સેહગલ, હરદર્શન (જ. 26 ફેબ્રુઆરી 1935, કુન્ડિયન, જિ. મિન્યાંવલી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક. વાયરલેસ ટૅક્નૉલૉજી ડિપ્લોમા. રેલવેના અધિકારીપદેથી સેવાનિવૃત્ત.
તેમની માતૃભાષા સરિયાકી (પંજાબી) હોવા છતાં તેમણે હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મૌસમ’ (1980), ‘તેરહ મુંહવાલા દિન’ (1982), ‘ગોલ લિફાફે’ (1997) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘સફેદ પાંખોં કી ઉડાન’ (1984), ‘ટૂટી હુઈ જમીન’ (1996) બંને નવલકથાઓ છે; જ્યારે ‘અપને અપને કામ’ (1985), ‘નામ કમાને કી લલક’ (1991) બંને બાળસાહિત્યનાં પુસ્તકો છે. તેમની વાર્તાઓ વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થઈ છે.
તેમને 1977માં હમારા ઘર કથા પુરસ્કાર; 1984માં બેસ્ટ પબ્લિકેશન ઍવૉર્ડ; 1987માં રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા રાંગેય રાઘવ પુરસ્કાર; 1990માં સોવિયેત વિમેન તરફથી ઍવૉર્ડ તથા સીબીટી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા