કૌમાર્ય (virginity) : કદીયે જાતીય સંભોગ ન થયો હોય તેવી સ્ત્રીની સ્થિતિ. તેને કારણે સ્ત્રીને ઘણા રોગો થતા નથી; પરંતુ સાથે સાથે તેનામાં બીજા કેટલાક પ્રકારના રોગોનું પ્રમાણ વધે છે. તેનું સામાજિક, તબીબી તથા તબીબી-કાયદાકીય (medicolegal) મહત્વ ઘણું છે. સ્ત્રીના અખંડ કૌમાર્ય સૂચવતાં ચિહનો તેનાં જનન-અંગો તથા સ્તન પરથી જાણી શકાય છે. આવી સ્ત્રીના મહત્તર ભગોષ્ઠ (labia majora) ગોળ, મધ્યમસરના કઠણ (firm) તથા યોનિના છિદ્રને સંપૂર્ણપણે ઢાંકી દેતા હોય છે. તેના ન્યૂનતર ભગોષ્ઠ (labia minora) ગુલાબી તથા સંવેદનશીલ હોય છે અને મહત્તર ભગોષ્ઠથી ઢંકાયેલા હોય છે. તેમનું સ્ત્રીશિશ્ન (clitoris) નાનું હોય છે અને નિવેશ (vestibule) સાંકડું હોય છે. ભગોષ્ઠપટલ (fourchette) તથા કૌમાર્યપટલ (hymen) અકબંધ હોય છે. કૌમાર્યપટલ તૂટેલું ન હોવાથી યોનિદ્વારમાં માંડ આંગળીનું ટેરવું જ પ્રવેશી શકે છે. તે વીંટી આકાર (annular), અર્ધચંદ્રાકાર (semilunar), છિદ્રાળુ (cribriform), બીજચંદ્રાકાર (crescent) અથવા છિદ્રરહિત (imperforate) હોય છે. યોનિ (vagina) લાલાશ પડતી તથા સંવેદનશીલ હોય છે અને તેની દીવાલો એકબીજીને અડકે છે. કૌમાર્યપટલમાં લોહીની નસો હોવાને કારણે જ્યારે તે તૂટે છે ત્યારે જોઈ શકાય એટલું લોહી વહે છે. જોકે તે સમયે લોહી વહેવું જરૂરી ગણાતું નથી. ઉપર જણાવેલાં ચિહનો ન હોય તો કૌમાર્યભંગ થયેલો છે એવું નિશ્ચિતપણે માની શકાય નહિ. હસ્તમૈથુન (masturbation), ઈજા કે તબીબી કારણોસર યોનિને વારંવાર પહોળી કરવામાં આવી હોય તોપણ ઉપર જણાવેલ ચિહ્નો જોવા મળતાં નથી. અખંડ કૌમાર્યવાળી સ્ત્રીના સ્તન અર્ધગોળા જેવા, મધ્યમસરના કઠણ તથા ગોળ હોય છે. સ્તનની ડીંટડી (nipple) નાની હોય છે અને તેની આસપાસ ગુલાબી કે ગાઢા રંગની પરિકેન્દ્રિકા (arcola) હોય છે. તેનો રંગ સ્ત્રીની ચામડીના રંગ પ્રમાણે ગાઢો કે આછો હોય છે. સગર્ભાવસ્થા ન થઈ હોય તોપણ પાછળથી સ્તન ઢીલા અને લબડતા થાય છે તેથી કૌમાર્ય વિશે નિર્ણય કરવામાં સ્તનનું ઓછું મહત્વ છે.
કૌમાર્યાવસ્થા આશીર્વાદસમ કે શાપરૂપ છે તે અંગે મતમતાંતરો છે. આવી સ્ત્રીને સંભોગજન્ય રોગો (દા.ત., પરમિયો, એઇડ્ઝ વગેરે) થતા નથી. સંભોગજન્ય રોગવાળો પુરુષ કૌમાર્યવતી સ્ત્રી સાથે સંભોગ કરે તો તેનો રોગ મટે છે એવી પ્રચલિત માન્યતા ખોટી છે. કૌમાર્યવતી સ્ત્રીઓમાં ગર્ભાશય, અંડગ્રંથિ તથા સ્તનનું કૅન્સર થવાની શક્યતા વધારે રહે છે. તેથી આવી સ્ત્રીઓએ વારંવાર અને નિયમિતપણે તપાસ કરાવવી જરૂરી છે. વળી તેમનામાં ખિન્નતા (depression) તથા ક્યારેક હતાશા પણ જોવા મળે છે. ક્યારેક તેને કારણે તે આપઘાત પણ કરે છે. તેમનામાં હસ્તમૈથુનનું પ્રમાણ વધુ હોય છે અને તેથી તેમના જનનમાર્ગમાં ઘણી વખત બાહ્ય પદાર્થો પણ નાખેલા જોવા મળે છે.
કેટલાક તબીબી-કાયદાકીય સંજોગોમાં કૌમાર્યનું હોવું કે ન હોવું મહત્વનું ગણાય છે. દા.ત., લગ્નભંગ, છૂટાછેડા, બદનક્ષીના કિસ્સા. આવી જ રીતે ક્યારેક બળાત્કારના કિસ્સામાં પણ કૌમાર્યચિહ્નોનું મહત્વ વધે છે; પરંતુ કેટલાક કિસ્સામાં કૌમાર્યનાં ચિહનોને અસર કર્યા વગર પણ ભગવીંધણ (vulval penetration) થઈ શકે છે. સામાજિક જરૂરિયાત રૂપે અપરિણીત સ્ત્રીનું કૌમાર્ય અખંડ હોવું જરૂરી ગણાય છે, જ્યારે પરણેલી સ્ત્રી તેનું કૌમાર્ય અખંડ રાખવા ચાહે તો લગ્નભંગ તથા છૂટાછેડાની પરિસ્થિતિ પણ સર્જાય છે. કેટલાંક કૌમાર્યચિહ્નોની ગેરહાજરી હોય તો તેવી સ્ત્રીને છદ્મ-કૌમાર્યવતી (false virgin) કહે છે. છદ્મ-કૌમાર્યવતી સ્ત્રીના મહત્તર ભગોષ્ઠ માંસલ હોય છે અને તે યોનિછિદ્રને ઢાંકતા હોતા નથી, તેમના ન્યૂનતર ભગોષ્ઠનું આવરણ ચામડી જેવું થાય છે અને તે મહત્તર ભગોષ્ઠથી ઢંકાયેલા હોતા નથી, નિવેશ તથા યોનિ પહોળાં થયેલાં હોય છે અને સ્ત્રીશિશ્ન મોટું થયેલું હોય છે. વળી હસ્તમૈથુનથી પણ મહત્તર ભગોષ્ઠ અને સ્ત્રીશિશ્ન મોટાં થયેલાં હોય છે. તેને કારણે બધાં જ ચિહનોનો અભ્યાસ કરીને કૌમાર્યાવસ્થાનું નિદાન કરાય છે.
શિલીન નં. શુક્લ
મિતા હે. માંકડ