સૅન્ડવીપ ટાપુ (Sandwip Island) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગના નોઆખલી જિલ્લામાં આવેલો ટાપુ તથા તે જ નામ ધરાવતી ખાડી. ભૌગોલિક સ્થાન : 22° 29´ ઉ. અ. અને 91° 26´ પૂ. રે.. ગંગાના ત્રિકોણપ્રદેશમાં છેક પૂર્વ છેડા પર મેઘના નદીની નાળમાં આવેલા આ ટાપુની લંબાઈ 40 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 5થી 15 કિમી. જેટલી છે. પૂર્વ તરફ તે મેઘના નદીનાળના ચાર ફાંટા પૈકીની સૅન્ડવીપ ખાડી દ્વારા ચિતાગોંગ જિલ્લાથી તથા પશ્ચિમ તરફ હાતિયા નદી દ્વારા હાતિયા ટાપુથી અલગ પડે છે. મેઘના નદીના કાંપજમાવટથી બનેલો આ ટાપુ ખૂબ જ ફળદ્રૂપ છે; પરંતુ દરિયાઈ મોજાંની તેના પર સતત અસર રહ્યા કરે છે.

17મી સદીમાં પૉર્ટુગીઝ તેમજ આરાકાન પર્વતમાળાના ચાંચિયાઓની આ ટાપુ પર જબરી પકડ હતી, છેવટે 1665માં બંગાળના મુસ્લિમ ગવર્નરે, તેમની લૂંટફાટમાંથી આ ટાપુને મુક્ત કર્યો. શરૂઆતના બ્રિટિશ શાસન વખતે તેના વહીવટ માટે સમસ્યા હતી. 1822માં આ ટાપુને ચિતાગોંગમાંથી ફેરવીને નોઆખલી જિલ્લામાં મૂકવામાં આવ્યો. આ ટાપુ આજે મુખ્ય ભૂમિ સાથે સ્ટીમરોની અવરજવર દ્વારા સંકળાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા