કૉંગ્રેસ (યુ.એસ.)
યુ.એસ.ની સંસદ તેનાં બે ગૃહો હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ (નીચલું ગૃહ) અને સેનેટ (ઉપલું ગૃહ). તેની સ્થાપના 1789માં થઈ હતી. એ વર્ષે ફિલાડેલ્ફિયા ખાતે બંધારણસભા(convention)માં અમેરિકી સમવાયતંત્રનાં તેર રાજ્યોમાંથી નવ રાજ્યોએ સમર્થન કરી રાજ્યના મૂળભૂત કાયદા તરીકે તેનો સ્વીકાર કર્યો તેમાંથી કૉંગ્રેસનો જન્મ થયો. અલબત્ત ‘કૉંગ્રેસ’ શબ્દનો ઉપયોગ તો તે પૂર્વે ઘણા સમયથી કરવામાં આવતો હતો.
અંગ્રેજી ભાષામાં ‘congress’ એટલે ભેગા થવું. આ ર્દષ્ટિએ જ્યારે ઉત્તર અમેરિકાનાં તેર બ્રિટિશ સંસ્થાનો બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે મળ્યાં ત્યારે તેમણે તેમની સભાને ‘કૉંગ્રેસ’ નામ આપ્યું. દરેક સંસ્થાને મોકલેલા પ્રતિનિધિઓએ ભેગા મળીને જે સમજૂતી સાધી તે ‘આર્ટિકલ્સ ઑવ્ કૉન્ફેડરેશન’ તરીકે ઓળખાઈ. કૉંગ્રેસને માત્ર ધારાકીય સત્તા સોંપાઈ છે અને એક શક્તિશાળી ધારાસભા તરીકે તેની પ્રતિષ્ઠા છે. કૉંગ્રેસ દ્વિગૃહી છે. સેનેટ તેનું ઉપલું ગૃહ છે અને પ્રતિનિધિઓનું ગૃહ નીચલું ગૃહ છે.
દ્વિગૃહી કૉંગ્રેસ : 1789માં સમવાયતંત્ર રચવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસને દ્વિગૃહી બનાવવાનું સ્વીકારાયું કારણ કે (1) બ્રિટિશ સંસ્થાન તરીકે અમેરિકન સંસ્થાનો બ્રિટનની દ્વિગૃહી ધારાસભાથી પરિચિત હતાં. વધુમાં સ્વતંત્રતા પછી મોટા ભાગનાં રાજ્યોએ પણ દ્વિગૃહી ધારાસભા અપનાવી હતી. (2) બંધારણના ઘડવૈયાઓને એવો ભય હતો કે જો કૉંગ્રેસ એકગૃહી હશે તો તે સત્તાનો દુરુપયોગ કરવા લલચાશે. સેનેટની રચના કરવામાં આવી જેથી તે નીચલા ગૃહ પર અંકુશ રાખે. (3) પ્રતિનિધિઓના ગૃહની રચના વસ્તીના ધોરણે થતી હોવાથી ઓછી અને વધુ વસ્તીવાળાં રાજ્યોના પ્રતિનિધિઓની સંખ્યામાં તફાવત રહે તો ઓછી વસ્તીવાળાં રાજ્યોનાં હિતોને નુકસાન ન થાય તેવા કાયદા ઘડશે, તેમજ દરેક રાજ્ય તેની વસ્તી ગમે તેટલી હોય તોપણ બે સેનેટરને ચૂંટીને મોકલશે એમ ઠરાવવામાં આવ્યું.
પ્રતિનિધિઓના ગૃહની રચના : કૉંગ્રેસના નીચલા ગૃહની રચના અંગે બંધારણની જોગવાઈ અનુસાર ગૃહના સભ્યપદ માટેની યોગ્યતા : (1) સભ્ય સંયુક્ત રાજ્ય અમેરિકાનો ઓછામાં ઓછાં 7 વર્ષથી નાગરિક હોવો જોઈએ. (2) તેની ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષની હોવી જોઈએ. (3) તે જે રાજ્યમાંથી ચૂંટાય તે રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. આ સંદર્ભમાં એવી પ્રણાલિકા અમલમાં છે કે ઉમેદવાર જે વિસ્તાર-મતદાર વિભાગ-માંથી ચૂંટણી લડતો હોય તે મતદાર વિભાગમાં તે રહેતો હોવો જોઈએ. અલબત્ત, આ પ્રણાલિકા અપવાદને આધીન છે. બંધારણે આ ગૃહને તેના સભ્યોની ચૂંટણી, તેમના અધિકૃત અહેવાલ (returns) તેમજ યોગ્યતાઓ અંગે નિર્ણય લેવાની સત્તા આપી છે.
આ ગૃહનો સભ્ય કોણ ન બની શકે તે અંગે બંધારણ જણાવે છે કે (1) સંયુક્ત રાજ્ય અમેરિકામાં લાભદાયક હોદ્દો (office of profit) ધરાવતો નાગરિક કોઈ પણ ગૃહનો સભ્ય બની શકે નહિ. (2) કોઈ પણ ગૃહના પ્રતિનિધિને તેના સમયગાળા દરમિયાન રચાયેલ મુલકી હોદ્દા પર નીમી શકાય નહિ અથવા તો તેના સમયગાળા દરમિયાન વધુ વેતનવાળા હોદ્દા પર નીમી શકાય નહિ. જો કોઈ ધારાસભ્યની આવી નિમણૂક થાય તો તે ધારાસભ્ય તરીકે રહી શકતો નથી.
સભ્યસંખ્યા : બંધારણની જોગવાઈ પ્રમાણે 30,000 વસ્તીદીઠ એક પ્રતિનિધિ ચૂંટાય તેવો પ્રબંધ થયો; પરંતુ વસ્તીવધારા સાથે પ્રતિનિધિઓની સંખ્યા પણ વધતાં છેવટે 1929માં ધ રેપ્રિઝેન્ટેશન ઍક્ટ ઑવ્ 1929 દ્વારા આ ગૃહની સભ્યસંખ્યા 435 રહે તેવું નક્કી કરવામાં આવ્યું. આમ વસ્તી વધે તોપણ ગૃહની સભ્યસંખ્યામાં વધારો થતો નથી. અલબત્ત, અહીં એ નોંધ લેવી જરૂરી છે કે 1958માં અલાસ્કા રાજ્ય અને 1959માં હવાઈ રાજ્ય અમેરિકન સમવાયતંત્રમાં જોડાતાં ગૃહની સભ્યસંખ્યા 437 થતાં 1961માં ફરીથી સભ્યસંખ્યા 435 કરવામાં આવી હતી.
એકસભ્ય મતદાર વિભાગ : પ્રતિનિધિઓની ચૂંટણી માટે એકસભ્ય મતદાર વિભાગની રચના કરવામાં આવી છે. ‘‘મતદાર વિભાગોની સ્વાર્થહેતુક રચના’’ એટલે કે અમુક રાજકીય પક્ષને લાભ થાય તે રીતે મતદાર વિભાગોની રચનામાં ફેરફાર કરવાની શક્યતા ઊભી થઈ. આ પ્રક્રિયાને અમેરિકન પરિભાષામાં ‘જેરીમૅન્ડરિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. મૅસેચૂસેટ્સના ગવર્નર ઍલબ્રિજ જેરીએ આ પ્રક્રિયા દ્વારા મતદાર-વિભાગોની રચના કરતાં એક મતદાર-વિભાગનો આકાર કાચિંડા (salamander) જેવો બનતાં જેરીના નામ સાથે ‘મૅન્ડર’ શબ્દ જોડી તેનું નામ પાડવામાં આવ્યું ત્યારથી ‘જેરીમેન્ડરિંગ’ શબ્દ પ્રચલિત બન્યો.
પ્રત્યક્ષ ચૂંટણી અને પુખ્તવય મતાધિકાર : આ ગૃહના સભ્યો મતદારો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીપ્રથા પ્રમાણે ચૂંટાતા હોય છે. મતાધિકાર કોણ ધરાવે તે નક્કી કરવાની સત્તા દરેક રાજ્યને આપવામાં આવી છે. 1970 સુધી 21 વર્ષની વય ધરાવતો નાગરિક મતાધિકાર પ્રાપ્ત કરતો હતો; પરંતુ 1971માં 1 જુલાઈએ બંધારણમાં છવ્વીસમો સુધારો કરીને પુખ્તવયમતાધિકાર માટે 18 વર્ષનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
ગૃહની બેઠક : કૉંગ્રેસના પ્રથમ ગૃહના ચૂંટાયેલ સભ્યો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં હોદ્દો ધારણ કરે છે અને તરત જ ગૃહની પ્રથમ બેઠક શરૂ થાય છે. આમ વર્ષમાં એક વખત ગૃહની બેઠક મળે છે. અન્યથા ખાસ બેઠકો બોલાવી શકાય છે.
ગૃહની કાર્યસાધક સંખ્યા (quorum) : ગૃહની કાર્યસાધક સંખ્યા અંગે ગૃહના સભ્યોની બહુમતીને કોરમ તરીકે સ્વીકારવામાં આવેલ. આ સંદર્ભમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે ગૃહની કુલ સભ્યસંખ્યાની બહુમતી સંખ્યાના પ્રતિનિધિઓ હાજર હોય ત્યારે કોરમ થયેલું ગણાય છે.
મુદત : આ ગૃહની મુદત બે વર્ષની છે. ફરીથી ચૂંટાવા પર પ્રતિબંધ નથી. આ મુદત ટૂંકી ગણાતી હોવાથી આ મુદતમાં વધારો કરવાનો વિચાર મજબૂત બનતો જાય છે.
પ્રતિનિધિઓના વિશેષાધિકારો (privileges) : બંધારણની કલમ 1ની પેટાકલમ 6 પ્રમાણે ગૃહની બેઠક ચાલુ હોય ત્યારે ગૃહમાં હાજરી આપવામાં આવે ત્યારે અથવા તો ગૃહમાંથી ઘેર જતાં ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહિ. અલબત્ત, જો તેણે રાજદ્રોહ કર્યો હોય, દેહાંતદંડને પાત્ર ગુનો કર્યો હોય અગર તો શાંતિનો ભંગ કર્યો હોય તો તેની ધરપકડ થઈ શકે છે. આ જ પ્રમાણે ગૃહમાં તેને વાણીસ્વાતંત્ર્યનો વિશેષાધિકાર પણ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં પણ તેણે રજૂ કરેલ વિચાર માટે તેની ધરપકડ થઈ શકતી નથી. આ સંદર્ભમાં બંધારણે ગૃહને પોતાના નિયમો નક્કી કરવાની, શિસ્ત સ્થાપવાની તેમજ સભ્યને ગૃહની બહાર કાઢવા અંગેની સંપૂર્ણ સત્તા આપી છે.
પગાર–ભથ્થાં : ગૃહના સભ્યોને પગાર આપવામાં આવે છે જે આવકવેરાને પાત્ર હોય છે. આ ઉપરાંત વાહનભથ્થું, કર્મચારી ભથ્થું વગેરે મળે છે. વધુમાં વિના મૂલ્યે ટપાલ રવાના કરવાની સવલત તેમજ વિના મૂલ્યે દાક્તરી સેવા તેમને આપવામાં આવે છે. 1946ના ધ કૉંગ્રેસિનલ રેકગ્નિશન ઍક્ટ દ્વારા નિવૃત્તિ વેતનની જોગવાઈ પણ કરવામાં આવી છે.
અધ્યક્ષની ચૂંટણી : સામાન્ય ચૂંટણી પછી જ્યારે ગૃહ મળે ત્યારે છેલ્લી બેઠકના અધિકારી (clerk) ગૃહનું પ્રમુખપદ સંભાળે છે. તે પછી કોરમ માટે હાજરી લેવાય છે, હોદ્દાનો સોગંદવિધિ થાય છે અને ત્યાર બાદ ગૃહ અધ્યક્ષની ચૂંટણી કરે છે. બંધારણ માત્ર અધ્યક્ષની ચૂંટણી અંગે જ જણાવે છે. પરંપરા પ્રમાણે ગૃહમાં જે પક્ષની બહુમતી હોય તેના નેતાને અધ્યક્ષ (speaker) તરીકે ચૂંટવામાં આવે છે. છેલ્લી બેઠકમાં જે પક્ષને બહુમતી મળી હોય તેને ફરીથી બહુમતી મળે તો તે છેલ્લી બેઠકના અધ્યક્ષ ફરીથી ગૃહના સભ્ય તરીકે ચૂંટાયા હોય તો તેમની જ અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવે છે. ગૃહ આ પછી અધ્યક્ષની પસંદગીને મંજૂરી આપે છે. અધ્યક્ષની ચૂંટણી સર્વાનુમતિથી થતી હોય છે. આમ આ ગૃહના અધ્યક્ષ તે પક્ષીય ધોરણે જ ચૂંટાય છે અને હોદ્દા દરમિયાન તે પક્ષના નેતા તરીકે જ ગૃહની કાર્યવહીમાં ભાગ લે છે.
અધ્યક્ષની સત્તાઓ : અધ્યક્ષનો હોદ્દો ખૂબ જ મહત્વનો ગણાય છે; કારણ કે : (1) ગૃહના નેતા અંગે બંધારણ મૌન હોવાથી આ હોદ્દાને વિકસાવવાની પૂરેપૂરી મોકળાશ મળી ગઈ. (2) ગૃહ ઝડપથી થતા પરિવર્તન સાથે તાલ મિલાવી શકતું ન હોવાથી અધ્યક્ષની સત્તામાં અકલ્પ્ય વધારો થતો ગયો. રીડે આ સત્તાનો સરમુખત્યારની જેમ ઉપયોગ કર્યો તેના કારણે તેને ‘ઝાર રીડ’ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે અધ્યક્ષગૃહમાં બહુમતી પક્ષના નેતા તરીકેનું સ્થાન ધારણ કરવા લાગ્યા. તમામ સમિતિઓની રચના કરવાની સત્તા ગૃહ-હસ્તક છે.
(1) ગૃહના અધ્યક્ષ ગૃહના સભાપતિ (presiding officer) ગણાય છે. આ હોદ્દાની રૂએ તે ગૃહની કાર્યવહીનું સંચાલન કરે છે. અધ્યક્ષ ગૃહની ચર્ચા પર સારા પ્રમાણમાં અંકુશ ધરાવે છે.
(2) અધ્યક્ષ ગૃહનું ગૌરવ અને શાંતિ જાળવવાની સત્તા ધરાવે છે. અધ્યક્ષ જે નિર્ણયો લે કે ચુકાદા (ruling) આપે તેનું સભ્યોએ વિના વિરોધે પાલન કરવું પડે છે. અન્યથા, તેઓ ગૃહની કાર્યવહીને મોકૂફ રાખી શકે છે. જરૂર પડે તો ગૃહના સાર્જન્ટની મદદ લે છે. શાંતિ અને વ્યવસ્થા સ્થાપવાનો આદેશ આપે છે. અલબત્ત, અધ્યક્ષ ગૃહના સભ્યને ઠપકો (censure) આપી શકતા નથી, ગૃહમાંથી સભ્યને બહાર કાઢી (expel) શકતા નથી કે પછી તેને શિક્ષા (punishment) કરી શકતા નથી. આ સત્તા માત્ર ગૃહ જ ધરાવે છે.
(3) ગૃહનું કામકાજ જે નિયમો પ્રમાણે ચાલે છે તેમાંથી કોઈ પણ નિયમનું અર્થઘટન અધ્યક્ષ કરે છે; એટલું જ નહિ, પરંતુ ગૃહના નિયમોનો અમલ થાય તે જોવાની જવાબદારી પણ તેમની જ છે. નિર્ણય બંધનકારક હોવા છતાં પણ આખરી હોતો નથી. ગૃહ બહુમતી દ્વારા અધ્યક્ષે આપેલ નિર્ણયની અવગણના કરી શકે છે; પરંતુ ગૃહ પોતાની આ સત્તાનો ઉપયોગ ભાગ્યે જ કરે છે.
(4) ગૃહના તમામ કાયદા (acts), સંબોધનો (addresses), સંયુક્ત ઠરાવો (joint resolutions), લેખિત હુકમ (writ), અધિકારપત્રો – હુકમો (warrants) તથા હાજર રહેવાના હુકમો (subpoenas) પર પોતાની મંજૂરીની મહોર મારે છે, મતદાન માટે નિર્ણય લે છે તેમજ તેને આપેલ સત્તાનુસાર તે પસંદગી કે પરામર્શ-સમિતિઓની જરૂર પડ્યે રચના કરે છે. ખરડાને કઈ સમિતિ સમક્ષ મોકલવો તે અંગે નિર્ણય અધ્યક્ષ લે છે. જરૂર પડે તો તે ગૃહના સભ્યો સિવાયના તમામ મુલાકાતીઓને ગૃહમાંથી બહાર જવા આદેશ આપે છે. ગૃહના કામકાજના ક્રમને જાહેર કરે છે અને જો ગૃહમાં મતદાન કરવામાં આવ્યું હોય તો તેનું પરિણામ જાહેર કરે છે. ગૃહના સભ્ય તરીકે અધ્યક્ષ ગૃહની ચર્ચામાં ભાગ લે છે તેમજ મતદાન પણ કરે છે. સામાન્યત: ગૃહમાં ગુપ્ત મતદાન થાય અથવા તો તરફેણ અને વિરુદ્ધમાં સમાન મત પડે ત્યારે તે પોતાનો મત આપે છે. બીજા વિકલ્પના સંદર્ભમાં તેમણે આપેલ મત નિર્ણાયક મત (casting vote) તરીકે ઓળખાય છે.
બ્રિટનની આમસભાના અધ્યક્ષ અને પ્રતિનિધિસભાના અધ્યક્ષની સત્તાઓમાં ભારે તફાવત છે.
સેનેટ (ઉપલું ગૃહ) : અન્ય રાજ્યોની ધારાસભાનાં ગૃહોની સરખામણીમાં સેનેટ સૌથી વધુ સત્તા ધરાવતું શક્તિશાળી ગૃહ ગણાય છે. અન્ય રાજ્યોના ઉપલા ગૃહ જેવાં જ કાર્યો તે કરે છે. પરંતુ તેનું સ્થાન અદ્વિતીય રહ્યું છે.
રચના : સમવાયતંત્રમાં જોડાતાં ઓછી વસ્તીવાળાં રાજ્યોનાં હિતોને નુકસાન ન થાય તે માટે દરેક રાજ્ય બે સેનેટરને ચૂંટીને સેનેટમાં મોકલે તેવી બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આમ અમેરિકી સમવાયતંત્ર પચાસ રાજ્યોનું બનેલું હોવાથી સેનેટની સભ્યસંખ્યા 100 છે.
બંધારણ પ્રમાણે દરેક રાજ્યની ધારાસભાના સભ્યો સેનેટરોને ચૂંટીને સેનેટમાં મોકલે તેવી પરોક્ષ ચૂંટણીપદ્ધતિ રાખવામાં આવી હતી; પરંતુ 1913માં બંધારણમાં સત્તરમો સુધારો કરીને સેનેટના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી થાય તેવો પ્રબંધ કરવામાં આવ્યો. ત્યારથી દરેક રાજ્યના મતદારો બે સેનેટરની ચૂંટણી કરીને તેમને સેનેટમાં મોકલે છે.
યોગ્યતા : બંધારણ જણાવે છે તેમ, (1) ઉમેદવારની ઉંમર ઓછામાં 35 વર્ષની હોવી જોઈએ. (2) તે 9 વર્ષ કે તેથી વધારે વર્ષથી અમેરિકાની નાગરિકતા ધરાવતો હોવો જોઈએ. (3) જે રાજ્યમાંથી તે ચૂંટણી લડતો હોય તે રાજ્યમાં તે રહેતો હોવો જોઈએ.
મુદત : સેનેટરની મુદત 6 વર્ષની હોય છે. દર બે વર્ષે સેનેટર નિવૃત્ત થાય છે અને તે બેઠકો પર ચૂંટણી યોજીને નવા સેનેટરને ગૃહમાં મોકલવામાં આવે છે. નિવૃત્ત થતા સેનેટર ફરીથી ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. પરિણામે એવાં ર્દષ્ટાંતો મળે છે કે કેટલાક સેનેટરોએ ઘણાં વર્ષો સુધી સેનેટસભ્ય તરીકે ફરજો બજાવી હોય. 18 વર્ષથી 24 વર્ષ સુધી સતત સેનેટસભ્ય બનેલ સેનેટરોનાં ઘણાં ર્દષ્ટાંતો મળે છે. ટૂંકમાં, દર બે વર્ષે સભ્યોની ચૂંટણીની જોગવાઈના કારણે સેનેટનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. તે કાયમી ગૃહ ગણાય છે. સેનેટરને 6 વર્ષનો સમય મળતો હોવાથી સેનેટર પોતાનાં કાર્યો સારી રીતે કરે છે.
સેનેટની કોઈ બેઠક ખાલી પડે તો સત્તરમા બંધારણીય સુધારા પ્રમાણે જે તે રાજ્યની કારોબારી (Governor) ખાલી બેઠક ભરવા માટેનો આદેશ આપે તે પછી ચૂંટણી થાય છે. બેઠક ખાલી પડે અને બેઠક ભરાય તે વચગાળાના સમય દરમિયાન જો રાજ્યની ધારાસભાએ ગવર્નરને સત્તા આપી હોય તો તે મતદારો દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી કામચલાઉ સેનેટરની નિમણૂક કરે છે. દરેક રાજ્યની ધારાસભાએ ગવર્નરને આવી સત્તા આપી હોવાથી ખાલી પડેલ સેનેટની બેઠક પર ગવર્નર નિમણૂક કરતા હોય છે.
બેઠક : દર વર્ષે સેનેટની બેઠક બોલાવવામાં આવે છે. જરૂર પડે તો પ્રમુખ તેની ખાસ બેઠક પણ બોલાવે છે. ઉપલા ગૃહની બેઠક ચાલુ ન હોય તોપણ સેનેટની ખાસ બેઠક બોલાવી શકાય છે; પરંતુ સેનેટની બેઠક ચાલુ ન હોય તો પ્રતિનિધિઓના ગૃહની ખાસ બેઠક બોલાવી શકાતી નથી કેમ કે સેનેટની સંમતિ સિવાય ગૃહ કશું જ કરી શકતું નથી.
સેનેટના અધ્યક્ષ : બંધારણીય જોગવાઈ પ્રમાણે અમેરિકાના ઉપપ્રમુખ સેનેટના સભાપતિ(presiding officer)નો હોદ્દો ધરાવે છે. પ્રથમ ગૃહના અધ્યક્ષની માફક તે સેનેટમાં બહુમતી પક્ષના નેતા હોતા નથી તેમજ તે અધિષ્ઠાતા તરીકે પોતાની ફરજો બજાવતાં પક્ષીય વલણ અપનાવતા નથી. તે માત્ર સભાપતિ તરીકેની પરંપરાગત ફરજો ધરાવે છે. તે સમિતિઓની નિમણૂક કરતા નથી તથા મતદાન પણ કરતા નથી. જ્યારે બંને પક્ષે સમાન મત પડે ત્યારે જ તે નિર્ણાયક મતનો ઉપયોગ કરે છે. તે ગૃહનું સંચાલન કરે છે તેમજ જે સેનેટરને તે પરવાનગી આપે તે જ ચર્ચામાં ભાગ લઈ શકે છે.
સેનેટ પોતાના સભ્યોમાંથી કામચલાઉ પ્રમુખ(Pro-tempore President)ની ચૂંટણી કરે છે. સેનેટમાં જે પક્ષની બહુમતી હોય તેના અગ્રગણ્ય સભ્યને આ પદ પર ચૂંટવામાં આવે છે. સેનેટના પ્રમુખ(અમેરિકાના ઉપપ્રમુખ)ની ગેરહાજરીમાં તે સેનેટનું પ્રમુખપદ સંભાળે છે અને ગૃહનું સંચાલન કરે છે.
વિશેષાધિકારો : પ્રથમ ગૃહના સભ્યો જેવા જ વિશેષાધિકારો સેનેટસભ્યો ધરાવે છે. આ જ પ્રમાણે પ્રથમ ગૃહના સભ્યોનાં જેવાં પગારભથ્થાં તેઓ પણ મેળવે છે.
સૌથી શક્તિશાળી બીજા ગૃહ તરીકે સેનેટ –
(1) પ્રથમ ગૃહની સમકક્ષ સત્તા ધરાવે છે. ખરડો બંને ગૃહમાંથી પસાર થાય તે પછી જ તે કાયદો બની શકે છે.
(2) નાણાકીય ખરડો : નાણાકીય ખરડો પ્રથમ ગૃહમાંથી પસાર થાય તે પછી જ્યારે તે સેનેટ પાસે જાય ત્યારે સેનેટ તેમાં ફાવે તેવા ફેરફાર કરી શકે છે. આમ તે નાણાકીય ખરડામાં સુધારા સૂચવીને તેને પોતાનું ઇચ્છિત સ્વરૂપ આપી શકે છે.
(3) અમેરિકી પ્રમુખે કરેલી નિમણૂકો માટે તેની સંમતિ અનિવાર્ય ગણાય છે. બંધારણની કલમ 11ની પેટા કલમ 2નો ખંડ 2 જણાવે છે તેમ અમેરિકી પ્રમુખ એલચીઓ, મંત્રીઓ, વાણિજ્યદૂતો (consuls) સર્વોપરી અદાલતના ન્યાયાધીશો તથા અન્ય અગત્યના હોદ્દેદારોની નિમણૂક કરે ત્યારે તેને સેનેટના સભ્યો મંજૂર કરે તો જ આ નિમણૂકો થઈ શકે છે. તેનો અર્થ એ થયો કે સેનેટના સભ્યોના ટેકા સિવાય પ્રમુખ ઉપર્યુક્ત નિમણૂકો કરી શકતા નથી. આ જોગવાઈ દ્વારા સેનેટને ખૂબ જ મહત્વની સત્તા આપવામાં આવી છે.
આ સત્તા ‘અંકુશ અને સમતુલા’(check-and-balance)ના સિદ્ધાંત મુજબ પ્રમુખની સત્તા પર અંકુશ રાખવા માટે સેનેટને આપવામાં આવી છે. સાથોસાથ આવી જોગવાઈ દ્વારા રાજકીય ર્દષ્ટિએ સેનેટરોના હાથમાં વિટો સત્તા મૂકી છે. તેના દ્વારા એક નવો જ પ્રબંધ ઉદભવ્યો છે જેને ‘સેનેટરો પ્રત્યેનો વિવેક’ (Senatorial Courtesy) કહે છે. પ્રમુખે કરેલી નિમણૂકો સેનેટની મંજૂરી માટે જાય ત્યારે નિમાયેલ વ્યક્તિ જે રાજ્યમાં રહેતી હોય તે રાજ્યના સેનેટરોને તેનું નામ મોકલવામાં આવે છે. જો તે સેનેટરો નિમણૂકને નાપસંદ કરે તો તેમની ઇચ્છાને અન્ય રાજ્યોના સેનેટરો અવગણતા નથી અને તે નિમણૂકને અમાન્ય કરવામાં આવે છે. જો સંબંધિત રાજ્યના સેનેટરો મંજૂરી આપે તો અન્ય રાજ્યોના સેનેટર પણ તેને મંજૂરીની મહોર મારે છે. આ કારણથી જ પ્રમુખ પોતે કરેલ નિમણૂકને સેનેટ સમક્ષ રજૂ કરતાં પહેલાં સંબંધિત રાજ્યના સેનેટરોની સમક્ષ રજૂ કરી તેમની સંમતિ મેળવી લે છે અને ત્યાર પછી જ સેનેટમાં તેને સંમતિ માટે રજૂ કરે છે જેથી તે નિમણૂકોને સેનેટની મંજૂર મળી જાય છે.
દીર્ઘસંભાષણ (filibuster) : પ્રતિનિધિઓના ગૃહની માફક સેનેટને પણ પોતાની કાર્યવહી અંગેના નિયમો ઘડવાની સત્તા આપવામાં આવી છે. આમ છતાં પણ ગૃહમાં ભાષણ કરવા અંગે બંને ગૃહમાં કાર્યવહીના નિયમ સમાન નથી. પ્રતિનિધિઓના ગૃહે ચર્ચા અંગે તેમજ સભ્યોના ભાષણ પરત્વે સમયમર્યાદા નક્કી કરતા નિયમો ઘડ્યા છે.
પરંતુ સેનેટ આ બાબતમાં પ્રથમ ગૃહની કાર્યવહીથી અલગ પડે છે. સેનેટ પોતાના સભ્યોને જ્યાં સુધી વક્તવ્ય ચાલુ રાખવું હોય ત્યાં સુધી તેને ચાલુ રાખવાની સ્વતંત્રતા આપે છે. આ આવકારલાયક હોવા છતાં પણ સમય જતાં તેનો દુરુપયોગ થવા લાગ્યો અને સેનેટર દ્વારા કલાકો તથા દિવસો સુધી વક્તવ્ય ચાલુ રાખીને ગૃહના કામકાજમાં વિલંબકારી પદ્ધતિ અપનાવવામાં આવી. આમ જ્યારે નિર્ણય અટકાવવો હોય ત્યારે અચોક્કસ મુદત સુધી પ્રસ્તુત કે અપ્રસ્તુત વિચારો રજૂ કરીને સેનેટર પોતાનું ધાર્યું કરી શકે છે. અમેરિકાની કૉંગ્રેસની કાર્યવહીની પરિભાષામાં તેને ‘ફિલિબસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. દીર્ઘ સંભાષણ માટે સેનેટર વાર્તાઓ કહે છે, નાટકો વાંચે છે, કવિતાઓ ગાય છે, વાનગીઓ બનાવવાની રીતો વિગતે સમજાવે છે. આમ આ જોગવાઈનો ‘ઉપયોગ’ કરીને ઘણા ખરડાને કાયદા બનતા અટકાવવામાં આવ્યા છે. આ અંગે સેનેટસભ્યોમાં એટલો બધો અણગમો ઉદભવ્યો કે સેનેટે આ નિયમમાં ફેરફાર કરી એવો પ્રબંધ કર્યો કે કોઈ પણ ધારાકીય બાબત પર ચાલતી ચર્ચાને બંધ કરવી હોય તો હાજર રહેલા સેનેટરમાંથી સેનેટર તેવી દરખાસ્તને ટેકો આપે તો તે ચર્ચા બંધ કરી શકાય. આમ છતાં દીર્ઘ સંભાષણ સંપૂર્ણ રીતે બંધ થયાં નથી.
સેનેટનું સ્થાન અને સત્તા : અમેરિકી સેનેટની ગણના ‘સૌથી વધુ શક્તિશાળી નીચલા ગૃહ’ તરીકે થાય છે, કારણ કે બંધારણ દ્વારા ધારાકીય, કારોબારી-વિષયક તેમજ ન્યાયનાં ક્ષેત્રોમાં પ્રથમ ગૃહની સત્તાઓ જેટલી જ સત્તાઓ ઉપરાંત તેને એવી કેટલીક વિશિષ્ટ સત્તા પણ આપવામાં આવી છે. 12 જુલાઈ, 2007 અમેરિકામાં વસતા ભારતીયો માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો. તે દિવસે સેનેટની બેઠકનો પ્રારંભ હિંદુ ધર્મની પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ‘ઑમ’થી આરંભ અને અંત પામેલી આ પ્રાર્થનામાં ઋગ્વેદ, ઉપનિષદો અને શ્રીમદભગવદગીતાના શ્લોકોનું મંત્રોચ્ચારણ કરવામાં આવ્યું હતું. ‘ગ્રેટ હૉલ ઑવ્ ડેમોક્રસી’ ખાતે રાજન ઝેદએ આ પ્રાર્થનાગાન કર્યું હતું.
ધારાકીય સત્તા : સામાન્યત: ખરડાને કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે અને જ્યારે બંને ગૃહ તેને મંજૂર કરી પસાર કરે, ત્યાર પછી જ તે કાયદો બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રતિનિધિઓના ગૃહે પસાર કરેલ ખરડાને સેનેટ પસાર ન કરે તો તે ખરડાનો અંત આવે છે.
ખરડાની કાર્યવહી : ખરડો કાયદો કેવી રીતે બને છે તેનો સરકારને એટલે કે કારોબારીને કોઈ ખરડો રજૂ કરવો હોય તો ધારાસભ્ય દ્વારા શક્ય હોય ત્યાં સુધી પોતાના પક્ષના ધારાસભ્ય દ્વારા, ખરડાને રજૂ કરાવવામાં આવે છે. કૉંગ્રેસના સભ્યોને ખરડાનો મુસદ્દો તૈયાર કરવામાં મદદની જરૂર પડે તો તે માટે ઑફિસ ઑવ્ લેજિસ્લેટિવ કાઉન્સિલની તે મદદ લે છે. જો કોઈ ધારાસભ્યે ખરડો રજૂ કર્યો હોય તો તે ખરડો ‘ખાનગી ખરડા’ (private bill) તરીકે ઓળખાય છે.
ખરડાની રજૂઆત (પ્રથમ વાચન) : કોઈ પણ ધારાસભ્યને ખરડો રજૂ કરવો હોય ત્યારે તે ખરડા પર માત્ર પોતાનું નામ લખે છે અને ગૃહના અધિકારીના ટેબલ પર આવેલ પેટીમાં (જે hopper તરીકે ઓળખાય છે) તે ખરડો નાખે છે. ત્યાર બાદ ખરડાઓને અનુક્રમ નંબરો આપવામાં આવે છે જે સાથે તે કયા ગૃહમાં રજૂ કરવામાં આવેલ છે તેની તેમજ તેમના સ્વરૂપની સ્પષ્ટતા કરવામાં આવે છે. આ પછી તેમને ગૃહની નોંધપોથી(journal)માં તથા કૉંગ્રેસના રેકર્ડમાં છાપવામાં આવે છે. આમ ખરડાની રજૂઆત સાથે તેના પરનું પ્રથમ વાચન (first reading) પૂરું થયું ગણાય છે.
સમિતિ–કક્ષા (committee stage) : પ્રથમ વાચનની કાર્યવહી પૂરી થયા પછી ગૃહના અધ્યક્ષ નક્કી કરે છે કે કયા ખરડાને ગૃહની વિવિધ સમિતિઓમાંથી કઈ સમિતિમાં મોકલવો. આ સત્તા અધ્યક્ષ પાસે હોવા છતાં સામાન્યત: ખરડો કઈ બાબતને સ્પર્શે છે તેને ધ્યાનમાં રાખીને જ ખરડાને કઈ સમિતિમાં મોકલવો તે નક્કી કરવામાં આવતું હોય છે. ખરડાને સંબંધિત સમિતિઓ વચ્ચે વહેંચી નાખવામાં આવે છે. ખાનગી ખરડાના સંદર્ભમાં ખરડો રજૂ કરનાર ધારાસભ્ય જ જાણ કરે છે કે ખરડાને કઈ સમિતિમાં મોકલવો ઉચિત છે.
જો કોઈ ખરડો વિચારણા કરવાને પાત્ર ન જણાય તો તેના પર કોઈ પગલાં લેવાતાં નથી અને ખરડાનો અંત આવે છે.
ખરડો જાહેર અગત્ય ધરાવતો હોય તો ખરડા પર જાહેર સુનાવણી રાખે છે. ખરડામાં રસ ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સમિતિ સમક્ષ આવીને જુબાની આપે છે તેમજ પુરાવાઓ રજૂ કરે છે. આ જ પ્રમાણે જેઓ ખરડાનો વિરોધ કરતા હોય તે સૌ પોતપોતાના વિચારો અને પુરાવાઓ રજૂ કરે છે. અખબારો અને અન્ય પ્રચાર-માધ્યમો દ્વારા ખરડા અંગેની આ કાર્યવહીને પ્રસિદ્ધિ આપવામાં આવે છે. આ સાથે સમિતિ પણ કૉંગ્રેસ ગ્રંથાલય, વિવિધ ખાતાના મંત્રીઓ, સરકારી ફાઈલો વગેરે દ્વારા જરૂરી માહિતી અને હકીકતો એકત્ર કરે છે. જરૂર જણાય તો ખરડાની અમુક બાબતોનો વિગતે અભ્યાસ કરવા માટે સમિતિ પેટા-સમિતિની નિમણૂક કરે છે. બંને ગૃહના ધારાસભ્યોમાંથી જેમને ઇચ્છા થાય તે સમિતિ સમક્ષ હાજર થઈ પોતાના મતદારો ખરડા વિશે શું વિચારે છે તેની જાણ કરે છે. આ જ પ્રમાણે રસ ધરાવતાં દાબજૂથો ખરડા વિશેના પોતાના વિચારોની કાં તો લેખિત સ્વરૂપે અથવા તો હાજર થઈને સમિતિને જાણ કરે છે.
તમામ માહિતી મેળવ્યા પછી સમિતિ નીચે જણાવેલ કોઈ પણ નિર્ણય લે છે :
સમિતિ ખરડા પરનો અહેવાલ સંબંધિત ગૃહને આપે તે પછી તે ખરડો કઈ બાબતને સ્પર્શે છે તેને અનુલક્ષીને ખરડાને યોગ્ય કૅલેન્ડરમાં સ્થાન આપવામાં આવે છે. ખરડા બિનવિવાદાસ્પદ હોય અને તેમની પસાર થવાની પૂરેપૂરી શક્યતા હોય તો તેમને વિનંતીથી સંઘ-કૅલેન્ડર કે ગૃહ-કૅલેન્ડરમાંથી સંમતિ-કૅલેન્ડર(consent calendar)માં સ્થાન આપવામાં આવે છે. સમિતિ સમક્ષ આવેલ ખરડામાંથી જેમને અરજી દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા હોય તેમને સમાપ્તિ-કૅલેન્ડર(discharge calendar)માં સ્થાન આપવામાં આવે છે. સમિતિ જે ખરડા પર અહેવાલો મોકલે નહિ તેવા ખરડાને પણ સમાપ્તિ-કૅલેન્ડરમાં મૂકવામાં આવે છે.
સામાન્યત: કૅલેન્ડરનો જે ક્રમ ઉપર દર્શાવ્યો છે તેને અનુસરીને ગૃહ ખરડા પરની વિચારણા શરૂ કરે છે; આમ છતાં જરૂર પડે તો અગત્યના ખરડાને વહેલો હાથ પર લઈ શકાય છે.
બીજું વાચન : ગૃહ ખરડા પરનું બીજું વાચન શરૂ કરે છે ત્યારે સમગ્ર ગૃહ સમિતિમાં ફેરવાઈ જાય છે. જ્યારે ગૃહ સંઘ-કૅલેન્ડરમાંના ખરડા પરનું વાચન શરૂ કરે ત્યારે તે સંઘ-રાજ્યની સમગ્ર ગૃહસમિતિ (Committee of the whole House on the State of the Union) તરીકે ઓળખાય છે; પરંતુ જ્યારે ગૃહ ખાનગી ખરડા પરનું બીજું વાચન શરૂ કરે છે ત્યારે તે ખાનગી ખરડાની વિચારણા માટેની સમગ્ર ગૃહસમિતિ તરીકે ઓળખાય છે.
અહેવાલ–કક્ષા : સમિતિ જ્યારે ખરડાને અહેવાલ સાથે ગૃહ સમક્ષ મોકલી આપે ત્યારે અધ્યક્ષ સમિતિની ભલામણોનો સ્વીકાર કરવાની અથવા તો તેમનો અસ્વીકાર કરવાની ગૃહને જાણ કરે છે. સમિતિએ મોકલેલ ખરડાને ગૃહ પસાર કરે તે પછી અધ્યક્ષ તેને ત્રીજા વાચન માટે રજૂ કરવા જણાવે છે.
ત્રીજું વાચન : ત્યાર પછી ખરડા પરના ત્રીજા વાચનની કાર્યવહી હાથ ધરાય છે. આ વાચન માત્ર ઔપચારિક હોય છે, કેમ કે અત્યાર સુધીમાં ખરડાને તેનું લગભગ આખરી સ્વરૂપ આપી દેવામાં આવ્યું હોય છે. તેમાં માત્ર ખરડાનું શીર્ષક જ વાંચવામાં આવે છે. અલબત્ત, જો કોઈ ધારાસભ્ય ખરડાને વાંચવાની વિનંતી કરે તો જ વાચન કરવામાં આવે છે.
મતદાન : ત્યાર પછી અધ્યક્ષ ખરડા પરના મતદાનની કાર્યવાહી હાથ ધરે છે. મતદાન માટેના ચાર પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાનના ચાર પ્રકારમાં (1) મૌખિક મતદાન (voice vote), (2) વિભાજન દ્વારા મતદાન (voting by division), (3) ટેલર પદ્ધતિ, (4) સભ્યનું નામ જાહેર કરી તે દ્વારા મતગણતરી કરવી-ની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. (roll-call).
સેનેટમાં ખરડાની કાર્યવહી : પ્રતિનિધિઓના ગૃહમાંથી ખરડો પસાર થયા પછી તેને સેનેટમાં મોકલવામાં આવે છે. સેનેટના પ્રમુખ ખરડાને સેનેટની સમિતિઓમાંથી યોગ્ય સમિતિ સમક્ષ મોકલે છે. સમિતિ ખરડા પરની સુનાવણી હાથ ધરે છે. આ કાર્યવહી પછી ખરડાને સેનેટના કૅલેન્ડર ઑવ્ બિલ્સ પર મૂકવામાં આવે છે. સેનેટમાં ફક્ત એક જ કૅલેન્ડર હોય છે. વિરોધ થયો ન હોય તેવા ખરડાને કૅલેન્ડરમાં તેમનો જે ક્રમ હોય તે મુજબ હાથ પર લેવામાં આવે છે. જરૂર જણાય તો ક્યારેક અપવાદ રૂપે આ ક્રમને અવગણીને ખરડાને હાથ પર લેવામાં આવતા હોય છે. ખરડાની કાર્યવહીમાં સમિતિનો તબક્કો ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ સમિતિનું મહત્વ ખૂબ જ છે. આ પછી ખરડા પરનું બીજું વાચન શરૂ થાય છે. આ તબક્કે સેનેટ પ્રતિનિધિઓના ગૃહની માફક સમગ્ર ગૃહની સમિતિમાં ફેરવાઈ જતી નથી. આ વાચન દરમિયાન ખરડા પર સંપૂર્ણપણે ચર્ચા કરવામાં આવે છે તેમજ સુધારા પણ સૂચવવામાં આવે છે.
ચર્ચા પછી પ્રમુખ ખરડા પરના ત્રીજા વાચનની કાર્યવહી હાથ પર લે છે. ખરડા પરની ચર્ચા પછી તેને પસાર કરવામાં આવે છે. ત્યાર બાદ જો સુધારા કરવામાં આવ્યા હોય તો સુધારા સાથે ખરડાને પ્રથમ ગૃહમાં મોકલવામાં આવે છે.
જો બંને ગૃહ ખરડાને પસાર કરે તો તેને પ્રમુખની મંજૂરી માટે મોકલવામાં આવે છે; પરંતુ સેનેટે સૂચવેલ સુધારા પ્રથમ ગૃહ સ્વીકારે નહિ તો કોઈ પણ ધારાસભ્ય મસલત-સમિતિ(Conference Committee)ને ખરડો સોંપવા વિનંતી કરે છે. મસલત–સમિતિ જે કામગીરી કરે છે તેના કારણે તેની ગણના કૉંગ્રેસના ત્રીજા ગૃહ તરીકે કરવામાં આવે છે.
પ્રમુખની સંમતિ : ખરડો બંને ગૃહમાંથી પસાર થાય છે ત્યારે દરેક ગૃહના અધ્યક્ષ તેના પર પોતાની સહી કરે છે અને પ્રમુખની મંજૂરી માટે ખરડાને મોકલી આપે છે.
પ્રમુખ પાસે આ પ્રમાણેના વિકલ્પ હોય છે : (1) જો પ્રમુખ મંજૂરીની મહોર મારે તો ખરડો કાયદો બને છે. (2) કૉંગ્રેસની બેઠક ચાલુ હોય અને ખરડો પ્રમુખની સહી માટે આવેલ હોય ત્યારે પ્રમુખ રવિવારોને બાદ કરતાં, દસ દિવસ સુધી ખરડાને પોતાની પાસે રાખી મૂકે તો ખરડાને પ્રમુખની મંજૂરી મળી ગઈ તેમ સ્વીકારવામાં આવે છે અને ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. (3) પોતાની પાસે આવેલ ખરડા અંગે પોતાના વાંધા-વિરોધ જણાવીને પ્રમુખ ખરડાને રજૂ થયો હોય તે જ ગૃહમાં પાછો મોકલી શકે છે. આ ક્રિયાને ‘નિષેધ સંદેશ’ (veto message) તરીકે ઓળખાવાય છે અથવા પ્રમુખે નિષેધાધિકાર(veto power)નો ઉપયોગ કર્યો એમ કહેવાય છે. આ સત્તા દ્વારા પ્રમુખ ખરડાને કાયદો બનતાં રોકી શકે છે; પરંતુ બંધારણીય જોગવાઈ મુજબ જો પ્રમુખે આ રીતે ખરડાને ગૃહમાં પાછો મોકલ્યો હોય અને બંને ગૃહ તે ખરડાને બહુમતીથી પસાર કરીને પ્રમુખની સહી માટે મોકલે તો પ્રમુખે ખરડાને મંજૂરી આપવી જ પડે છે. આમ પ્રમુખનો નિષેધાધિકાર મર્યાદિત છે; એટલું જ નહિ, પરંતુ એક વખત જ તે અધિકારનો ઉપયોગ કરી શકે છે.
પ્રમુખ જ્યારે ખરડાને દસ દિવસ પોતાની પાસે રાખી મૂકે ત્યારે તેમણે ‘પૉકેટ વિટો’ સત્તાનો ઉપયોગ કર્યો તેમ કહેવામાં આવે છે. જો દસ દિવસ પૂરા થાય તે પહેલાં કૉંગ્રેસની બેઠક મોકૂફ (adjourn) રહે તો તે ખરડાનો અંત આવે છે. આમ ઘણી વખત અમેરિકી પ્રમુખ ખરડાનો અંત આણવા માટે પૉકેટ વિટોનો ઉપયોગ કરે છે.
પ્રમુખની મંજૂરીની મહોર લાગતાં ખરડો કાયદાપોથીમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે ધારાકીય સત્તા દ્વારા કૉંગ્રેસ નવા કાયદા ઘડે છે, પ્રવર્તમાન કાયદામાં સુધારા કરે છે તેમજ જે કાયદા સમય સાથે તાલ મિલાવતા ન હોય તેમને દૂર કરે છે.
કારોબારી–સત્તાઓ : સેનેટનું સ્થાન મહત્વનું બન્યું છે તે માટે તેને આપવામાં આવેલ કારોબારી-સત્તા જવાબદાર છે. બંધારણ જણાવે છે તેમ અમેરિકાના પ્રમુખ જ્યારે અગત્યની નિમણૂકો કરે ત્યારે તે નિમણૂકોને સેનેટના સભ્યોની મંજૂરી મળવી જોઈએ. નિમણૂક કરવાની સત્તા પ્રમુખ ધરાવતા હોવા છતાં પ્રમુખ પોતાની મનગમતી વ્યક્તિને અગત્યના હોદ્દા પર નીમી શકતા નથી. ઘણા પ્રસંગોએ પ્રમુખે કરેલ નિમણૂકને સેનેટના સભ્યોનો ટેકો ન મળવાના કારણે તે નિમણૂક રદ થઈ હોય એમ બને છે. આ સત્તા દ્વારા કૉંગ્રેસ ખાસ કરીને તો સેનેટ પ્રમુખ પર અંકુશ રાખે છે.
આ જ પ્રમાણે બંધારણીય જોગવાઈના કારણે પ્રમુખે અન્ય રાજ્ય કે રાજ્યો સાથે સંધિ-કરારો અંગે મંત્રણા કરી હોય તેમને અમલમાં મૂકવી હોય તોપણ સેનેટના સભ્યોનો ટેકો (મંજૂરી) તેને મળવો જોઈએ. આ જોગવાઈના કારણે પ્રમુખ મરજી પ્રમાણે સંધિ-કરારો કરી શકતા નથી. સમગ્ર કૉંગ્રેસને અનુલક્ષીને વિચારીએ તો બંધારણે યુદ્ધ જાહેર કરવાની સત્તા કૉંગ્રેસને આપી છે. પરિણામે પ્રમુખની ઇચ્છા હોય તોપણ જો કૉંગ્રેસ યુદ્ધ જાહેર ન કરે તો પ્રમુખના હાથ બંધાયેલ રહે છે. આ ઉપરાંત કૉંગ્રેસ આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અદા કરવા માટે જોઈતાં નાણાંને મંજૂર કરવાની સત્તા પણ ધરાવે છે અને તે દ્વારા પ્રમુખ પર અંકુશ રાખે છે.
વહીવટી સત્તા : કૉંગ્રેસની ગણના વહીવટી સંસ્થા તરીકે થાય છે. કારણ કે તે કાયદાના વહીવટની તથા અમલની કામગીરીને દોરવણી પૂરી પાડે છે તેમજ તેના પર અંકુશ ધરાવે છે. તે ખાતાં પાસેથી અહેવાલો તથા માહિતી મંગાવી શકે છે.
નાણાકીય સત્તા : દર નાણાકીય વર્ષે કૉંગ્રેસ અંદાજપત્રને મંજૂર કરે છે, કેમ કે તેની મંજૂરી પછી જ રાજ્યના સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાય છે. તે સમવાયી સેવાના વિવિધ અધિકારીઓનાં પગાર અને કાર્યો નક્કી કરે છે. તે અંદાજપત્ર પસાર કરતી વખતે તેમાં ફેરફારો કરી શકે છે. અહીં સેનેટ વધુ સત્તા ધરાવે છે કેમ કે પ્રથમ ગૃહમાંથી પસાર થઈને આવેલ અંદાજપત્રમાં તે નોંધપાત્ર અને ક્યારેક તો આમૂલ ફેરફાર કરી શકે છે. તે વિદેશી રાજ્યોને આર્થિક સહાય કરે છે. ખાનગી સાહસોને તાકીદની જરૂરિયાત જોઈને પૈસાની મદદ (subsidy) કરે છે તેમજ અમેરિકાનાં ઘટક રાજ્યોને અનુદાન (grant-in-aid) આપે છે.
તપાસ કરવાની સત્તા : સરકારી ખાતાં અને વહીવટી સંસ્થાઓની કામગીરી તપાસવા માટે કૉંગ્રેસ ખાસ સમિતિઓની નિમણૂક કરી શકે છે. જ્યારે હોદ્દાનો કે સત્તાનો દુરુપયોગ થાય, લાંચરુશવત કે ભ્રષ્ટાચાર આચરવામાં આવે, કાર્યદક્ષતા અંગે ફરિયાદો આવે ત્યારે કૉંગ્રેસ તે અંગે તપાસ કરવાની કામગીરી હાથ ધરે છે. આ કામગીરીમાં પ્રતિનિધિઓનાં ગૃહ કરતાં સેનેટ વધુ સક્રિય રહી છે.
બંધારણીય સત્તા : બંધારણમાં ફેરફાર – સુધારા કરવાની સત્તા માત્ર કૉંગ્રેસ જ ધરાવે છે. બંધારણમાં ફેરફાર સૂચવવા માટે તેમજ સૂચવાયેલ ફેરફારનો સ્વીકાર કરવા માટે બે પદ્ધતિઓ બંધારણમાં રખાઈ છે. બે પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ અપનાવવી તે કૉંગ્રેસ નક્કી કરે છે. ફેરફાર સૂચવવા માટે રાષ્ટ્રીય સભા (National convention) બોલાવવાની જોગવાઈ હોવા છતાં તેનો ઉપયોગ હજુ સુધી થયો નથી; પરંતુ કૉંગ્રેસ દ્વારા જ તમામ ફેરફારો સૂચવાયા છે.
મતદાર મંડળ તરીકેની સત્તા : દર ચાર વર્ષે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીઓ પછી બંને ગૃહની સંયુક્ત બેઠક મળે છે જેમાં બંને હોદ્દા માટેના ઉમેદવારોને મળેલા મતની ગણતરી કરવામાં આવે છે. જો પ્રમુખપદ માટેના કોઈ પણ ઉમેદવારને મતદારસમૂહની બહુમતી મત મળે નહિ તો પ્રતિનિધિઓનું ગૃહ પ્રથમ ત્રણ ઉમેદવારોમાંથી એકની ચૂંટણી દ્વારા પ્રમુખ તરીકે પસંદગી કરે છે; જ્યારે ઉપપ્રમુખના પદ માટે કોઈ ઉમેદવારને જરૂરી બહુમતી મળતી ન હોય ત્યારે સેનેટ બે ઉમેદવારો જે સૌથી વધુ મત ધરાવતા હોય તેમાંથી એકની ચૂંટણી દ્વારા પસંદગી કરે છે.
ન્યાયવિષયક સત્તા : જ્યારે પ્રમુખ, ઉપપ્રમુખ કે અન્ય સમવાયી અધિકારીને હોદ્દા પરથી દૂર કરવાની જરૂર ઊભી થાય ત્યારે આ કાર્ય કૉંગ્રેસ કરે છે. પ્રતિનિધિઓનું ગૃહ મહાભિયોગ (impeachment) માટે આરોપ મૂકે છે, જ્યારે સેનેટ મહાભિયોગ અદાલત (court of impeachment) તરીકે એ આરોપની તપાસ કરે છે. જો આરોપ સાબિત થાય તો જેની સામે આરોપ મુકાયો હોય તે અધિકારીએ હોદ્દાનો ત્યાગ કરવો પડે છે.
આ પ્રમાણે કૉંગ્રેસની અને તે સાથે સેનેટની સત્તાઓનો ખ્યાલ મેળવતાં જણાય છે કે સેનેટ એવી કેટલીક સત્તાઓ ધરાવે છે જેના લીધે તે બીજાં ગૃહોમાં સૌથી વધુ સત્તાશાળી ગૃહ ગણાય છે.
સમિતિ–પદ્ધતિ (committee system) : અમેરિકન તંત્ર સમિતિ- પદ્ધતિ માટે ખૂબ જ જાણીતું છે. આ માટેનું મુખ્ય કારણ સત્તાવિશ્લેષણનો સિદ્ધાંત છે. કારોબારી અને ધારાસભા એકબીજાથી સ્વતંત્ર હોવાના કારણે પ્રમુખ તેમજ તેના મંત્રીમંડળના સભ્યો કૉંગ્રેસના સભ્ય પણ હોતા નથી કે તેના કોઈ પણ ગૃહમાં હાજર રહી શકતા નથી. આમ કૉંગ્રેસમાં નેતૃત્વની ઊણપને પૂરવા માટે સમિતિ- પદ્ધતિ વિકસી છે. વધુમાં સમય જતાં બંને ગૃહની સભ્યસંખ્યા વધી તેમજ તેમનાં કાર્યોમાં, તેમની સંકુલતામાં તથા તેમની સમસ્યાઓમાં પણ વધારો થયો. પરિણામે ખૂબ જ અગત્યના નિર્ણયો લેવાની સત્તાનું પ્રતિનિધાન કૉંગ્રેસે સમિતિઓમાં કરવું પડ્યું છે.
અમેરિકામાં મુખ્યત્વે બે પ્રકારની સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે : (1) સ્થાયી (standing) સમિતિઓ અને (2) ખાસ વિશિષ્ટ સમિતિઓ.
(1) સ્થાયી સમિતિઓ : સ્થાયી સમિતિઓ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તે ખરડાની ચકાસણી કરે છે તેમજ તેમનું ભાવિ નક્કી કરે છે. આ સમિતિઓ કાયમી કે નિયમિત સમિતિ તરીકે પણ જાણીતી છે. જ્યારે કોઈ એક ચોક્કસ કાર્ય કરવાનું હોય ત્યારે તે માટે રચવામાં આવતી સમિતિ ખાસ સમિતિ તરીકે ઓળખાય છે અને તેની કામગીરી પૂરી થાય કે તરત જ તેનું વિસર્જન કરવામાં આવે છે. બ્રિટન તથા ભારતમાં આ પ્રકારની સમિતિ તદર્થ સમિતિ (ad-hoc committee) તરીકે ઓળખાય છે.
આ સ્થાયી સમિતિઓ ખરડાની કાર્યવહીમાં વિશેષ ભૂમિકા ભજવે છે, ખરડાને બારીકાઈથી તપાસી ‘ટચૂકડી ધારાસભા’ના સ્વરૂપની કામગીરી બજાવે છે.
(2) ખાસ વિશિષ્ટ સમિતિઓ : આ સમિતિઓ સ્થાયી સમિતિ જ હોય છે, પરંતુ તેને વિશિષ્ટ કામગીરી સોંપાતી હોવાથી ઉપર્યુક્ત નામથી ઓળખાય છે. તપાસ-સમિતિઓ, પરિષદ-મંત્રણા-સમિતિઓ, સમગ્ર ગૃહની સમિતિ, રખેવાળ સમિતિઓ આ સ્વરૂપની સમિતિઓ છે અને તેમની સંખ્યામાં સમયાનુસાર વધઘટ થતી રહે છે.
આ પ્રમાણે અમેરિકન કૉંગ્રેસ જે કાર્યો કરે છે તે સારી રીતે થાય તેટલા માટે તે વિવિધ સમિતિઓ રચે છે અને મોટા ભાગનાં કાર્યો સમિતિઓ દ્વારા જ થતાં હોવાથી અમેરિકન સમિતિ-પદ્ધતિ કેન્દ્રસ્થાન ધરાવે છે. પ્રતિનિધિઓના ગૃહ પર તો સમિતિઓ છવાઈ ગઈ છે અને ખરડાને કાયદો બનાવવાની ખરેખરી કામગીરી અને કાર્યવહી તો સમિતિઓમાં જ થાય છે. બંધારણ દ્વારા જેની જોગવાઈ કરવામાં આવી નથી તેવી સમિતિ-પદ્ધતિએ એવું સ્થાન ધારણ કર્યું છે કે જો અમેરિકન તંત્રમાંથી સમિતિ-પદ્ધતિને દૂર કરવામાં આવે તો અમેરિકન તંત્ર કામ કરતું જ બંધ થઈ જાય.
હસમુખ પંડ્યા