સેન્સરશિપ (Censorship)
January, 2008
સેન્સરશિપ (Censorship) : દેશની કે સમાજની રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક વ્યવસ્થા માટે હાનિકારક ગણાય તેવા પ્રકારના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, પ્રકાશન અને પ્રચાર પર મહદ્અંશે શાસન દ્વારા મુકાતા પ્રતિબંધો. કેટલાક કિસ્સાઓમાં આવા પ્રતિબંધો ધાર્મિક સંગઠનો દ્વારા અને જૂજ કિસ્સાઓમાં તે સશક્ત ખાનગી જૂથો દ્વારા પણ લદાતા હોય છે. અલ્ કાયદા એ તેનો દાખલો છે. અલબત્ત, તેમાં ધાકધમકી અને આતંકનું પ્રમાણ સવિશેષ હોય છે. રાજ્યની એકતા, અખંડિતતા અને સુરક્ષા જોખમાય તેવા ઉદ્દામવાદી અને ભયાનક વિચારોનો ફેલાવો અટકાવવાનું કાર્ય સેન્સરશિપ દ્વારા થાય છે. આ પ્રકારના પ્રતિબંધો કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા તથા જૂજ કિસ્સાઓમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ લાદવામાં આવતા હોય છે. તેના વ્યાપમાં વર્તમાનપત્રો, સામયિકો, ટપાલ, સાહિત્ય, ભાષણો, છબીકલા, ચલચિત્રો, નાટકો, આકાશવાણી, દૂરદર્શન વગેરે પ્રવૃત્તિઓ આવરી લેવાતાં હોય છે. 1975માં ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન ભારતમાં લાદવામાં આવેલ કટોકટી દરમિયાન સેન્સરશિપનું વરવું સ્વરૂપ જોવા મળ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જર્મનીમાં હિટલરના શાસનકાળ દરમિયાન, ઇટાલીમાં મુસોલિનીની સરકાર દ્વારા તથા જાપાનમાં માર્શલ ટોજોના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સેન્સરશિપ દાખલ કરાઈ હતી. ભારતમાં ‘ડિફેન્સ ઑવ્ ઇન્ડિયા’ કાયદા હસ્તક તત્કાલીન ભારત સરકારે દેશમાં સેન્સરશિપ દાખલ કરી હતી. સોવિયેત સંઘમાં માર્શલ સ્ટાલીનના કાર્યકાળ દરમિયાન સતત સેન્સરશિપનો અમલ થતો હતો, જે તેમના અવસાન પછી પણ કે.જી.બી.ના નેજા હેઠળ ચાલુ રહી હતી.
બૉરિસ પાસ્તરનાકની નવલકથા ‘ડૉ. ઝિવાગો’, ડી. એચ. લૉરેન્સની નવલકથા ‘લેડી ચૅટરલીઝ લવર’, સલમાન રશદીની નવલકથા ‘સેટાનિક વર્સીસ’, બાંગલાદેશની લેખિકા તસલિમા નસરીનની નવલકથા ‘લજ્જા’ અને ‘દ્વિખંડિતો’ વગેરે સાહિત્યકૃતિઓ પર લાદવામાં આવેલી સેન્સરશિપના દાખલાઓ તાજેતરના છે.
ગ્રીસમાં સૉક્રેટિસના મૃત્યુનું કારણ એના સત્યશોધન માટેના વિચારોનો પ્રસાર અને પ્રચાર હતું. ગ્રીક તત્વવેત્તાઓ અને ગ્રીક ધારાશાસ્ત્રીઓ વાણી અને વિચારની અબાધિત અભિવ્યક્તિની વિરુદ્ધ હતા. તેમના આ દૃષ્ટિબિંદુ માટે તેમણે વ્યવહારુ કારણો પણ દર્શાવ્યાં હતાં. ઈ. પૂ. 443માં રોમમાં પ્રકાશન અને પ્રસાર-નિયંત્રણ માટે ઑફિસ સ્થાપવામાં આવી. ત્યારપછી ઑગસ્ટસના સમયમાં આવા નિયંત્રણનો ઉપયોગ રાજાએ રાજ્યદ્રોહને ડામવા અને અનૈતિકતાના નિયંત્રણ માટે કરવામાં આવ્યો.
રેનેસાં, રિફૉર્મેશન અને મુદ્રણકળાના પ્રસારે આ નિયંત્રણ પર અસર કરી. 1559માં પોપ પૉલ ચોથાએ ન વાંચવા જેવાં પુસ્તકોની યાદી પ્રસિદ્ધ કરી અને 1564માં આવી બીજી યાદી બહાર પાડી. કાઉન્સિલ ઑવ્ ટ્રેન્ટ દ્વારા લેખિત સાહિત્ય અંગેનાં નિયંત્રણોના નિયમો પ્રસિદ્ધ થયા.
ઇંગ્લૅન્ડમાં 1538માં પુસ્તકો છાપી પ્રસિદ્ધ કરવા માટે પ્રિવી કાઉન્સિલનો પરવાનો મેળવવાનું આવશ્યક ગણાયું. 1557 પછી ‘સ્ટેશનર્સ કંપની’ સ્થપાઈ. એના સભ્યોને જ પુસ્તકો છાપી પ્રસિદ્ધ કરવાનો પરવાનો હતો. રાણી ઇલિઝાબેથનું પણ આવું જ વલણ હતું. સ્ટાર ચેમ્બરે આ નિયંત્રણ કડક બનાવ્યું. છેવટે 1694માં આ પરવાના-પદ્ધતિનો અંત આવ્યો. તે પછી બદનક્ષીકારક લખાણો છાપે તેની સામે પગલાં લેવાતાં. આ સંદર્ભમાં જ્હૉન વિલ્કિઝ(1727-1797)નો કેસ મહત્વનો છે. જ્હૉન વિલ્કિઝ ‘નૉર્થ બ્રિટન’ નામના સામયિક(1762)નો નિર્ભીક પત્રકાર હતો. 1757માં પાર્લમેન્ટમાં ચૂંટાયા પછી તેણે રાજાના મળતિયા ઝ્વેક બ્યૂટ નામની વ્યક્તિ વિશે અને 1763માં પાર્લમેન્ટમાં રાજાના વક્તવ્ય પર પોતાનો આક્રોશ ઠાલવ્યો. રાજાએ વૉરંટ કાઢી એને કેદમાં નાખ્યો પણ અદાલતમાં તેની સામેનું જનરલ વૉરંટ ગેરકાયદે ઠર્યું. તેણે ‘Essay on woman’ લેખ લખી બદનક્ષીકારક લખાણ પ્રસિદ્ધ કર્યું. તેથી તેને પાર્લમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યો. ત્રણ ત્રણ વાર એ પાર્લમેન્ટમાં ચૂંટાયો અને તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. આથી તે વિખ્યાત થઈ ગયો. 1797માં તે અકિંચન મૃત્યુ પામ્યો. તેણે છાપાંઓની સ્વતંત્રતા અને ચૂંટણીમાં મતદારના સ્વાતંત્ર્ય તથા સામાન્ય વૉરંટની બિનકાયદેસરતા સામે જંગ ખેલ્યો અને આ સંબંધમાં કાયદાના મહત્વના સિદ્ધાંતો પ્રચલિત કરવામાં એ કારણભૂત બન્યો.
છાપખાનાંઓ સામેની સરકારની આ ડખલ 17મા સૈકાના અંત સુધી ચાલુ રહી. 1790થી 1832 દરમિયાન જોખમી વિચારોની અભિવ્યક્તિ અને પ્રસારને રાજ્યદ્રોહનો ગુનો ગણી તે માટે શિક્ષા કરાતી. 19મા સૈકામાં છાપા પરનો પ્રતિબંધ અશ્ર્લીલ બાબતો પૂરતો જ રહ્યો. જે. એસ. મિલ અને હર્બર્ટ સ્પેન્સરે વાણીસ્વાતંત્ર્યને વેગ આપ્યો. 10મા સૈકાના અર્ધ ભાગ પછી સમાજ સહિષ્ણુ કે ઉદાર બન્યો છે.
ભારતમાં વેપારી તરીકે આવેલા અંગ્રેજોએ પોતાની હકૂમત મજબૂત કરવા તરેહ તરેહનાં કારનામાં કર્યાં. તેમની સામે ‘ભારત છોડો’ની ચળવળ 1942માં શરૂ થઈ અને મહાત્મા ગાંધીની સરદારી હેઠળ તે વેગીલી બની. તે સમયે વાણીસ્વાતંત્ર્ય પર જબરદસ્ત નિયંત્રણ હતું; છતાંય પ્રતિબંધિત લખાણો લખાતાં અને પ્રસાર પામતાં. એમાં અમદાવાદ, બારડોલી વગેરે ગુજરાતનાં અનેક ગામોનો ફાળો ઘણો હતો. આ બધું રોકવા માટે એક અંગ્રેજ, નામે મેકોલેએ ઇન્ડિયન પીનલ કોડ 1860માં ઘડ્યો હતો, જેની જોગવાઈઓના આધારે સમાજના વિવિધ વર્ગો વચ્ચે અને રાજ્યો વચ્ચે દુશ્મનાવટ પેદા કરતાં લખાણો અને ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાની ઉશ્કેરણી કરતા અને સરકારને ઉથલાવી પાડવા માટેનાં લખાણોની પ્રસિદ્ધિ માટે શિક્ષા જાહેર કરવામાં આવતી હતી. કલમ 124એ રાજ્યદ્રોહના ગુના અંગે છે. આ જોગવાઈઓનો ઉપયોગ બાલ ગંગાધર ટિળક સામે 1897 અને 1916માં, બારિન્દ્રકુમાર ઘોષ સામે 1924માં, સ્વાતંત્ર્યવીર સાવરકર સામે 1909માં, મીરત કૉન્સ્પિરસી કેસ(1933)માં એસ. એચ. જાબવાલા સામે અને કુન્ઠ્ઠીકાદર સામે 1921માં ખિલાફત સરકારની રચના કરવા માટે કરવામાં આવ્યો હતો. 1910માં દેવીસિંગ મનમોહનસિંઘ તથા શ્રીધર વામન નગરકરના કેસમાં (બંને કેસો અનરિપોર્ટેડ બૉમ્બે કેસમાંના છે), રાજ્યદ્રોહ માટે કામ ચલાવવામાં આવ્યું હતું. આરોપીઓએ હિંદનું નીચે પ્રમાણે ચિત્ર બનાવી સરકારની બદનક્ષી કરી હતી.
ચિત્રની વચ્ચે હિંદુસ્તાનનો રાષ્ટ્રપુરુષ છે. રાષ્ટ્રપુરુષના એક હાથમાં સ્વરાજની માગણી સાથે હિંદનો નકશો છે. એના જમણા હાથમાં એણે બૉયકોટની તલવાર પકડી છે અને સ્વરાજની માગણી કરી છે. ચિત્રની ડાબી તરફ હિંદના વીર પુરુષોનાં ચિત્રો દર્શાવ્યાં છે અને ‘વંદે માતરમ્’નો મંત્ર મૂક્યો છે. ચિત્રની જમણી બાજુએ વિશ્વસનીય હિંદુ દેશભક્તો અને યાર-એ-હિંદનાં નામો છે. ચિત્રના પગ પાસે કમળનું ફૂલ છે, જે સ્વાવલંબન દર્શાવે છે અને તેની આજુબાજુ બે સૂત્રો લખ્યાં છે. રાષ્ટ્રપુરુષની સામે બે ભસતા કૂતરાઓ દર્શાવેલા છે, જે પરદેશી શાસકોનાં પ્રતીકો દર્શાવે છે. આ ચિત્ર હિંદમાંની બ્રિટિશ સરકારની બદનક્ષી કરે છે અને તે રાજદ્રોહ છે એમ ઠરાવી આરોપીઓને સજા કરવામાં આવેલી બતાવી હતી.
ઇન્ડિયન પીનલ કોડ(IPC)ની કલમ 124એ હેઠળ રાજદ્રોહના ગુના માટે જાહેર કરાતી શિક્ષાને પાત્ર ગણાતાં લખાણો, ચિત્રો વગેરેનો એક નમૂનો
સન 1988માં શ્યામ બેનેગલ નિર્મિત અને દિગ્દર્શિત ટેલિફિલ્મ ‘તમસ’ ટેલિવિઝન પર દર્શાવવા સામે અરજી કરવામાં આવી હતી. અરજીમાં આક્ષેપ હતો કે આ પ્રમાણેના નિદર્શનથી અરજદારના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હતો અને સાથે સાથે સિનેમેટોગ્રાફ ઍક્ટ 1952ની કલમ 5-બીનો પણ ભંગ થતો હતો. 1974માં ભીષ્મ સહાનીને સાહિત્ય એકૅડેમી એવૉર્ડ મળ્યો હતો. તેમણે લખેલી નવલકથા પર ‘તમસ’ ફિલ્મ આધારિત હતી. એમાં ભારતના ભાગલા પહેલાં, એમના પોતાના સ્વાર્થ માટે કટ્ટરવાદીઓ દ્વારા હિંદુ-મુસ્લિમ વચ્ચે કેવી રીતે કોમી તણાવ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને કેવી રીતે પરસ્પર ધિક્કારની લાગણીઓ પેદા કરાઈ હતી તેનો ચિતાર હતો. માણસની માણસાઈ અને સારપનો આ સામે કેવી રીતે વિજય થાય છે તે પણ ફિલ્મમાં દર્શાવાયું હતું. આ વિગતો જાણ્યા બાદ મુંબઈ હાઈકોર્ટે તેને પડદા પર દર્શાવવાની રજા આપી હતી. આ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થતાં સુપ્રીમ કોર્ટે અરજી રદ કરતાં ઠરાવ્યું કે ચલચિત્રની સારું અને નરસું દર્શાવવાની શક્તિ સંતુલિત (balanced) છે.
ભારતના સુપ્રીમ કોર્ટના અભિપ્રાય પ્રમાણે સેન્સરે મતપ્રદર્શનની સ્વતંત્રતાને મોકળાશ આપવી જોઈએ જેથી સર્જનાત્મક કળાઓ પ્રગટવાનો અવકાશ મળે. આ માટે સારા અને નરસા વચ્ચેની સમતુલા સચવાવી જોઈએ, જે ‘તમસ’ની બાબતમાં સચવાઈ છે. સરકારવિરુદ્ધ કરાયેલાં નિવેદનો અથવા ટીકા ભલેને તીક્ષ્ણ હોય, અસમર્થનીય હોય તોપણ તે કલમ 153-એ(વિવિધ લોકસમૂહો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી)ની મર્યાદામાં આવતાં નથી; કેમ કે દરેક વ્યક્તિને અમુક મર્યાદાની અંદર સરકારની ટીકા કરવાનો અધિકાર છે.
ભાનુપ્રસાદ ગાંધી