સૂર્યપૂજા : વિશ્વના આદિદેવ સૂર્યની પૂજા. સૂર્ય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ એક સળગતો ગોળો છે. જુદા જુદા જલદી સળગી ઊઠે તેવા વાયુઓ સૂર્યની ભઠ્ઠી(ઊખા)ની રાસાયણિક પ્રક્રિયા જીવિત રાખે છે. તેમાંથી જન્મતાં ઉષ્ણતા અને પ્રકાશ ઘણા કિલોમિટરો સુધી પથરાય છે. તેનો અખૂટ જથ્થો ઘણાં વર્ષોથી ચાલે છે. મુખ્યત્વે સૂર્ય પ્રકાશ અને ઉષ્ણતા આપે છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ જેવાં શુદ્ધીકરણનાં તત્ત્વો કરતાં સૂર્ય પરમશ્રેષ્ઠ શુદ્ધ કરનાર તત્ત્વ છે. અરણ્યવાસી માનવજાતનું ઠંડી, અંધકાર, રાની પશુઓ, રોગ, શત્રુ આદિથી રક્ષણ કરનાર સૂર્ય જ જગતના આદિદેવ તરીકે માનવજાત દ્વારા પૂજાયો છે. દેવસમુદાયના ત્રિવર્ગમાં દ્યૌસ્ પુત્ર સૂર્ય દ્યુસ્થાનીય દેવ છે. પૂષા-મિત્ર મધ્યમસ્થાનીય અને અગ્નિ પૃથ્વીસ્થાનીય છે. વૈદિક ત્રિદેવમાં સૂર્ય, ઇન્દ્ર-અગ્નિને યાસ્ક ‘નિરુક્ત’માં વિશ્વનર તરીકે ઓળખાવે છે. ભારોપીય યુગમાં સૂર્ય-ઉષા આથી જ આરાધ્ય બન્યાં છે. વિશ્વની દરેક પ્રજામાં – ખાસ કરીને મેક્સિકનો, મૉંગોલિયન, ભારતીયો કે નિગ્રોમાં સૂર્ય પૂજાય છે. બૅબિલોન, ગ્રીસ, રોમ, ઇજિપ્ત, પર્શિયા, જાપાનમાં પણ સૂર્ય પૂજાય છે. તેનાં વિધિવિધાન અલગ અલગ હોવા છતાં પણ દર્શન અને પ્રણામ તો સર્વસામાન્ય ઉપચાર છે. કાલનિયંતા તરીકે સૂર્યને માનવજાતે અહોભાવ અને આદરભાવથી મિત્ર કે હરિ (સહાયક) તરીકે આરાધ્યો છે. ભારતીય પરંપરામાં અર્ઘ્યપ્રદાન અને નમસ્કાર આદિકાળથી ચાલ્યાં આવે છે. અર્ઘ્ય સન્માનસૂચક છે. કર્મના અંતે સૂર્યને અર્ઘ્યપ્રદાનની વિધિ ક્ષતિપૂર્તિ કરે છે.
પુરાતત્ત્વીય સંશોધન મુજબ અરણ્ય-સંસ્કૃતિના કાળથી સૂર્યનાં ચક્ર, બિન્દુ, તારા કે સ્વસ્તિક જેવાં પ્રતીકો પૂજાયાં છે. સિંધુસંસ્કૃતિમાં ગરુડ, મયૂર, અશ્વ અને વૃષભ જેવાં પક્ષી-પશુ પણ સૂર્યનાં પ્રતીક બન્યાં છે.
વેદકાળમાં પુષ્પપ્રદાન, હવન, પુષ્પમાલાનું અર્પણ જેવા ઉપચાર ઉમેરાયા છે. અર્ચન વખતે મંત્રો અને સૂર્યોપસ્થાન પણ આવ્યાં. ગાયત્રી મંત્ર તો વેદોનો આત્મા સૂર્યપૂજાનો શ્રેષ્ઠ મંત્ર છે. તે ઉપાસક્ને મેધાવી બનાવે છે. દ્વિજમાત્રને – બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને તેનો અધિકાર હતો. યજ્ઞપરંપરાને અનુસરી ક્ષત્રિયો દ્વારા અશ્વમેધ યજ્ઞથી સૂર્યની ઉપાસના બ્રાહ્મણયુગમાં થતી હતી.
વાયુ, અગ્નિ અને સૂર્ય વૈદિક ત્રિદેવ છે. વેદકાળમાં ‘ભાસ્કર’ (પ્રકાશ ફેલાવનાર), ‘દિનકર’ કે ‘દિવાકર’ (દિવસનો નિર્માતા), ‘દિનનાથ’ (દિવસના સ્વામી), ‘દિવસધીય’ (રાતદિવસના વિભાગ કરનાર), ‘તિમિરહર’ (અંધકાર હરનાર), ‘તપન’ (તપાવનાર), ‘પ્રત્યોદત્’ (સ્ફૂર્તિદાતા), ‘અંશુમાન’ (કિરણોવાળો), ‘ચંડાંશુ’ (તીક્ષ્ણ કિરણોવાળો), ‘ગભસ્તિમાન્’ (પ્રકાશ કિરણો રેલાવનાર), ‘અંબરમણિ’ (આકાશનું રત્ન), ‘ગ્રહપતિ’ (ગ્રહોનો સ્વામી) જેવાં નામો સૂર્યપૂજાનાં સ્વરૂપ અને દૃષ્ટિબિંદુને દર્શાવે છે. સૂર્ય, સવિતૃ, પૂષા, વિષ્ણુ, મિત્ર, વરુણ, ભગ, અર્યમા, અંશ, ઇન્દ્ર, માર્તંડ અને વિવસ્વત્ – આ બાર આદિત્યોનાં નામો સૂર્યપૂજાનાં પ્રાકૃતિક અને માનવીય સ્વરૂપ છે. વૈદિક પુરાકલ્પન પ્રમાણે સૂર્ય મહર્ષિ કશ્યપ અને અદિતિનો પુત્ર હોવાથી ‘કાશ્યપ’ અને ‘આદિત્ય’ પણ કહેવાય છે. ‘सृ’ (સરકવું – ગતિ કરવી); सू (પ્રેરણા આપવી) અને ‘सू’ (જન્મ આપવો) ઉપરથી સૂર્યનામ કલ્પવામાં આવ્યું છે. સૂર્ય વિશ્વકર્મા ત્વષ્ટાનો કે યક્ષનો જમાઈ છે. સંજ્ઞા, છાયા, સંધ્યા, રંજના, ત્વાષ્ટ્રી, પ્રભા, દયા, નિપુંભા, ઉષા, પ્રત્યુષા અને પૃથ્વી તેની પત્નીઓ છે. શનિ, સાવર્ણિ, મનુ, યમ, રેવન્ત અને અશ્ર્વિનીકુમારો તેના પુત્રો તેમજ તપતી અને યમુના તેની પુત્રીઓ છે.
વૈદિકયુગમાં સૂર્ય સ્રષ્ટા, પાલક અને સંહારક છે. તે ‘જગદધાતૃ’, ‘ચક્રબંધુ’, ‘ચક્રધરી’, ‘વિશ્વરૂપ’ નામે વિશ્વતોમુખ સ્વરૂપ ધરાવે છે. માર્તંડ હિરણ્યગર્ભ તરીકે સ્રષ્ટા; પૂષન્ તરીકે પોષક, વિષ્ણુ નામે તે રક્ષક છે. તે ઉદાર, દાનવીર, અન્નદાતા, શત્રુસંહારક, સુખ-બળ-દાતા, પશુદાતા તરીકે દુન્યવી સમૃદ્ધિ આપનાર છે. આ મહાકાલ કે કાલસ્વરૂપ દેવતા ‘પરબ્રહ્મ’, ‘પરમેશ્વર’, ‘દેવાધિદેવ’, ‘સત્યસાક્ષી’, ‘સર્વાત્મા’, ‘સર્વદ્રષ્ટા’, ‘પ્રજાપતિ’ તરીકે સૂર્યનાં નામો સૂર્યદેવત્વ વેદના एकं सद् विप्रा: बहुधा वदन्तिમાં રહેલા એકેશ્વરવાદબહુત્વમાં એકત્વ તરફ દોરી જાય છે.
સૂર્યના વાહન રથને ચાર કે સાત અશ્વો કે અશ્ર્વીઓ જોડવામાં આવે છે. વૈદિક સાત છંદગાયત્રી, ત્રિષ્ટુપ્ વગેરે અશ્ર્વીઓનાં નામ છે; તો જય, અજય, જિત્પ્રાણ, જિત્સ્રમ, મનોજવ, જિત્ક્રોધ અને જન્મેજય એ તેના સાત અશ્વો છે. અશ્વ-રથ આદિ સંવત્સર, ચાર મુખ્ય ઋતુઓ, સાત દિવસ કે સૂર્યકિરણના સાત રંગોનાં પ્રતીક છે. ચક્રો – સૂર્યનાં આકાર અને ગતિનાં સૂચક છે. વેદોત્તર કાળમાં વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવનું ધનુષ્ય, કાર્તિકેયની શક્તિ, કુબેરનું અસ્ત્ર માત્ર સૂર્યનાં પ્રતીક છે. કમળ દ્વારા તેની ફળદ્રૂપતા સૂચવાય છે. તે પદ્માક્ષ, પદ્માસન, પદ્મધારી તરીકે ફળદ્રૂપતાના દેવ છે. હંસ, નદી, તળાવ, કૂવા વગેરે તેનાં પ્રતિબિંબ ઝીલનારાં હોવાથી સૂર્યનાં પ્રતીક બન્યાં છે.
રામાયણ-મહાભારતકાળમાં વેદકાલીન સૂર્યપૂજામાં અર્ઘ્ય પ્રણામ, હવન અને અશ્વમેધ – તત્ત્વો જળવાઈ રહ્યાં છે. તે ઉપરાંત ત્રિકાળસંધ્યા કે પ્રાત:મધ્યાહ્ન ને સાયંકાળની સંધ્યા, અર્ઘ્યપ્રદાન, ગાયત્રીજપ સૂર્યપૂજામાં થતાં હતાં.
રામાયણકાળના રાજવીઓ – મનુ, ઇક્ષ્વાકુ, દધીચિ, સગર, દિલીપ, હરિશ્ર્ચંદ્ર, અજ, દશરથ, રામ, લવ વગેરે સૂર્યના આરાધકો હતા. વાલિ, સુગ્રીવ સૂર્યપુત્રો છે. રામ, લક્ષ્મણ, સીતા અને કેટલાક ઋષિઓએ સૂર્યને પૂજ્યો છે. સીતાહરણ થતાં રામે સૂર્યને પૃચ્છા કરી છે; કારણ કે તે પૃથ્વી ઉપરનાં પ્રાણીઓનો કર્મસાક્ષી છે. ‘સુંદરકાંડ’માં લંકાગમન પૂર્વે હનુમાને સૂર્યપૂજા કરી છે. અગસ્ત્યે રાવણ ઉપર વિજય મેળવવા ‘આદિત્યહૃદય’ રામને ઉપદેશ્યું છે.
મહાભારતમાં તેને દેવો, અસુરો અને ચરાચર વિશ્વનો આત્મા કહ્યો છે. મહાભારતકાળમાં સૂર્યનાં ખ્યાતિ અને આરાધનાનાં સ્વરૂપ બદલાયાં. અહીં સૌપ્રથમ વાર સૌર સંપ્રદાયનો ઉલ્લેખ મળે છે. સૂર્યના 1008 આરાધકો પાંડવોની છાવણીમાં હોવાનું કહેવાયું છે. બ્રહ્મા ઇન્દ્રને સૂર્યનાં 108 નામો ઉપદેશે છે. મહાભારત અનુસાર તે દેવશ્રેષ્ઠ છે. શ્રીકૃષ્ણ અર્જુનને સૂર્યના ગુણ ગણાવે છે. સૂર્ય જ બ્રહ્મા અને શિવ, મધ્યાહ્નકાળે વિષ્ણુ છે. સૂર્યનું માનવીકરણ એ મહાભારતની દેણગી છે. અર્વાવસુ, કુંતી, કર્ણ, યુધિષ્ઠિર અને જમદગ્નિ સંબંધિત કથાઓ આ બાબત સિદ્ધ કરે છે.
બુદ્ધે વૈદિક દેવો સામે બગાવત જગાવી પણ સૂર્યપૂજાને તેમાંથી બાકાત રાખી છે. સૂર્યપૂજા વિશે બૌદ્ધસાહિત્યમાં પણ અનેક સંદર્ભો મળે છે. સુરીય(સૂર્ય)નો ઉલ્લેખ ‘મહાસમયસુત્ત’માં છે. ‘અંગુત્તર નિકાય’ના ‘સુરીયસુત્ત’માં સૂર્યનો ઉલ્લેખ છે. સૂર્યપૂજાની બૌદ્ધ પિરંપરા સતત પુષ્ટિ આપે છે. ‘દીઘ નિકાય’માં આદિત્યનો ઉલ્લેખ છે. બુદ્ધઘોષ આદિત્યને અદિતિનો પુત્ર કહે છે. બુદ્ધને આદિત્યબંધુ કહ્યા છે. ‘સામ્યુત્ત નિકાય’માં બુદ્ધ યમરાજાને સૂર્ય વિશે ઉપદેશે છે. ‘સામ્યુત્ત નિકાય’ના ‘સુરીયસુત્ત’માં બુદ્ધને રાહુથી મુક્ત કરાવવા સૂર્ય પોકારે છે. ‘દીઘ નિકાય’માં સૂર્યવર્ચસનો ઉલ્લેખ છે. તે રાજા તુમ્બુનુની પુત્રી છે. જાતકકથાઓમાં ‘માયૂર જાતક’માં સૂર્યને મયૂર રૂપે જન્મેલા બુદ્ધ દેડકામાં સૂર્યને આરાધે છે, જેથી તે સલામત રહી શકે અને અનિષ્ટોનું નિવારણ થાય. આધુનિક સંશોધન મુજબ બુદ્ધને સૂર્યવંશી ક્ષત્રિય ગણવામાં આવ્યા છે. મૌર્યના સમયમાં અને સમ્રાટ અશોકે પણ સારનાથના સ્તંભ ઉપર અશ્વનું બિંબ કોતરાવ્યું છે. મૌર્યયુગમાં પાટલિપુત્ર સૂર્યપૂજાનું કેન્દ્ર હતું. બુદ્ધગયામાં સૂર્યની માનવી આકારની પ્રતિમા સૌરપૂજાનું અસ્તિત્વ સૂચવે છે. ઈ. પૂ. પ્રથમ સૈકામાં સૌર સંપ્રદાય અને સૂર્યપૂજા અસ્તિત્વ ધરાવતાં હતાં એટલું તો ચોક્કસ. જૈન ધર્મમાં પણ સૂર્યપૂજાનું મહત્ત્વ સ્વીકારાયું છે.
પુરાણકાળમાં હિંદુ ધર્મની વેદકાલીન તેમજ વેદોત્તરકાલીન યજ્ઞપરંપરા ઉપરાંત વૈષ્ણવ, શૈવ વગેરે સંપ્રદાયો વિશે સવિશેષ વિગતો મળે છે. સાથે સાથે શાક્ત અને તંત્ર વિશે પણ માહિતી મળે છે. ઈ. સ. 200થી ઈ. સ. 1500નો સમયગાળો આ દૃષ્ટિએ મહત્ત્વનો છે. ઈ. પૂ.ના પ્રથમ સૈકામાં શકો, કુષાણો અને ગ્રીકો સાથે સૂર્યપૂજાની કેટલીક નવી બાબતો પણ અસ્તિત્વમાં આવી છે. આ પછી સૂર્યપૂજામાં પદ્ધતિસરની ઘણી બાબતો ઉમેરાઈ છે.
માર્કંડેય પુરાણ જ્ઞાનનિધાન, તમોહર્તા, નિષ્કલંક પરમાત્મા અને જગતના આદિકારણ તરીકે સૂર્યને સ્વીકારે છે. બ્રહ્મા તેને આદિકારણ ગણાવે છે. અગ્નિપુરાણ વિષ્ણુનો અવતાર ગણે છે. મત્સ્યપુરાણ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સાથે સૂર્યને પૂજવા જણાવે છે. બ્રહ્માંડ પુરાણ તેને વિશ્વનું પ્રેરક બળ માને છે. તે કાળ અને ફળફૂલ, વનસ્પતિ-ઔષધિના સર્જક છે. બ્રહ્માંડ પુરાણ, ભાગવત અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂર્યલોકને બ્રહ્માંડની મધ્યમાં દ્યાવાપૃથિવીની વચ્ચે ગણાવે છે. પ્રત્યેક અયન અને સંક્રાંતિએ સૂર્યપૂજનને મહત્ત્વ અપાયું છે.
પરવર્તી પુરાણોમાં સૂર્યપૂજાનો સધાયેલો વિકાસ સૂર્યમંદિરો અને સૂર્યની પ્રતિમાનાં વિધાન મળે છે. સામ્બપુરાણ આમાં મુખ્ય છે. સુવર્ણરથમાં આરૂઢ, રથમાં ઊભી કે આસનસ્થ પ્રતિમા હોઈ શકે. રથને સાત અશ્વ, અરુણ સારથિ, વામે રજની અને દક્ષિણે છાયા, સાથે સાથે અન્ય પત્નીઓ, અશ્ર્વિનીકુમારો, સેવકો – દંડ અને પિંગલ ડાબે-જમણે આવે. વ્યોમ સાથે તેમના ધ્વજનું નિર્માણ કરવું. સૂર્યની પ્રતિમામાં પગ ન બતાવતાં પૂરા પગ ઢંકાયેલા રહે તેવા ઉપાનહ (હોલબૂટ) બતાવવા. સૂર્યનાં શિલ્પોની આ વિશિષ્ટતા છે.
સામ્બપુરાણ જણાવે છે કે શ્રીકૃષ્ણનો પુત્ર સામ્બ સૂર્યોપાસનાથી કુષ્ઠ રોગથી મુક્ત થયો હતો. પાકિસ્તાનના મુલતાન, પૂર્વભારતનું મુન્દિર, ઉત્તરપ્રદેશનું કાલપ્રિય, ઓરિસાનું કોણાર્ક, સૌરાષ્ટ્રનું શિવપુર, ઉત્તર ગુજરાતનું મોઢેરા સૂર્યમંદિર માટે પ્રસિદ્ધ છે. સામ્બે શાકદ્વીપમાંથી સૂર્યપૂજા માટે મગ બ્રાહ્મણોને ભારતમાં આણ્યા હતા.
વિષ્ણુપુરાણ પ્રમાણે શાકદ્વીપમાં વિશ્વકર્મા – ત્વષ્ટાએ સૂર્યનું તેજ ક્ષીણ કર્યું હતું. ભવિષ્યપુરાણ પણ રામાયણ-મહાભારતને અનુસરી આદિત્યહૃદય આપે છે.
પૌરાણિક પરંપરા પ્રમાણે મુલતાન, કુરુક્ષેત્ર, મથુરા, કાશી, પ્રયાગ, કામરૂપ, કોણાર્ક, પ્રભાસક્ષેત્ર, પાટલિપુત્ર, ગયા, દેવ, દેવકુંડ, રાજગીર, નાલંદા વગેરે સૂર્યનાં તીર્થક્ષેત્રો છે. શાકદ્વીપની પરંપરા અનુસાર સુજિહવ નામના સૂર્યવંશી મુનિની પુત્રી નિક્ષુમ્ભા સૂર્ય તરફ આકર્ષાતાં જરસદ નામે પુત્ર થયો હતો. તેમાંથી મગ જાતિ પ્રવર્તી હતી. જરસદ એ જ ઈરાન/પારસીઓના જરથુષ્ટ્ર છે. આ જ જાતિ અગ્નિ જાતિ કહેવાઈ છે. શાકદ્વીપમાં મગ, મગગસ, મંસસ અને મંદગસ બ્રાહ્મણાદિ ચાર વર્ણો જેવા ચાર વર્ણ હતા. શાકદ્વીપ કેટલાક સૌરાષ્ટ્રમાં માને છે, પણ પર્શિયા-ઈરાન અને ઝોરોસ્ટરની વિગતો પૌરાણિક પરંપરાને મળતી આવે છે. ઈરાન શાકદ્વીપમાં આવે.
પુરાણોમાં સૂર્યનાં વ્રતો અને ઉત્સવો વિશે ઠીક ઠીક માહિતી મળે છે. મુલતાનમાં સામ્બપુર યાત્રા પ્રસંગે સૂર્યપરિવારને લાકડાની પ્રતિમાઓ રૂપે કંડારી રથયાત્રા કાઢવામાં આવતી હતી. માઘ માસની સુદ સાતમે આ ઉત્સવ ઊજવાતો હતો. રાજસ્થાનના ભિન્નમાલ-(શ્રીમાલ)માં આસો માસમાં જગત્સ્વામી રથયાત્રાનો ઉત્સવ થતો હતો. અગ્નિપુરાણ રવિષષ્ઠી (છઠ્ઠ ને રવિવાર) કાર્તિક અને ચૈત્ર માસમાં વ્રત ઉત્સવને ઉલ્લેખે છે. માહ માસમાં સુદ અને વદ સાતમે કાલ-સપ્તમી અને ફળ-સપ્તમીના વ્રતનું વિધાન છે. ગમે તે માસના ગમે તે રવિવારે કલ્યાણ-સપ્તમી કે વિજય-સપ્તમીનું વ્રત બતાવ્યું છે. સાપ્તાહિક, શુક્લપક્ષીય રવિવારનાં વ્રતો પણ સૂર્યારાધન માટે છે. પુષ્પોથી અર્ચના, ફળ, અન્નનું નૈવેદ્ય-પ્રસાદ આ પૂજામાં મહત્ત્વના ઉપચાર છે. સંક્રાંતિ વ્રતપૂજન તેમજ મકરસંક્રાંતિએ કુરુક્ષેત્ર અને પ્રયાગની યાત્રા વિશેષ મહત્ત્વનાં છે.
અગ્નિ, નારદ, ગરુડપુરાણ સૂર્યને શિવ તરીકે ઓળખાવી મંત્રાનુસાર ‘યંત્ર મંત્ર’નાં વિધિવિધાન આપે છે. ન્યાસ, મુદ્રા, અભિચાર બીજ, હૃદય આદિપૂર્વક તાંત્રિક વિધાનો પણ સૂર્યપૂજામાં ઉમેરાયાં છે. પદ્મપુરાણ શારીરિક અને માનસિક રોગોમાં તાંત્રિક ચિકિત્સા દર્શાવે છે.
સમયાનુક્રમની દૃષ્ટિએ ઈ. પૂ. સૂર્યપૂજાનાં એક-બે કેન્દ્રો હતાં, પણ ધીરે ધીરે પુરાણકાળમાં તેનો વ્યાપ વધ્યો છે. ઈ. સ. 1200 લગભગ વિદેશીઓ-મુસ્લિમોનાં આક્રમણ સામે તેમના એકેશ્વરવાદ સામે એકાન્તિક ભક્તિનો વિકાસ થતાં સૂર્યમંદિરોનો ધ્વંસ થયો. શિવ, વિષ્ણુ, શક્તિની આરાધના વધુ લોકપ્રિય બની; પરંતુ મૌર્ય અને ગુપ્ત, કુષાણ યુગમાં સૂર્યનું મહત્ત્વ ઘણું હતું. મયૂરના ‘સૂર્યશતક’ને તેમાંથી સૂર્યની આરાધના કરાતાં કુષ્ઠરોગમાંથી મુક્તિ અપાવવાનું ગણાવ્યું છે. પ્રખર તાંત્રિક ભાસ્કરાચાર્યે ઋગ્વેદના રોગઘ્ની ઉપનિષદ્થી રોગમુક્તિ મેળવી હતી તે ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સૂર્યનું પંચાયતનમાં સ્થાન અદ્યાપિ જળવાયેલું જ છે. અકબરે સૂર્યપૂજાને પુનર્જીવિત કરવા ભારે પ્રયત્ન કર્યો હતો.
આદિવાસીઓમાં સાંથાલ, મુંડા, હો, મલેર, બિહારની બિરહોર જાતિઓ સૂર્યને પૂજે છે. સાંથાલ લોકો ધરતી માતાના પતિ ધર્મેશ અને બિપ્છેર લોકો ‘સિંગબાગ’ નામે સૂર્યને પૂજે છે. મલ પહરિયો બેરુ (સૂર્ય) અને ધરતીને પૂજે છે. પશ્ચિમ બંગાળના ભૂમિજો સૂર્યપૂજકો છે. ઓરિસામાં બોન્ડો જાતિના તે આરાધ્ય દેવ છે. સૂર્ય ધર્મ કે ધર્મરાજ તરીકે પ્રસિદ્ધ છે. હિમાલયની ગરો જાતિ સૂર્યને સ્વર્ગના આત્મા ગણે છે. કચાર અને અરુણાચલના આદિવાસીઓ, દક્ષિણ ભારતની તોડ અને કોયા, કેરળની મુથુવન, ઉરૈબ અને કત્રિકર જાતિઓ તેને પૂર્વાશ્રમના દેવતા ગણે છે. આમ આદિકાળથી અદ્યાપિ સૂર્યદેવતાની પૂજા જીવંત રહી છે.
બાષ્કલોની સૂર્યપૂજાવિધિ : નિર્ગુણ બ્રહ્મનું સાકાર સ્વરૂપ સૂર્ય છે. सरति सातत्येन परिभ्रमत्याकाश इति सूर्य: માં ‘सृ’ ગત્યર્થક ધાતુ છે. મરીચિપુત્ર કશ્યપ અદિતિના પુત્ર તરીકે તે આદિત્ય બારમાસના બાર સૂર્ય – શક્ર (ઇન્દ્ર), અર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન્, સવિતા, મિત્ર, અરુણ, અંશુ, ભગ અને વિષ્ણુ – વિષ્ણુપુરાણકથિત બાર સૂર્ય અને માસનાં નામ પણ છે. વૈદિક માસ મધુ, માધવ, શક્ર વગેરેમાં ધાતા, અર્યમા આદિ બાર વૈદિક સૂર્યનામો ઉપાસનાક્રમે આવે છે. આ સિવાય સૂર્યનાં અનેક નામો – સહસ્રનામ પણ – (નામ) સ્મરણ, અર્ચન માટે છે. દ્વિજ માત્ર માટે ત્રિકાલ સંધ્યાવંદન અને સૂર્યોપસ્થાન પૂજનક્રમમાં અનિવાર્યપણે આવે છે.
સૂર્યોપાસનાનું આધુનિક સ્વરૂપ પ્રતીકાત્મક હોવાથી ચક્ર, સ્વસ્તિક, બિંદુ, કમળ આદિથી થતું આરાધન તેમજ બોધિગયાની સૂર્યપ્રતિમા પ્રતિમાપૂજનનું અસ્તિત્વ દર્શાવે છે. ગંધારમાંથી મળેલી અને મથુરાની પ્રતિમામાં સૂર્યને હોલબૂટ પહેરાવાયા છે; પણ ગુપ્તકાલીન પ્રતિમામાં ઈરાનનો પ્રભાવ નથી. જગત્ સાથે સૂર્યનો પરિચય એક આદર્શ રાજારૂપે છે. તે કાલનિયમનને લીધે કાલાત્મા પણ છે. સૂર્ય વિશ્વનો આદિ દેવ છે. ગ્રીકમાં ગાલા પૃથ્વીની દેવી છે. યુરેનસ-ગાલાથી Cronus (Saturn) નાનો પુત્ર છે. તેની પત્ની Rettaથી Zeus જન્મ્યો છે. સૂર્યને ગ્રીકો ફોએલ્સ (Phoels), ઍપોલો (Apollo) અને હેલિઓસ (Hellios) નામે ઓળખે છે.
અગ્નિ, લિંગ આદિ પુરાણોમાં સૂર્યોપાસના વિશે વિગતો મળે છે. સૂર્યનાં સ્નાન, યાગ વગેરે કર્મો કરીને શિવસ્નાન અને ભસ્મસ્નાન કરવાનું વિધાન છે.
‘ॐ तप:’ મંત્રથી માટી લઈ, – भुव:થી જળ સીંચી, – ॐ स्व: બોલી, અભિમંત્રિત કરી, ॐ मह:થી વિભાગ કરી, – ॐ भू:થી શુદ્ધ કરી, મૃત્તિકા સ્નાન કરી, બાકીની માટીને સાત વાર – ॐ मह:થી અભિમંત્રિત કરી, દસ વાર દિગ્બંધન કરી, અંગે લગાડી, વ્યાહૃતિના નવાક્ષર મંત્રથી બોલી, ત્રણ વ્યાહૃતિપૂર્વક ગાયત્રી મંત્ર બોલી, ‘ॐ नम: सूर्याय खखोल्काय नम:’ બોલી સૂર્યને નમસ્કાર કરવાનું વિધાન છે. આ પૂર્ણ મંત્રથી હૃદયાદિ ન્યાસ કરી શ્રૃગાદિ પાત્ર તામ્રકુંભના જળથી કુશ (દર્ભ) દ્વારા સિંચન કરી, લાલ વસ્ત્ર પહેરી આચમન કરવું. પછી કરન્યાસ, દેહન્યાસ કરી જળ, ચંદન, સરસવ, કુશ સમૂહથી દેહ ઉપર પ્રોક્ષણ કરી, પવિત્ર થઈ અર્ઘ્યપાત્રમાંથી જળ લઈ અઘમર્ષણથી પાપપુરુષનું નિરસન કરવું. ત્યારબાદ દેવ-ઋષિ-મનુષ્ય તર્પણ કરવું. પછી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરી સદ્યોજાત શિવ-ત્ર્યંબક કે ભાસ્કર-અગ્નિનું યજન કરવું.
આમ દંતધાવન, સ્નાન વગેરે પ્રાતર્વિધિ પછી ઉપર મુજબ સ્નાન કરી, સૂર્ય અને શિવને સ્નાન કરાવવું અને ઉપચારપૂર્વક પૂજા કરવી.
સૂર્યને અર્ઘ્ય આપવા તામ્રપાત્ર જ લેવું. પાદ્ય, આચમનીય પછી ગંધપુષ્પયુક્ત જળથી અર્ઘ્ય આપવો. પછી સૂર્યોપાસન-સૂર્યોપસ્થાન કરવું. આમ કરવાથી માનવીનાં તેજ, ઊર્જા, બળ અને યશ વધે છે.
દિશાઓ-વિદિશાઓમાં સૂર્યના તેજની સ્થાપના કરવી. કળશમાં સૂર્ય સાથે દીપ્તા, સૂક્ષ્મા, જરા, ભદ્રા, વિભૂતિ, વિમલા આદિ શક્તિઓને સ્થાપવી. સૂર્યપૂજનમાં બાષ્કલ મહર્ષિએ કહેલી વિધિને અનુસરી નવાક્ષરમંત્રથી આવાહનાદિ થાય છે. વળી પદ્મમુદ્રા, મૂળ મંત્રથી અર્ઘ્ય, પાદ્ય, આચમનીય, પુન: અર્ઘ્ય આપી, રાતાં કમળ, રાતું ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, તામ્બૂલવર્તિ, દીપનું દાન સૂર્યપૂજા-વિધિનાં ઉપચાર અંગ છે. અગ્નિ, ઈશાન, નૈર્ઋત્ય, વાયવ્ય, પૂર્વ અને પશ્ચિમ છ દિગ્ભાગે આદિત્યના તંત્ર મુજબ પૂજા કરી હૃદયકમળમાં તેના પ્રતિબિંબનું ધ્યાન ધરવું, તેનું વિદ્યુત્કાન્તિ સમું હૃદય આદિ શાંત છે. અસ્ત્ર રૌદ્ર છે. તેના દાંત ભયાનક છે તેથી તેનું અષ્ટમૂર્તિ સ્વરૂપ ભયંકર છે. જમણો હાથ વરદમુદ્રામાં છે. ડાબા હાથમાં કમળ છે. લાલ માળા, રક્તચંદનચર્ચિત, રક્તવસ્ત્રધારી સૂર્ય છે. તેની સાથે દ્વિભુજગ્રહો, સાત સાત ગણ, ઋષિઓ, ગંધર્વો, અપ્સરાઓ, ગ્રામદેવીઓ, યાતુધાનો, નાગ, યક્ષ આદિ સાથે સાત છંદોરૂપ અશ્વો પૂજવા. પૂજાના અંતે ઉદ્વાસનમાં 1008, 500 કે 108 બાષ્કલે કહેલો મંત્ર જપી પશ્ચિમમાં મેખલા સહિત એક હાથનો અશ્વત્થ દલ જેવા દસ રૂપ નાભિવાળો કુંડ બનાવી તેમાં દશાંશ વિધિપૂર્વક હોમ કરી પૂર્ણાહુતિ આપવી. પછી અંગપૂજા અને શિવપૂજા કરવાં. આથી પાપમુક્તિ, પરમગતિ, ઐશ્વર્યપ્રાપ્તિ, તેજોવૃદ્ધિ, પુત્રપુત્રાદિની અભિવૃદ્ધિ થાય છે.
અન્ય પુરાણો કરતાં લિંગપુરાણની બાષ્કલોક્ત વિધાનથી થતી સૂર્યપૂજા સવિસ્તાર છે.
ભવિષ્યપુરાણમાં આદિત્યહૃદયમાં પણ વિગતે ન્યાસ, ઉપચાર સહિત સૂર્યપૂજાનું વિધાન છે. આરોગ્ય, દારિદ્ર્યનાશ, દુ:સ્વપ્નનાશન, શત્રુનાશ, સુખસમૃદ્ધિ આદિની પ્રાપ્તિ તેનું ફળ ગણાયું છે.
દશરથલાલ ગૌ. વેદિયા