 ટન/હે./વર્ષ ઉત્પાદન મળ્યું છે.

આ ઘાસ કોઈ પણ તબક્કે પોષક હોય છે. લીલા ચારા તરીકે તે સૌથી સારા ઘાસ પૈકીનું એક છે. તે તેની પરિપક્વ અવસ્થાએ પણ પોષણમૂલ્ય જાળવી રાખે છે અને તેનો સૂકો ચારો કે સાઇલેજ (silage) બનાવવામાં આવે છે. ઘાસનું અને સૂકા ચારાનું રાસાયણિક બંધારણ સારણીમાં આપવામાં આવેલ છે.

સારણી : Cenchrusની કેટલીક જાતિઓનું રાસાયણિક બંધારણ

(શુષ્કતાને આધારે ટકાવારીમાં)

જાતિ પાણી પ્રોટીન લિપિડ N-મુક્ત

નિષ્કર્ષ

રેસો ખનિજ કૅલ્શિયમ ફૉસ્ફરસ
C. ciliaris

લીલો ચારો

સૂકો ચારો

69.69 13.82 3.38 44.90 26.21 11.69 0.55 0.11
9.74 1.31 41.83 40.38 6.74 1.02 0.42
C. glaucus

(30 દિવસનો છોડ)

8.11 10.63 5.36 47.82 21.89 14.30 0.64 0.81
C. setigerus 12.01 6.0 2.97 45.81 34.20 11.02 1.07 0.51

 આ ઘાસ દૂધનું ઉત્પાદન વધારે છે અને ઢોરોની ચામડી સુંવાળી અને ચકચકિત બને છે. જોકે ભેંસને તેનો ચારો આપવાથી દૂધમાં સહેજ વિષાળુ અસર ઉત્પન્ન થાય છે.

બીજનું ઉત્પાદન આશરે 175 કિગ્રા./હે. થાય છે; જોકે ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. દુષ્કાળમાં બીજનો મનુષ્યના ખોરાકમાં અપમિશ્રક (adulterant) તરીકે ઉપયોગ થાય છે. બીજમાં સાયનિડિન-ડાઇગ્લાયકોસાઇડ હોય છે. છોડ ફ્લેવોનૉઇડો, સ્ટેરોલ અને/અથવા ટર્પિનો ધરાવે છે.

ઘાસ સારું મૃદાબંધક છે, કારણ કે તેનું મૂળતંત્ર વિસ્તૃત હોય છે. તે ભૂક્ષરણ સામે રક્ષણ આપે છે અને રેતીના ઢૂવાને સ્થાયી બનાવે છે. ઓછા વરસાદવાળા પ્રદેશનાં જંગલોના વિસ્તારોની મૃદામાં તે સુધારણા કરે છે.

આ ઘાસની પરાગરજ દ્વારા ચોમાસામાં દમ કે નાસાશોથ (rhinitis) થાય છે. અંજન બાજરીમાં થતા અર્ગટના રોગમાં સહપોષિતા તરીકે વર્તે છે.

સેંક્રસની અન્ય જાતિઓમાં C. biflorus (કાળી અંજન), C. glaucus, C. setigerus, C. echinatus, C. pennisetiformis, C. prieurii વગેરેનો સમાવેશ થાય છે.

મીનુ પરબીઆ

દિનાઝ પરબીઆ

બળદેવભાઈ પટેલ