અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં લગ્ન રૂઢિચુસ્ત નાંબુદ્રી યુવક ઉન્ની જોડે થાય છે. પતિ સારો છે, પણ અત્યંત પરંપરાવાદી હોવાથી એ નવા વિચારોને અપનાવવા તૈયાર નથી. આથી ઉન્ની એનો ત્યાગ કરે છે અને સંસારત્યાગ કરીને સંન્યાસી જીવન જીવીને છેવટે મૃત્યુ પામે છે. દેવકી પણ આખરે આધ્યાત્મિક માર્ગ ગ્રહણ કરીને હિમાલયમાં તપશ્ચર્યા કરે છે.
અક્કવુર નારાયણન્