સેલી, મૅરી (Sall’e, Marie) (. 1707; . 27 જુલાઈ 1756, પૅરિસ, ફ્રાંસ) : ફ્રેંચ પ્રયોગશીલ નર્તકી અને પ્રથમ મહિલા કૉરિયૉ-ગ્રાફર. તેમનું નૃત્ય જીવંત અને નાટ્યાત્મક અભિવ્યક્તિ ધરાવતું હતું. વળી તેમણે કૉરિયૉગ્રાફ કરેલાં નૃત્યો પણ એ જ લક્ષણો માટે જાણીતાં હતાં.

મૅરી સેલી

બાળપણમાં ઇંગ્લૅન્ડમાં નૃત્યના જલસા કર્યા પછી સેલીએ નર્તક ફ્રાંસ્વા પ્રેસ્વો (Francoise Presvost) હેઠળ નૃત્યની વધુ તાલીમ લીધી. 1721માં પૅરિસ ઑપેરા થિયેટરમાં સેલીના એકલ (solo) નૃત્યનો પહેલો જલસો થયો. 1729થી તેમણે ગુરુ ફ્રાંસ્વા પ્રેસ્વો સાથે યુગલનૃત્યના કાર્યક્રમો કરવા શરૂ કર્યા. અત્યાર સુધી યુરોપના પ્રશિષ્ટ નૃત્યમાં વપરાતાં મહોરાં આ યુગલે ફગાવી દીધાં અને ચહેરાના વિવિધ જીવંત હાવભાવ વડે નૃત્યમાં નવો પ્રાણ ફૂંક્યો. સેલીએ પ્રેસ્વો સાથેનાં યુગલ નૃત્યોની રચના-કૉરિયૉગ્રાફી જાતે જ કરેલી. તેમાંથી શ્રેષ્ઠ રચના છે ‘પા દે દ્યુ’ (Pas de deux), ‘લા કારાકતેરા દ લા ડાન્સ’ (Les caracteres de la danse). ત્યારબાદ પોતાના એકલનૃત્ય ‘લા કારાકતેરા દ લામૂ’(Les caracteres de Lamour)ની તેમજ એક સમૂહનૃત્ય બેલે ‘બેકુસ ઍન્ડ એરિયાને’(Bacchus and Ariadne)ની કૉરિયૉગ્રાફી પણ તેમણે જાતે જ કરી. ‘બેકુસ ઍન્ડ એરિયાને’માં તેમનાં અભિનય અને નર્તન સુંદરતાની ચરમસીમાએ પહોંચ્યાં. એ પછી તેમણે ‘પિગ્મેલિન’ (1734) નૃત્ય કૉરિયૉગ્રાફ કર્યું; જેમાં તેમણે વિનસના પાત્રનું અભિનય-નર્તન સ્વયં કર્યું. આ પાત્રના અભિનય-નર્તનથી આરંભીને તેમણે અઢારમી સદીનો સ્ત્રીનો શણગારાત્મક અને ભારેખમ પોશાક ફગાવી ગ્રીક શૈલીનો સુતરાઉ સાદો પોશાક અપનાવ્યો. એ પછી તેમણે હેન્ડલ(Handel)ના ઘણા ઑપેરાઓમાં નૃત્ય કર્યું. બૅલે ‘કાસ્તો એ પોલે’(Castor et Pollux) (1737)માં પણ તેમનું નૃત્ય વખણાયું હતું.

અમિતાભ મડિયા