સુહરાવર્દી હુસેન શહીદ

January, 2008

સુહરાવર્દી, હુસેન શહીદ (. 8 સપ્ટેમ્બર 1893, મિદનાપોર, બંગાળ; . 5 ડિસેમ્બર 1963, બૈરૂત, લેબેનૉન) : પાકિસ્તાનના વડાપ્રધાન, અવામી લીગના સ્થાપક. હુસેન શહીદ સુહરાવર્દીનો જન્મ બંગાળના ખૂબ પ્રબુદ્ધ પરિવારમાં થયો હતો. કોલકાતા મદરેસામાં અભ્યાસ કરીને તેઓ કોલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાઈને 1913માં બી.એસસી. થયા. તે પછી ઇંગ્લૅન્ડ જઈને તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીની એમ.એ., બી.એસસી. (પૉલિટિકલ ઇકૉનૉમી) તથા કાયદાશાસ્ત્રમાં ઑનર્સ સાથે બી.સી.એલ.ની ડિગ્રીઓ પાંચ વર્ષ દરમિયાન મેળવી. તેઓ ગ્રેઝ ઇનના બૅરિસ્ટર પણ થયા.

હુસેન શહીદ સુહરાવર્દી

કોલકાતા પાછા ફરીને તેમણે વકીલાત શરૂ કરી. દેશબંધુ ચિત્તરંજન દાસ મેયર હતા તે દરમિયાન તેઓ ડેપ્યુટી મેયર બન્યા. અવિભાજિત બંગાળ પ્રાંતની મુસ્લિમ લીગમાં તેઓ જોડાયા અને 1921માં બંગાળની ધારાસભાના સભ્ય બન્યા. બંગાળમાં 1937થી 1943 સુધી તેમણે ક્રમશ: નાણાં, જાહેર આરોગ્ય, શ્રમ અને સ્થાનિક સ્વરાજ ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી. 1943થી 1945 સુધી તેઓ નાગરિક પુરવઠો અને ખોરાક ખાતાના મંત્રી હતા અને 1946માં તેઓ બંગાળના મુખ્યમંત્રી તથા ગૃહખાતાના મંત્રી પણ બન્યા.

સુહરાવર્દી મુસ્લિમ લીગના દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંતમાં માનતા હતા અને કાઁગ્રેસ સમગ્ર ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તે અભિપ્રાય કદી સ્વીકારતા નહોતા. દેશના વિભાજનનો સિદ્ધાંત સ્વીકારાયો ત્યારે સુહરાવર્દી અને શરતચંદ્ર બોઝે બંગાળને સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્ય બનાવવાની યોજના રજૂ કરી. કાઁગ્રેસ કે મુસ્લિમ લીગે આ યોજનાને ટેકો આપ્યો નહિ.

સુહરાવર્દી બંગાળના મુખ્યમંત્રી હતા ત્યારે ઑગસ્ટ, 1946માં મુસ્લિમ લીગે ‘સીધાં પગલાં’(direct action)ની હાકલ કરી. તેના પરિણામે કોલકાતામાં થોડા દિવસમાં હજારો હિંદુઓની હત્યા કરવામાં આવી. તે સૌથી ખરાબ કોમી તોફાન હતું. તેમના અનેક સમકાલીનોના મતાનુસાર, સરકારના વડા તરીકે, સુહરાવર્દી આ અધમ કૃત્ય માટે જવાબદાર હતા. તે પછી તુરત કોમિલ્લા, નોઆખલી અને પૂર્વ બંગાળનાં અન્ય સ્થળોએ કોમી હુલ્લડો થયાં. સુહરાવર્દીએ અસામાજિક તત્વોને શરૂઆતમાં છૂટો દોર આપ્યો અને પછી તેમને અંકુશમાં રાખી શક્યા નહિ. તેથી આ હુલ્લડો માટે મુખ્યત્વે સુહરાવર્દીને જવાબદાર માનવામાં આવે છે. સુહરાવર્દીની દીર્ઘકાલીન રાજકીય કારકિર્દીમાં આ કલંક કાયમ માટે રહ્યું છે.

દેશનું વિભાજન કરીને આખરે ભારત સ્વતંત્ર થયું ત્યારે સુહરાવર્દીએ પાકિસ્તાન જવાને બદલે, વિભાજન પછીનાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થયેલાં હુલ્લડો શાંત પાડવાના પ્રયાસરૂપે મહાત્મા ગાંધી સાથે વિભાજિત બંગાળના અસરકારક વિસ્તારોમાં પ્રવાસ કર્યો. આખરે 1949માં તેઓ પાકિસ્તાન ગયા. પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન લિયાકતઅલીખાન સાથે મતભેદો થવાથી મુસ્લિમ લીગ સાથે છેડો ફાડ્યો. તેમણે મુસ્લિમ લીગ વિરુદ્ધ અવામી લીગ સ્થાપી અને તેને લોકપ્રિય કરવા અથાક પ્રયાસો કર્યા. તેના પરિણામે પછીનાં પાંચ વર્ષમાં પૂર્વ પાકિસ્તાનમાં પ્રથમ ચૂંટણી થઈ ત્યારે પાંચ પક્ષોના સંયુક્ત યુનાઇટેડ ફ્રન્ટને બહુમતી મળી. ડિસેમ્બર, 1954 અને ઑગસ્ટ, 1955ની વચ્ચે તેઓ બોગ્રાના મહમ્મદ અલીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી હતા અને પશ્ચિમ પાકિસ્તાનની એકતા તથા પાકિસ્તાનનું નવું બંધારણ ઘડવામાં તેમનું મુખ્ય પ્રદાન હતું. ઑગસ્ટ, 1955થી સપ્ટેમ્બર, 1956 સુધી તેમણે પાકિસ્તાન નૅશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતાનો ભાગ ભજવ્યો. ચૌધરી મહમ્મદ અલીએ રાજીનામું આપ્યા બાદ તેમણે રિપબ્લિકન પાર્ટીના જોડાણથી પ્રધાનમંડળની રચના કરી અને પોતે સપ્ટેમ્બર, 1956થી વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બનીને પ્રથમ કાર્ય તેમણે પૂર્વ પાકિસ્તાનને અનાજ લોન પેટે મોકલવા ભારતની સરકારને અપીલ કરી. માત્ર ચોવીસ કલાકમાં આ દેશમાંથી બે હજાર ટન અનાજ મોકલવામાં આવ્યું. સામ્યવાદી ચીન સાથે ગાઢ સંબંધો સ્થાપનાર સુહરાવર્દી પ્રથમ પાકિસ્તાની નેતા હતા. ઑક્ટોબર, 1956માં તેઓ બાર દિવસની ચીનની મુલાકાતે ગયા હતા. તે પછીને મહિને પ્રમુખ ઇસ્કંદર મિર્ઝા સાથે તેઓ મધ્ય પૂર્વની પરિસ્થિતિ વિશે ઇરાક, તુર્કી તથા ઈરાનના નેતાઓ સાથે મંત્રણા કરવા બગદાદ ગયા હતા. તેમના વડાપ્રધાન પદ દરમિયાન તેમણે અમેરિકા, સ્પેન, જૉર્ડન, લૅબનોન, જાપાન, ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડની અધિકૃત મુલાકાત લીધી હતી. લંડનમાં 1957માં તેમણે રાષ્ટ્રસમૂહના વડાપ્રધાનોની પરિષદમાં હાજરી આપી હતી. તેમની સરકારમાંથી રિપબ્લિકન પક્ષ ખસી જવાના પરિણામે ઑક્ટોબર, 1957માં સુહરાવર્દીના પ્રધાનમંડળે સત્તા ગુમાવી.

પ્રમુખ અયૂબખાન સત્તા પર આવ્યા પછી, સુહરાવર્દીને હુમલાનું નિશાન બનાવી, 1960માં તેમને ચૂંટણી માટે ગેરલાયક ઠરાવી રાજકીય કારકિર્દીથી દૂર કરવામાં આવ્યા. તે પછી હૃદયરોગના હુમલાની સારવાર કરાવવા તેઓ બૈરૂત ગયા અને ત્યાં અવસાન પામ્યા.

તેઓ માદક પદાર્થોથી દૂર રહેતા. તેઓ સંગીત, ચિત્રકામ અને કલાના મર્મજ્ઞ તથા કુશળ ફોટોગ્રાફર હતા. તેઓ એક નામાંકિત વકીલ હતા અને ચાલીસ વર્ષથી વધુ સમય રાજકીય જીવન જીવ્યા હતા. તેમના વિરોધીઓ પણ ઘણા હતા. તેઓ શુદ્ધ અંગ્રેજીમાં પણ સારું વાક્ચાતુર્ય બતાવી શકતા હતા. તેઓ ઉર્દૂ અને બંગાળીમાં સારું વક્તૃત્વ ધરાવતા હતા. તેમનાં જાહેર પ્રવચનો ખૂબ પ્રશંસાપાત્ર હતાં.

જયકુમાર ર. શુક્લ