સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર)
January, 2008
સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર) : કોઈ પણ અગત્યની બાબત અંગે સામા પક્ષને ખબર આપવા માટેનું વૈધિક સાધન. તે માટે અંગ્રેજીમાં ‘નોટિસ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તે માટે ઘણા વિકલ્પાર્થી શબ્દો છે; દા.ત., સૂચિત કરવું, ચેતવવું, નોટિસ આપવી, જાણકારી આપવી, સૂચના આપવી, ખબર આપવી, વિજ્ઞાપનયુક્ત ઘોષણા અથવા જાહેરાત કરવી, વિજ્ઞપ્તિ અથવા અધિસૂચના બહાર પાડવી વગેરે. કાયદાશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો કોઈ હકીકત અંગે પોતે માહિતગાર થવું કે અન્યને માહિતગાર કરવા માટે સામાન્ય રીતે જે સૂચનાપત્રનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે દસ્તાવેજ; દા.ત., કોઈ વ્યક્તિને કોઈ બાબત કે ઘટના અંગે સૂચનાપત્ર દ્વારા ખબર આપવાથી તે વ્યક્તિ તે બાબત કે ઘટના અંગે વસ્તુત: અથવા ખરેખર માહિતગાર થતી હોય છે. નોટિસ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તે જ હોય છે. સૂચનાપત્ર કે નોટિસ લેખિત સ્વરૂપમાં હોય તો બંને પક્ષો માટે તે હિતકારક હોય છે.
કાયદાશાસ્ત્રની દૃષ્ટિએ સૂચનાપત્ર કે નોટિસના છ પ્રકાર છે : (1) કોઈ પ્રક્રિયાનો વિચ્છેદ કે તેની સમાપ્તિ કરવા અંગેની સૂચના; (2) સામા પક્ષે માંડેલ દાવા સામે બચાવ અથવા પ્રતિકાર કરવાના પોતાના ઇરાદા અંગેની સૂચના; (3) દસ્તાવેજ કે પુરાવારૂપી અન્ય પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રી રજૂ કરવા અંગેની સૂચના; (4) કોઈ કરારમાંથી મુક્ત થવાના પોતાના ઇરાદા અંગેની સૂચના; (5) વિશિષ્ટ કાયદા હસ્તક કોઈ પ્રક્રિયા (process) હાથ ધરવા અંગેની સૂચના અને (6) કોઈ ગુનાઇત કૃત્ય અંગે ગુનેગાર સામે કામ ચલાવવાની પ્રક્રિયા અંગેની સૂચના. આ બધા છ પ્રકારોની વિસ્તારપૂર્વક ચર્ચા નીચે મુજબ કરી શકાય :
(1) કોઈ પ્રક્રિયાનો વિચ્છેદ કે તેની સમાપ્તિ કરવા અંગેની સૂચના : જ્યારે કોઈ વાદી કે ફરિયાદી સ્વૈચ્છિક રીતે સામા પક્ષને તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવેલ કાયદાકીય પ્રક્રિયા સમાપ્ત કરવાની કે તેનો અંત લાવવાના ઇરાદા અંગે સૂચના આપે છે, ત્યારે તે સૂચના આપવા માટે જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તેને સૂચનાપત્ર કહેવામાં આવે છે.
(2) સામા પક્ષે માંડેલ દાવા સામે બચાવ અથવા પ્રતિકાર કરવાના પોતાના ઇરાદા અંગેની સૂચના : જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સામે તેના કોઈ કૃત્ય અંગે કામ ચલાવવાની પ્રક્રિયા ન્યાયાલય સમક્ષ દાખલ કરવામાં આવે છે અને જ્યારે પ્રતિવાદી તરફથી પોતાનો બચાવ કરવા માટે ન્યાયાલયમાં તેનો પ્રતિકાર કરવાના ઇરાદા અંગે સૂચના આપવામાં આવે છે ત્યારે તે પ્રકારની સૂચના વાદીને કે ન્યાયાલયને આપવા માટે જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તેને સૂચનાપત્ર કહેવામાં આવે છે. બચાવપક્ષને પોતાનો આ પ્રકારનો ઇરાદો જણાવવા માટે કાયદા દ્વારા નિર્ધારિત નિશ્ચિત સમય આપવામાં આવતો હોય છે અને જો તે સમયગાળા દરમિયાન પ્રતિવાદી તરફથી બચાવ કરવા અંગે કોઈ સૂચના ન મળે તો વાદી કે ફરિયાદી ન્યાયાલય પાસેથી પોતાના પક્ષમાં એકતરફી ચુકાદો મેળવવાનો અધિકાર આપમેળે પ્રાપ્ત કરતો હોય છે.
(3) દસ્તાવેજ કે પુરાવારૂપી અન્ય પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રી રજૂ કરવા અંગેની સૂચના : ન્યાયાલયમાં જ્યારે કોઈ દીવાની વિવાદ રજૂ કરવામાં આવે છે ત્યારે તેની સાથે સંબંધ ધરાવતો કોઈ એક પક્ષકાર સામા પક્ષને તેની તરફેણમાં દસ્તાવેજી અથવા અન્ય પ્રકારનો પ્રમાણભૂત પુરાવો રજૂ કરવા અંગે સૂચના આપી શકે છે અને જે માધ્યમ દ્વારા તેમ કરવામાં આવે છે તેને સૂચનાપત્ર કહેવામાં આવે છે. આવો પુરાવો રજૂ કરવામાં સામો પક્ષ જો કસૂરવાર થાય તો તેને કારણે તેનો કેસ દેખીતી રીતે નબળો પડે છે.
(4) કોઈ કરારમાંથી મુક્ત થવાના પોતાના ઇરાદા અંગેની સૂચના : કોઈ બે પક્ષો વચ્ચે કોઈ કરાર થયો હોય અને તેમાંનો એક પક્ષ તે કરારના પાલનમાંથી મુક્ત થવા ઇચ્છતો હોય તો તે માટે આવી ઇચ્છા ધરાવનાર પક્ષ કરારમાં જોડાયેલા સામા પક્ષને પોતાના ઇરાદા અંગે સૂચના આપી શકે છે. એક પક્ષ બીજા પક્ષને જે માધ્યમ દ્વારા આવી સૂચના આપે છે તે માધ્યમને સૂચનાપત્ર કહેવામાં આવે છે. આવી સૂચના આપવાનો હેતુ ઉપર્યુક્ત કરાર નિરસ્ત કરવાનો હોય છે. કોઈ કરાર સૂચના આપવાથી નિરસ્ત થઈ શકે છે કે નહિ તેનો આધાર તે કરારની કલમોના સ્વરૂપને અધીન રહે છે.
(5) વિશિષ્ટ કાયદા હસ્તક કોઈ પ્રક્રિયા હાથ ધરવા અંગેની સૂચના : કેટલાક કાયદાઓ એવા હોય છે કે જેની કલમોનો અમલ થવાથી કેટલાક લોકોનાં હિતો પર વિપરીત અસર થવાની સંભાવના ઊભી થતી હોય છે. આવા કિસ્સાઓમાં જેમનાં હિતો પર વિપરીત અસર થવાની સંભાવના ઊભી થાય છે તેમને સંબંધિત કાયદામાં ઉલ્લેખિત જોગવાઈઓ મુજબ કાયદાના અમલ અંગે અગાઉથી સૂચના આપવામાં આવે છે. આવી સૂચના જે માધ્યમ દ્વારા સંબંધિત પક્ષકારોને આપવામાં આવે છે તે માધ્યમને સૂચનાપત્ર કહેવામાં આવે છે; દા.ત., કોઈ જાહેર સંસ્થા પ્રજાના બહોળા હિતમાં કોઈ વ્યક્તિની મિલકત લઈ લેવા માગતી હોય ત્યારે આવી મિલકતના માલિક્ધો તે અંગે નોટિસ દ્વારા પૂર્વ સૂચના આપવામાં આવે છે.
(6) કોઈ ગુનાઇત કૃત્ય અંગે ગુનેગાર સામે કામ ચલાવવાની પ્રક્રિયા અંગેની સૂચના : કોઈ પણ નાગરિક સામે તેને અગાઉથી જાણ કર્યા વગર ન્યાયાલયમાં કામ ચલાવી શકાય નહિ. આ ન્યાયવ્યવસ્થાનો એક મૂળભૂત સિદ્ધાંત છે. તેની રૂએ કોઈ પણ નાગરિકે કરેલા કહેવાતા કોઈ ગુના સામે તેના પર ન્યાયાલયમાં કામ ચલાવવાના ઇરાદા અંગે તેને પૂર્વસૂચના આપવી અનિવાર્ય હોય છે. જે માધ્યમ દ્વારા સંબંધિત વ્યક્તિને તેની સૂચના આપવામાં આવે છે તે માધ્યમને સૂચનાપત્ર કહેવામાં આવે છે.
ઉપર દર્શાવેલ બધા જ કિસ્સાઓમાં સંબંધિત વ્યક્તિ પર નોટિસની બજવણી એક અગત્યની પ્રક્રિયા બને છે, જેની અનિવાર્યતા સ્વીકારવાની રહે છે.
અશ્ર્વિની કાપડિયા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે