કૌપરિન કુટુંબ : ફ્રાન્સનું અનોખું સંગીતકાર કુટુંબ. આ કુટુંબે સત્તરમી સદીના મધ્યકાળથી ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી ફ્રેન્ચ સંગીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કુટુંબના સૌથી મહત્વના સભ્યો હતા લૂઈ કૌપરિન અને તેનો ભત્રીજો ફ્રાંસ્વા લ, ગ્રાંદ.
લૂઈ કૌપરિન (જ. 1626; અ. 29 ઑગસ્ટ 1661, પૅરિસ) : શૌમ્સ-એન-બ્રી ગામના જમીનદાર અને દેવળના સંગીતવાદક કૌપરિનના ત્રણ સંગીતકાર પુત્રો લૂઈ, ફ્રાંસ્વા અને ચાર્લ્સને સંગીતજ્ઞ જૅક્સ ચેમ્પિયને 1650માં પૅરિસ આવીને રાજદરબારમાં તેમની સંગીતકળા પ્રદર્શિત કરવા સમજાવ્યા. આમાંથી લૂઈ દરબારી બૅલે નૃત્ય-મંડળીના વાયોલિનવાદક નિમાયા અને 1653માં સેંત-ગર્વેઈ દેવળના ઑર્ગનવાદક બન્યા. તેઓ ‘ચેમ્બર-સંગીત’ની અત્યંત મધુર તરજો તૈયાર કરતા. તે હાર્પ્સિકૉર્ડ-વાદનના ઉસ્તાદ હતા. તેમણે હાર્પ્સિકૉર્ડ-વાદન, વાયોલિનવાદન અને ઑર્ગનવાદન માટે 123 સંગીતરચના કરેલી. તેમાંની 70 ઑર્ગનવાદન સંગીતરચનાઓ 1960માં પ્રાપ્ત થઈ હતી. તેમનું અવસાન પાંત્રીસ વર્ષની વયે થયેલું, છતાં તેઓ સત્તરમી સદીના ફ્રાન્સના એક શ્રેષ્ઠ સંગીતરચનાકાર (composer) ગણાય છે. તેમના અવસાન બાદ તેમના ભાઈ ચાર્લ્સને તેમની જગ્યાએ સેંત-ગર્વેઈ દેવળમાં સંગીતકારનું સ્થાન મળ્યું અને ચાર્લ્સના મૃત્યુ બાદ તેમના પુત્ર ફ્રાંસ્વાને એ સ્થાન પ્રાપ્ત થયું.
ફ્રાંસ્વા કૌપરિન (જ. 10 નવેમ્બર 1668; અ. 12 સપ્ટેમ્બર 1733) : લૂઈ કૌપરિનના ભત્રીજા ફ્રાંસ્વાને 1685માં સેંત-ગર્વેઈ દેવળમાં ઑર્ગનવાદક તરીકે નીમવામાં આવ્યા. તેમના પિતા ચાર્લ્સ પાસે તેમણે સંગીતશિક્ષણ લીધું હતું. તેમના પિતા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ અગિયાર વર્ષના હતા, પરંતુ સેંત-ગર્વેઈ(પૅરિસ)ના દેવળમાં તેમને માટે તેમના પિતાનું સ્થાન તેઓ અઢારમા વર્ષમાં પ્રવેશ્યા ત્યાં સુધી અનામત રખાયું. 1693માં તેઓ રાજ્યના દેવળના ચાર ઑર્ગનવાદકોમાં સ્થાન પામ્યા. બીજે વર્ષે તેઓ રાજાનાં બાળકોના હાર્પ્સિકૉર્ડવાદનના શિક્ષક બન્યા. 1717માં તેમને ‘રાજ-સંગીતકાર’નો ખિતાબ એનાયત થયો. 1723માં તેમનું સ્વાસ્થ્ય કથળતાં સેંત-ગર્વેઈ દેવળમાં તેમને સ્થાને તેમના પિતરાઈ ભાઈ નિકોલસને નીમ્યા અને 1730માં તેમની પુત્રી માર્ગેત રીત-આંત્વાં તેમના સ્થાને દેવળમાં નિમાઈ. 1713થી 1730 સુધીમાં તેમણે હાર્પ્સિકૉર્ડ વાદ્યના વાદન વિશે ‘ઑર્ડ્સ’ નામના ચાર ગ્રંથો તૈયાર કરી પ્રગટ કર્યા. તેમણે 230 જેટલી સંગીતરચનાઓ કરી છે. ફ્રાન્સના રાજા લૂઈ ચૌદમા માટે તેમણે ‘કૉન્સટર્સ રોપા’ની સંગીતરચના (1714-15) કરેલી ને 1722માં તે પ્રગટ થઈ હતી. તે લ-ગ્રાંદ ફ્રાંસ્વા કૌપરિન તરીકે ઓળખાય છે. તેમની સંગીતરચનાઓ જીવંત અને તે સમયની રંગીન રચનાઓ છે. તેમની તુલના મહાન જર્મન સંગીતકાર બાખ સાથે થાય છે.
કૃષ્ણવદન જેટલી