સૅન્ડ્રાર્ટ જોઆકિમ (Sandrart Joachim)
January, 2008
સૅન્ડ્રાર્ટ, જોઆકિમ (Sandrart, Joachim) (જ. 1601, ફ્રેન્કફર્ટ, જર્મની; અ. 1688) : જર્મન બરોક ચિત્રકાર અને કલાવિષયક લેખક. ઉટ્રેખ્ટ (Utrecht) નગરમાં ચિત્રકાર ગેરિટ વાન હૉન્થોર્સ્ટ (Gerrit – Van Honthorst) પાસે તેમજ બીજા પણ કેટલાક ચિત્રકારો પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1627માં પ્રસિદ્ધ બરોક ચિત્રકાર રુબેન્સ સાથે તેમની મુલાકાત થઈ, જે ઘણી ફળદાયી નીવડી. સૅન્ડ્રાર્ટની – ચિત્રશૈલી ઘણી પરિપક્વ બની. રુબેન્સની સાથે તેમણે હોલૅન્ડની યાત્રા
જોઆકિમ સૅન્ડ્રાર્ટ
કરી. 1628માં લંડનમાં ચાર્લ્સ ચોથાના દરબારની મુલાકાત લીધી. 1629માં તે રોમમાં સ્થિર થયા અને ત્યાં 1635 સુધી રહ્યા. 1637માં તે ઍમસ્ટરડૅમમાં એક વ્યક્તિચિત્રકાર તરીકે સ્થિર થયા. તેમનાં વ્યક્તિચિત્રોમાંથી એક ચિત્ર ‘સિવિક ગાર્ડ કમ્પની ઑવ્ કૅપ્ટન કૉર્નેલિયસ બિકર’ (1640) ખૂબ જાણીતું છે. 1645માં તેઓ જર્મની પાછા ફર્યા અને તેમણે વિવિધ ચર્ચની વેદીઓ પર મૂકવા માટેનાં ચિત્રો આલેખ્યાં. 1674માં તેમણે જર્મનીમાં ‘નૂરેમ્બર્ગ એકૅડેમી’ની સ્થાપના કરી. જર્મનીમાં સ્થપાયેલ આ પહેલવહેલી કલાસંસ્થા હતી. તેમણે જર્મનીના પંદરમી અને સોળમી સદીના ચિત્રકારો તથા રોમ ખાતેના કેટલાક ફ્રેંચ ચિત્રકારોનાં જીવનચરિત્રો તથા ટીકા-ટિપ્પણીઓ લખ્યાં. તેમાં ક્લોદ લોરાં (Claude Lorrain), પુસોં (Poussin), પીટર (Pieter), વાન લાયર (Van Laer) તથા દુકોસ્નોય(Duquesnoy)નો સમાવેશ થાય છે.
અમિતાભ મડિયા