સે, જે. બી. (જ. 5 જાન્યુઆરી 1767, લીઍન્સ, ફ્રાન્સ; અ. 1832) : અર્થશાસ્ત્રમાં ફ્રેન્ચ ક્લાસિકલ સ્કૂલના સંસ્થાપક, મુત્સદ્દી, વ્યાપારી તથા નિસર્ગવાદીઓની આર્થિક વિચારસરણીના પ્રખર ટીકાકાર. આખું નામ જીન બૅપ્ટિસ્ટ સે. ઍડમ સ્મિથની પ્રશિષ્ટ વિચારસરણીને અમેરિકામાં તથા યુરોપ ખંડના દેશોમાં લોકપ્રિય બનાવવાનો જશ જે. બી. સેના ફાળે જાય છે. 1789માં સ્મિથનો ‘વેલ્થ ઑવ્ નૅશન્સ’ ગ્રંથ ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થયો ત્યારે સે માત્ર 23 વર્ષના હતા. 1803માં તેમનો ‘ટ્રીટાઇઝ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ ગ્રંથ ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થયા બાદ અર્થશાસ્ત્રના અધ્યયન માટે વર્ષો સુધી તે પાયાનો ગ્રંથ ગણાતો હતો. પ્રકાશન પછી તરત જ યુરોપની ઘણી ભાષાઓમાં તેમના આ ગ્રંથનો અનુવાદ થયો હતો. આ ગ્રંથમાં સેએ સ્મિથના આર્થિક વિચારોની તર્કશુદ્ધ અને શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરી છે. આ ઉપરાંત, સરકારની રાજકોષીય નીતિ અંગે તેમાં ટીકા કરવામાં આવી હતી જેને કારણે શાસક પક્ષ તરફથી તે વખોડી નાંખવામાં આવી હતી. આમ છતાં તે રદ કરવાનો કે તેમાં સુધારા કરવાનો સેએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરિણામે તેમના આ ગ્રંથની બીજી આવૃત્તિ 1814 સુધી પ્રકાશિત થઈ શકી ન હતી; એટલું જ નહિ, પરંતુ સરકારી પદ (tribunate) પરથી તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમણે તેમની કારકિર્દી દરમિયાન એક સામયિકનું સંપાદન કર્યું હતું તથા રૂની ફૅક્ટરી ચલાવી હતી. 1831માં કૉલેજ દ ફ્રાન્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરપદે તેમની નિમણૂક થઈ હતી. માંડ એક વર્ષ બાદ (1832) તેમનું અવસાન થયું હતું. તેઓ ડેવિડ રિકાર્ડો અને ટૉમસ માલ્યસના મિત્ર હતા.
અર્થશાસ્ત્રમાં નિયોજકની વિભાવના દાખલ કરવાનો તથા ઉત્પાદનનાં મૂળભૂત સાધનો(ભૂમિ, મૂડી અને શ્રમ)નો નિર્દેશ કરી તેમનું વર્ગીકરણ કરવાનો જશ સેને ફાળે જાય છે; પરંતુ તેઓ અર્થશાસ્ત્રી તરીકે પ્રસ્થાપિત થયા તે તેમના બજારના નિયમની રજૂઆતને કારણે. તેમાં તેમણે એવું સૂચવ્યું છે કે બજારમાં માંગ અને પુરવઠા વચ્ચે લાંબે ગાળે આપમેળે સમતુલા સ્થપાતી હોય છે, શરત એ કે બજારની પ્રક્રિયામાં રાજ્ય કે મજૂરમંડળો જેવાં બાહ્ય પરિબળો દખલગીરી ન કરતાં હોય. તેમની એવી દૃઢ માન્યતા હતી કે મુક્ત બજારમાં લાંબેગાળે પૂર્ણ રોજગારી પર આધારિત સમતુલા પ્રસ્થાપિત થતી હોય છે. ‘પુરવઠો તેની માંગ સર્જે છે.’ – આ તેમનું વિધાન તેમના બજારના નિયમનું હાર્દ ગણાય છે.
જે. બી. સેના બજારના નિયમમાં રહેલી મૂળભૂત વિચારસરણી જે. એમ. કેઇન્સ અને અન્ય અર્થશાસ્ત્રીઓએ વખોડી કાઢી છે.
વર્ષ 1803 અને 1829માં અર્થશાસ્ત્ર પરના તેમના બે ગ્રંથો ફ્રેન્ચ ભાષામાં પ્રકાશિત થયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે