ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : રસાયણ કે દવા વડે ચોક્કસ રોગ કે ચેપ અટકાવવો તે. રસીઓ કે પ્રતિરક્ષા (immuno) ગ્લૉબ્યૂલિનોનો ઉપયોગ તેમાં આવરી લેવાતો નથી. રોગપ્રતિરોધ માટે વપરાતી દવા કોઈ ચોક્કસ રોગ કે ચેપ સામે અસરકારક હોય છે અને બધા જ પ્રકારના ચેપ થતા અટકાવવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જાય છે. ત્યારબાદ થતો ચેપ મોટેભાગે ઔષધરોધી (resistant) જીવાણુઓ કે અન્ય સૂક્ષ્મજીવો (દા. ત., ફૂગ) વડે થાય છે. વ્યક્તિની રોગવશ્યતા (susceptibility) ઉપરાંત રોગપ્રતિરોધશીલ દવાથી થઈ શકનારો લાભ, તેનાથી પડનારી મુશ્કેલીઓ અને તેની ઝેરી કે આડઅસરોથી થતું નુકસાન પણ સમજવું જરૂરી હોય છે.
સામાન્ય રોગવશ્યતાવાળી વ્યક્તિમાં ઔષધીય રોગપ્રતિરોધ : મલેરિયા વારંવાર થતો હોય તેવા વિસ્તારના નિવાસીઓ કે પ્રવાસીઓને ક્લૉરોક્વિન, ઍમિનોક્વિન, પીરીમિથામિન અને સલ્ફાડૉક્સિન કે સલ્ફાડાયાઝીનનું મિશ્રણ કે પ્રોગ્વેનિલ, ડૉક્સિસાઇક્લિન જેવી દવાઓ વડે મલેરિયા થતો અટકાવવામાં આવે છે. લશ્કરી છાવણી, નિર્વાસિતોના તંબુઓ અને શાળાના વર્ગોના બંધિયાર વાતાવરણમાં નાની જગ્યામાં ઘણી વ્યક્તિઓ હાજર હોય છે તેથી થૂંકબિંદુથી ફેલાતા ચેપ (droplet infections) (દા.ત., મૅનિંગોકોકાઈ, સ્ટ્રૅપ્ટોકોકાઈ (નામના ગોલાણુ-જીવાણુઓ) અટકાવવા દવાઓની જરૂર પડે છે. તાનિકાશોથ (meningitis) થતો અટકાવવા પેનિસિલીન કે રિફામ્પિસીન તથા મિનોસાક્લિન વપરાય છે, જ્યારે આમવાતી તાવ (rheumatic fever) તથા સ્ટ્રૅપ્ટોકોકલ ચેપ થતો અટકાવવા પેનિસિલીન કે ઍરિથ્રૉમાઇસીન ઉપયોગી રહે છે. આમવાતી તાવની કેટલીક આનુષંગિક તકલીફો પણ તેનાથી થતી અટકે છે. પરમિયા(gonorrhoea)થી પીડાતી માતાના નવજાત શિશુની આંખમાં 1 % સિલ્વર નાઇટ્રેટનાં ટીપાં નાખવાથી નવજાત શિશુને નેત્રશોથ (ophthalmia neonatorum) થતો અટકે છે. તેવી જ રીતે પરમિયો થતો અટકાવવા પેનિસિલીન કે નૉરફૉક્સેસિલીન, ઉપદંશ (syphilis) થતો અટકાવવા પેનિસિલીન, પ્લેગ થતો અટકાવવા સલ્ફૉનેમાઇડ ઔષધો, સ્ક્રબ અને ટાઇફસ જ્વર જેવા રિકેટ્શિયાહના ચેપ અટકાવવા ક્લૉરેમ્ફેનિકૉલ કે ટેટ્રાસાઇક્લિન, ક્ષયના દર્દીના નજીકના સંસર્ગમાં આવતી વ્યક્તિઓમાં ક્ષય થતો અટકાવવા આઇસોનિયેઝાઇડ અને ઇન્ફ્લુએન્ઝા – એના વાવડના સમયે તે થતો અટકાવવા એમેન્ટીડિનનો ઉપયોગ કરવાનું સૂચવાય છે.
વધેલી રોગવશ્યતાવાળી વ્યક્તિમાં ઔષધીય રોગપ્રતિરોધ : હૃદયના જન્મજાત કે પાછળથી થયેલા હૃદયના રોગોમાં જીવાણુજન્ય હૃદયાંત:કલાશોથ (bacterial endocarditis) થતો અટકાવવા પેનિસિલીન કે ઍરિથ્રૉમાઇસીન વપરાય છે. આવા દર્દીમાં દાંત પાડવાની કે આંતરડાની શસ્ત્રક્રિયા થતી હોય ત્યારે પેનિસિલીનરોધી જીવાણુઓનો ચેપ થવાની શક્યતા હોવાને લીધે ઍમાઇનોગ્લાય-કોસાઇડ જૂથની પ્રતિજૈવ (antibiotic) દવાઓ અપાય છે.
વાતસ્ફિતિ (emphysema), દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ (chronic bronchitis), શ્વસનિકા-વિસ્ફારિતા (bronchiactesis), જન્મજાત કોષ્ઠીય તંતુતા (congenital cystic fibrosis, mucoviscidosis) જેવા શ્વસનમાર્ગના રોગોમાં વારંવાર ચેપ લાગતો અટકાવવા ટેટ્રાસાઇક્લિન, ઍમ્પિસિલીન કે સિફેલોસ્પૉરિન અપાય છે. લૈંગિક સંસર્ગ પછી (post-coital) સ્ત્રીઓમાં થતા મૂત્રાશયના ચેપને અટકાવવા ઍમ્પિસિલીન; કોટ્રાઇમૅક્સેઝોલ કે નૉરફ્લૉક્સેસિલીન વપરાય છે. આંતરડાની શસ્ત્રક્રિયા પહેલાં તેમાંના જીવાણુઓને દૂર કરવા મોં વાટે સલ્ફૉનેમાઇડ કે નિયૉમાઇસીન અપાય છે. તેવી રીતે હૃદયની શસ્ત્રક્રિયા કરતાં પહેલાં પેનિસિલીન અને જેન્ટામાઇસિન અપાય છે તથા સ્ત્રી-જનનાંગોની શસ્ત્રક્રિયા પહેલાં સિફેલોસ્પૉરિન અને મેટ્રૉનિડેઝોલ અપાય છે. વાગ્યા પછી થતી ઈજા, ગંદા ઘા, તૂટેલા હાડકાની સાથે ચામડીમાં પણ છેદ હોય તથા પેટની અંદર પ્રવેશતો ઘા હોય તેવા દર્દીને પેનિસિલીન, જેન્ટામાઇસિન, ક્લિન્ડામાઇસિન, મેટ્રૉનિડેઝોલ વગેરે અપાય છે. ચામડી, આંખ કે સાંધાના ખુલ્લા ઘામાં ચેપ ન પ્રસરે માટે સ્થાનિક કાર્ય કરતાં ઔષધો વપરાય છે; દા. ત., આયોડિન, પોવિડોન, સેટ્રીમાઇડ, ક્લૉરોઝાઇલીન, ક્લૉરહેક્ઝિડીન, નિયૉમાઇસિન, બેસીટ્રેસિન, પૉલિમિક્સિન, સિલ્વર-સલ્ફાડાયાઝિન, સોફ્રામાઇસિન, ક્લૉરેમ્ફેનિકોલ, જેન્ટામાઇસિન, ટેટ્રોસાઇક્લિન વગેરે. એઇડ્ઝ કે કૅન્સરની ભારે ચિકિત્સાવાળા દર્દીઓમાં ન્યૂમોસિસ્ટિક કેરીનાઇનો ચેપ ન લાગે માટે કોટ્રાઇમૅક્સેઝોલ વપરાય છે.
ચેપ સિવાયના રોગો અટકાવવાના નુસખા : ઉગ્ર લસિકાબીજકોષી રુધિરકૅન્સર (acute lymphatic leukaemia) નામના લોહીના કૅન્સરમાં મગજ અને તેનાં આવરણોમાં કૅન્સર ફેલાતું અટકાવવા મિથોટ્રક્ઝેટ કે સાયટોસીન ઍરાબીનોસાઇડને કરોડના મણકાઓની વચ્ચેથી મગજની આસપાસના પ્રવાહીમાં સીધેસીધું અપાય છે. ગર્ભધારણ થતું અટકાવવા વપરાતી ગર્ભનિરોધક ગોળીઓ, લાંબા સમયના પથારીમાંના આરામ સમયે લોહીની નસોમાં લોહી ગંઠાતું અટકાવવા હિપેરીન કે મુખમાર્ગી રુધિરગઠન રોધકો (anticoagulants), નજલો (gout) કે યૂરિકઍસિડનું લોહીમાંનું પ્રમાણ વધતું અટકાવવા એલોપ્યુરિનોલ, હૃદયરોગનો હુમલો (હૃદયસ્નાયુનું આંશિક ઘનન, myocardial infaction) કે પક્ષાઘાત થતો અટકાવવા ઍસ્પિરિન, યકૃતરોગજન્ય બેભાનઅવસ્થા (hepatic coma) અટકાવવા નિયૉમાઇસિન તથા આધાશીશી કે હૃદયરોગનો બીજો હુમલો અટકાવવા બીટાબ્લૉકર ઔષધો વપરાય છે.
શિલીન નં. શુક્લ
ભરત જે. પરીખ