સેરો-ટોલોલો ઇન્ટર-અમેરિકન ઑબ્ઝર્વેટરી લા સેરેના ચિલી (Cerro Tololo Inter-American Observatory – CTIO)
January, 2008
સેરો–ટોલોલો ઇન્ટર–અમેરિકન ઑબ્ઝર્વેટરી, લા સેરેના, ચિલી (Cerro Tololo Inter-American Observatory – CTIO) : ચિલીમાં આવેલી ખગોલીય વેધશાળા. તેની સ્થાપના ઈ. સ. 1965માં કરવામાં આવી હતી. આ વેધશાળા સાન્ટિયાગો(Santiago)થી આશરે 480 કિમી. ઉત્તરે અને લા સેરેના(La Serena)ના સાગરતટથી પૂર્વ તરફ લગભગ 80 કિમી.ના અંતરે, 2,200 મીટર ઊંચા પર્વતની ટોચે આવેલી છે. આ વેધશાળા સંકુલનું સંચાલન ‘National Optical Astronomy Observatories’(NOAO)ના એક ભાગ તરીકે ‘Association of Universities for Research in Astronomy’ (AURA) અને ‘National Science Foundation’ નામની સંસ્થાઓ સંયુક્તપણે કરે છે. આ વેધશાળા અને એરિઝોના(અમેરિકા)ની કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) નામની વેધશાળા એકમેકના પર્યાય જેવી ભગિની-સંસ્થાઓ છે.
સેરો-ટોલોલો ઇન્ટર-અમેરિકન ઑબ્ઝર્વેટરી
‘Victor M. Blanco Telescope’ નામના તેના મોટામાં મોટા દૂરબીનનું સ્થાપન 1974માં કરવામાં આવ્યું હતું. આ દૂરબીનના દર્પણનો વ્યાસ 4 મીટર છે. બરાબર આની જ પ્રતિકૃતિ જેવું એક દૂરબીન – ‘Mayall Telescope’ – કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરીમાં ગોઠવવામાં આવ્યું છે. આ બંને દૂરબીનો પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોલાર્ધમાં આવેલાં હોવાથી સમગ્ર અવકાશી ગોળાને આવરી લેતાં નિરીક્ષણો સંયુક્તપણે કરી શકે છે. આ સિવાય 0.61 મીટરનું ‘કર્ટિસ-શ્મિટ ટેલિસ્કોપ’ (Curtis Schmidt) પણ અહીં છે. આ દૂરબીન મિશિગન યુનિવર્સિટીનું છે. આ ઉપરાંત, અહીં 1.5 મીટર, 1.3 મીટર અને 1.0 મીટર તથા 90 સેન્ટિમિટર વ્યાસના પરાવર્તકો પણ કાર્યરત છે. ચિલી યુનિવર્સિટીનું 1.2 મીટરનું એક રેડિયો-ટેલિસ્કોપ પણ અહીં ગોઠવવામાં આવ્યું છે. 4.1 મીટરનું ‘Southern Astrophysical Research’ (SOAR) નામનું ટેલિસ્કોપ પણ એપ્રિલ, 2004માં અહીં મૂકવામાં આવ્યું છે. વળી ઉપર જેનો ઉલ્લેખ કર્યો તે ‘AURA’ સંસ્થા ચિલીની આ વેધશાળા ઉપરાંત, ‘Space Telescope Science Institute’ અને ‘Gemini Observatory’ સંસ્થાઓનું પણ સંચાલન કરે છે. તેના કારણે જેમિની વેધશાળાના ટેલિસ્કોપનો લાભ પણ ચિલીની આ વેધશાળાને મળે છે.
સુશ્રુત પટેલ