અગ્રાહી આત્માર કાહિની (1969) : અસમિયા નવલકથા. લેખક સૈયદ અબદુલ મલિક. તેને સાહિત્ય અકાદમીનો 1972નો પુરસ્કાર મળેલો. એમાં સાંપ્રતકાળમાં મધ્યમ વર્ગના કુટુંબની વીતકકથા આલેખાઈ છે. એનાં મુખ્ય પાત્રો ત્રણ છે : શશાંક, નિરંજન અને અપરા. ત્રણેય ગૃહ વિનાનાં, સંગી-સાથી વિનાનાં, લગભગ જીવનમાંથી ફેંકાઈ ગયેલાં. એક રીતે તે આધુનિક માનવીનાં પ્રતીક છે. તેમની દ્વારા લેખકે બતાવ્યું છે કે આધુનિક માનવને એકલતા ઘણી કઠે છે, અનેક પ્રયત્નો છતાં આસપાસના માનવીઓ જોડે એનો મેળ નથી. એ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેઠો છે અને એની ખોજમાં ભમ્યા કરે છે. પ્રત્યેક મનુષ્યને સહાનુભૂતિ અને સાચા પ્રેમની ભૂખ હોય છે. એ ન મળતાં એનામાં જે જાતજાતની વિસંગતિઓ અને વિકૃતિઓ ઉદ્ભવે છે તેનું એમાં રુચિર રીતે નિરૂપણ થયેલું છે, એમની નવલકથાઓને કેટલાક વિવેચકોએ માનવના દસ્તાવેજ રૂપે વર્ણવી છે.
પ્રીતિ બરુઆ