સેરાચેની, કાર્લો (Seraceni, Carlo) (. 1579, વેનિસ, ઇટાલી; . 1620, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. ખ્રિસ્તી ધાર્મિક કથાઓ અને ગ્રેકોરોમન પુરાકથાઓમાંથી પ્રસંગો-વિષયોને એમણે આલેખિત કર્યાં છે.

કાર્લો સેરાચેનીએ દોરેલું ચિત્ર : ‘સેંટ સેબાસ્ટિયન’

સેરાચેની કોની પાસેથી ચિત્રકલા શીખ્યા એ જાણવા મળતું નથી. પણ તેમનાં આરંભનાં ચિત્રોમાં ચિત્રકારો બાસાનો (Bassano), સેવોલ્દો (Sevoldo) અને રોમાનિનો(Romanino)ની અસર જોઈ શકાય છે. એમણે કારાવાજિયો(Caravaggio)ની તીવ્ર પ્રકાશ-પડછાયાની શૈલીમાં ભીંતચિત્રો પણ કર્યાં છે. 1958માં સેરાચેની રોમ ગયા અને રોમ ખાતેના જર્મન ચિત્રકાર એલ્શીમેર(Elshcimer)ની અસર હેઠળ આવ્યા. રોમમાં સેરાચેનીએ ઓવિડ(Ovid)નાં છ દૃશ્યો આલેખ્યાં તેમાં આ અસર સ્પષ્ટ છે. તેમાં નિસર્ગદૃશ્યોની પશ્ર્ચાદભૂ સાથે માનવઆકૃતિઓ સામંજસ્યપૂર્ણ સંવાદ (harmonised dialogue) રચે છે. સેરાચેનીની આ શૈલીનો પ્રભાવ પછીથી વિખ્યાત ફ્રેંચ નિસર્ગચિત્રકાર ક્લોદ લૉરાં(Claude Lorraine)એ પણ ઝીલ્યો.

ચર્ચમાં મૂકવાનાં વેદીચિત્રો પણ સેરાચેનીએ આલેખ્યાં છે. તે બધાં ઇટાલિયન બરોક ચિત્રકારો કારાવાજિયો અને ઓરાત્ઝિયો જેન્તિલેસ્કી(Orazio Gentileschi)નાં અંધારિયાં અને ગમગીન ચિત્રો જેવાં છે. રોમ ખાતેના સેંટ મારિયા દેલ્લા સ્કાલા (Maria Della Scala) ચેપલમાં વેદી પર કારાવાજિયોએ ચિત્ર ‘ડેથ ઑવ્ વર્જિન’ ચીતર્યું હતું. તેમાં વર્જિનના ફૂલીને ઢમઢોલ થયેલા દેખાતા પેટને કારણે ચર્ચના પાદરીઓએ આ ચિત્ર ઉતારી લઈ દૂર કર્યું. ત્યારબાદ સેરાચેનીએ આ જ વિષય પર વેદીચિત્ર તૈયાર કરી આપ્યું. તેનાં આવાં અન્ય વેદીચિત્રોમાં સમાવેશ પામે છે રોમના સેંટ મારિયા દેલાનિમા ચેપલ માટેનાં ‘સેંટ બેનો રિસિવિંગ ધ કીઝ ઑવ્ મેઇસેન’ (Saint Benno receiving the keys Meissen) અને ‘માર્ટિર્ડમ ઑવ્ સેંટ લેમ્બર્ટ (Martyrdom of Saint Lambert) (બંને 1616થી 1618) તથા રોમના સેંટ લોરેન્ઝો ચેપલ માટેનું ‘સેંટ કાર્લો બોરોમિયો ઍન્ડ ધ હૉલી નેઇલ’ (Saint Carlo Borromeo and the Holy Nail) (1619).

ઇટાલીનાં અન્ય નગરો ગાયેતા (Gaeta), પાલેસ્ત્રીના (Palestrina) અને કેસેના(Casena)નાં ચર્ચોમાં પણ સેરાચેનીએ આ પ્રકારે વેદીચિત્રો ચીતરી આપ્યાં હતાં.

રોમ ખાતેના મહેલ પાલાત્ઝો દેલ કિરીનાલેના (Palazzo del Quirinale) સાલા રેગિયા ખંડમાં ભીંતચિત્ર આલેખવા માટે સેરાચેનીએ ચિત્રકારો આગોસ્તિનો તાસી (Agostino Tassi) તથા માર્કાન્તોનિયો બાસેતી(Marcantonio Bassetti)નો સહકાર સાધ્યો. એ પછી રોમ ખાતેના કાપેલા ફેરારી (Cappella Ferrari) ચર્ચમાં માતા મૅરીના જીવનપ્રસંગો નિરૂપતાં ભીંતચિત્રો સેરાચેનીએ આલેખ્યાં. 1619માં તેમણે વેનિસ જઈ ‘ડોજ એન્રિકો’ (Doge Enrico) દાન્દોલો કેમ્પેઇનિંગ ફૉર ધ ક્રુસેડ’ આલેખવું શરૂ કર્યું. પરંતુ અચાનક અવસાનને કારણે આ ચિત્ર અધૂરું રહ્યું. અન્ય ચિત્રકાર જ્યાં લેકલેર્કે (Jean Leclerc) તે પૂર્ણ કર્યું.

અમિતાભ મડિયા